અપડેટ્સ-41 [June’14]

– જે રીતે અહી સમયસર લખતા રહેવાનું ટાળવામાં આવી રહ્યું છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે મારું મન એક જગ્યાએ ચોંટવાને બદલે વિના કારણે આમ-તેમ ભટકી રહ્યું છે. (આ મરકટ મનનું તો કામ જ છે ભટકવાનું અને વળી એ નહી ભટકે તો બીજું કોણ ભટકશે?)

– અસહ્ય ગરમીના સમાચારો ઉમેરવા માટે સમય ન ફાળવી શકાયો અને હવે તો વરસાદના અપડેટ્સનો સમય આવી ગયો છે. જો કે બે-ત્રણ દિવસ પહેલા બનેલા મસ્ત વાતાવરણ વચ્ચે આવેલો વરસાદ હવે અચ્છે દિનના સપના બતાવીને છેતરી ગયો હોય એવું લાગે છે અને પ્રજા બિચારી બફારાની ગરમી સહન કરવા મજબુર છે. (પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના સમાચારો ન્યુઝમાં દેખાઇ રહ્યા છે.)

– મારી અનિયમિતતાની જેમ વ્રજની ધમાલ પણ દિન-પ્રતિદિન વધી રહી છે. છોકરો હવે જીદ્દી પણ થતો જાય છે! અને આ સાહેબ તો તેની ઉંમર કરતાં વધુ એક્ટિવ થતા જાય છે!  (ઘરમાં પ્રથમ બાળક હોય એટલે તેની પરવરિશ-વ્હાલ અને માંગ્યા પહેલા મળે એ સ્થિતિ જ બાળકને જીદ્દી બનાવી દે છે એવું અમારું માનવું છે.)

– વ્રજના ફોટોની છેલ્લી પોસ્ટને પણ સમય થઇ ગયો છે એટલે નવા ફોટો થોડા દિવસમાં જ અહી રજુ કરવાનો વિચાર છે. આ ફોટો-પોસ્ટ પહેલા કદાચ સાબરમતી-રિવરફ્રન્ટના ફોટો’ઝ ની એક પોસ્ટ આવવાની સંભાવના પણ છે! (નોંધ: સંભાવનાઓ ઉપર વધુ ધ્યાન ન આપવું.)

– થોડા દિવસ પહેલા ATM5 (5th Ahmedabad Tweet Meetup) માં ભાગ લેવામાં આવ્યો હતો. આવી રીતે એકઠા થતા અજાણ્યા લોકોમાં મારી જાતનો ઉમેરો કરવાનો આ પ્રથમ પ્રયત્ન હતો. સૌની વચ્ચે ઉપસ્થિત રહીને પણ નક્કી કર્યા મુજબ દુરી જાળવી રાખવામાં આવી, પણ અલગ-અલગ જગ્યાએથી પધારેલ મિત્રોના અનુભવો અને પરિચય નજીકથી જાણ્યા. એકંદરે આનંદિત અનુભવ રહ્યો અને ફરી વખત આવું કોઇ આયોજન થાય તો તેમાં ભાગ લેવો -એવો વિચાર બનાવવામાં આવ્યો. (આ મેળાવડા વિશે વધું જાણવું હોય તો ટ્વીટરમાં અથવા #ATM5 સર્ચ કરીને જાણી શકાશે.)

– ચુટણીઓનો ફિવર ઉર્ફે બુખાર ઉર્ફે તાવ હજુ ઉતર્યો નહોતો’ને વળી એક ચુટણી આવી ગઇ છે. ના ભ’ઇ, હમણાં કોