નાયરા – 2nd Birthday!

Nayra's second birthday cake. નાયરાની બીજો જન્મદિવસ

~ એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવેલો નાયરાનો બીજો જન્મદિવસ જુનમાં ઉમેરવાનું યાદ આવ્યું! (હા યાર, ગાડી થોડી લેટ થઇ ગઇ.)

~ વચ્ચે ઘણી પોસ્ટ લખવામાં આવી છે1, પણ આ વાત કેમ ભુલાઇ ગઇ એ ન સમજાયું. (આંતરીક તપાસ બાદ નક્કી કરવામાં આવશે.)

~ બીજો જન્મદિવસ છે એટલે નેચરલી નાયરા બે વર્ષની થઇ કહેવાય! બે-ચાર અક્ષર સિવાય લગભગ દરેક શબ્દના સાચા ઉચ્ચાર સાથે લાંબા-લાંબા વાક્યો બોલતાં શીખી ગઇ છે. (અને બહુજ બોલે છે યાર, નોનસ્ટોપ.)

~ બોલવાથી યાદ આવ્યું કે ક્યારેક નાયરાના સ્પેશીયલ ઉચ્ચારવાળા શબ્દોનું લિસ્ટ બનાવવાનો વિચાર પણ કર્યો હતો. ઓકે તો આ મહિનો પુરો થાય એ પહેલા તેને ચોક્કસ અહી મુકવામાં આવશે. (બસ, બોલ દિયા.)

~ અમારી બગ્ગુ જીદ્દી અને તોફાની તો એવી જ છે; સલાહ પણ બહુ જ આપે છે. ક્યારેક આપણે શીખવેલી વાત આપણને શીખવાડે.. (સ્માર્ટ છે મારી દિકરી!)

~ સ્વભાવમાં વ્રજ કરતાં ઘણી અલગ છે અને આદતોમાં પણ. વ્રજ આ ઉંમરમાં એકલો એકલો કોઇપણ રમતમાં વ્યસ્ત રહેતો, પણ નાયરાને કોઇ તો સાથે જોઇએ જ.

~ લિપસ્ટીક, ચાંદલા, લાઇનર, હાર, બુટ્ટી, પીન કે એવી બીજી કોઇપણ શણગારની ચીજ તેનાથી દુર રાખવી પડે છે. અગર કુછ કહી ભુલ ગયે, તો ફીર ઉસે ભુલ હી જાના હોતા હૈ। (નાયરા પાસેથી પરત ન મળે!)


# જન્મદિવસ-ઉજવણીની જરુરી ફોટો યાદગીરીઓ..


# તે જ દિવસની અન્ય ક્લિક્સ…

નાયરાનો બીજો જન્મદિવસ, nayra's birthday

સાઇડટ્રેકઃ બગ્ગુના પ્રથમ જન્મદિવસની યાદગીરીઓ જુઓ – અહીં

bottom image of blog text - નાયરાનો બીજો જન્મદિવસ

વાંદરાની વાર્તા

નિયમો, નીતિઓ (policies), ધાર્મિક માન્યતાઓ અને વારસાગત સંસ્કૃતિ કે રીતી રિવાજ જે વર્ષોથી ચાલી આવેલ છે. તે કેવી રીતે બન્યા હશે? એને સમજવાની આ હલકી ફુલકી વાર્તા. વાર્તાને સિરિયસલી લેવી નહિ.

