નવા પુસ્તકો

– આગળની પોસ્ટમાં નવા ઉપકરણોની નોંધ લીધા બાદ વિચાર આવ્યો કે નવા ખરીદેલા પુસ્તકોની પણ નોંધ લઇ લઇએ! (બાબા બગીચાનંદની બ્લૉગર્સ શીબીરમાં પણ આ અંગે એક ખાસ ટીપ આપવામાં આવી હતી! જુઓ; અહી!)

– તો.. આજે હાજર છે છેલ્લા ત્રણ-ચાર મહિના દરમ્યાન ખરીદવામાં આવેલ પુસ્તકોની યાદી! (આમાંથી કેટલા વાંચ્યા કે કયા-કયા બાકી છે તેવી પૃચ્છા ન કરવી, નહી તો મારી દુખતી નસ પર વધુ દબાણ આવી જશે…)

– આજે આ યાદી બનાવતા એક આશ્ચર્યની વાત ધ્યાનમાં છે કે જયારથી ટેબ્લેટ મારી પાસે આવ્યું છે અને ઇ-બુક વાંચવાનો ચસ્કો લાગ્યો છે ત્યારથી e-book સિવાય બીજા કોઇ જ પુસ્તક ખરીદવામાં આવ્યા નથી!

. . .

– આમ તો ખરીદ તારીખ પ્રમાણે ગોઠવવાનો વિચાર હતો પણ દરેક પુસ્તકને અલગ-અલગ જગ્યાએથી ઉમેરવામાં આવ્યા છે એટલે તેની વિગત મેળવવામાં ઘણો સમય જાય એવું લાગ્યું; એટલે અહી random ગેલેરી બનાવી દીધી છે. (ચોખવટ: કોઇ સારા પુસ્તકની ઇમેજ અથવા તો આપને ગમે તેવા પુસ્તકનો ફોટો નાનો દેખાય તો અહી તેવી ગોઠવણી અંગે મારી ઉપર શંકા ન કરવી અને છતાંયે જો શંકા હોય તો એકવાર પેજ રીફ્રેશ કરીને ચેક કરી લેવું.)

Moto G, MMC 16GB & OTG Cable

– આમ તો આ કેટેગરીમાં આવે એવી વસ્તુંઓ સમયાંતરે ખરીદવામાં આવતી જ હોય છે પણ દરેકની નોંધ કરવામાં અગમ્ય કારણોસર અમે ચુકી જતા હોઇએ છીએ. (આ અમગમ્ય કારણો ખરેખર ગમે એવા નથી.)

– ખૈર, આજે લખાણપટ્ટી કરવા માટે વધારે સમય નથી એટલે સીધી જ મુખ્ય વાત પુરી કરી લઉ. ટાઇટલમાં જણાવેલી વસ્તુઓને ફ્લિપકાર્ટ દ્વારા મેળવવામાં આવી છે. સમયસર ડીલીવરી બદલ ફ્લિપકાર્ટનો આભાર અને મજબુત પેકિંગ માટે +1 ! (મેમરી કાર્ડ અને OTG કેબલના પેકિંગ ખોલવા માટે માનવીય હાથ ઉપરાંત બે-ત્રણ શસ્ત્રોની જરૂર પડી!)

– હવે, એક પછી એક વસ્તુઓ તેમના આકર્ષક ફોટો સાથે! (અહીયાં આકર્ષક ફોટો મુકવા પડે! નહી તો કોઇને એમ લાગશે કે હું કાયમ છેતરાઇ જઉ છું! જાહેરમાં તો ઇજ્જત સાચવવી પડે ને.. 😉 )


  • દુરભાષ યંત્ર: Moto G (with 16GB)

Moto G

Moto G


  • માહિતી સંગ્રહક: Transcend MicroSDHC 16GB class-10

Tra 16GB

Tra 16GB_


  • સુવિધા તાર: Callmate OTGMI Micro USB Cable

OTG Cable

OTG Cable


– આ દરેક વસ્તુઓની વિશિષ્ટતા, ખામી અને કાર્યક્ષમતા વિશે ભવિષ્યમાં લખવામાં આવશે.

– ફોટો સંયોજક: ફ્લિપકાર્ટ.કોમ

અપડેટ્સ-43 [Aug’14]

– આજે આ ૩૪ દિવસ પછીની પોસ્ટ  છે! છેલ્લા એક વર્ષ દરમ્યાન આવું કદાચ પ્રથમવાર બન્યું છે કે એક મહિના જેટલા સમયમાં અહી કોઇ જ વાતની નોંધ ન લેવામાં આવી હોય. (મુખ્ય કારણ: આળસ. અન્ય કારણ ઉર્ફે બહાના: સમય નથી, મુસાફરીમાં હતો, લખવા જેવું નથી, મુડ નથી, વગેરે વગેરે…)

– એમ તો મુસાફરીને થોડું યોગ્ય કારણ ગણી શકાય, કેમ કે.. આ દિવસોમાં લગભગ 15-20 દિવસ મુસાફરી કે હરવા-ફરવામાં વિતાવ્યા હશે જેમાં છેલ્લા 9 દિવસના કચ્છ પ્રવાસનો પણ સમાવેશ થઇ જાય છે.

