Sep’13 : અપડેટ્સ

– છેલ્લી અપડેટ્સ મુક્યાને લગભગ એક મહિનાથી વધુ સમય થયો છે! (આટલા દિવસોમાં લખવા લાયક કોઇ અપડેટ્સ ન હોય એવું તો ન જ બને ને..)

– આજે લખવા બેઠો તો છું, પણ લાગતું નથી કે વધુ ઉમેરી શકાય. કેમ કે કલાક પછી એક વાર્ષિક સમારંભ માટે ગાંધીનગર જવાનું છે અને પછી આખો દિવસ ત્યાં જ સચવાઇ રહેવાનું છે. (આ મારો ફેવરીટ સમારંભ પણ છે એટલે તેને ગુમાવવો મને નહી ગમે.)

– બિમારીના એ દિવસો તો વહેલા જ પુરા થઇ ગયા’તા પણ દવાઓ ચાલું હતી. આગળના વાક્યના અંતમાં ‘હતી’ કહેવાનો મતલબ એ છે કે આજે તે દવાઓનો અંત આવ્યો. સવારે જ તેના આખરી ડોઝ પેટમાં પધરાવ્યો અને એક લાંબી માંદગીમાંથી સફળતાપુર્વક બહાર આવ્યાનો આનંદ મનાવ્યો. (હવે એક છેલ્લો રિપોર્ટ કરાવવાનો બાકી રહ્યો પણ તે નોર્મલ જ રહેશે તે નક્કી છે.)

છ મહિના આરામનો એ સમય કેમ વિતશે તે વિશે હજુ તો વિચાર કરતો હતો; આજે તે સમય પુરો થઇ પણ ગયો! ઘડીયાળ પણ એ જ છે અને તેના કાંટા પણ એ જ ગતિથી ચક્કર કાપી રહ્યા છે છતાંયે સમજાતુ નથી કે આ સમયની ઝડપ આટલી કેમ વધી ગઇ છે! (મને હમણાં બેકગ્રાઉન્ડમાં ‘મહાભારત’નો “મૈ સમય હૂં” -વાળો અવાજ સંભળાઇ રહ્યો છે!)

– પહેલા યાદ કરું છું ટેસ્ટ રિપોર્ટનો એ દિવસ અને પછી આજનો દિવસ, વચ્ચે શું બન્યું કે આ સમય કેમ પુરો થયો તો તે અંગે કોઇ ખાસ યાદગીરીઓ દેખાતી નથી. (મગજ કમજોર બની રહ્યું છે તેની નિશાની!)

– તે દિવસની પહેલી પોસ્ટ અને આજની સ્થિતિને સરખાવીએ ત્યારે ખ્યાલ આવે છે કે ત્યારે કેવો સમય હતો અને આજના વિચારો કેવા છે! (નિયમિત અપડેટ્સ લખતા રહેવાનો મારો સૌથી મોટો ઉદ્દેશ પણ આ જ છે.)

જો કે આ મારો બગીચો પણ એટલે જ બનાવ્યો છે કે તેમાં મારી બધી યાદગીરીઓ, સંભારણાંઓ અને વિચારો-અનુભવો નોંધાતા રહે કે જેથી હું વિતેલા જીવનને એકવાર ફરી જોઇ શકું અને સારી/નરસી યાદોને જોઇને પોતાની જાત સાથે બે ઘડી વિચાર-વિમર્શ કરી શકું. (આ વિતેલો સમય મને વર્તમાનમાં શાંત અને મજબુત બનાવી રાખવા માટે ઘણીવાર ઉપયોગી બન્યો છે.)

– આ તો થઇ માત્ર મારી વાત; નવા-જુની અને આજકાલ વિશે તો લખવાનું બાકી રહ્યું. પરંતુ તે માટે આજે સમય નથી એટલે એક-બે દિવસમાં નવા અપડેટ્સ નોંધવામાં આવશે. (આ વાત મારી માટે લખાયેલી છે! 🙂 )

લાસ્ટ, અપડેટ ઓફ ધ ડે!
મારો ટીનટીન હવે સરસ રીતે ચાલતા શીખી ગયો છે!

– તો ફરી મળીશું, થોડા જ દિવસોમાં.. આવજો. ખુશ રહો..

8 thoughts on “Sep’13 : અપડેટ્સ

      1. કોક બોલ્યું તું કે આરામ હરામ હૈ… (ગોખેલું ભૂલી ગયો છું થોડું)
        હું તો રોજ નું કમાઈ ને રોજ ખાવા વાળો માનસ છું (http://www.eSiteWorld.com) .. એમ આરામ કરવો ના પોસાય મને તો…

        પણ હવે જરા જોર માં દવા અને દુવા લગાવી છે કશાક થી તો મટશે બધું

  1. “- તે દિવસની પહેલી પોસ્ટ અને આજની સ્થિતિને સરખાવીએ ત્યારે ખ્યાલ આવે છે કે ત્યારે કેવો સમય હતો અને આજના વિચારો કેવા છે! (નિયમિત અપડેટ્સ લખતા રહેવાનો મારો સૌથી મોટો ઉદ્દેશ પણ આ જ છે.)

    – જો કે આ મારો બગીચો પણ એટલે જ બનાવ્યો છે કે તેમાં મારી બધી યાદગીરીઓ, સંભારણાંઓ અને વિચારો-અનુભવો નોંધાતા રહે કે જેથી હું વિતેલા જીવનને એકવાર ફરી જોઇ શકું અને સારી/નરસી યાદોને જોઇને પોતાની જાત સાથે બે ઘડી વિચાર વિમર્શ કરી શકું. (આ વિતેલો સમય મને વર્તમાનમાં શાંત અને મજબુત બનાવી રાખવા માટે ઘણીવાર ઉપયોગી બન્યો છે.)”

    હું પણ એ આશય થી એક મારી ડાયરી રાખું છું.(ઓનલાઈન પ્રાઈવેટ ડાયરી)

    ડાયરીના શબ્દોએ ભૂતકાળમાં પ્રવાસ કરવા માટેના ટાઈમ મશીન છે.

    Keep doing it, offline or online, private or public.

    1. નિયમિત ડાયરી લખવી એ આમ તો અઘરું કામ છે અને તેમાં પણ પોતાના પક્ષે સંપુર્ણ નિખાલસ રહેવું ઘણું કપરું કામ હોય છે. ભુલની કબુલાત પણ જયાં દંભ વગર થઇ શકે તેને પર્સનલ ડાયરી કહી શકાય. તેને પ્રાઇવેટ કે પબ્લીક રાખવી એ તો જે-તે વ્યક્તિની મરજી અને જોખમ ખેડવાની હિંમત પર આધાર રાખે છે!
      (ખાસ નોંધ- પરણેલાઓ જો આવી નિખાલસ ડાયરી ‘પબ્લીક’ રાખે તો તેના અપડેટ્સમાં વખત જતા ‘છુટા-છેડા’ની વાતો પણ જોવા મળી શકે! 😉 )

      અત્યાર સુધી અહી નિખાલસતા જાળવવાનો પુરો પ્રયત્ન કરેલો છે અને એટલે જ તે જુના શબ્દો જે-તે સમયની ચોક્કસ સ્થિતિનો પરિચય આપે છે. આમ તો આ એક પબ્લીક ડાયરી કહેવાય પણ તેમાં લગભગ ૫૦% પેજ પ્રાઇવેટ છે તે પણ એક હકિકત છે, જેને હું જ જોઇ શકું છું અને એ મારી માટે ઘણું સારું છે. 😀 😀

બોલો, શું કહેવું છે તમારે...