જન્માષ્ઠમી ~ જન્મદિવસ

~ થોડીક મોડી અપડેટ છે, પણ નોંધ તરીકે જરુરી છે. એટલે, અઠવાડીયા પછી પણ તેને અહી ઉમેરવાનું મને યોગ્ય લાગે છે. (અને જો મને યોગ્ય લાગે છે તો અહીયાં એમ જ થશે.)

~ આ કોઇ તહેવાર વિશેની અપડેટ નથી. તહેવાર માત્ર એક સંજોગ છે. આ વર્ષે જન્માષ્ઠમીના દિવસે વ્રજ આઠ વર્ષનો થયો. વ્રજનો જન્મદિવસ અને કાનુડાની જન્મ-તિથી એક જ દિવસે સેટ થઇ ગઇ તેનો ઘરમાં અતિઉત્સાહ દેખાયો! (અને અમે અહી તે સંજોગનો ઉપયોગ કરી રહ્યા છીએ તે અંદરની વાત છે.)

~ નક્કી થયેલ પ્રોટોકોલ મુજબ ઉજવણીમાં સામાજીક અંદર જાળવવાનો પુર્ણ પ્રયત્ન હોવા છતાં તે એકંદરે શક્ય બન્યું નહોતું. જો કે માત્ર પરિવારના જ સભ્યો હોવાથી અમે તે વિશે જે-તે સમયે વિરોધ કરવાનું ટાળ્યું હતું. (ક્યારેક રિસાયેલા ફુઆ બની રહેવા કરતાં ઉજવણીનો ભાગ બનવું કાર્યક્રમના હિતમાં રહેતું હોય છે.)

~ આમ તો પહેલાં કોઇ ઉજવણીનો પ્લાન નહોતો, પણ મેડમજીની ઇચ્છાને આજ્ઞા સમજીને અમે ઉજવણી બાબતે સહમત થયા. ઘરની અંદર જ ભેગા થઇને અને કોઇ-કોઇ સામાન બહારથી મેળવીને ઉજવણી પુર્ણ કરવામાં આવી. (કોઇની ખુશી આપણી મંજુરી માટે અટકેલી હોય તો તે સમયે ઉદાર વલણ ધરાવવાનો અમારો મત છે.)

~ સંસ્થાના આદેશ બાદ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉજવણી સમયના ફોટો’ને અહી ઉમેરવાનો કાર્યક્રમ રદ જાહેર કરવામાં આવેલ છે, જેની નોંધ લેવી. (સોસીયલ ડિસ્ટન્સ કે માસ્ક પહેરવાની સલાહ આપવા ઇચ્છા લોકોને નિરાશ કરવા બદલ અમે દિલગીર છીએ.)

~ છતાંયે આજના દિવસની યાદગીરી તરીકે એક ફોટો ઉમેરવાની લાલચ રોકી શકાય એમ ન હોવાથી બગીચાના ચોકીદાર પાસેથી બે ફોટો માટેની પરવાનગી હાથ જોડીને મેળવેલ છે. (કોઇ કહેશે કે, અમે પગે પડીને પરવાનગી મેળવી હોય તોય તેમને કોઇ ફરક પડયો ન હોત. વાત તો સાચી છે; બીજાને શું ફરક પડે!)

~ વ્રજના જન્મદિવસે ક્લીક કરેલ એક ફોટોઃ

~ હવે સમય છે બીજો ફોટો ઉમેરવાનો; હાજર છે બે વર્ષ પહેલાંનો એક ફોટો જે ઉપરોક્ત તહેવાર સાથે આબેહુબ બંધબેસે છે. ફોટો વ્રજનો છે, લુક કનૈયાનો છે અને કારીગરી અમારી છે! (આ ફોટોને મેડમજીના ખાસ આગ્રહ અનુરૂપ બનાવ્યો છે, તો તે બાબતે કોઇ નકારાત્મક ટિપ્પણી કરવી નહી. વખાણ આવકાર્ય. લિ. હુકમથી.)

🎉

બગ્ગુ’નો ત્રીજો જન્મદિવસ

Nayra's third birthday
Happy Birthday Nayra ❤

16 એપ્રિલના દિવસે નાયરા ત્રણ વર્ષની થઈ. આ દિવસો ફટાફટ નીકળી ગયા હોય એમ લાગે તે મારા માટે હવે કોઈ નવી વાત નથી. સમયને પકડવામાં હું જ ધીમો હોઉ તો તેમાં સમયની ઝડપનો વાંક કાઢવો ઠીક નથી. (અબ જો સહી હૈ, તો હૈ)

સ્વાભાવિક છે કે આ દિવસ માટે અમે આનંદિત હોઈએ અને વિદેશી પદ્ધતિથી ઉજવણી કરવા આતુર બનીએ; પરંતુ કોરોના રોગચાળાથી ઉદ્દભવેલ વિચિત્ર પરિસ્થિતિ સામે લાચાર બનીને અમે પરિવારના સાડા-ચાર સભ્યોએ ટુંકમાં સંતોષ માની લીધો. (બીજો કોઇ વિકલ્પ પણ ન’તો.)

