~ ઘણાં દિવસ પહેલાં લખવાનું વિચાર્યું હતું પણ આજે વિચારને કીબોર્ડ મળ્યું છે એટલે કંઇક લખાશે એવું લાગે છે. એમ તો નોટબંધી વિશે ઘણું લખાઇ ચુક્યું છે અને ઘણું ચર્ચાઇ ચુક્યું છે પણ મેં આજસુધી મારા બગીચામાં નથી લખ્યું એટલે મારો તો હક બને છે.
~ જો આ નવિન પ્રકારની સ્થાનિક / પ્રાદેશીક / રાષ્ટ્રીય ઘટના કે જેની અસર લાંબા / ટુંકા ગાળે રાજકીય / આર્થિક / સામુહિક / વ્યક્તિગત રીતે અસર કર્તા છે, તો તેની નોંધ અહી ન લેવાય એ શક્ય નથી. (આ પણ મારા જીવનની એક અગત્યની ઘટના બનશે એવું લાગે છે.)
નોંધઃ જો મારા સિવાય જે કોઇ આ વાંચી રહ્યું છે તેમની માટે ખાસ ચોખવટ કે, આ લખનાર વ્યક્તિ કોઇ અર્થશાસ્ત્રી / મનોવિજ્ઞાનિક / રાજકીય સલાહકાર / ટેક્ષ એક્સપર્ટ / પત્રકાર / ભક્ત / રાજકારણી કે તેની આસપાસની અન્ય કોઇ લાયકાત ધરાવતો નથી. છતાંયે આપને મારી વાતમાં એવો કોઇ સંયોગ દેખાય છે, તો તે માત્ર આપનો દ્વષ્ટિભ્રમ હશે.
# મુખ્ય ઘટના એમ બને છે કે..
~ કારતક સુદ 8 (અંગ્રેજીમેં બોલે તો 8, નવેમ્બર) ના તે સાધારણ દિવસના સુર્યાસ્ત બાદ ભારતવર્ષ1ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓ સમક્ષ ટીવીના માધ્યમથી એક અસાધારણ જાહેરાત કરી કે – “આજે મધરાતથી રૂ 500 અને રૂ 1000 ની ચલણી નોટને કાયદેસર ચલણ તરીકે રદ કરવામાં આવે છે.“
~ ઉપરાંત તેને રદ કરવાના કારણો અને ચલણમાં ફેરફાર અંગે અન્ય જાહેરાતો પણ કરવામાં આવી. (આવું પણ કરી શકાય? -એમ વિચારતા મારા મન માટે આ જાહેરાત ખરેખર અચરજ સમાન હતી!)
~ એક મીટીંગમાં વ્યસ્ત હોવાથી સૌ પ્રથમ ન્યુઝ વ્હૉટ્સએપ્પ દ્વારા મળ્યા. પહેલા તો સામાન્ય મેસેજીસની જેમ તેને એક અફવા ગણીને ઇગ્નૉર કરવામાં આવ્યા પણ ધીરેધીરે આખી મીટીંગ પર આ નોટબંધી ના સમાચાર છવાઇ ગયા.
~ બહાર નીકળીને જોયું તો બાજુમાં આવેલ પેટ્રોલપંપ પર અસાધારણ ટ્રાફિક હતો. ચારેતરફ લોકો એવા બેચેન હતા કે જાણે તેમનું બધું લુંટાઇ રહ્યું છે એટલે જેટલું બચે એટલું બચાવી લો. (ડરપોક અને ચીટર લોકોની નબળી માનસિકતા!)
~ જેમની પાસે ઢગલો પડયો’તો તેઓ દોડે એ સમજ્યા પણ જેમની પાસે ખિસ્સામાં માંડ 4-5 નોટ હતી એ પણ સમજ્યા વગર હાંફળા થઇને દોડી આવ્યા’તા! (આ બધા પણ મોટી નોટ જ કહેવાય!)
~ બીજો દિવસ બધી બેંક બંધ અને વળી બંધ થયેલ નોટનું બીજું કંઇ થઇ શકે એમ ન હોવાથી લોકોએ આખો દિવસ અસમંજસ, તર્ક-વિતર્ક અને સંદેશા આપ-લે-ફોરવર્ડ કરવામાં ગુજાર્યો. (‘હુ તેવા લોકોમાં સામેલ ન થયો’ -તેવું જણાવીશ તો કોઇ મને અભિમાની અથવા તો અસામાજીક વ્યક્તિ કહેશે. ભલે ને કહે.. મને કોઇ ફરક નહી પડે.)
~ નોટબંધી જાહેરાતના ત્રીજા દિવસે નોટને બદલવાનું ભગીરથ કાર્ય બેંકિંગ સિસ્ટમ દ્વારા શરૂ થયું અને દેશભરમાં જોવા મળ્યું એક અભુતપુર્વ ઘટના-ચક્ર. બેંકની બહાર લાંબી લાઇનો લાગી અને લોકોની દિનચર્યા બદલાઇ ગઇ. ચલણમાં લગભગ 80-85 ટકા જેટલું પ્રમાણ બંધ થયેલ નોટનું હોવાથી રોકડનો બધો વ્યવહાર અચાનક બંધ થઇ ગયો. ચારેતરફ ચર્ચા જ ચર્ચા છે કે આ શું બની ગયું છે. (આપણે મુળ તો ચર્ચાપ્રિય પ્રજા છીએ!)
