અપડેટ્સ-44 [Oct’14]

~ વચ્ચે બે-ત્રણ પોસ્ટ એવી આવી ગઇ એટલે અપડેટ્સ ઉમેરવાનો કાર્યક્રમ લંબાઇ ગયો. હવે આજે છેક નવા મહિનામાં તેનો સમય આવ્યો છે. (જોયું! આ વખતે નવું બહાનું છે!)

~ શું ઉમેરવું આજે અને કયાંથી શરૂઆત કરવી એ સમજાતું નથી છતાંયે જેમ-જેમ યાદ આવશે તેમ-તેમ લખતા જવું એવું એમ નક્કી કરું છું. (જો કે હું ગમે તેમ લખું તોયે કંઇ ફેર પડવાનો નથી.)

~ પાછળના દિવસોમાં સૌથી વધુ યાદ આવે એવી ઘટના છોટુના જન્મદિવસની ઉજવણીની હતી, તો તે વિશે થોડું વિસ્તારથી લખવાનો વિચાર કર્યો હતો પણ તેમાં તોફાન-મસ્તી-નાચ-કુદ સિવાય બીજું લખવા જેવું ન લાગ્યું. જે બે-ચાર ફોટો હતા તેને આગળની પોસ્ટમાં જ ચોંટાડી દેવામાં આવ્યા છે એટલે થોડા-માં-ઘણું સમજીને આગળ વધું એ ઠીક રહેશે.

~ એક રાષ્ટ્રીય સામાજીક સંગઠનમાં સમાજસેવાની નવી જવાબદારી લેવામાં આવી છે. વ્યસ્તતામાં વધારો થશે એ પણ નક્કી છે અને તે માટે હવે દેશભરમાં નિયમિત પ્રવાસ કરવા પડે એવી શક્યતાઓ પણ છે. (ચલો, એ બહાને દેશના વિવિધ ભાગ વિશે વિસ્તારથી જાણવા મળશે.) કદાચ હવે અહી અનિયમિત બની શકાય એવુંયે બને. (એમ તો હું નિયમિત પણ કયાં છું જ! 😊)

~ સંસ્થાના અને મારી જવાબદારીમાં આવતા ઘણાં કાર્યો એવા છે કે જેની અહી જાહેર નોંધ પણ લઇ શકાય. પરંતુ અગાઉ બનાવેલા ઓળખ-ગોપનીયતાના કેટલાક નિયમોના બંધન નડી રહ્યા છે, જેમાં હવે ઘણાં સુધારા-વધારા કરવાની આવશ્યક્તા પણ જણાય છે. મુખ્ય સમસ્યા અંગત ઓળખને જાહેર પ્રસિધ્ધિથી દુર રાખવાની છે. (આમ તો આ કોઇ સમસ્યા નથી પણ હું અહી મારા મનની વાત સીધી જ નોંધતો હોવાથી કોઇ વ્યક્તિ કે વિષય-વસ્તુ પ્રત્યેના દંભથી દુર રહેવા ઇચ્છુ છું.)

~ મારી નિખાલસતા કેટલાક સંબંધો માટે હંમેશા નુકસાનકારક રહી છે. સંદર્ભ, પુસ્તક, જ્ઞાની-સાધુ-સંત કે મહાત્માઓ ભલે ગમે તે કહીને ચાલ્યા ગયા હોય પણ મારું સ્પષ્ટ માનવું છે કે સંપુર્ણ નિખાલસ બનીને દરેક સંબંધ જાળવી શકાતા નથી. સંપુર્ણ સત્ય કે નિખાલસતા કયારેક સંબંધોમાં તિરાડ પણ ઉભી કરી શકે છે. (આ ‘સત્ય’ની વાત ઉપરથી યાદ આવ્યું કે મારે મારું સત્ય લખવાનું હજુ બાકી છે.)

~ ઓકે. ફરી મુળવાત ઉપર આવીએ. નવી જવાબદારી વિશેની એક ખાસ મિટીંગ માટે બે-ત્રણ દિવસ પ. પુ. શ્રી શ્રી (શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી..) રવિશંકરભાઇના આર્ટ ઓફ લીવીંગના ગુજરાત આશ્રમ વેદ વિજ્ઞાન મહા-વિદ્યાપીઠમાં વિતાવ્યા. 

