Apr’20 : અપડેટ્સ

કેટલાય દિવસથી વિચારું છું, છેવટે હા-ના કરતાં-કરતાં આજે મારો મુળ વિષય હાથમાં લીધો છે. આ વિશે ગમે ત્યારે લખી શકાય એમ હોવા છતાં આટલાં દિવસોની નવરાશમાં પણ આ મુદ્દો ખોવાઇ ગયો હતો! (હા, આળસમાંથી નવરાશ મળે તો ને..)

છેલ્લે 7 માર્ચ પછી હવે ઘણાં દિવસ પછી મારી પોતાની અપડેટ્સ લખાઈ રહી છે, એટલે જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ વધવાની શરૂઆત કરું જેથી અપડેટ્સની કડી જોડાયેલી રહે. (ડીયર બગી, પોતે લખેલું પોતે જ વાંચવું છે, તો કોના માટે આ કડી જોડવી છે તારે? 🤔)

લોકડાઉન યુગ શરૂ થયો તેનાથી થોડાં જ સમય પહેલાની આ વાત છે. આ એ જમાનો છે જ્યારે બધા મુક્ત રીતે હરતાં-ફરતાં હતા અને કોરોના માત્ર સમાચારોમાં જ દેખાતો હતો. માસ્ક માત્ર ડોક્ટર્સ પહેરતા હતા અને રોડ-શહેર ટ્રાફિક અને ઘોંઘાટથી ગાજતા હતા. (ટુંકમાં, બધું સામાન્ય હતું.)

સાઇડટ્રેકઃ કોઇવાર ક્રિકેટમાં કે બીજી કોઈ રમતમાં દરેક સાથે એકવાર તો થયું જ હશે કે તમારે દાવ લેવાનો વારો આવે ત્યારે જ કંઈક એવું બને કે તમારે ક-મને પણ પરિસ્થિતિ સ્વીકારી લેવી પડે અને તમારો વારો-રમતની મજા જતી કરવી પડે. “જેઓની સાથે આવું ક્યારેય ન બન્યું હોય તેમના જીવન ઉત્તેજના વિનાના શુષ્ક હશે.” -એવું બાબા બગીચાનંદ કહે છે. (અમારા બાબા જ સત્ય છે, બીજું બધું મિથ્યા છે! 😎)

સમયની ચાલ નિરાળી છે, જ્યારે 15 દિવસ બિમારીના લીધે ઘર-હોસ્પિટલમાં વિતાવ્યા પછી હું એવું અનુભવી રહ્યો હતો કે હવે ફરી મારો વારો આવ્યો છે દુનિયામાં બંધન-મુક્ત વિહરવાનો; ત્યારે જ કોરોના વાઇરસ નવી મુસીબત તરીકે મારા અરમાનોની પથારી ફેરવી નાખે છે. (કોઇને મારી આઝાદી સાથે અંગત-અદાવત હોય અને તેણે મને રોકવા માટે કોરોના ફેલાવ્યો હોવાની શંકા કરી શકાય? #કુછ_ભી)

ઉપરની બધી વાત પ્રસ્તાવના હતી, તેમાં અપડેટ એટલી જ છે કે 15 દિવસ પછી તબિયતમાં સુધારો જણાતા બે દિવસમાં કુલ ચાર કલાક માટે જ ઓફિસ ગયો હોઇશ અને મોદી સાહેબે દેશવાસીઓને જનતા-કર્ફ્યુ માટે વિનંતી કરી. બધાએ સ્વીકારી, પણ જનતા કર્ફ્યુનો દિવસ પુરો થાય એ પહેલાં તો ગુજરાત સરકારે લોકડાઉનની જાહેરાત કરી દીધી. (મૈ ઘર મેં થા, ઘર મેં હી રેહ ગયા.. મેરા જીવન કોરા કાગજ…. 😭)

અમદાવાદમાં લોકડાઉનને આજે લગભગ 40 દિવસ થયા છે. હું ઘરમાં જ છું. મારા ડોક્ટરના મતે રોગ-પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી મને કોરોનાનો ચેપ લાગે તો રીકવર થવાની સંભાવના ઓછી છે. બે-ચાર વાર શાક-પાંદડા અને દવા-દારુ માટે દુકાન સુધી ગયો હોઇશ પણ એ સિવાય ઘરથી બહાર નીકળ્યો નથી. (દવા-દારુ એક જ શબ્દ છે; તો-પણ, શોખીન સજ્જનો શબ્દના અડધા ભાગ ઉપર નજર અટકાવી રાખશે.)

