. . .
– ઘણાં દિવસે ફરી મને મારો બગીચો સાંભર્યો છે. (તેનો મતલબ ‘હું ભુલી ગયો હતો’ એવો જરાયે નથી !!) કેટલાક અપડેટ જે ભુતકાળમાં નોંધવાના હતા તેને આજે એકસાથે ઉમેરવામાં આવશે.
– ગુજરાતની ચુટણીમાં ભવ્ય વિજય બાદ સ્ટેડીયમમાં મોદીની ‘તાજપોશી’ શાનદાર રીતે પુરી થઇ અને તે પછી સાહેબ ‘દિલ્લી’ પણ જઇ આવ્યા !! (અને હવે ફરી ગુજરાતને વાઇબ્રન્ટ કરવાના ચક્કરમાં લાગી ગયા છે.)
– કોઇ પણ પ્રદેશના વિકાસ માટે સ્થિર સરકાર હોવી ઘણી જરૂરી હોય છે અને શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને સ્થિર સરકાર આપી છે એટલે તેમને ફરી સત્તામાં આવેલા જોઇને આનંદ થયો. તેમ છતાંયે એક વાત નોંધી રાખવા જેવી છે કે લોકશાહીમાં નિયત સમયે સરકાર બદલાતી રહે તે જનતાના લાભમાં વધુ હોય છે.
– પાછલા દિવસોમાં દિલ્લી ગેંગરેપનો કિસ્સો ઘણો ચાલ્યો. દિલ્લીને હું જેટલું જાણું છું તે મુજબ દિલ્લીવાસીઓ માટે આવી ઘટના રોજીંદી કહેવાય, છતાંયે આ વખતે તેના વિરોધમાં પબ્લીકનો અવાજ બુલંદ રીતે બહાર આવ્યો જોઇને મારા દેશવાસીઓ પ્રત્યે માન થઇ આવ્યું. આ વિષયે આસપાસમાં ઘણીબધી ચર્ચા થઇ ગઇ હોવાથી અહી વધુ લખવાનો કોઇ મતલબ નથી. હવે નજર માત્ર કોર્ટની કાર્યવાહી ઉપર રહેશે. (સાંભળ્યું છે કે આ કેસને હજુ ફાસ્ટટ્રેક નથી કરવામાં આવ્યો…)
– આ બધી સીરીયસ વાતોની વચ્ચે આપણા (કહેવાતા) પ્રધાનમંત્રી શ્રી મ.મો. નું “ઠીક હૈ” સાંભળીને થોડી ગમ્મત કરી.
– પાકિસ્તાને આદત મુજબ પીઠ પાછળ હુમલો કર્યાના સમાચાર મળ્યા. બધાને ગુસ્સો આવ્યો અને કેન્દ્ર સરકારના મુખ્ય નેતાઓને પણ !! (સાચો કે ખોટો એ તો મારો રામ જાણે…)
– ત્રણ-ચાર દિવસથી સખત ઠંડી હતી, જો કે આજથી થોડો ઘટાડો જણાય છે તો પણ સાચવજો..
– ટેણીયાને અને તેની મમ્મીને ફરી (મારા) સાસરે પહોંચાડવામાં આવ્યા છે. હવે એક મહીને આવશે, ત્યા સુધી તેમનો વિરહ સાલશે… અને એકલતા માણવામાં આવશે.
– અરે હા, વડોદરા એક્સપ્રેસ-વે ટૉલટેક્ષના દરમાં ઘટાડો થયો છે!! (નવા દરઃ અમદાવાદથી વડોદરા – ૮૦ રૂ। અને વડોદરાથી રીંગરોડ – ૭૦ રૂ।) એક વાત ગમી કે હવે રકમમાં ઉપરના ૨-૪ રૂ।ના છુટ્ટાની બબાલ નહી રહે. (આણંદ, નડીયાદ વિશે પુછવાનું ભુલાઇ ગયું.)
– ઘરે હમણા નેધરલેન્ડથી ‘ખાસ’ વિષયના એક વિશેષજ્ઞ પધારેલા છે એટલે સવાર-સાંજનો ઘણો સમય તેમની સાથે ‘સત્સંગ’ કરવામાં ગુજરે છે. (વળી આ તેમનો પ્રથમ ભારત-પ્રવાસ છે.) આ સત્સંગનો બંને પક્ષે લાભ થતો જણાય છે. તેમના કલ્ચર વિશેની થોડી વાતો આપણી માટે ઘણી આશ્ચર્યજનક છે અને આપણા કલ્ચરની ઘણી વાતો તેમની માટે !! પણ એ બધી વાતો ફરી કયારેક કરીશું…. (હમણાં મારી વ્યસ્તતાનું આ પણ એક કારણ છે.)
– ઉત્તરાયણ બે-ચાર દિવસમાં આવી રહી છે ને હજુ દોરી-પતંગની વ્યવસ્થા કરવાની બાકી છે બોલો….. કાલે જ ભાગવું પડશે. (જો કે આવી હાલત તો મારી દરેક વર્ષે હોય છે.)
– બીજુ તો બધુ સુખ-શાંતિ અને આનંદ-મંગલરૂપ છે. (આને કોઇ ત્રાસવાદીએ નવો ત્રાસ આપવાનું આમંત્રણ ન સમજવું.)
– બસ, હમણાં તો જઉ છું પણ બે દિવસમાં પાછો આવું છું મારા બગીચાનો વાર્ષિક અહેવાલ લઇને. (હા યાર, તેની નોંધ બાકી રહી ગઇ હતી ને.. તો જરા તેને પણ સહન કરી લેજો.)
– ત્યાં સુધી આવજો. (જો કે કોમેન્ટ બોક્ષમાં તો મળતા રહીશું.)
. . .
નોંધ- ગુજરાતીઓ મોટાભાગે ‘દિલ્હી’ને ‘દિલ્લી’ જ કહેતા હોય છે. જો કે ‘થોડા’ મોડર્ન લોકો તેને ‘ડેલી’ (ડેલ્હી) તરીકે પણ ઓળખે છે પણ અમે રહ્યા ‘દેશી-માણહ’ એટલે અમે તો હજુયે દિલ્લી જ કહેવાના, જેને ન ગમે તે સુધારીને વાંચી લે. (આમ તો અહી કોઇ સુધારીને નહી વાંચે તેની મને ખબર છે પણ આ તો આવી નોંધ ન લખુ તો તમને કેમ ખબર પડે કે ઉપર મેં દિલ્હીની જગ્યાએ ‘દિલ્લી’ લખ્યું છે! 😉 )
Toll tax updates are scarry.
ખરૂં નામ પણ ‘દિલ્લી’ જ છે! શા માટે દિલ્હી કરી નાખ્યું છે તે જ સમજાતું નથી. ઉર્દુમાં દેહલી (દેહલીઝ પરથી) કહે છે. આપણે ગુજરાતીઓ હિન્દીમાં ‘દિલ્હી’ લખીએ તો અહીં દેહલી, દિલ્લી, દિલ્હીના લોકોને નવાઈ લાગે કે આમ કેમ લખાય!
નેધરલેંડ માં મારે પણ એક મિત્ર પરિવાર છે જેમની સાથે પત્ર વ્યવહાર અને ફેસબુક વ્યવહાર છે – એ લોકો પણ ક્યારેય ભારત નથી આવ્યા , ભવિષ્યમાં ક્યારેક આવવાનું તેઓ વિચારે છે , જો આવશે તો મારે પણ તેમની સાથે સારો એવો “સત્સંગ” થશે