  • કેટલાક વૈજ્ઞાનીઓ પાંચ વાંદરાને જંગલમાંથી પકડી લાવ્યા.
  • આ વાંદરાઓને એક પાંજરામાં પુરવામાં આવ્યા.
  • પાંજરાની વચ્ચે ટોચ પર કેળાનું એક મોટું ઝુમખું લટકાવામાં આવ્યું.
  • વાંદરા કેળાં વગર રહી શકે?
  • એ લાગ્યા કુદકા મારવા.
  • જેવું એમણે કેળાં લેવા કૂદવાનું શરુ કર્યું, પાંજરાની ચારે બાજુથી એમના પર સખત પાણીનો મારો કરવામાં આવ્યો.
  • જેટલી વાર કુદકા મારે એટલી વાર પાણીનો માર પડે.
  • કેટલાંક સ્માર્ટ આયર્નમેન વાંદરા સમજી ગયા કે “કેળાં લેવા કુદો એટલે ભારે પાણીનો મારો સહન કરો”.
  • આ વાંદરાઓએ કુદકા મારવાનું બંધ કર્યું.
  • પણ થોડાં શક્તિમાન વાંદરા હજી જોશમાં હતા.
  • આ શક્તિમાંનો જેવા કુદતા, પાણીનો મારો ફરી શરુ થતો.
  • શક્તિમાંનો ના સાહસ થી આર્યનમેન વાંદરાઓને પણ સહન કરવું પડતું.
  • બસ પત્યું.
  • જેવા શક્તિમાનઓ કેળા લેવાં કૂદવાનું શરુ કરે, આર્યનમેન વાંદરા એમને ઢીબી નાખે.
  • અંતે શક્તિમાંનો ઠેકાણે પડ્યા અને સમજી ગયા કે “કેળાં લેવા કુદો એટલે માર ખાઓ”.
  • હવે કોઈ પણ વાંદરો કૂદતો નહિ.
  • દરેકને નિયમનું ભાન થઇ ચૂક્યું હતું.
  • હવે વૈજ્ઞાનિકોએ પાંચમાંથી એક વાંદરાને પાંજરા માંથી કાઢી મુક્યો.
  • એની જગ્યાએ એક નવા વાંદરા પપ્પુ ને પાંજરામાં મુકવામાં આવ્યો.
  • આ નવા વાંદરાને પાંજરાના નિયમોની જાણ ના હોય એ સ્વાભાવિક છે.
  • એટલે જેવું એણે કેળાનું ઝુમખું જોયું એનું મન લલચાયું ને એણે માર્યો કૂદકો.
  • આ બાજુ આર્યનમેન અને શક્તિમાન નવરા જ બેઠાં હતાં અને રાહ જોતા હતા કે ક્યારે આ પપ્પુ કુદે.
  • બસ પછી તો પપ્પુને જે ધોવામાં આવ્યો.
  • પપ્પુ પણ સમજી ગયો કે “કેળાં લેવા કુદો એટલે માર ખાઓ”.
  • આવી રીતે એક પછી એક બધા આર્યનમેન અને શક્તિમાંનો ના બદલે પપ્પુઓને પાંજરામાં રિપ્લેસ કરવામાં આવ્યા.
  • હવે પાંજરામાં એ પપ્પુઓ હતા જેમણે ક્યારેય પાણીનો મારો સહન નથી કર્યો.
  • બસ એમને એક વાતની ખબર હતી કે “કેળાં લેવા કુદો એટલે માર ખાઓ”.

આ પપ્પુ વાંદરાઓએ ક્યારેય તસ્દી ના લીધી એ જાણવાની કે, સાલું કેળાં લેવા કુદો તો માર કેમ પડે છે?

વાર્તા કંઈક જાણીતી લાગી?

આપણે પણ આ વાંદરા જેવું જ કરતા આવ્યા છે, કરીએ છીએ અને આગળ પણ કરતાં રહીશું. કોઈ શક.

શા માટે? આ એક અગત્યનો પ્રશ્ન કરવાની અને એનો જવાબ મેળવવાની જેને ઈચ્છા થાઈ એ જ જ્ઞાન પ્રાપ્તિ કરી શકે.

કોઈ ઓફિસમાં નવો જોઈન થતો કર્મચારી શું કરે છે? એ જુએ છે કે બીજા શું કરે છે. બસ પછી એ જ ફોલો કરે છે. એ બીજા શું ફોલો કરતા હોય છે?

