~ થોડીક મોડી અપડેટ છે, પણ નોંધ તરીકે જરુરી છે. એટલે, અઠવાડીયા પછી પણ તેને અહી ઉમેરવાનું મને યોગ્ય લાગે છે. (અને જો મને યોગ્ય લાગે છે તો અહીયાં એમ જ થશે.)
~ આ કોઇ તહેવાર વિશેની અપડેટ નથી. તહેવાર માત્ર એક સંજોગ છે. આ વર્ષે જન્માષ્ઠમીના દિવસે વ્રજ આઠ વર્ષનો થયો. વ્રજનો જન્મદિવસ અને કાનુડાની જન્મ-તિથી એક જ દિવસે સેટ થઇ ગઇ તેનો ઘરમાં અતિઉત્સાહ દેખાયો! (અને અમે અહી તે સંજોગનો ઉપયોગ કરી રહ્યા છીએ તે અંદરની વાત છે.)
~ નક્કી થયેલ પ્રોટોકોલ મુજબ ઉજવણીમાં સામાજીક અંદર જાળવવાનો પુર્ણ પ્રયત્ન હોવા છતાં તે એકંદરે શક્ય બન્યું નહોતું. જો કે માત્ર પરિવારના જ સભ્યો હોવાથી અમે તે વિશે જે-તે સમયે વિરોધ કરવાનું ટાળ્યું હતું. (ક્યારેક રિસાયેલા ફુઆ બની રહેવા કરતાં ઉજવણીનો ભાગ બનવું કાર્યક્રમના હિતમાં રહેતું હોય છે.)
~ આમ તો પહેલાં કોઇ ઉજવણીનો પ્લાન નહોતો, પણ મેડમજીની ઇચ્છાને આજ્ઞા સમજીને અમે ઉજવણી બાબતે સહમત થયા. ઘરની અંદર જ ભેગા થઇને અને કોઇ-કોઇ સામાન બહારથી મેળવીને ઉજવણી પુર્ણ કરવામાં આવી. (કોઇની ખુશી આપણી મંજુરી માટે અટકેલી હોય તો તે સમયે ઉદાર વલણ ધરાવવાનો અમારો મત છે.)
~ સંસ્થાના આદેશ બાદ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉજવણી સમયના ફોટો’ને અહી ઉમેરવાનો કાર્યક્રમ રદ જાહેર કરવામાં આવેલ છે, જેની નોંધ લેવી. (સોસીયલ ડિસ્ટન્સ કે માસ્ક પહેરવાની સલાહ આપવા ઇચ્છા લોકોને નિરાશ કરવા બદલ અમે દિલગીર છીએ.)
~ છતાંયે આજના દિવસની યાદગીરી તરીકે એક ફોટો ઉમેરવાની લાલચ રોકી શકાય એમ ન હોવાથી બગીચાના ચોકીદાર પાસેથી બે ફોટો માટેની પરવાનગી હાથ જોડીને મેળવેલ છે. (કોઇ કહેશે કે, અમે પગે પડીને પરવાનગી મેળવી હોય તોય તેમને કોઇ ફરક પડયો ન હોત. વાત તો સાચી છે; બીજાને શું ફરક પડે!)
~ વ્રજના જન્મદિવસે ક્લીક કરેલ એક ફોટોઃ

~ હવે સમય છે બીજો ફોટો ઉમેરવાનો; હાજર છે બે વર્ષ પહેલાંનો એક ફોટો જે ઉપરોક્ત તહેવાર સાથે આબેહુબ બંધબેસે છે. ફોટો વ્રજનો છે, લુક કનૈયાનો છે અને કારીગરી અમારી છે! (આ ફોટોને મેડમજીના ખાસ આગ્રહ અનુરૂપ બનાવ્યો છે, તો તે બાબતે કોઇ નકારાત્મક ટિપ્પણી કરવી નહી. વખાણ આવકાર્ય. લિ. હુકમથી.)

🎉

![[170819] ફોટો અપડેટ : ગ્રીન ડે અને જન્માષ્ઠમી ડ્રેસીંગ [170819] ફોટો અપડેટ : ગ્રીન ડે અને જન્માષ્ઠમી ડ્રેસીંગ](https://i0.wp.com/www.marobagicho.com/wp-content/uploads/2014/07/mb_line_upr.png?resize=220%2C150&ssl=1)
![31મી વાર્ષિક ગાથા [170609] a person](https://i0.wp.com/marobagicho.com/wp-content/uploads/2017/06/lonely-person.jpg?fit=210%2C104&ssl=1)

વાહ, વ્રજ તો ઘણો મોટો થઇ ગયો!
સાચું કહું તો મનેય એવું લાગે છે. હું તો એને હવે કહું છું કે ધીમે-ધીમે મોટો થા, પણ તેને ઘણી ઉતાવળ છે.