– એક આંખમાં થયેલી તકલીફે ઘણાં દિવસ કાળા ચશ્મા પહેરી રાખવા મજબુર કર્યો. કેટલાક શહેરમાં કામકાજ ઉપરાંત પારિવારિક હેતુસર અને કચ્છમાં ફરવાના હેતુસર મુસાફરી કરવામાં આવી. સ્વાભાવિક છે કે ફરવામાં વધુ આનંદ આવ્યો. આ વખતે નવા-નવા સ્થળે રખડવા કરતાં એક જ જગ્યાએ વધુ સમય પસાર કરવામાં આવ્યો. મારો અને લગભગ દરેકનો અનુભવ હશે કે ફરવાના દિવસો ઝડપથી નીકળી જતા હોય છે. (એમ તો મને આજકાલ દરેક દિવસો ઘણાં ઝડપથી પસાર થઇ રહ્યા હોય એવું લાગ્યા રાખે છે.)

– કચ્છમાં નાના ગામડાંઓ સુધી વિસ્તરેલા પવનચક્કીઓના જંગલ જોવાની અને સાંકડા-વળાંકવાળા તથા ઉતાર-ચઢાવવાળા રસ્તાઓમાં વ્રજને બુમાબુમ કરવાની ઘણી મજા આવી. (અને તેને ખુશ થતા જોઇને અમને પણ મજા આવી.) છોટું માટે પવનચક્કી એટલે મોટો-fan!

– વ્રજને બે વર્ષ પુરા થયાની ઉજવણી માટે ચાર મહિના પહેલાથી વિચાર્યું હતું પણ આખરે તે બધા પ્લાન ધોવાઇ ગયા. (‘ધોવાઇ ગયા’ -એ કહેવત છે. અહી વરસાદનો કોઇ દોષ ન ગણવો.) તેના જન્મદિવસ તથા તેની આગળ-પાછળના દિવસોમાં લગભગ મુસાફરીમાં રહેવાનું થયું અને ત્યારબાદ એવી જગ્યાએ હતા કે જયાં પાર્ટી કરવી શક્ય નહોતી.

– અમે છોટુંની બર્થ-ડે ને એક મહિનો મુલતવી રખવાનો વિચાર કર્યો છે. હવે, છોટુંને બે વર્ષ અને એક મહિનો ઉંમર થયાની ઉજવણી કરવામાં આવશે. (ઉજવણી વર્ષે-વર્ષે જ થાય એવો કોઇ નિયમ નથી હોં! અને હોય તો અમારી જાણમાં નથી. ભુલચુક લેવીદેવી.)

– અગાઉની અપડેટ્સમાં વરસાદના આગમન વિશે નોંધ લેવાઇ હતી અને આ અપડેટમાં તેના દ્વારા થયેલા નુકશાન ઉપરાંત શહેરીજનોની સમસ્યાઓ ઉમેરવાનો પ્લાન હતો, પણ…. વરસાદે ઇંગ્લેન્ડમાં રમતા ભારતીય ખેલાડીઓની જેમ હાર સ્વીકારી લીધી લાગે છે. એટલે અમે પણ અત્રેથી વરસાદી સમસ્યાઓના સમાચાર નોંધવાનું કાર્ય મોકુફ થયેલ જાહેર કરીએ છીએ. (નોંધ: જો મારા દ્વારા થયેલ સમાચાર મોકુફીની જાહેરાતના સમાચાર વાંચીને મારી મજાક ઉડાવવા વરસાદ પાછો આવે તો ઉપરોક્ત મોકુફીને રદબાદલ ગણવી. – લિ. હુકમથી.)

– એમ તો વરસાદ સાવ નથી આવ્યો એવું તો ન કહેવાય, કેમ કે મૌસમ વિભાગ દ્વારા સમાન્યથી-વધુ વરસાદ થયાના આંકડાઓ મળ્યા છે! (આ મૌસમ વિભાગ એટલે જેની માત્ર ૯૯.૯૯ ટકા આગાહીઓ ખોટી પડે છે, એ જ ને..?)

– આજની અન્ય એક અપડેટ;

Featured Image: Kutchi Traditional House