શું એ પપ્પુઓ છે? જો એ પપ્પુઓ હોય તો પત્યું. કર્મચારીઓએ પપ્પુ કે શક્તિમાન નહિ પણ આર્યનમેન ને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ મેળવવાની ધગશ હોવી જોઈએ.

અમુક ધાર્મિક કે સામાજિક રીતિરીવાજો નું પણ એવું જ છે. આપણા પૂર્વજો કરતા આવ્યા એટલે આપણે પણ કરીએ છીએ.

કોને ખબર આપણા પૂર્વજો આયર્નમેન હતા? શક્તિમાન હતાં કે પછી પપ્પુઓ હતા?

તમે કોણ છો? આયર્નમેન, શક્તિમાન કે પછી પપ્પુ? જવાબ આપવો જરૂરી નથી. હું કંઈ તમને માર્ક્સ નથી આપવાનો. ઠેંગો.

હૂપ હૂપ હૂપ

વાંદરામાંથી માણસ બનતા સેંકડો વર્ષો લાગ્યા, પણ માણસમાંથી વાંદરા બનતા એક સેકંડ પણ નથી લગતી. બોલો સાચું કહ્યું કે નહીં.

હૂપ હૂપ હૂપ

વાંદરાઓ શું કરી શકે એ જાણવા ઇચ્છતા જીવ-જંતુઓએ “Planet of the Apes (1968)” મૂવી જોઈ લેવું. મસ્ત મૂવી છે.

હૂપ હૂપ હૂપ


મુળ પોસ્ટ : વાંદરાની વાર્તા, બ્લોગઃ કલબલાટ
લેખક : નિલેશ ગામીત


~ આ વાર્તા/પોસ્ટ પર મારો પ્રતિભાવ ~

~ થોડો ફેરફાર છે પણ આ વાર્તા એમ જાણીતી છે!2 આ વાર્તામાં આયર્નમેન-શક્તિમાન-પપ્પુ ઉમેરવા માટે તથા હ્યુમર માટે લેખકને 100 માર્કસ મારા તરફથી! 😃 (માર્કસ આપવામાં માત્ર શિક્ષકોનો ઇજારો નથી.)

monkey in cage - વાંદરાની વાર્તા

~ વાંદરાની આ વાર્તા હળવાશમાં જ ઘણું કહી જાય છે. આઉટ-ઓફ-બોક્ષ વિચારવાની વાત છે.

# ઉપરની વાતમાં એક સવાલ છે કે;

તમે કોણ છો? આયર્નમેન, શક્તિમાન કે પછી પપ્પુ?

~ કંપનીમાં જોડાયેલ નવો કર્મચારી જુના લોકોનું જ અનુકરણ કરે અને મેનેજમેન્ટ કે પોતાની જવાબદારીને અગાઉના કર્મચારીની નજરે દેખે તો છેવટે કંઇ નવું કરવા માટે તૈયાર ન થાય. અગાઉના લોકોના બંધનને તે પોતાની હદ માની લે અને પછી તેમાં જ પોતાને બાંધી રાખે ત્યારે છેવટે પપ્પુ બનીને રહી જાય. ક્યાંક હું તો પપ્પુ નથી બનતો ને? આ સવાલ થવો જરૂરી હોય છે.

~ આવી જ અસર આપણાં વાણી-વર્તન-પુર્વગ્રહ અને વિચારો ઉપર પણ હોય છે. અજાણતા જ આપણે પોતાને એક ઇમેજમાં પુરી રાખ્યા હોય અને આ પપ્પુ ક્યારે બન્યા એ આપણને પણ ખયાલ આવતો નથી. પોતાની માન્યતા માટે જાતને સવાલ કરવા પડે અને જવાબ મેળવવા પડે!

