Dec’20 – અપડેટ્સ

સૌથી તાજી અપડેટ્સમાં એ છે કે હવે સિઝન બદલાઈ છે અને ઠંડીની ઓફિસિયલી શરૂઆત થઈ ચુકી છે. (આ લીટીમાં ઓફિસિયલી શબ્દની કદાચ જરૂર નહોતી.)

કોરોના તો ફુલ ગતિમાં આગળ વધી રહ્યો છે અને તેની ગતિ રોકવાની કોઇનામાં તાકાત હોય એવું જણાતું નથી. સમય-જતાં લોકો ચેતે અને સુધરે તો વાત અલગ છે, પણ તેવી સંભાવના દેખાતી નથી. (હું પોતે પણ માસ્ક સિવાય બીજી કોઈ સાવધાની રાખતો નથી તો બીજાને શું કહી શકું..)

સજીવોની કક્ષામાં આવતા દરેકની આ એક સામાન્ય લાક્ષણિકતા કહી શકાય કે તે સ્થિતિ અનુરૂપ પોતાને ઢાળી લે છે. શરૂઆતમાં સ્વભાવ અનુસાર વિરોધ કરશે અને લડશે. જો જીતી જાય તો ઠીક નહી તો ધીરે ધીરે તેની સાથે સમાધાન કેળવશે. વધુ શક્તિશાળી વિરુધ્ધ લડાઈ નિવારવાનો પ્રયત્ન પણ કરશે. જ્યાં નિવારી ન શકાય ત્યાં સમાધાન કેળવશે અથવા તો શક્તિશાળીની શરણાગતિ સ્વીકારશે. જે સમાધાન કે શરણાગતિ ન સ્વીકારે તે લડીને નાશ પામે એવુંય બને અથવા તો વિજયી થઈને પોતાનો મજબુત વંશ આગળ વધારે. આખું ચક્ર આમ નિરંતર ચાલ્યા રાખે. આપણી સૃષ્ટિનો આ એક નિયમ છે અને આ નિયમથી આપણે સૌ જીવ બંધાયેલા છીએ. (વિનંતીઃ આ જ્ઞાન ઉછીનું નથી. બાબા બગીચાનંદે સ્વયં સાધના કરીને મેળવ્યું છે! તેમની ઈજ્જત ભલે ન કરો પણ આ જ્ઞાનને થોડીક રિસ્પેક્ટ આપશોજી. 🙏)

મૂળ અપડેટ્સ પર આવું. ઘણાં દિવસથી વેકેશનબાજી કરી રહેલા વ્રજ-નાયરા અને મેડમજીને શનિવારે લેવા જવાનું છે. સ્કૂલ તો ઘણાં દિવસથી ચાલુ થઈ ગઈ હતી પણ ઓનલાઈન-એજ્યુકેશનની ગમે-ત્યાં-ભણો પધ્ધતિનો ફાયદો ઉઠાવાઈ રહ્યો છે. (‘એજ્યુકેશન’ને ‘એડ્યુકેશન’ કહી શકું એટલો હજુ મોડર્ન નથી થયો.)

આ વખતે એકલાં રહેવાનો સમય થોડો લાંબો રહ્યો, તો પણ મને તેમાં વાંધો ન રહ્યો! હું એકલો રહીને પણ ઘણો ખુશ રહેતો માણસ છું. બધા સાથે હોવાનો અનેરો આનંદ હોય અને એકલાં રહેવાની પણ એક અલગ મજા હોય. યે ભી એક મૌસમ હૈ; તુમ ક્યા જાનો! એમપણ આ વખતે તો એકલાં રહીને એકલો ન રહ્યો હોઉં એવી મારી સ્થિતિ રહી છે.

સાઈડટ્રેકઃ ઉપરની છેલ્લી લાઈન લખતાં-લખતાં તેને મળતી આવે એવી એક ગઝલની બે લાઇન યાદ આવી રહી છે; કે..

મનની સ્થિતિ હંમેશા આશિક રહી છે,
કાલે જ મેં કોઈને માશુક કહી છે…

અચ્છા કોઈને આ ગઝલની શરૂઆત યાદ છે? મને તો આખી ગઝલ બહુ ગમે છે. મારી સમજણના સમય પહેલાંથી એ ગમે છે. હા, સમજણના સમય પહેલાંથી ગમવું-સમજવું એ એક વિચિત્ર ઘટના પણ કહેવાય જે મારી સાથે કાયમ બનતી રહી છે. (આવી વિચિત્રતાઓને લીધે જ હું વિચિત્ર કહેવાઈ જાઉ છું. બાકી તો સાવ સીધો માણસ છું.)