વર્તમાન કે ભવિષ્યનો કોઇ વિચાર કર્યા વગર કામકાજ અને નિયમિત લાઇફથી દુર કેટલાક દિવસ હું માત્ર મારી સાથે રહી શકું એવો સમય મેળવવાની ઘણી જુની ઇચ્છા હતી; પણ કોરોના વાઇરસના લીધે ખરેખર એવા દિવસો દેખ્યા ત્યારે શરુઆતમાં થોડું અઘરું થઇ ગયું. અહી 26 માર્ચની એક પોસ્ટ તે જ અઘરી સ્થિતિ દર્શાવતી હતી. બિમારીના લીધે એમપણ હું 15 દિવસથી ઘરમાં પુરાયેલો હતો અને પછી થયું લોકડાઉન…

ખૈર, લોકડાઉન થયા પછીના બે-પાંચ દિવસ નિયમિત સમાચાર જોવામાં, સોસીયલ મીડીયામાં, બાકી રહી ગઇ હોય એવી મુવી-સીરીઝ જોવામાં, કામ વગર ઘરે પુરાઇ રહેવાની વાતોમાં નિકળ્યા. પછીના દસ-પંદર દિવસ સમાચારોથી અંતર જાળવવામાં અને ભારે વિષયોની મુવી-સીરીઝ ટાળવામાં ગુજર્યા. વિચિત્ર વિચારો, ગભરાટ, ઉચાટ અને થોડા સમયના ડિપ્રેશન બાદ હવે એ માનસિક અવસ્થામાં છું જેમાં વિચારો સ્થિર છે અને એકંદરે મન શાંત છે. (મારા માટે આ સ્થિતિ જાળવી રાખવી જરુરી છે.)

હવે માત્ર હળવી અને મોટેભાગે એનીમેશન મુવી, કોમેડી સિરિઝ જોવાનું રાખુ છું. અમદાવાદ-ગુજરાતના જરુરી ન્યુઝ સિવાય કોઇ જ જાણકારી રાખવી નથી. દિવસનો મોટા ભાગનો સમય નાયરા સાથે રમવામાં વિતે છે અને બાકીનો સમય ઉંઘવામાં, ખાવા-પીવા-નાહવામાં, મહાભારત-રામાયણમાં વિતે છે. (બસ, લાઇફ યુ હી કટ રહી હૈ..)

નાયરાની વાતથી યાદ આવ્યું આ આખી અપડેટમાં હજુ સુધી વ્રજનો કોઇ ઉલ્લેખ નથી થયો. નાયરાના જન્મદિવસની વાતોમાં પણ તે ક્યાંય ન’તો. કેમ? તેની અલગ ઘટના છે. એક લોકડાઉન-સ્ટોરી છે. સિરીયસ કંઇ નથી, પણ તે વિશે નવી પોસ્ટમાં નોંધ કરીશ કેમ કે આ પોસ્ટ ઘણી લાંબી થઇ ગઇ છે તો અહીયા પુરી કરું. (વળી આજે તો કંટાળાજનક વાતો જ લખી છે.)

અચ્છા, બે દિવસ પહેલાં બગીચાનો ટાઇટલ લોગો અપડેટ કર્યો છે. નોટીસ કીયા ક્યા? (મૈને બનાયા હૈ બાઉજી, મૈને! #પ્રફુલપારેખ)

😊

બગ્ગુ’નો ત્રીજો જન્મદિવસ

Nayra's third birthday
Happy Birthday Nayra ❤

16 એપ્રિલના દિવસે નાયરા ત્રણ વર્ષની થઈ. આ દિવસો ફટાફટ નીકળી ગયા હોય એમ લાગે તે મારા માટે હવે કોઈ નવી વાત નથી. સમયને પકડવામાં હું જ ધીમો હોઉ તો તેમાં સમયની ઝડપનો વાંક કાઢવો ઠીક નથી. (અબ જો સહી હૈ, તો હૈ)

સ્વાભાવિક છે કે આ દિવસ માટે અમે આનંદિત હોઈએ અને વિદેશી પદ્ધતિથી ઉજવણી કરવા આતુર બનીએ; પરંતુ કોરોના રોગચાળાથી ઉદ્દભવેલ વિચિત્ર પરિસ્થિતિ સામે લાચાર બનીને અમે પરિવારના સાડા-ચાર સભ્યોએ ટુંકમાં સંતોષ માની લીધો. (બીજો કોઇ વિકલ્પ પણ ન’તો.)

