હું છું આ બગીચાનો માળી. આમ તો હું એ જ છું જેને તમે બધા ઓળખો છો અને હું એ પણ છું જેને તમે કોઇ ઓળખતા નથી. દિલથી અમદાવાદી અને મુડથી થોડોક મસ્તીખોર એવો એક સામાન્ય ભારતીય નાગરિક; જે અહી પોતાના વિચારો અને અનુભવો મનમાં આવે એમ લખ્યા રાખે છે.
ભુતકાળની ભુલને ભુલ તરીકે ન સ્વીકારનાર વ્યક્તિ આજે ફરી એક ભુલ કરે છે એમ કહી શકાય.
B.B.
ભારતમાં સેક્યુલર અને બૌધ્ધિકોની એવી જમાતના લોકો પણ છે કે, જેઓ અંગત લાભ અથવા તો ખાસ હેતુ માટે વાતને ગોળ-ગોળ ફેરવીને જાણકારી આપે છે!
આ લોકો ક્યારેક સત્યને છુપાવે નહી, પણ તેને તોડી-મરોડીને કે પછી ઢાંકીને એવી રીતે રજૂ કરે છે કે જેથી અસત્યની આબરુ પણ જળવાઇ રહે..
બગીચાનંદ
*ઉગેલું એટલે કે.. ક્યારેક એમ જ અમારા નાનકડાં મનમાં અચાનક અંતઃસ્ફુર્ણાથી આવેલો ખયાલ; કે જે વાક્યમાં બ્રહ્મવાક્ય જેવું જ્ઞાન હોય! (અથવા તો આવા વાક્યની મહાનતા વિશે અમોને કોઇ ભ્રમ પણ થતો હોય!)
આધારકાર્ડ વ્યવસ્થા આવી ત્યારે લગભગ આપણે બધા તેના વિરુધ્ધમાં હતા. એમ તો આજે પણ ઘણાંને વિરોધ હશે. કેમ કે એટલા બધા ઓળખના પુરાવા આપણે સાથે લઇને ચાલીયે છીએ તેમાં વળી એક નવા પુરાવાનો ઉમેરો થયો છે.
ખૈર, લગભગ હવે આપણે સૌ આધારકાર્ડની વ્યવસ્થાને સ્વીકારી ચુક્યા છીએ. મોદી સાહેબ પણ વડાપ્રધાન બન્યા પહેલા તેના વિરોધમાં હતા, જે હવે રંગેચંગે તેનો ઉપયોગ કરાવી રહ્યા છે!1
ધીરે ધીરે તેના ઉપયોગ સામે આવ્યા બાદ સામાન્ય લોકો માટે ખાસ ફાયદો ન કહી શકાય, પણ તેના દ્વારા સરકાર માટે ઘણી યોજનાઓમાં લાભ લેનાર વ્યક્તિ સુધી સીધી પહોંચ સરળ બની શકી છે.
જેમને કંઇક મેળવી લેવું હતું અને છીનવાઇ ગયું હોય, જેને પહેલાં સરળ રીતે મળતા સરકારી ફાયદા જતા કરવા પડ્યા હોય તેઓને હજુયે આ વ્યવસ્થા ન ગમે તે સ્વાભાવિક છે.2
ટાઇટલમાં આધાર સાથે ‘નિરાધાર’ લખ્યું છે એટલે અહીયાં હું આધારકાર્ડ વિરુધ્ધ કંઇ કહેવાનો છું એમ ન સમજતા. ટાઇટલ તો ‘કેચી’ અને ‘સરકાર-વિરોધી’ હોવું જોઇએ તો લોકો વધારે નોંધ લે એવું ગુજરાત સમાચારે શીખવાડયું છે! 🙂
તો મુળ વાત અહીયાંથી શરૂ થાય છે…
આપણાં સૌ પાસે હવે આધાર કાર્ડ છે. જો કે સુપ્રિમ કોર્ટે તેને મોબાઇલ અને બેંકીંગમાં ફરજીયાત કરવાના સરકારના નિર્ણયને મરજીયાત કરી દીધો છે. પણ વાત એ લોકોની છે જેઓએ ફરજીયાત હતું તે સમયમાં આધારકાર્ડના ઉપયોગથી સીમકાર્ડ લીધું હોય અથવા કોઇ બેંક એકાઉન્ટ ખોલાવ્યું હોય.