~ આ સ્થળ શહેર તથા મોબાઇલ નેટવર્કથી દુર અને વળી નદી કિનારાની ફળદ્રુપ જગ્યાએ હોવાના કારણે હરિયાળી અને કુદરતી વાતાવરણથી ભરપુર છે. અહી નિરાંત અને શાંતિની અનુભૂતિ થવી સ્વાભાવિક છે. (જો તમે આ શાંતિની અનુભૂતિને આ.ઓ.લિ. કે પુ.શ્રી શ્રી રવિશંકરની દિવ્યતા સાથે જોડીને જોઇ રહ્યા છો, તો મારે સાફ શબ્દોમાં કહેવું જોઇએ કે.. તમે છેતરાઇ રહ્યા છો. આગે આપકી મરજી.)

~ આશ્રમના ફોટો દેખવા માટે અહી ક્લિક કરો.

~ ભરવરસાદમાં પાસપોર્ટ ઓફિસ સુધીનો ધક્કો સફળ રહ્યો હતો. ત્યાંની સુંદર વ્યવસ્થા, ડોક્યુમેન્ટ ચકાસણી અને પોલિસ વેરીફિકેશનની પ્રક્રિયા બાદ લગભગ ૧૦-૧૨ દિવસમાં છોટુંનો પાસપોર્ટ આવી ગયો છે. નવો પાસપોર્ટ બનાવવાની સંપુર્ણ પ્રક્રિયાને 10 માંથી 8 પોઇન્ટ આપી શકાય. (આ ૨ પોઇન્ટ કેમ કાપ્યા? -આ સવાલ થતો હોય તો આપશ્રીએ પોલિસ વેરીફિકેશનની પ્રક્રિયા પણ જાણી લેવી.)

~ છેલ્લી અપડેટમાં વરસાદ જતો રહ્યો છે તેવી માહિતી હતી પણ તે પોસ્ટ બાદ ધારણા પ્રમાણે જ વરસાદે બીજો રાઉન્ડ શરૂ કરી દીધો. શરૂઆતમાં ઓછા વરસાદની ચેતવણી બાદ સિઝન દરમ્યાન વરસાદનું પ્રમાણ જોતા એકંદરે સારું ચોમાસું કહી શકાય એમ રહ્યું. જો કે ‘નવરાત્રીમાં પણ વરસાદ હેરાન કરશે’ -તે અંદાજ ખોટો પડ્યો.

ખાસ નોંધઃ આ ઉપરથી સાબિત થાય છે કે કોઇએ મારી ધારણા અનુસાર ચાલવું નહી. જો આમ જાહેર ચેતવણી આપવા છતાંયે તમે મને અનુસરો અને આપને કોઇ નુકશાન થાય તો તેમાં અમારી જવાબદારી નથી, પણ જો ફાયદો થાય તો તેમાં યોગ્ય હિસ્સો લેવાની જવાબદારી અમે ચોક્કસ નીભાવીશું. એમ તો અમે ક્યારેક અમારી જવાબદારી પણ સમજીએ છીએ!

~ વડોદરાની જેમ કોઇ-કોઇ સ્થળે વરસાદે ચિંતા પણ ઉભી કરી તો બીજી બાજુ ભારે વરસાદે અચાનક જ કાશ્મીરની દશા બગાડી નાખી અને આજકાલ આસામમાં પણ પુરની સ્થિતિના સમાચાર છે.

~ નવરાત્રી પુરી થવામાં હવે બે દિવસ બાકી રહ્યા છે પણ આ વર્ષે હજુયે રાસ-ગરબા કરવામાં મન માન્યું નથી.1 છેલ્લા દિવસો માટે પણ ખાસ ઉત્સાહ નથી, છતાંયે જો ઇચ્છા થશે તો એકાદ રાઉન્ડ રાસ-ગરબાનો ચાન્સ લેવામાં આવશે. નહી તો, નેક્સ્ટ નવરાત્રીમાં.. 🙂

~ મોદી સાહેબ આજકાલ દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડવા મથી રહ્યા છે. તેમનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે. આશા રાખીએ કે તેમની આ મથામણ ભારતને ફળે. ઓબામાભાઇના આમંત્રણને માન આપીને અને સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં હાજરી આપીને પ્રધાનમંત્રીજી આજે જ અમેરિકાની ‘રોકસ્ટાર’ યાત્રા પતાવીને સ્વદેશ પરત ફર્યા છે. (પ્રવાસી ભારતીય દ્વારા આયોજીત મેડિસન સ્ક્વેર ગાર્ડનનું એ ભાષણ ઇતિહાસમાં ખરેખર યાદગાર બની જશે. લખી રાખજો.)

