. . .
– મારો ટીનટીન તેના મામાના ઘરે જવાનું બહાનું કાઢીને તેની મમ્મીના પીયરે ગયો છે, પણ ગઇકાલે આધારભુત સુત્રો દ્વારા મને સમાચાર મળ્યા કે એ બન્ને તો મારા સસરાના ઘરે પહોંચ્યા છે!! (જોયું…. બંને મને છેતરીને કયાંથી કયાં પહોંચી જાય છે.)
– એક બાબતમાં મેડમજી સામે હું જીતી ગયો. તેને એમ હતું કે અમારો વ્હાલો પહેલા ‘મમ્મી’ કે ‘મમા’ બોલવાનું શીખશે પણ માય ડીયર સન સ્પષ્ટ રીતે ‘પપ્પા’ બોલતા શીખી ગયો છે. (કયારેક ‘પાપા’ પણ બોલે છે) અને હજુ તો આ ભાઇસાબ ‘મમ્મી’ નો ‘મ’ બોલતા પણ નથી શીખ્યા! તેના દાદા-દાદી પણ આ રેસમાં હારી ગયા!
– વજન અપડેટ : 52 કિલો. આ રફ્તાર થોડી ધીમી પડી છે પણ ડૉક્ટરનું કહેવું છે કે ‘શરીરનો વિકાસ અમુક તબક્કા પછી ધીરે-ધીરે થાય છે. એટલે બેટા, ધીરજ રાખજે….’
– મારા કામકાજની લગભગ આખી દિશા બદલાઇ જાય એવી સંભાવનાઓ વધુ છે. નવો માર્ગ ઘણો લપસણો છે એટલે ઉતાવળમાં કોઇ અયોગ્ય નિર્ણય લેવાઇ ન જાય તેનું ધ્યાન રાખવાનું છે. જો કે અત્યારે વિચારવા માટે ઘણો સમય છે. (આ નિર્ણય સાથે મારું ભવિષ્ય સંકળાયેલું ગણી શકાય.)
– બુક્સ-ટીવી અને નાના-મોટા કામકાજના સહારે ગુજરી રહી છે આજકાલ. કોઇ-કોઇ બુક્સ જે ઘણાં સમય પહેલા અણસમજમાં કે આકર્ષાઇને વાંચી હતી તેને પણ રીપીટ કરવામાં આવી રહી છે. કેટલાક લોકોના વિચારો કે લખાણ પ્રત્યે પહેલા હું આકર્ષાયો હતો તેમાંથી ઘણાંના વિચારો હવે મને યોગ્ય નથી લાગતા અને કેટલાક લેખકોને વાંચીને લાગ્યું કે તેમનું લખાણ આટલી ઉત્તમ કક્ષાનું હતું તે મને ત્યારે કેમ નહોતુ સમજાયું. (હશે, કદાચ ત્યારે મારી અક્કલ ટુંકી હશે.)
– મારી નાની-મોટી સમજણ અનુસાર કેટલાક પુસ્તકના રીવ્યુ પણ અહી લોકોના માથે મારવામાં આવશે. (સહન કરી લેજો બાપલાઓ.)
– અત્યારે બે પુસ્તક વંચાઇ રહ્યા છે:
- એકલવીર – પૉલો કોએલો (Winner Stands Alone નો ગુજરાતી અનુવાદ)
- એકાવન સુવર્ણમુદ્રીકાઓ – ‘વિચારધારા’નો સંવત ૨૦૬૧નો દીપોસ્તવી અંક
(સૌરભ શાહના ૧૮ પુસ્તકોમાંથી પસંદ કરાયેલા લેખોનો સંગ્રહ)
– વર્ડપ્રેસના UI માં ઘણાં બદલાવ થઇ ગયા છે. અમે પણ બ્લૉગમાં ધીમે-ધીમે ઘણાં ફેરફાર કરી દીધા છે અને હજુ ઘણું ઉમેરવાનો વિચાર છે. (આ ‘મને ગમતાં બ્લૉગ્સ’ મેનુથી તકરાર થવાના ચાન્સીસ વધુ છે પણ એ તો જે થશે એ જોયું જશે.)
– ગુગલ રીડરમાં હવે તો દરરોજ જેટલીવાર ઓપન કરો ત્યારે સૌ પ્રથમ ‘બંધ થવાની ધમકી’ દેખાય છે પણ અમારી આદત છે કે હજુયે છુટતી નથી. રીડર તરીકે અન્ય ઉપાય અજમાવી જોયા પણ બીજે કયાંય જામતું નથી.
– બસ, હવે અટકીએ. આપનો ઇશ્વર આપને અને આપના સગા-વ્હાલાંઓને ઉત્તરાખંડ/કેદારનાથમાં થયેલ કુદરતની વિનાશક ‘લીલા’ જેવી સમસ્યાઓથી સમયસર બચાવતો રહે એવી આશા. કુશળ રહો.
. . .
ગુગલ રીડરની જગ્યા એ ફિડલી (feedly) વાપરો ! શીખવું થોડુંક અઘરું છે, પણ પછી ફાવી જશે.