ઉપરાંત આ વાત એ લોકો માટે પણ જાણી લેવી જરુરી છે જેઓ કોઇ હેતુ માટે ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવાનું વિચારતા હોય અથવા તો ક્યારેક ઉપયોગ કરવો જરુરી હોય.
ટુંકમાં તમારી પાસે આધારકાર્ડ છે તો થોડો સમય કાઢીને આ વાત જાણી લેશો એવી મારી વિનંતી છે.
# શું થયું છે એ પહેલા જાણીએ..
આપણે ત્યાં નામ લખતી વખતે સૌ પ્રથમ અટક લખવાનો જુનો રિવાજ છે. ખાસ તો મારી ઉંમરના લોકો કે જેઓના દરેક ડોક્યુમેંટમાં એ જ રીતે નામ લખાયેલા છે. જેમ કે પાનકાર્ડ, સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ, માર્કશીટ. ડ્રાઇવીંગ લાયસન્સ વગેરે..
અન્ય રાજ્યમાં શું થયું હશે તે ચોક્કસ ન કહી શકાય પણ ગુજરાતમાં ઘણાં લોકોના આધારકાર્ડ એ રીતે બન્યા છે જેમાં અટક પહેલા લખાયેલી છે અને એટલે જ સમસ્યા ઉભી થઇ છે. ન સમજાયું ને? ઓકે, આપણાં વડાપ્રધાનના નામથી જ આખી વાત સમજીએ;
તેમનું પુરું નામ છે..
નરેન્દ્ર દામોદરદાસ મોદી
પરંતુ મોટાભાગે આધારકાર્ડમાં થયું છે એમ આ નામ..
મોદી નરેન્દ્ર દામોદરદાસ
તરીકે લખવામાં આવ્યું હશે.
કોઇને થશે કે એમાં શું ફરક પડે! બંને રીતે લખી શકાય. તો પ્રિય સજ્જનો અને સન્નારીઓ જાણી લો કે નામથી ઘણો મોટો ફરક પડે છે!!
આધારકાર્ડની જનરલ સિસ્ટમ “નામ + પિતાનું-નામ + અટક” એ રીતે આપના નામને સમજે છે. જ્યારે તમારૂં નામ “અટક + નામ + પિતાનું-નામ” તરીકે ત્યાં રજીસ્ટર્ડ છે.
આ રીતે લખાયેલા નામથી સમસ્યા એ ઉભી થાય છે કે આ આધારકાર્ડનો ઉપયોગ કરનાર અન્ય કંપનીઓ કે સરકારી વ્યવસ્થાની સિસ્ટમમાં આપનું નામ મુળ ઓળખથી અલગ બની જાય છે.
હકિકતમાં વ્યક્તિનું નામ નરેન્દ્ર છે, તેમના પિતાનું નામ દામોદરદાસ છે અને મોદી તેમની અટક છે..
..પણ આધારકાર્ડની સિસ્ટમ મુજબ અહીયાં વ્યક્તિનું નામ મોદી બની ગયું છે! તેમના પિતાનું નામ નરેન્દ્ર અને અટક દામોદરદાસ બની ગઇ છે!
હવે જો મોદી સાહેબે આધારકાર્ડના ઉપયોગથી કોઇ સિમકાર્ડ લીધું હોય તો મોબાઇલ કંપનીમાં તેમનું રજીસ્ટર્ડ નામ આધારકાર્ડ મુજબ હશે.. અને કંપની તેને “મોદી દામોદરદાસ” તરીકે જ ઓળખશે.
જ્યાં નામ અને અટકનો જ ઉપયોગ થયો હશે ત્યાં વ્યક્તિનું મુળ નામ જ ગાયબ હશે! કેમ કે દરેક સિસ્ટમ મુજબ તેને મીડલ-નેમ તરીકે વ્યક્તિના પિતાનું નામ ગણાઇ જશે.