~ ‘જુનું બધું સાચું.’ કે ‘રિવાજો/પુર્વજો ક્યારેય ખોટા હોઇ જ ન શકે.’ કે ‘મારા દાદા/પપ્પા કરતાં આવ્યા છે એટલે હું પણ કરુ.’ કે ‘આ ઓફિસમાં બધા જેમ રહે છે, એમ જ રહેવાય.’ અને ‘આવું જ થતું આવ્યું છે એટલે એમ જ થાય.’ -તેવું સ્વીકારી લેતી વ્યક્તિ માટે આ વાર્તા આત્મચિંતનની દિશા બતાવે છે. (આ દિશામાં મને પણ ઘણું દુર જવાનું છે.)

~ એક સમજણ બાદ હું લગભગ દરેક સમયે આ પ્રકારના સવાલમાં રહ્યો છું અને નિખાલસતાથી કહું તો મોટા ભાગે શરૂઆતમાં મને હું પપ્પુની કેટેગરીમાં જ મળ્યો છું.3 જ્યારે ખબર પડે કે આપણે પપ્પુની કેટેગરીમાં છીએ તો પછી જાત-સુધારણા કાર્યક્રમ ચલાવવાની નૈતિક જવાબદારી સમજીને ચુપચાપ મુળ સુધી પહોંચવાનો પ્રયત્ન ચાલું રાખ્યો છે.

~ ક્યારેક આયર્નમેનની જેમ પ્રશ્નોના જવાબ મેળવ્યા છે અને પછી મારી જુની માન્યતાઓ માટે ખાનગીમાં જાત ઉપર હસી પણ લીધું છે.4 બધા રિવાજ/ઘટના/માન્યતા વિશે મુળ હકિકત મને સંપુર્ણ સમજાઇ ગઇ છે એમ ન કહી શકું.. પણ, આજે કેટલીક માન્યતાથી ચોક્કસ મુક્ત છું.

~ કેમ?-શા માટે?-તો હું કેમ માનું?-પુરાવા છે?-શાસ્ત્રોમાં બધું સાચું જ હોય?-પુરાણો ખોટા ન હોઇ શકે?-ભગવાન ભુલ ન કરે?-માન્યતા કેમ છોડી ન શકાય?-બીજા ધર્મ/સંપ્રદાયમાં ખોટું હોય તો તેને સત્ય કેમ ન બતાવી શકાય?-આસમાની કિતાબમાં લખ્યું એટલે સાચું જ હોય?-મહાન વ્યક્તિની ભુલો કેમ ન બતાવાય?-સમાજના ખોટા રિવાજોને કેમ ચલાવી લેવાય?-પોતાનો નેતા હંમેશા સાચો જ હોય?- -આવા અસંખ્ય સવાલોના લીધે મને બળવાખોર તરીકે ઓળખતા લોકો વધી રહ્યા છે. પણ આ એવા જ સવાલો છે જે મને પપ્પુ બનતા રોકે છે. (અથવા તો એવું મને લાગે છે.)

~ આપણી વારસાગત સંસ્કૃતિ અને નિયમો તથા રીત-રિવાજો મોટા ભાગે ધર્મ કે ધાર્મિક ક્રિયા સાથે જોડાયેલા છે, એટલે ઘણાં સવાલોના મુળ ત્યાં સુધી પહોંચી જાય છે. પણ જો તે વિશે કોઇ સવાલ કરો એટલે ‘દંગલ’ શરું!.. ધાર્મિક પપ્પુઓ ન છોડે! (સ્વ્યં જ્ઞાન મેળવીને આયર્નમેન બનવાનો વિચાર પડતો મુકી દેવાની સ્થિતિ પણ આવે!)

~ થોડા સમય પહેલાં જોવાયેલી ફિલ્મ A Beautiful Mind એક વિચિત્ર માનસિક બિમારી વિશે છે. પણ તે કેટલીક ઘટનાઓની વાસ્તવિકતા વિશે મનમાં કાયમી ઉછળતા એવા સવાલનો જવાબ મેળવી આપ્યો કે જયાં કોઇ વ્યક્તિ દ્વારા ચમત્કાર કે દૈવી પાત્રોને સ્વયં દેખ્યાના દાવા થયા હોય..

