આપણે હવે ઝઘડવું નથી..

two rings

બહુ બોલ્યા, હવેથી થોડા ચુપ રહીશું,
બીજું કાંઈ કહેવું નથી;
આપણે હવે ઝઘડવું નથી…

ઘણું લડ્યા; થાકીને એકબીજાથી વિખુટાય પડ્યા,
જે થયું, થઈ ગયું છે.. જુનું બધું યાદ કરવું નથી,
આપણે હવે ઝગડવું નથી…

પ્રેમ તારો સાચો હતો, લાગણી મારી ખોટી ન’તી,
તો માફ કરી દેવું એટલુંય અઘરું નથી,
આપણે હવે ઝગડવું નથી.

તું કહે, કેમ જીવીશું? સાથે ફરી પ્રયાસ કરીશું?
એકબીજાને જીવનભર તરસવું નથી..
આપણે હવે ઝગડવું નથી…

ઐયો રામા, નિસર્ગા

થોડા દિવસો પહેલાં એક વાવાઝોડું આવ્યું અને ફેસબુક-ટ્વીટર પર #NisargaCyclone સિઝનલ ટ્રેંડ ચાલ્યો. આખું ભારત ટ્રેંડમાં જોડાયું, પણ મુખ્યત્વે અસરકારક વિસ્તાર હોવાના લીધે મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકો મારા ધ્યાનમાં વધારે આવ્યા. (કદાચ હું જે લોકો વચ્ચે રહું છું તેમાં આ લોકો વધારે છે એટલે એવું બની શકે.)

ના, આજે નોંધનો વિષય વાવાઝોડું નથી અને આજે તેનાથી થયેલાં નુકશાન વિશે લખવાનો ઇરાદો નથી. એમપણ અમદાવાદમાં તેના કારણે માત્ર વરસાદ પડયો છે અને એય કોઇ-કોઇ વિસ્તારોમાં. (વાદળોએ પણ કોરોનાની જેમ ઝોન બનાવી લીધા લાગે છે. નક્કી કરીને વરસે છે!)

તો હવે મુદ્દા ઉપર આવું. મહારાષ્ટ્રના લોકો તેમનું કુટી ખાશે, અહીયાં ગુજરાતીઓની વાત વધારે કરવી છે. આ ઘટના હમણાં બની એટલે વાતો તાજી થઇ ગઇ પણ એક રીતે આ ઘણી જુની બબાલ છે. (હા કારણ વગરની માથાકૂટ કહી શકો.)

તો, મુદ્દો છે નામ અને તેનો ઉચ્ચાર.

નિસર્ગ કે નિસર્ગા?

હકિકત એ છે કે બાંગ્લાદેશે આ વાવાઝોડાને કુદરતને અનુરુપ નિસર્ગ (Nisarg) નામ આપ્યું હતું; તો પછી એવું શું થયું કે તેનું નામ ગુજરાતીમાં નિસર્ગા (Nisarga) થઇ ગયું?

તેનું કારણ છે આપણાં અંગ્રેજ ગુજરાતીઓ. હા, અંગ્રેજ ગુજરાતી! ગુજરાતની આ એવી જનરેશન છે જેના વિચારો પણ અંગ્રેજીમાં હોય છે અને આ લોકો માત્ર સ્પેલીંગ બદલવાથી ન અટક્યા, સ્પેલીંગ મુજબ તેનો “નિસર્ગા” ઉચ્ચાર પણ અપનાવી લીધો!

આઝાદી પછી દેશની એજ્યુકેશન સિસ્ટમમાં સાઉથ-ઇંડીયન, બંગાળીઓ, ડાબેરી-વામપંથી અને વિદેશમાં ટીપટોપ ભણીને આવેલાં લોકોનું જોર વધું રહ્યું. તેઓ સ્વભાવે જ હિંદી વિરોધી હતા. (આજે પણ છે!) એટલે અંગ્રેજી તરફ જોર વધારતા ગયા. આજે પણ દેશનો મુખ્યત્વે વહિવટ અંગ્રેજીમાં ચાલે છે, હિંદી તેમને સ્વીકાર્ય નથી. બન્યું એવું કે ઇતિહાસ અને શાસ્ત્રોને તેમની મરજી અને મંતવ્ય મુજબ અંગ્રેજીમાં ફેરવવામાં આવ્યા. અંગ્રેજી મીડીયમના અભ્યાસક્રમ પણ આ જ લોકોની વિચારધારા મુજબ સેટ કરવામાં આવ્યા. મહાન ભારતવર્ષનો કેટલો લાંબો ગૌરવિત ઇતિહાસ હોવા છતાં માત્ર “મુઘલો જીંદાબાદ” -વાળો જે ઇતિહાસ આપણે ભણીએ છીએ તે પણ આ જ લોકોના મગજની ઉપજ છે. ખૈર, આ વળી બહુજ લાંબો અને અલગ મુદ્દો છે. આજે તેની ચર્ચામાં ન પડીએ.