ખૈર, જો કોઈને આ ગઝલ અને તેની સંગીતમય પ્રસ્તુતિ ગમે તો કહેજો, તો આપણે આપણાં ફેવરીટ-સોંગ નું લિસ્ટ એકબીજા સાથે વહેંચીશું. ઘણાં સમય પહેલાં યુ-ટ્યુબ પર પ્લેલિસ્ટ બનાવ્યું હતું જે પછી ભુલાઈ પણ ગયું હતું. આજકાલ એકલાં સમયનો સદુપયોગ કરીને તેમાં નવા ગીતો પણ ઉમેર્યા છે. યુ-ટ્યુબ પર Baggi’s Select સર્ચ કરશો તો તરત મળી જશે! (એમ તો 90s ના ગીતો હજુયે ઘણાં વધારે છે.)

ઘરથી થોડા દૂર અંતરે એક વધુ કામ શરૂ થવાનો સમય નજીક આવી ગયો છે. મારા માટે કમ્ફર્ટ-ઝોન બહારનું કામ છે; પરંતુ તેને ચેલેન્જ તરીકે સ્વીકારીને બતાવી દેવાનું મન થાય છે. (કોને બતાવી દેવું – એ હજુ નક્કી નથી.)

સાચું કહું તો મારી પાસે અત્યારે પુરતું છે તો હું આ નવું કેમ શરૂ કરી રહ્યો છું તે માટે સાચે જ મારી પાસે કોઇ કારણ નથી. જરૂરથી વધારે ભેગું કરવામાં સરવાળે માણસ ઘસાઈ જતો હોય છે અથવા તો સંપતિ માટે વધુ ભુખ્યો થતો જાય છે. સંતોષ એકંદરે સુખ આપે છે. એમ તો પૈસા કમાવવા પણ એટલું જ જરૂરી છે. બસ, તેની એક હદ રાખવી પડે. (વગર પૈસે વૈરાગ્યની વાતો કરવા કરતાં પૈસા ભેગા કરીને જો વૈરાગ્યનો દેખાડો પણ કરશો તોયે ચાર માણસમાં પુછાતા રહેશો. 😎)

તો, હું સંતોષના પક્ષમાં છું કે વધુ ભેગા કરવાના પક્ષમાં? ..આજે ફરી એકવાર હું કોઈ એક પક્ષને પસંદ કરવાને બદલે મધ્યમાં રહેવા મજબૂર જણાઉ છું. (સંસાર પોતાનો મત જાતે જોઈવિચારીસમજીને પસંદ કરે. બાબા યહાં આપકી કોઈ હેલ્પ નહી કર શકતે.)

લાંબા સમયથી લખાયેલી એક પોસ્ટ ઘણાં દિવસથી ધક્કે ચડી રહી છે તો વિચારું છું કે તેને ન્યાય આપુ. પણ, તેના પછી મને કેટલાક લોકો ગાળો આપે એવી શક્યતા વધુ છે એટલે જ તો ટાળી રહ્યો છું. ઓકે.. એમાં શું વિચારવાનું? જે થશે એ જોયું જશે. આ મારો બગીચો છે; તો મને ગમે એમ કરી શકું. (એમપણ નવી પોસ્ટના મેલ ચુપચાપ બંધ કર્યા પછી અહીં ખાસ લોકો આવતા નથી એટલે કોઈ વાંધો નહી આવે.)

કદાચ હવે અપડેટમાં નોંધવા જેવું બીજું કંઇ ખાસ જણાતું નથી. કોરોનાથી બને એટલું સાચવવાનું છે. બેધ્યાન ભલે રહીએ તો પણ ડરતા રહેવાનું છે. ડર હશે તો જ ચેતીને રહેવાશે!


હેડર-ફોટોઃ નખ રંગવાની શોખીન નાયરા’ના બે હાથ. આજકાલ તેનો આ શોખ જોઈને મારે નેઇલ-પૉલીશ બનાવવાનો ધંધો વિચારવો પડે એમ છે!

બોલો, શું કહેવું છે તમારે...