લોકડાઉન હોવાથી બહારથી કેક પણ મળી શકે એમ ન હોય ત્યારે મર્યાદિત સ્ત્રોત અને સાધનોનો ઉપયોગ કરીને ઘરે જ બધી વ્યવસ્થા કરવામાં આવી. મેડમજીએ ઘરે કેક બનાવી અને તે પ્રક્રિયામાં સહયોગ કરવાનો મેં પણ આનંદ લીધો. તે મીઠા પદાર્થની છબી અહી યાદગીરી તરીકે જોડવામાં આવી છે. (કોઇ દેખાડો સમજે, તો એ પણ ખોટું નથી. 😋)

બગ્ગુના જન્મદિવસની કેક

એમ તો આ કેક’ને સજાવવાનો સંપૂર્ણ શ્રેય હું પોતાને આપીશ. આ ક્ષેત્રે કોઈ જ અનુભવ ન હોવા છતાં માત્ર બે-ત્રણ વસ્તુઓથી બધાને ગમે એવી સજાવટ કરવામાં હું સફળ થયો તે જાણીને મને પોતે નવાઇ લાગી. પોતાની કળા પર થોડુક અભિમાન પણ થઈ આવ્યું. (પોતાની કળા પર અભિમાન તો હોવું જ જોઇએ. 😎)

પ્રથા અનુસાર હેપ્પી બડ્ડે નાયરા ગીત ગાઇને અને કેક-કટીંગ વિધી પુરી કરીને જન્મદિવસની ઔપચારિકતા પુરી કરવામાં આવી. ત્યારબાદ એકબીજાને કેક ખવડાવીને મોઢું મીઠું કર્યું અને મેં ઢગલો ફોટોને કેમેરામાં કંડારીને સમયને ચિત્રમાં હંમેશા માટે સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો. (સમય ક્યારેય અટકતો નથી, છતાંયે આપણે પ્રયત્ન છોડતા નથી હોતા.)

જન્મદિવસની કેક સાથે નાયરા..

Nayra's birthday

કેક ઉપર ઉંમર દર્શાવતો નંબર 3 લખવો હતો પણ તે માટે બીજો ઉપાય ન સુઝયો એટલે મીણબત્તીનો ઉપયોગ કરીને મન મનાવ્યું; એમ પણ મમ્મીના આગ્રહથી મીણબત્તી સળગાવવા-બુઝાવવાની પ્રથા રદ કરી હતી. (રદ કરવાના કારણમાં વોટ્સએપ યુનિવર્સીટીનું જ્ઞાન જવાબદાર ગણી શકાય.)

આ ઉપરાંત આ દિવસની યાદગીરી તરીકે નાયરા સાથે અમે બધાએ બીજા ઘણાં ફોટો પણ ક્લીક કર્યા છે, જેને ગુપ્તતાના નિયમ અનુસાર અહી રજુ કરવામાં નહી આવે. #ક્ષમા

પણ બગ્ગુ પર એવો કોઇ નિયમ લાગુ થતો નથી, એટલે આ દિવસના સંભારણારુપ એવા બીજા બે ફોટો અહી ચોંટાડવાની મારી ઇચ્છા થાય છે. (અને મારી આ ઇચ્છા હું હમણાં જ પુરી કરુ છું! 😉)

Nayra Photo in brown dress
Nayra Photo

આ વખતે પહેલીવાર જન્મદિવસે મારા વોટ્સએપ અને ફેસબુક-ઇન્સ્ટાગ્રામની પર્સનલ પ્રોફાઇલના સ્ટેટસમાં તે વિશે અપડેટ મુકવામાં આવી. (પ્રોજેક્ટઃ Being Social)

પરિવારજનો, મિત્રો અને બિઝનેસ-કોન્ટેક્ટ્સમાંથી અલગ-અલગ લોકોના ત્યાં બધે એટલા બધા મેસેજ આવ્યા કે બધાને પર્સનલી પ્રતિભાવ આપવો અઘરું કામ લાગ્યું એટલે ઉપરોક્ત દરેક જગ્યાએ સાંજે ફરી એક આભાર-સ્ટેટસ બનાવીને મુકવામાં આવ્યું. (અને તેની પર વળી અલગથી પ્રતિભાવ મળ્યા!)

અહીં તે આભાર-સ્ટેટસની ઇમેજને પણ ખાસ જોડવામાં આવે છે કેમ કે તેમાં નાયરાનો એક બહુજ મસ્ત ફોટો છે. વળી, અહીં મારા આનંદના ભાગીદાર બનનાર સૌનો આભાર માનવાનો મારો ઇરાદો પણ છે. 🙏

cute smile and thank you

બંધનના આ દિવસને પણ અમે યાદગાર બનાવીને ખુશ થયા. ઉજવણીના આ દિવસે ઉપરની દરેક છબી કંડારનાર તથા તેમાં જરુરી કારીગરી ઉમેરનાર સજ્જનનો પણ ખુબ-ખુબ આભાર માનવો જોઇએ. (હા, અહીયાં મારી જ વાત થાય છે!)