લોકડાઉન હોવાથી બહારથી કેક પણ મળી શકે એમ ન હોય ત્યારે મર્યાદિત સ્ત્રોત અને સાધનોનો ઉપયોગ કરીને ઘરે જ બધી વ્યવસ્થા કરવામાં આવી. મેડમજીએ ઘરે કેક બનાવી અને તે પ્રક્રિયામાં સહયોગ કરવાનો મેં પણ આનંદ લીધો. તે મીઠા પદાર્થની છબી અહી યાદગીરી તરીકે જોડવામાં આવી છે. (કોઇ દેખાડો સમજે, તો એ પણ ખોટું નથી. 😋)

બગ્ગુના જન્મદિવસની કેક

એમ તો આ કેક’ને સજાવવાનો સંપૂર્ણ શ્રેય હું પોતાને આપીશ. આ ક્ષેત્રે કોઈ જ અનુભવ ન હોવા છતાં માત્ર બે-ત્રણ વસ્તુઓથી બધાને ગમે એવી સજાવટ કરવામાં હું સફળ થયો તે જાણીને મને પોતે નવાઇ લાગી. પોતાની કળા પર થોડુક અભિમાન પણ થઈ આવ્યું. (પોતાની કળા પર અભિમાન તો હોવું જ જોઇએ. 😎)

પ્રથા અનુસાર હેપ્પી બડ્ડે નાયરા ગીત ગાઇને અને કેક-કટીંગ વિધી પુરી કરીને જન્મદિવસની ઔપચારિકતા પુરી કરવામાં આવી. ત્યારબાદ એકબીજાને કેક ખવડાવીને મોઢું મીઠું કર્યું અને મેં ઢગલો ફોટોને કેમેરામાં કંડારીને સમયને ચિત્રમાં હંમેશા માટે સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો. (સમય ક્યારેય અટકતો નથી, છતાંયે આપણે પ્રયત્ન છોડતા નથી હોતા.)

જન્મદિવસની કેક સાથે નાયરા..

Nayra's birthday

કેક ઉપર ઉંમર દર્શાવતો નંબર 3 લખવો હતો પણ તે માટે બીજો ઉપાય ન સુઝયો એટલે મીણબત્તીનો ઉપયોગ કરીને મન મનાવ્યું; એમ પણ મમ્મીના આગ્રહથી મીણબત્તી સળગાવવા-બુઝાવવાની પ્રથા રદ કરી હતી. (રદ કરવાના કારણમાં વોટ્સએપ યુનિવર્સીટીનું જ્ઞાન જવાબદાર ગણી શકાય.)

આ ઉપરાંત આ દિવસની યાદગીરી તરીકે નાયરા સાથે અમે બધાએ બીજા ઘણાં ફોટો પણ ક્લીક કર્યા છે, જેને ગુપ્તતાના નિયમ અનુસાર અહી રજુ કરવામાં નહી આવે. #ક્ષમા

પણ બગ્ગુ પર એવો કોઇ નિયમ લાગુ થતો નથી, એટલે આ દિવસના સંભારણારુપ એવા બીજા બે ફોટો અહી ચોંટાડવાની મારી ઇચ્છા થાય છે. (અને મારી આ ઇચ્છા હું હમણાં જ પુરી કરુ છું! 😉)

Nayra Photo in brown dress
Nayra Photo

આ વખતે પહેલીવાર જન્મદિવસે મારા વોટ્સએપ અને ફેસબુક-ઇન્સ્ટાગ્રામની પર્સનલ પ્રોફાઇલના સ્ટેટસમાં તે વિશે અપડેટ મુકવામાં આવી. (પ્રોજેક્ટઃ Being Social)

પરિવારજનો, મિત્રો અને બિઝનેસ-કોન્ટેક્ટ્સમાંથી અલગ-અલગ લોકોના ત્યાં બધે એટલા બધા મેસેજ આવ્યા કે બધાને પર્સનલી પ્રતિભાવ આપવો અઘરું કામ લાગ્યું એટલે ઉપરોક્ત દરેક જગ્યાએ સાંજે ફરી એક આભાર-સ્ટેટસ બનાવીને મુકવામાં આવ્યું. (અને તેની પર વળી અલગથી પ્રતિભાવ મળ્યા!)

અહીં તે આભાર-સ્ટેટસની ઇમેજને પણ ખાસ જોડવામાં આવે છે કેમ કે તેમાં નાયરાનો એક બહુજ મસ્ત ફોટો છે. વળી, અહીં મારા આનંદના ભાગીદાર બનનાર સૌનો આભાર માનવાનો મારો ઇરાદો પણ છે. 🙏

cute smile and thank you

બંધનના આ દિવસને પણ અમે યાદગાર બનાવીને ખુશ થયા. ઉજવણીના આ દિવસે ઉપરની દરેક છબી કંડારનાર તથા તેમાં જરુરી કારીગરી ઉમેરનાર સજ્જનનો પણ ખુબ-ખુબ આભાર માનવો જોઇએ. (હા, અહીયાં મારી જ વાત થાય છે!)

😊

#HappybirthdayPMModi

Happy birthday to pm narendra modi
Happy Birthday PM Narendra Modi

~ સામાન્યરીતે કેલેન્ડરમાં ભુતકાળમાં જન્મેલા રાજપુરુષોની જન્મજયંતિ કે ભગવાનની ખાસ તીથી હોય ત્યારે આવું પાનું દેખાતું હોય છે! મોદી ખરેખર ઘણાં આગળ નીકળી ગયા…

વડનગરથી વડાપ્રધાન સુધી પહોંચેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ!!

~ લખી રાખજો કે, ભવિષ્યમાં ભારતવર્ષ તથા તેના નાગરીકો માટે આ તારીખ અને નરેન્દ્ર મોદીનું બહુ જ મોટું ઐતિહાસિક મહત્વ હશે. મહાન નહેરુ થી દુર્ગા ઇન્દિરા સુધી આવીને અટકી ગયેલો આ મહાન દેશનો ઇતિહાસ એક નવું સિમાચિન્હ મેળવશે, એવી બગીચાનંદની આગાહી છે.


*ઉપરનો ફોટો મારા ઘરે લગાવેલા તારીખીયાના ડટ્ટાનો છે. (ડટ્ટો શબ્દ નવો લાગ્યો? હા? તો તમે ગુજરાતી નથી.)