~ તેનાથી મારા સવાલોના જવાબમાં એક એવી ખુટતી કડી મળી છે, જેનાથી પુર્વે બનેલી કોઇ ખાસ ઘટનાની દરેક ફ્રેમને એક-બીજા સાથે જોડી શકાઇ છે.5 (આમાં નરસિંહ મહેતાએ નજરે જોયેલું ભગવાન શ્રી કૃષ્ણ સાથે ગોપીઓની રાસલીલાનું દ્રશ્ય ઉમેરી શકાય અને UFO કે એલીયન દેખ્યાની વાતોને પણ જોડી શકાય!)

~ એમ તો આપણાં દરેક ધર્મમાં પણ હવે પપ્પુઓ જ બચ્યા છે. પોતે રીત-રીવાજો કે માન્યતાઓને કારણ વગર પકડી રાખ્યા છે. ખોટું કે અકુદરતી છે એવું ક્યારેક સમજતા હોવા છતાંયે પોતે બહાર નથી આવતા અને માન્યતા તરીકે ગાડરીયા પ્રવાહમાં દરેક જોડાયેલા રહે તેવું તેઓ ઇચ્છે છે.

~ આવા પપ્પુઓને માત્ર અગાઉની પરંપરા પાળવાની જ ખબર છે, તેમને તર્ક કે સવાલો થતાં નથી. કમનસીબે એ આયર્નમેન લગભગ લુપ્ત થઇ ચુક્યા છે; જેઓ જાણતા હતા કે મુળ જ્ઞાન શું હતું. મુળ ધર્મ શું હતો. જે-તે માન્યતા પાછળ હકિકત શું કતી… પુછવું તો કોને? પપ્પુઓ પાસે તો માત્ર રટાવેલું જ્ઞાન છે.

~ જો પપ્પુ બની રહેવું હોત તો હું આજે આટલા સવાલો ન કરતો હોત. જવાબ ન માંગતો હોત. ઘર્મ/ઇશ્વરના આધિપત્યને અનુસરીને થયેલા મારા સવાલો જે વર્ષો પહેલા બગીચામાં મુક્યા હતા, તેના જવાબ કોઇ જ્ઞાની પાસેથી હજુ મળ્યા નથી. એમ તો મળવાની આશા પણ નથી. (કોઇને મારા સવાલો દેખવા હોય તો જુઓ; અહીં)

~ કેમ કે કહેવાતા જ્ઞાનીઓ પણ નથી જાણતા કે ક્યારેક પાણીનો મારો સહન ન કરવો પડે એટલે બીજા વાંદરાને કુદતા રોકવાના હતા એટલે લાલચ છોડીને ક્યારેક શાંત રહેતા શીખવવામાં આવ્યું હશે. હવે સ્થિતિ બદલાઇ ગઇ છે છતાંયે સમયઅનુસાર નવું જ્ઞાન આપવાના બદલે જુનું ચલાવ્યા રાખીને પપ્પુ બની રહેવામાં અને નવા પપ્પુઓ બનાવવામાં તેઓ ગર્વ અનુભવે છે!

~ પ્રતિભાવ કદાચ મુળ પોસ્ટ કરતા લાંબો થઇ ગયો લાગે છે. અંતે એક નાનકડી ચાઇનીઝ વાર્તા યાદ આવે છે6, તેને કહીને વાત પુરી કરું..

જંગલ જેવા વિસ્તારમાં આશ્રમ જેવું સ્થળ છે જ્યાં દુર-દુરથી શિષ્યો ભણવા આવ્યા છે. ગુરુ ભણાવતી વખતે નોંધે છે કે ત્યાં દોડાદોડી કરતા ઉંદરો શિષ્યોને શિક્ષણમાં ખલેલ પહોંચાડી રહ્યા છે.

