જાન્યુઆરી’13 : અપડેટ્સ-2

. . .

– નેધરલેન્ડથી આવેલા સજ્જને વિદાય લઇ લીધી છે અને હવે તેઓ તેમના ઠેકાણે પણ પહોંચી ગયા છે. (અમદાવાદની ‘વ્યવસ્થિત’ ટ્રાફિક-સેન્સ અને રસ્તા વચ્ચે ‘હકથી’ રખડતી ગાયો-કુતરાઓને જોયા બાદનો તેમનો ચહેરો જોવાનો લ્હાવો હવે નહી મળે!)

– ઠંડી આ વખતે જવાનું નામ જ નથી લેતી. (જો કે તેના કારણે આજકાલ બે સ્વેટર પહેરવાથી હું થોડો ‘ભર્યો-ભર્યો’ દેખાઉ છું!)

– ટેણીયો અને તેની મમ્મી દસ તારીખે ઘરે આવશે પણ તેમને લેવા બે દિવસ વહેલા જવાનું છે. (વ્યવહાર છે ભાઇ.. આ વખતે તો સાચવવો જ પડશે.)

– દિલ્લીગેંગરેપ કેસના એક ‘ખાસ’ આરોપીને સગીર ગણીને છોડી દેવાશે !! (બોલો.. અંધાકાનુન જીંદાબાદ!!)

– વચ્ચે બગીચામાં બદલાવના ચક્કરમાં ઉત્તરાયણની અને તેની આસપાસની અપડેટ ચુકી જવાઇ અને હવે તો હું પણ ભુલી ગ્યો કે મેં ત્યારે શું કર્યું હતું!! (ગુજરાતી ભાષાની સિસ્ટમ પ્રમાણે આ એક ‘શું’ ની જગ્યાએ ‘શું-શું’ આવે; પણ એમ લખું અને તમે મારી મજાક ઉડાવો તો…? એટલે ચેતીને ‘એક’માં જ પતાવ્યું છે. 😉 )

– થોડા સમયમાં ઘણાં લગ્નો ‘પતાવ્યા’. હજુયે બે લગ્નો બાકી છે અને બંને મારું ‘તેલ’ કાઢી નાખશે એ ચોક્કસ છે. (હે પબ્લીકના પરવરદીગાર, ઠંડી થોડી ઓછી કરોને યાર…તો લગ્નમાં વહેલા ઉઠવું થોડું સરળ બને.)

– પાછળના દિવસોમાં એક ‘ચીટર’ સજ્જને મને ફરી એકવાર શીખવ્યું કે; “દરેક માણસ પ્રામાણિક નથી હોતા અને અજાણ્યા ઉપર ભરોષો મુકતા પહેલા સો વખત વિચારવું જોઇએ.” (પરંતુ મારી સમસ્યા એ છે કે ભરોષો મુકતી વખતે હું ૧૦૧ થી જ વિચારવાનું શરૂ કરું છું !! હશે… મારા નસીબમાં જ છેતરાતા રહેવાનું લખ્યું હશે…)

# હવે એક ખાનગી વાત: (મને પર્સનલી ઓળખતા લોકો ન વાંચે તો સારું)
– આવનારાં દિવસોમાં એક એવા પણ લગ્ન છે જેમાં ‘પરણનારી’ મારી જુની XXXXX છે અને તેના તરફથી મને લગ્નમાં આવવાનું ખાસ આમંત્રણ છે પણ હું નથી જવાનો.
– કારણ: અમે અલગ થયા તે ઘટના પાછળ તેના ‘સુંદર’ કરતુત અને તે પ્રત્યે મારી સખત નારાજગી હતી. મારા જીવનનો આ એક એવો સંબંધ છે જેનો અંત મે એકઝાટકે કર્યો હતો અને તેના પછી કયારેય પાછળ ફરીને જોયું નહોતુ. ત્યારથી અમારો સંબંધ એકબીજા સાથે નામમાત્રનો પણ રહ્યો નથી અને આજે હવે તેનું આ આમંત્રણ સ્વીકારીને તે ભુલાયેલા સંબંધને ફરી શરૂ કરવાનો મારો કોઇ ઇરાદો નથી.

. . .

જાન્યુઆરી’13 : અપડેટ્સ

. . .

– ઘણાં દિવસે ફરી મને મારો બગીચો સાંભર્યો છે. (તેનો મતલબ ‘હું ભુલી ગયો હતો’ એવો જરાયે નથી !!) કેટલાક અપડેટ જે ભુતકાળમાં નોંધવાના હતા તેને આજે એકસાથે ઉમેરવામાં આવશે.

– ગુજરાતની ચુટણીમાં ભવ્ય વિજય બાદ સ્ટેડીયમમાં મોદીની ‘તાજપોશી’ શાનદાર રીતે પુરી થઇ અને તે પછી સાહેબ ‘દિલ્લી’ પણ જઇ આવ્યા !! (અને હવે ફરી ગુજરાતને વાઇબ્રન્ટ કરવાના ચક્કરમાં લાગી ગયા છે.)

– કોઇ પણ પ્રદેશના વિકાસ માટે સ્થિર સરકાર હોવી ઘણી જરૂરી હોય છે અને શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને સ્થિર સરકાર આપી છે એટલે તેમને ફરી સત્તામાં આવેલા જોઇને આનંદ થયો. તેમ છતાંયે એક વાત નોંધી રાખવા જેવી છે કે લોકશાહીમાં નિયત સમયે સરકાર બદલાતી રહે તે જનતાના લાભમાં વધુ હોય છે.

Continue reading “જાન્યુઆરી’13 : અપડેટ્સ”