~ શરૂઆતના દિવસોમાં જે કોઇ મળે કે ફોન કરે તે સૌનો પ્રશ્ન એ રહેતા કે, “તમારે કેવી હાલત છે? નોટબંધીએ કેટલા પરેશાન કર્યા? અને કેટલી જગ્યા છે? આ નોટબંધી વિશે તમને શું લાગે છે?” (હજુયે આવા પ્રશ્નો ચાલું જ છે પણ હવે બંધ થઇ જશે એવી આશા રાખીએ.)
~ કેટલી જગ્યા છે ? – આ સવાલ પુછનાર બધાના નામ-ઠામ આપીશ તો સરકારને ઘણો માલ મળી શકે એમ છે! આશા રાખીશ કે કોઇ મારી વાતને સરકાર સુધી ન પહોંચાડે અને મને કોઇ પુછવા ન આવે. (અમારું તો ભાઇ સહદેવ જેવું છે, પુછશે તો બધું જ જણાવીશું.)
# આજે તે જાહેરાતના દિવસને 50 દિવસ પુરા થઇ ચુક્યા છે..
~ હવે બધે સમિક્ષા ચાલી રહી છે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું. દરેકનો મત અલગ-અલગ છે. પબ્લીકનો મોટો વર્ગ આજે પણ સરકાર સાથે છે.
~ જો કે શરૂઆતમાં મોદીના આ નિર્ણયની પ્રસંશા કરતો હતો તેમાંથી 2-5 ટકા લોકોના મત હવે બદલાયા પણ છે. આ બદલાયેલા મતનું મુખ્ય કારણ નોટ-બદલી દરમ્યાન વ્યવસ્થાની ખામી છે અથવા તો તેમને ‘કોઇ ખાસ પ્રકારનું’ નુકશાન થયું છે!
~ વિરોધીઓ હજુએ તેમના વિરોધી વલણ પર કાયમ છે. મોદીએ આ નિર્ણયથી આખા દેશની ઇકોનોમી ખતમ કરી દીધી છે એવો તેમનો અભિપ્રાય છે.2
~ ભારત જેવા દેશમાં આવો નિર્ણય અઘરો જ નહી, જોખમી પણ બની શકે એમ હતો પણ મોદીના નસીબ સારા કે એવું કંઇ અજુગતું ન બન્યું. દેશનો દરેક નાગરિક આજે ઇકોનોમિસ્ટ કે રાજનૈતિક વિશ્લેષક બની ગયો હોય એમ વર્તે છે.
~ આ વિષયે તમારો જે મત હોય તે મુજબ તમને ભક્ત કે સમર્થકના લેબલ લાગી રહ્યા છે. દેશના નાગરિકો નેતાઓ વચ્ચે આટલા વહેંચાયેલા પહેલા ક્યારેય નથી રહ્યા. (પર્સનલી હું કોઇ લેબલ લાગવાના ડરથી કોઇ એક ચોક્કસ પક્ષ ન લેતા વ્યક્તિઓનો વિરોધી છું પણ આખો દેશ એમ વહેંચાઇ જાય એ ન ચાલે.)
~ નોટબંધી એ એક સોલિડ સ્ટેપ છે એ સ્વીકાર્યું, પણ આજે પહેલીવાર એવું બન્યું છે કે કોઇ ચોક્કસ ઘટના અંગે મારી પાસે કહેવા જેવું કંઇ નથી. ભવિષ્યમાં શું થશે એ વિશે અનુમાન લગાવવું અઘરું છે. (નોટબંધીએ બધાને કેસ-લેસ બનાવ્યા છે અને હું સ્પીચલેસ છું!)
~ ઘણાં મતમતાંતર અત્યાર સુધી હું જોઇ ચુક્યો છું. આસપાસની સ્થિતિની સાથે સાથે વિરોધીઓ અને સમર્થકો બંનેનું શાંતિથી નિરિક્ષણ કરી રહ્યો છું. દરેકને પોતાનો મત આપવાની ઉતાવળ છે અને વળી તેને સાચો પુરવાર કરવાની વધુ ઉતાવળ છે.
~ ખરેખર તો આ વિષયે હમણાં કંઇપણ કહેવું કે કોઇ એક પક્ષ તરફ વધુ ઝુકાવ આપવો ઉતાવળું ગણાશે. ઓકે એટલું તો છે કે હું નોટબંધીના આ સ્ટેપને સપોર્ટ કરું છું છતાંયે હું ઇચ્છું છું કે આ વિષયે મારો મત હું થોડા સમય પછી આપું. (હજુ તો આ વિષયે પ્રાથમિક કાર્ય પુરું થયું છે એટલે નિવડયે વખાણ/ટીકા કરવામાં આવશે.)
