વ્રજ અપડેટ્સ – 190502

~ આ ટોપિક પર પોસ્ટ હવે ભુલાતી જાય છે. વ્રજ મોટો થઇ રહ્યો છે અને હવે તેની દુનિયા પણ બદલાઇ રહી છે. આગળની પોસ્ટમાં કમાન્ડ હતો કે આ વિશે લખવું જ એટલે આજે સમય કાઢીને પણ લખવાનું નક્કી કર્યું છે.

~ વ્રજ કરતાં નાયરા ઘણી જ ચાલાક થશે એવું અત્યારથી લાગે છે. વ્રજ હજુપણ ઘણો માસુમ છે અને ભોળો પણ કહી શકાય.

~ તેની ઉંમરના બાળકોના પ્રમાણમાં વ્રજ સમજદાર પણ વધારે છે એટલે તેને સમજાવવો ઘણો સરળ છે.

મારા દિકરા વ્રજનો ફોટો~ જો કે તેને દરેક વાતમાં ટોકતા ન રહેવાનો મારો આગ્રહ હોવાથી ક્યારેક કંટ્રોલ બહાર મસ્તી કરે તો પણ થોડીવાર સુધી ચલાવી લેવાય છે અને જો તોફાન વધારે લાગે તો તેને તરત રોકી શકાય એમ હોય છે.

~ સમજદાર વધારે છે એટલે જ કોઇ એવી વાતમાં રોકવામાં આવે ત્યારે તેના સવાલોના જવાબ આપવા પડે છે કે અમે તેને કેમ રોકીએ છીએ. જો ચોક્કસ જવાબ ન આપીએ તો આજકાલ ખોટું પણ ઘણું લાગી આવે છે.

~ આજ સુધી ક્યારેય મેં તેને નાનકડી ટપલી પણ નથી લગાવી, જ્યારે સામે પક્ષે મેડમજીએ તેને ઘણીવાર સટ્ટાક ચીપકાવી દીધી છે તો પણ તે મમ્મી સાથે જ વધારે કનેક્ટેડ છે. જો કે તેના મનની મુંઝવણ સરળતાથી કહી શકે એટલી નિકટતા અમારી વચ્ચે છે.

Photo of my son Vraj~ વ્રજ ઇમોશનલ વધારે છે. ક્યારેક કંઇક થયું હોય, વાગ્યું હોય, તેણે કોઇ ભુલ કરી હોય અથવા તો આખો દિવસ અમારાથી દુર રહ્યો હોય ત્યારે મળીને એકદમ ચિપકીને રડી પડતો હોય છે. રડીને શાંત થાય ત્યારે જ મુકે અમને.

~ આજકાલ રોજ કેટકેટલાયે સવાલો હોય છે તેના અને હું નિરાંતે બધા સવાલોના જવાબ આપતો રહું છું. સમજાવવા ક્યારેક યુટ્યુબ કે અન્ય ફોટો-વસ્તુઓ પણ તેની સામે મુકું જેથી તે ખુલીને સમજી શકે.

~ દેશ-દુનિયા, રાજા-નેતા, મશીન-કાર-ટેકનીક, ભાષા-પહેરવેશ-સ્ટાઇલ, આકાશ-અંતરિક્ષ-એલીયન-ફાઇટર-સ્પેશશીપ વગેરે તેના સવાલોના મુખ્ય મુદ્દાઓ છે.

~ ઘણાં સવાલોમાં ઉંડી કલ્પનાઓ હોય છે તો તે કલ્પનાઓ પણ સચવાય તે રીતે તેને હકીકત સાથે અવગત કરાવતા રહેવું મને પણ ગમે છે. આ કલ્પનાઓ જ તેને ભવિષ્યની દિશા બતાવશે.

~ અગાઉની જેમ જ આ વર્ષે A+ રિઝલ્ટ આવ્યું છે. આ રિઝલ્ટ સાથે ક્લાસમેટ્સનો ગ્રુપ ફોટો પણ આવ્યો છે જે યાદગીરી તરીકે અહીયાં રાખુ છું.

# વર્ષ 2018-19. સીનીયર કે.જી. ગ્રુપ ફોટોઃ

મારા દિકરા વ્રજનો ફોટો

~ અગાઉ આવો ફોટો અપલોડ કર્યો ત્યારે બિનજરુરી પણ શબ્દો કહ્યા હતા. 🤐 પરંતુ આ વખતે વધુ ટિપ્પણી કરવાની ઇચ્છા નથી લાગતી. જુઓ એ જુનો ફોટો : અહી.

~ અત્યારે નવા વર્ષની સ્કુલ ચાલું થઇ ગઇ છે. વ્રજ હવે સીનીયર કે.જી. માંથી ફર્સ્ટ ક્લાસમાં આવ્યો એટલે અમેં તેને સ્કુલે લેવા-મુકવાના નિત્યક્રમમાં જોડાઇ ગયા છીએ. સ્કુલવેનની એ ભીડમાં તેને મુકી દેવામાં હજુ જીવ નથી ચાલતો.

~ અત્યાર સુધી સવારે 8ઃ30 નો સમય હતો પણ હવેથી સ્કુલનો ટાઇમ 6ઃ50 થઇ ગયો છે. અમને અઘરું લાગે છે વહેલા ઉઠવું, પણ વ્રજ નવા ટાઇમટેબલ સાથે સેટ થઇ ગયો છે એટલું સારું છે.

~ તેના આગળના બે દુધીયા દાંત પડી ગયા હશે તેને લગભગ 3 મહિના થયા છે. નવા દાંત આવતા નથી એટલે હવે દાંતના સ્પેશીયાલિસ્ટ ડોક્ટર સાહેબને મળવા જવું જોઇએ એવો મેડમજીનો મત છે જેની સાથે હું સહમતી ધરાવું છું.

~ વ્રજ જ્યારે પુરી સમજણની ઉંમરમાં પહોંચે ત્યારે તેના મનથી પોતાના વિશે લખાયેલા આ શબ્દો તથા તેના વિશે લખાયેલી બધી પોસ્ટ વાંચે એવી ઇચ્છા છે.

bottom image of the post

One thought on “વ્રજ અપડેટ્સ – 190502

બોલો, શું કહેવું છે તમારે...