~ અમેરિકાની આ યાત્રા દરમ્યાન ત્યાંથી ભારતીય મીડીયાની ઓવર-રિપોર્ટીંગ અને પળેપળનું કવરેજ જોઇને નવાઇ લાગી. (નોર્મલ રિપોર્ટીંગ સુધી ઠીક લાગે પણ સાવ આમ પાગલપનની હદ સુધી તો ન જવાય ને… ખૈર.. અમેરિકાનું તો રામજાણે પણ મોદી સાહેબનું કદ આ લોકોએ ભારતભરમાં થોડું ઔર વધારી આપ્યું એ નક્કી છે.)

~ લગભગ હવે બધા જાણે જ છે એટલે પેલા ક્રાંતિકારી ચેનલવાળા રાજદિપભાઇ સાથે બનેલી સુખદ ઘટનાનું લાંબુ વિવરણ કરતો નથી.. (એ ભાઇના લખ્ખણ જ એવા હતા કે…) અને આ યાત્રા દરમ્યાન અર્નબભાઇ ગોસ્વામીને મોદીના વખાણ કરતા જોઇને આંખમાં હરખના આંસુ ઉભરાઇ આવતા. ઇન્ડીયા ટીવી અને ઝી ન્યુઝવાળા તો જાણે આ મુલાકાત દરમ્યાન હરખઘેલા થયા’તા એમ કહી શકાય! (એમ તો મને પણ આ આખી ઘટના ઘણી ગમી છે.)

~ વચ્ચે, ચીનના પ્રમુખ શ્રી શી’ભાઇ જીનપીંગ (ગુજરાતીમાં આમ જ લખાય) ચીનથી સીધા અમદાવાદ આવ્યા હતા. આપણાં નરેન્દ્રભાઇ તો જાણે વેવાઇ જાન જોડીને આવ્યા હોય એમ હરખાઇને દિકરીના બાપની જેમ ચીની પ્રમુખની આગતા-સ્વાગતા કરી હતી અને ઝુલે ઝુલાવ્યા હતા! (અરે.. ના ભાઇ ના. મોદી સાહેબે શી’ભાઇને રિવરફ્રન્ટ પર ઝુલે ઝુલાવ્યા તેનો મને કોઇ વાંધો નથી; પણ આ તો એવું છે ને કે કંઇક આડુંઅવળું શોધીને મુકીએ તો લોકોમાં આપણી’બી ઇજ્જત વધે અને આપણે ઇન્ટેલીજન્ટ લોકોમાં ગણાઇએ! 😉 )

~ આજે ગાંધીજયંતિના દિવસે દેશના સ્વચ્છતાના આગ્રહનું સુંદર અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે તો તેમાં યથાયોગ્ય ભાગીદાર બનવા સૌને આગ્રહ છે. જો ગંદકીને સાફ કરવામાં યોગદાન આપી શકો એમ ન હોવ તો કમ-સે-કમ આપ હવે ગંદકી નહી ફેલાવીને પણ સ્વચ્છતાના આ અભિયાનમાં આપનું યોગદાન આપી શકો છો. (નોંધ: મોબાઇલ-કોમ્પ્યુટરમાંથી વધારાના ફોટો-વિડીયો-ફાઇલ ડીલીટ કરવાને આ અભિયાનનો હિસ્સો ન ગણી શકાય.)

~ લાગે છે કે હવે મારા અપડેટ્સની ગાડી રાજકીય અપડેટ્સના ટ્રેક ઉપર ચડી ગઇ છે. ઓકે. તો વધુ અપડેટ્સ નવી પોસ્ટમાં ઉમેરવામાં આવશે એવા શુભ વિચાર સાથે અહી એક અલ્પવિરામ લઇએ.

~ આવજો.. ખુશ રહેજો.

# આ પોસ્ટ બે દિવસ પહેલા લખાયેલી પડી છે, પણ તેને ડ્રાફ્ટમાંથી બહાર કાઢવામાં થોડો સમય થયો હોવાથી આજે કેટલીક જુની અપડેટ્સ જોવા મળશે. ફ્રેશ અપડેટ્સ માટે જોતા રહો, મારો બગીચો!

