અપડેટ્સ – 53 : વ્રજ, વરસાદ અને વાતો..

# વ્રજની સ્કુલ શરૂ થઇ ગઇ છે. સ્કુલ વાનમાં તેને ન ફાવ્યું એટલે તેને લેવા-મુકવાની જવાબદારી અમે દંપતિએ અમારા દમ પર ઉઠાવી લીધી છે! હવે તો આદત પડી ચુકી છે. (નર્સરીમાંયે ‘વિકલી-એક્ષામ્સ’ હોય એવું અમને વ્રજની સ્કુલથી જાણવા મળ્યું!) 

Wednesday-dress!
Wednesday-dress!

# લગભગ ચાર પ્રકારના સ્કુલ યુનિફોર્મ પણ અમને આપવામાં આવ્યા છે! (અલબત તેની કિંમત લઇને જ.) વાર-તહેવારે અલગ-અલગ ડ્રેસ પહેરાવવાના! કોઇ મા-બાપ મારા જેવા પણ છે જે ભુલી જાય છે કે આજે કયો દિવસ હતો અને કયો ડ્રેસ પહેરાવવાનો હતો! (અમારા મેડમજી એ બાબતે એટલા પરફેક્ટ છે કે તેમની આવી ભુલ થવી અશક્ય છે.)

# સ્વાભાવિક છે કે જે સીસ્ટમને અગાઉના માતા-પિતાએ સહર્ષ સ્વીકારી છે તેને અમારે પણ સ્વીકારવી પડે. અંગત રીતે હું આટલા નાના બાળકો માટે આ પ્રકારના સ્કુલીંગનો વિરોધી છું. (પણ કહેવું કોને? મારું તો મારા ઘરમાંયે ન ચાલ્યું! 🙁 )

# અત્યારે તો મેડમજી વ્રજના દરેક સ્કુલ વર્કમાં ઉંડો રસ લે છે અને સ્કુલના વિવિધ નખરાંઓ (બોલે તો એક્ટીવીટીઝ) પ્રત્યે પણ વધુ-ઉત્સાહિત છે. આશા રાખીએ કે આ ઉત્સાહ હંમેશા ટકી રહે. વ્રજને પણ નવું શીખવું ગમે છે એ સારી વાત છે છતાંયે મેડમજીને મારી એક સલાહ કાયમ આપવાની રહેતી હોય છે કે વ્રજને આપણે ત્યાં કંઇક શીખવા માટે મોકલ્યો છે અને આપણો ઉત્સાહ કે અપેક્ષા તેનો શીખવાનો આનંદ અવરોધી ન લે તેનું ધ્યાન રાખવું.

# હવે સિઝનલ વાત. આજકાલ વરસાદ મસ્ત આવે છે. હા એટલો ધોધમાર ન કહેવાય તો પણ સારો કહી શકાય એવો છે. આવો વરસાદ લગભગ દરેકને ગમતો હશે. (કોઇ-કોઇ અપવાદરૂપ વ્યક્તિઓ પણ હશે.)

# અત્યાર સુધી અમદાવાદમાં કોઇ મોટા ‘ભુવા’ કે વરસાદી નુકશાનના સમાચાર નથી મળ્યા પણ આસપાસના અન્ય રાજ્યોમાં વરસાદી પાણીએ લોકોને પરેશાન કર્યાની જાણકારી મળી છે. (એમ તો ચીનમાં પુરથી ભારે નુકશાન પણ થયું છે.)

# તમે કયારેય વરસાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ટહેલવાનો આનંદ લીધો છે? – ના લીધો હોય તો લેવા જેવો છે. કોઇના સાથ વગર વરસતા વરસાદમાં એકલા-એકલા ચાલતા જવાનો પણ અનેરો આનંદ હોય છે! (વધારે ન પલળવું, અગર બીજુ કંઇ થાય તો જવાબદારી અમારી નથી.)

# આ વર્ષે શરૂઆતથી જ ફરવા-રખડવાનું ઘણું બન્યું છે એટલે અમે જુનમાં નક્કી કર્યું’તું કે હવે ૨૦૧૭ ન આવે ત્યાં સુધી ક્યાંય દુર ફરવા જવાનો પ્લાન ન બનાવવો. પણ એમ નક્કી કરવાથી અમે અટકતા નથી ને…! અને આવતા સપ્ટેમ્બરમાં ગોવાની ટ્રીપ ફાઇનલ કરી દીધી છે. મારી માટે ગોવાનો આ ચોથો અને મેડમજી સાથેનો પ્રથમ પ્રવાસ હશે. (નોંધઃ આ એક્સ્ટ્રા જાણકારી પ્રત્યે વધુ લક્ષ ન આપવું.)

# પ્રવાસથી યાદ આવ્યું કે જયપુર વિશે એક પોસ્ટ લખવાની હતી. ચલો તેને આગળ કયારેક ઉમેરવામાં આવશે એવી આશા રાખીએ. (આપને થશે કે જો એ વિશે અત્યારે કંઇ લખવું જ નથી તો આ વાતને અહીયા ઉમેરવાનો શું મતલબ હોઇ શકે… તો તેનો જવાબ એ છે કે ફરી જયારે હું કંઇક લખવા બેસુ ત્યારે લગભગ છેલ્લી પોસ્ટ દેખતો હોઉ છું અને ત્યારે મને શું લખવું તે યાદ કરવવા માટે આ નોંધ ઉપયોગી બને છે!)

# ઓકે. હવે બીજું કંઇ સુઝતું નથી એટલે આજે અહી અટકીએ. ફરી મળીયે ત્યાં સુધી.. આવજો..

# ખુશ રહો!

2 thoughts on “અપડેટ્સ – 53 : વ્રજ, વરસાદ અને વાતો..

  1. આટલી નાની ઉંમરે સ્કૂલિંગ’નો તો હું પણ ખાસ પ્રશંસક નથી પણ અત્ર તત્ર સર્વત્ર અઢી’થી ત્રણની આસપાસથી જ બાળક પ્લેહાઉસ અને આગળ… જવા લાગે છે તેથી . .

    પણ એક વાત સારી છે કે સામાન્ય ઘરના સંજોગો કરતા તે અહીં બીજા બાળકોની સાથે કૈક નવીન જ પ્રવૃતિઓ કરે છે અને નિતનવીન શીખતું જાય છે [ છોકરીઓ આ બાબતે છોકરાઓ કરતા ક્યાંય વધુ આગળ હોય છે ]

    બાય ધ વે : આ રૂપકડા ડ્રેસ’મા આ છોલે ભટુરાવ કેટલા મસ્ત લાગે છે , નહીં !? 🙂

    1. એમ તો વ્રજ ને મજા આવે એવી બધી પ્રવૃતિઓ છે એટલે સાહેબ ખુશ-ખુશ હોય પણ નાના બાળકને હમણાંથી પરિક્ષાઓના ચક્કરમાં નાખવા મને ઠીક નથી લાગતું. હા એ વાત સાચી કે ત્યાં બધાની સાથે જે શીખે છે તે બધું ઘરે શીખવવા જઇએ તો તેને ચેન જ ન આવે.

      ડ્રેસ તો દરેક મસ્ત છે અને તે દરેક ડ્રેસના એક-એક ફોટો સમયાંતરે રજુ કરવાનો વિચાર છે. 🙂

બોલો, શું કહેવું છે તમારે...