ઉંદરને ભણવાના સ્થળથી દુર રાખવાના હેતુથી ગુરુ એક બિલાડીને પાસે રાખવાનું નક્કી કરે છે. આમ ઉંદરની સમસ્યાથી છુટકારો મેળવે છે.

ઘણાં દસકાઓ વિતે છે. ગુરુ બદલાય છે, શિષ્યો પણ બદલાય છે અને સ્થળ પણ બદલાઇ ગયું છે. ઉંદરો હવે આસપાસ ક્યાંય નથી રહ્યા, પણ એક બિલાડીને ગુરુની બાજુમાં ફરજીયાત બાંધી રાખવાનો નિયમ હવે રિવાજ બની ગયો છે.

# મુળ હેતું અલગ હતો જે ત્યારે ગુરુએ અપનાવ્યો હતો. પણ હવે તેને પપ્પુ બનીને બધા માત્ર અનુસરે છે. આખરે આ રિવાજ સાથે શુભ હોવાનું કારણ જોડીને ધર્મમાં ઉમેરી દેવામાં આવે છે!..

# અસ્તુ.

bottom image of blog - વાંદરાની વાર્તા

સુનો.. રેટીંગ દે કર જાના!

seperator in post રેટીંગ વ્યવસ્થા

~ ઉપર જે સંવાદ છે તે એક હિન્દી ટ્વીટનું ગુજરાતી વર્ઝન છે. અહીથી કોપી-પેસ્ટ કરનારને હાથ-પગ જોડીને વિનંતી કે કમ-સે-કમ ભાષાંતર ક્રેડીટ તો આપજો. 🙏7 

review rating star with a man રેટીંગ વ્યવસ્થા

~ ઓકે તો આજે નવી વાત એ છે કે થોડા દિવસથી મારા બગીચામાં ઉમેરાયેલી દરેક વાતોના અંતે રેટીંગ આપવાની વ્યવસ્થા ઉમેરવામાં આવી છે. (શા માટે? યાર એવું બધું નહી પુછવાનું.)

~ આજકાલ બધે રેટીંગ મેળવવાની બહુ જ બોલબાલા છે, તો થયું કે અમે પણ સમય પ્રમાણે બગીચાને અપડેટ કરીએ! પરિવર્તન સંસારનો નિયમ છે અને એવું બધું… (સાચું કહું તો મને ઇચ્છા થઇ એટલે આ કર્યું છે, પણ બધાએ ‘સમય પ્રમાણે અપડેટ કરવા’-નું બહાનું જ ધ્યાનમાં લેવું.7)

~ બગીચાના મુલાકાતીઓ જે ઇચ્છે તે રેટીંગ આપી શકે છે. એક વ્યક્તિ એક જ વાર રેટીંગ આપી શકે અને છેલ્લે એવરેજ રેટીંગ દેખાય તેવી અહી વ્યવસ્થા છે. (સાવ દુશ્મની ન કાઢજો. દિલ પર હાથ મુકીને રેટીંગ આપજો. ઉપરવાળો બધું દેખે છે.6)

~ કોઇપણ દોસ્ત વાટકી-વહેવાર કે આંખની શરમ વગર અને લોગ-ઇનની માથાકુટ વગર બિન્દાસ્ત રેટીંગ આપી શકે તેવી સુવિધા છે. (જો કે ‘બે’ થી ઓછા સ્ટાર આપનાર માટે ખાનગીમાં પ્રતિભાવ આપવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે!)

~ રીડર એપ્લીકેશન કે આર્કાઇવ્ઝમાં વાંચતા લોકો રેટીંગ નહી આપી શકે. જે તે પોસ્ટને મારા બગીચામાં ઓપન કરીને જ ‘રેટ’ કરી શકાશે. (રીડરમાં પણ રેટીંગ થઇ શકે તે વિશે ક્યારેક વિચારીશું.)

~ હા તો સુનો.. રેટીંગ દે કર જાના… 👇