જાતે વિશ્વાસ કરવો હોય તો આધારકાર્ડના ઉપયોગથી જે સીમકાર્ડ લીધું હોય અથવા તો બેંક એકાઉંટ ઓપન કર્યું હોય; તે બેંક/મોબાઇલ કંપનીમાં તમારું ઓફિસીયલ શોર્ટ-નેમ જોઇ લેવું.
આજકાલ મોટાભાગે શોર્ટ-નેમને મહત્વ આપવામાં આવે છે એટલે પણ આ ઓફિસીયલ શોર્ટ-નેમ જરુરી બની જાય છે. જો તેમાં આધાર મુજબ તમારું નામ છે તો ઉપર જણાવ્યા પ્રમાણે જ તમે ઓળખાશો!
ભવિષ્યમાં પણ જ્યાં-જ્યાં આધારકાર્ડનો ઉપયોગ થશે ત્યાં પણ બધે આ વ્યક્તિ અલગ નામથી જ ઓળખાશે. કારણકે આધાર ડેટા મુજબ તેમનું નામ જ એવું હશે. તમારે પણ તમારા આધારકાર્ડ ચેક કરી લેવા.
જો આપના આધારકાર્ડમાં ઉપરમુજબ નામ લખાયેલા છે તો આપને પણ ભવિષ્યમાં સમસ્યાનો સામનો કરવો પડશે. (ધમકી નથી આપતો ભાઇ, ચેતવું છું.)
# હવે ઉકેલ જાણો..
ઉકેલ તો એક જ છે દોસ્ત કે જો તમને સમજાઇ ગયું હોય કે હું શું કહેવા માગુ છું તો આજે જ દોડો અને આધારકાર્ડમાં નામ અપડેટ કરાવો.
તેમાં તમારું નામ પહેલાં હોવું જોઇએ અને અટક છેલ્લે હોવી જરુરી છે.
જો ન સમજાયું હોય તો મને પુછો તો હું હજુ અલગથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. હું પોતે આ સમસ્યાનો શિકાર બની ચુક્યો છું.
આઇડીયા-સિમકાર્ડમાં આજે પણ મારા નામ તરીકે ‘અટક+પપ્પાનું-નામ’ છે. ત્યાં કસ્ટમરકેરમાં ફોન કરીને કહ્યું કે હું બોલું છું તો તે કહે છે કે તમારું કનેક્શન કોઇ બીજાના નામે છે!
આવી જ સમસ્યા કોટક મહિન્દ્રા બેંકના મારા સેવિંગ અને કરન્ટ એકાઉન્ટમાં બની છે; બેંકની સિસ્ટમ મુજબ મને મોકલવામાં આવતા બેંક સ્ટેટમેન્ટ, ઇમેલ અને સિસ્ટમ કોલ્સમાં પણ મારું નામ ક્યાંય નથી આવતું.
અરે તે લોકોએ શોર્ટનેમ તરીકે ડેબીટકાર્ડ પણ એ જ રીતે મોકલ્યું છે કે જેમાં મારું પોતાનું નામ જ ન હોય!! બોલો… હવે હું માથાકુટ કરી રહ્યો છું તેને સુધારવા માટે.
સમજાવવામાં વાત થોડી લાંબી બની ગઇ છે પણ સમજાય તે જરુરી છે. આ એક જનરલ મિસ્ટેક છે અને સરકારને સમજતા-સુધારતા વાર લાગશે.
વળી સરકારને તો કોઇ તકલીફ નહી થાય પણ સમસ્યા આપણને વ્યક્તિગત રીતે થાય એમ છે, તો જેટલું જલ્દી સુધારી લઇએ એ ભવિષ્યમાં તેના ઉપયોગ માટે સારું રહેશે.
જે વ્યક્તિના આધારકાર્ડમાં પ્રથમ પોતાનું નામ છે અને અટક છેલ્લે છે તેમને એટલું કહેવું છે કે, આપ નસીબદાર છો!