😊

જુનું-જુનું

લોકડાઉનમાં પબ્લીક ડિમાન્ડ ધ્યાનમાં લઇને સરકારે દુરદર્શન પર રામાયણ અને મહાભારત શરૂ કરાવ્યા. તરત નવી માંગ ઉઠી કે જુનું શરૂ કરો જ છો તો શક્તિમાનને પણ લાવો અને સરકારે એ પણ સ્વીકારી લીધું!

પછી તો એવી એવી માંગણીઓ શરૂ થઇ કે ચાણક્ય શરૂ કરાવો અને આમ ને આમ બ્યોમકેશ બક્ષી, સરકસ, બુનિયાદ, અલિફ લૈલા, શ્રીમાન-શ્રીમતી વગેરે શરૂ થયા. ટીવીનો એક આખો યુગ ફરી પાછો આવી ગયો.

એમાં સાથ પુરાવ્યો અમુલની એ ટાઇમની જાહેરાતોએ. ‘અમુલ દુધ પીતા હૈ ઇન્ડીયા‘ હવે નાયરા પણ મસ્ત ટ્યુનમાં બોલે છે! હા, તેને રામાયણથી સખત ચીડ થાય છે પણ તેનું કારણ અલગ છે; રામાયણના કારણે તેના કાર્ટુન મીસ થઇ જાય છે. 😊

હું રામાયણ સખત રસ સાથે જોઇ રહ્યો છું. વર્ષો પહેલાં જોવાયેલી આ જ રામાયણ આજે ઘણો જ અલગ સંદેશ આપે છે. ભગવાન જેવા કોઇ જ વિષય સાથે સંબંધ ન હોવા છતાંયે ભારતીય ઇતિહાસના એક મહામાનવ અને તેની આસપાસના અન્ય કિરદારોના ઉચ્ચ આદર્શ-ત્યાગ-મહાનતા હ્રદયને સ્પર્શે છે.

કેટલુંક અવાસ્તવિક પણ લાગે, ક્યાંક અતિશ્યોક્તિ પણ જણાય છે પરંતુ તે બધું જે-તે સમયમાં નોંધનાર વ્યક્તિના નાયક પ્રત્યેના અતિપ્રેમ વશ હોઇ શકે. રાજાને ભગવાનનો દરજ્જો આપવાની પ્રથા રામાયણ-કાળથી પણ જુની છે. આપણે તો મુળ ઉદ્દેશ પકડીને ચાલીએ તો પણ કથાનક અને તેનું હાર્દ સુંદર છે. રામની સ્થીરતા અને પ્રસન્નતા અપનાવવા જેવી છે.

નવા સમયમાં પણ આવી ઘણી સીરીઝ બની ચુકી છે પણ જુની રામાયણ ગમવાનું કારણ એ પણ છે કે ખોટા ઉમેરણ અને એક્સ્ટ્રા મેલો-ડ્રામા વગર પોઇન્ટ-ટુ-પોઇન્ટ ચાલી રહી છે. તે સમયના ઉપલબ્ધ સાધનો અનુરૂપ બનેલ આ સીરીયલ ઉત્તમ ગણાય એમ છે.

સાથે-સાથે મહાભારત પણ ડીડી-ભારતી પર પ્રસારિત થઇ રહી છે. તેનો પણ એક અલગ સ્વેગ છે! રામાયણથી આગળ વધીને અહીયાં છળ-કપટ-ઇર્ષા-વેર બધું છે. અહીયાં પણ જ્ઞાન તો છે જ પણ કોણ કયું જ્ઞાન મેળવશે તે મેળવનારના પક્ષે વધુ છે, કારણકે મહાભારતમાં માણસની દરેક વૃતિ-પ્રવૃતિનો સમાવેશ છે.

બેશક રામાયણ અને મહાભારત બંને પોતાની ખાસ વિશિષ્ટતા ધરાવે છે. કોઇ એકને બીજાથી ચડીયાતું ન કહી શકાય. આ કોઇ કાલ્પનિક કથા છે કે ઇતિહાસ તે વિશે વર્ષોથી ખોટી ચર્ચા ચાલે છે. મારા મતે તે ભારતવર્ષનો ઇતિહાસ છે.

અચ્છા, આટલા વર્ષે જાણ્યું કે ‘રામાયણ‘ શબ્દનો અર્થ થાય છે ‘રામની યાત્રા‘.

🙏