મુળ મુદ્દા ઉપર આવીએ. નામ અને ઉચ્ચારનો આ ડખો અંગ્રેજી મીડીયમને લીધે થયો છે. અભ્યાસક્રમમાં આપણાં આ શબ્દોને અંગ્રેજી ભાષામાં ઢાળનાર એવા લોકો હતા જેમણે પોતના અનુસાર અર્થઘટન કર્યુ. નામ ઉચ્ચારણની આ દક્ષિણ ભારતીય શૈલી છે. પરંતુ મને વાંધો દક્ષિણ ભારતીયોના ઉચ્ચારણથી નથી. તેમની ભાષા છે, તેમના ઉચ્ચાર છે, તેમની સંસ્કૃતિ છે તો તેઓ તે પ્રમાણે જ બોલશે. તેમનો હક છે તે મુજબ વર્તવાનો.

ભુતકાળમાં જે થયું તે પણ હવે મારો વાંધો એવું ભણતર લઈને ડોઢ-અંગ્રેજ બનેલા અંગ્રેજી મીડીયમવાળા ગુજરાતીઓના ઉચ્ચાર પ્રત્યે છે. જેને નામ તરીકે રામ સ્વીકાર્ય નથી, રામા જ યોગ્ય લાગે છે! હે રામ… નામની આવી જ દશા શિવા, કર્ણા, દશરથા, રાવણા જેવા ઘણાંની છે. કંસને કોઇ કંસા કહે એ તો કેવું વિચિત્ર લાગે. 🤦‍♂️ ક્યાંક આ વિશે વાંધો લીધો તો કોઇ મહાન ગુજરાતી જ મારી સામે પડ્યા કે તે આપણાં જ સાઉથ ઇંડીયન લોકોની બોલી છે તો આ વિશે આપણાં જ ભારતીય ગુજરાતીઓને ‘અંગ્રેજ-ગુજરાતી’ કહેવું એ તેમનું અપમાન કરવા સમાન છે.

અંગ્રેજી મીડિયમમાં ભણતાં આવા બાળકો તેમની ગુજરાતી ભાષામાં થતી ચર્ચામાં પણ આ જ શબ્દોનો ઉપયોગ કરે છે. આપણી પોતાની માતૃભાષા, સંસ્કૃતિ અને ઓળખ છે; આપણું વ્યાકરણ અને મૂળાક્ષરો છે, ઉચ્ચાર છે. મારા મતે આપણી એ નવી પેઢીને સાચા શબ્દો શિખવવા જરુરી છે. મોડર્ન બનીને પાંડવાઝ અને કૌરવાઝ તરીકે મહાભારતની ચર્ચા કરતાં ગુજરાતીઓ ઘણાં હાસ્યાસ્પદ લાગે છે. કોઇ તો રોકો એમને…


સાઇડટ્રેક:

એકવાર શ્રી શ્રી રવિશંકરના આશ્રમમાં જવાનું થયું હતું જ્યાં કોઇ વિખ્યાત ગુજરાતી સ્કોલરનું શારિરીક સ્ત્રાવ વિશે લેક્ચર હતું. સામે 100 ટકા ગુજરાતીઓ બેઠા હોવા છતાં તેણે આખુ ભાષણ અંગ્રેજીમાં આપ્યું; જ્યારે એમાંથી 10 ટકા લોકોને પણ સામાન્યથી વધુ અંગ્રેજી ન’તું આવડતું!
આજેય તેમાંથી કોઇ મળી જાય તો એ લેક્ચરર’નો ઉલ્લેખ કરીને ત્યારે તેના મોઢે પચ્ચીસેક વખત બોલાયેલો એક ત્રિ-શબ્દ ખાસ યાદ કરીએ અને બધા સાથે હસી પડીએ. હા, અનએજ્યુકેટેડ કહી શકો છો અમને. 😉

તે ત્રિ-શબ્દ હતો : વાતા-પિત્તા-ક્ફ્ફા

અમદાવાદીઓ મરશો

લોકો, સરકાર અને કોરોના, આ બધાય ગુનેગાર છે; ભેગા થઈને આખા અમદાવાદની પથારી ફેરવી નાખી છે. કોઇ વિસ્તાર બાકી નથી રહ્યો હવે.