😎

7 thoughts on “અપડેટ્સ-44 [Oct’14]

  1. અમે પણ આ વખતે નવરાત્રીમાં એક જ દિવસ રમવા ગયેલા, ગયા વર્ષની નવરાત્રીએ તમને યાદ કર્યા હોવાનું યાદ આવે છે. આવતી નવરાત્રીએ ફરીથી યાદ કરીશું. 😀

    1. ઘણાં દિવસે દેખાણાં! ભલે પધાર્યા… આનંદ થયો.

      લેટેસ્ટ ન્યુઝ: આ આખી નવરાત્રી અમે સાવ કોરા રહ્યા. એટલે કે એકેય દિવસ ગરબામાં ભાગ ના લીધો. (અમે એટલે કે માત્ર હું, મેડમજી તો રોજ જોરદાર તૈયાર થઇને નીકળી જતા’તા! 😀 )

      આ નવરાત્રી-ટુ-નવરાત્રી યાદ કરવાનો વિચાર નવો લાગ્યો. ખૈર, એ બહાને વર્ષમાં એકવાર તો યાદ કરશો એમ માનીને હમણાં મન મનાવી લઇએ છીએ..

      1. અમેય કોરા જેવા જ રહ્યા … એક જ દિવસ રમવા ગયેલા…

        યાદ તો ઘણું કરું છું… પણ કોઈ અવસરની લાગમાં પણ રહું જેથી તમને બોલાવું તો તમે ના ન કહી શકો ભેરુ…

        અને તમે ખૂબ દૂર જઇને વસ્યા છો… છેક *****.. એ બાજુ આવવાનું ક્યારેય નથી થતું … પણ એક દિવસ .. આવીશું ખરા …

        ટીનટીન ને મારા વતી પપ્પી આપી આભારી કરશો જી

        1. તમે યાદ કરો અને અમે ન આવીયે એવી શક્યતા નહિવત છે ભાઇ! અને અમે એટલા દુ…..ર પણ નથી વસ્યા કે તમે પહોંચી ન શકો.. ઘણીવાર ન ખુંદાયેલી વાટે પણ નીકળવું જોઇએ ને… 🙂

          આપની પપ્પી પહોંચાડી દીધી છે, છોટુંએ વળતરમાં ‘થેન્ક્યું’ કહ્યું છે! અને મેડમજીએ ઘરની સાફસફાઇ કરતાં-કરતાં આપને તથા આપના શ્રીમતિને દિવાળીની શુભેચ્છાઓ આપી છે. લઇ લેજો.


          આ કોમેન્ટમાં ઉમેરાયેલા એક શબ્દના કારણે મારા બગીચાના ચોકીદારે તેને અટકાવી રાખી હતી અને તે શબ્દને ફિલ્ટર કરવા બદલ અમે દિલગીર છીએ. (કારણ? -તમે સમજી જશો.)

  2. આપની ભાષા શૈલી હળવી છે વાંચ્વી ગમે એવી.ખાસ તો આપના આ વાક્ય -“સંપુર્ણ સત્ય કે નિખાલસતા કયારેક સંબંધોમાં તિરાડ પણ ઉભી કરી શકે છે” સાથે મારી ૧૦૦ % સહમતી છે ક્યારેક સમ્બન્ધો સાચવવા નાનુ જુઠ બોલ્વુ પણ પડ્તુ હોય છે મન ના માનતુ હોય તોય પણ એકન્દરે તો એ આપ્ણા પોતાનાઓ ના હીત માટે જ ને… અને હા આશ્રમ ના ફોટા માટે ખાસ આભાર.

    1. આપનો ખુબ-ખુબ આભાર દેવી’જી. પણ.. આપના જેવા લોકો આવા ગમે-તેવા લખાણના વખાણ કરીને મને ચણાં ના ઝાડ પર ચડાવે છે અને પછી (વાંચવું) ભોગવવું બધાને પડે છે! 😉

      ખૈર, વખાણ તો સૌને ગમે…. તમે વખાણતા રહેજો, અમે ગમાડતા રહીશું અને લખતા રહીશું..

      1. દેવીજી??? મહેરબાની કરિને આટલુ ભારે ઉદબોધન ના આપશો… પણ ખરેખર આપ ખુબ સરસ જ લખો છો જિન્દગી ની ભારે સંવેન્દંશીલ વાતો ને હળ્વી શૈલી મ કહિ જાણો છો.:) એટલે સાચુ કેવુ ગમે છે.

બોલો, શું કહેવું છે તમારે...