~ અત્યારે મુખ્ય વાત એ નોંધી શકાય કે આ 50 દિવસોમાં ચારે તરફ અગવડ અને અનિશ્ચિતતાઓ અસંખ્ય રહી, જોકે પબ્લીકની સહનસીલતાને સલામ કરવી પડે! આપણે સૌએ ધીરજ રાખી જેથી સરકાર એ નહી કહી શકે કે પબ્લીકે સાથ ન આપ્યો એટલે અમે રીઝલ્ટ ન આપી શક્યા. તેમની ઉપર હવે પરિણામ આપવા દબાણ બનશે. (મોટા સપના બતાવ્યા છે તો તેને અનુરુપ પરિણામ આપવું તેમની જવાબદારી પણ છે.)
~ મને શરૂઆતમાં એમ લાગતું હતું કે છપાયેલી નોટમાંથી કુલ 70% જેટલી જ રકમ બેંકમાં આવશે પણ છેલ્લા દિવસ સુધી લગભગ 90%થી વધુ રકમ બેંકમાં ભરવામાં આવી છે. પોલિસ કરતાં ચોર હંમેશા બે કદમ આગળ હોય એમ સરકાર અને કાળાબજારીઓ દોડપકડ રમી રહ્યા છે.
~ રોજેરોજ બદલતા-ઉમેરાતા નિયમોની લોકોએ ઘણી મજાક ઉડાવી છે અને ઘણાંને વિચિત્ર લાગે છે પણ મને એ વાત ગમી કે સરકારે બદલાતી સ્થિતિ જોઇને નિર્ણય લેવામાં મોડું નથી કર્યું. (જો સરકાર આમ જ દરેક સ્થિતિ પર પ્રતિક્રિયારૂપ નિર્ણય લેવા લાગે તો આ દેશની ઘણી ફરિયાદોનો નિકાલ જલ્દી આવી જશે.)
~ ડિઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન એક અલગ વસ્તું છે અને ડીમોનેટાઇઝેસન એક અલગ પ્રક્રિયા છે એટલે નોટબંધીને સ્વતંત્ર મુલવવામાં આવશે. આ બહાને પેમેન્ટ માટે ડિઝીટલ-મોડ હવે સર્વ સ્વીકૃત બન્યો એ મારા જેવા કાર્ડ લઇને ફરતા લોકો માટે આનંદની વાત છે. એમ તો આ દિશામાં હજુ ઘણો લાંબો રસ્તો કાપવાનો બાકી છે પણ નોટબંધી ના કારણે તેની સ્પીડ ઘણી વધશે. જો કે તેને નોટબંધીના ફાયદા કરતાં એક ‘આડપેદાશ’ તરીકે મુલવવી ઠીક રહેશે.
~ કાશ્મીરમાં પથ્થરમારો બંધ છે અને નક્સલીઓની હાલત ખરાબ છે, તેને તાત્કાલિક મળેલ પરિણામોમાં ઉમેરી શકાય. હવાલા અને સોદાબાજી બંધ થઇ ચુકી છે પણ આ લોકોના હાથમાં રોકડા ફરી ન પહોંચી જાય તે જોવાનું કામ સરકારનું છે.
~ અત્યાર સુધી જે નવી નોટોના ઢગલા સાથે લોકો પકડાયા છે તેનું મુળ ચોક્કસ બેંકીગ સિસ્ટમમાં છે. જે લોકોને શરૂઆતમાં બિરદાવવામાં આવ્યા તેમને હવે લોકો શંકાની નજરે જોઇ રહ્યા છે. (કોને વખાણવા અને કોને અવખાણવા એ જ નક્કી નથી થતું.)
~ આપણે ભારતીયોમાં આ મુળ દુષણ છે કે આપણને બધું ઠીક કરવું છે; પરંતુ પોતાને મળતો ફાયદો કોઇ પણ પ્રકારે લઇ લેવો છે. આપણને ભ્રષ્ટાચાર પસંદ નથી પણ તેની જગ્યાએ આપણે હોઇએ તો તે જ ભ્રષ્ટાચારને હક તરીકે સ્વીકારી લેવામાં પણ આપણને શરમ નથી.
~ મોદી કાળુ નાણું પકડે તેનો વાંધો નથી પણ મારી પાસે જે કંઇ છે તેમાં કોઇ નુકશાન ન થવું જોઇએ, ચાહે તેમાં બ્લેકમની પણ કેમ ન હોય. આજે કોઇ પર આક્ષેપ નથી કરવો પણ દિલ પર હાથ મુકીને કોઇ કહી ન શકે કે મેં જીવનમાં કંઇ ખોટું નથી કર્યું. (ક્યારેક અરિસા સામે ઉભા રહીને પોતાની જાતને ધ્યાનથી જોજો અને વિચારજો કે શું આ એ વ્યક્તિ છે જે વિશે એમ કહી શકાય કે તેના મનમાં કોઇ પાપ નથી?)
~ ભુતકાળ બદલવો શક્ય નથી, પણ ભવિષ્ય મારા હાથમાં છે. તો હવે જે થશે એ માત્ર કાયદેસર થશે એટલું હું નક્કી કરું છું. અસ્તું.