ડેન્જર હાલત છે તોય અમદાવાદમાં મનફાવે ત્યાં બિન્દાસ્ત જઈ-આવી શકાય છે. કોઈ ગંભીરતા પણ જણાતી નથી. અહિયાં લોકો કોરોનાને હળવાશમાં લેતા હોય એવું લાગે છે. સરકારી અધિકારીઓ હવે સરકારી ઢબે કામ કરી રહ્યા છે. કમિશનર બદલીને અને દોષ બીજા ઉપર નાખીને નેતાઓ-અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છુટી જવાના બહાના શોધી રહ્યા છે.

રોગચાળાને કાબૂમાં રાખવા માટે શહેરના મેયર અને રાજ્યના મુખ્યમંત્રી તો સખત કાચા પુરવાર થયા છે. આંકડાની રમત કરીને અને પોતાના વખાણ કરીને હકીકત દબાવી રહ્યા હોય તેવું લાગે છે. સાચી વાત કોઇ કોઇને કહેતું નથી. સરકારે તો હાથ ઉંચા કરી લીધા હોય એવી હાલત છે. અમદાવાદને વુહાન બનતા કોણ અટકાવશે?

વળી આજકાલ તો મેસેજ પણ ફરવા લાગ્યા છે કે કોરોનાથી ડરવાની કોઈ જરૂર નથી! એ વાત સાચી છે કે લોકોને કાયમી ઘરમાં પુરી ન રખાય અને કામકાજ વગર હવે છુટકો નથી; પણ અમદાવાદમાં સ્થિતિ હવે ઘણી નાજુક બની ગઈ છે. અહીયાં તો નાછુટકે કડક શિસ્ત જાળવવી પડે એમ છે.

જ્યાં કોઈ કેસ નથી અથવા તો બે પાંચ કેસ છે ત્યાં લોકડાઉનમાં છૂટ આપવામાં આવે એ સમજાય પણ અમદાવાદમાં લોકડાઉન ખોલીને બધાને આમથી તેમ થવા દેવાનો નિર્ણય મને વિચિત્ર લાગે છે. શહેરમાં લોકડાઉનમાં છૂટ આપ્યા પછીની સ્થિતિની સમીક્ષા કરવી પણ ઘણી જરૂરી છે.

લોકો સોશીયલ મિડીયા પર ફરિયાદ કરી રહ્યા છે કે કોરોના હેલ્પલાઇન ૧૦૪ પર કોઈ જવાબ મળતો નથી. બીમારીના લક્ષણ હોવાની જાણ કરવા છતાંયે કોઈ ટેસ્ટ કરવા પણ આવતું નથી અને એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચતી નથી. મેં જાતે પુરી ખાતરી તો નથી કરી પણ આ વાતોમાં સચ્ચાઈ હોઇ શકે છે.

ત્રણ દિવસ પહેલાં મેડમ અને છોકરાંઓને મુકવા સાસરે જઈ આવ્યો. તે સિવાય અન્ય કામસર બીજા બે ગામમાં પણ જવાનું થયું. જ્યાં જઈએ ત્યાં બધે ગાડી ઉપર લાગેલી નંબર-પ્લેટ જોઈને સ્થાનિક લોકો ભડકે છે!

ભરૂચમાં રહેણાંક સોસાયટીઓએ નિયમ બનાવ્યો છે કે અમદાવાદ-સુરતમાંથી કોઈને સોસાયટીમાં પ્રવેશ ન આપવો અને જો કોઈ ત્યાંથી આવે તો જેના ઘરે આવ્યા હોય એ બધાએ ૧૪ દિવસ ફરજિયાત કવોરનટાઇનમાં રહેવું.

ચીખલી પાસે બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં તો GJ 01 ની ગાડી જોઈને ગામમાં એન્ટ્રી જ ના આપી. એન્ટ્રી ન આપવા બદલ કોઈ ફરિયાદ નથી પરંતુ મને વિચાર એ આવે છે કે ત્યાં આટલી બધી કાળજી લેવાય છે અને કોરોના-જ્વાળામુખી બનેલાં અમદાવાદમાં કોઈ જ રોકટોક નથી.

આ વિષયથી દુર રહેવાનો ઘણો પ્રયત્ન કરું છું છતાંયે વાસ્તવિકતાને કેટલો સમય ટાળી શકાય. દુઃખ થાય છે એ જોઈને કે હવે આ શહેરથી બહાર જતાં દરેક અમદાવાદીને કોરોના-આતંકવાદી તરીકે દેખવામાં આવે છે. હું અહીયાં આવી અપડેટ્સની નોંધ કરીશ એવું તો ક્યારેય ન’તું વિચાર્યું.

🙁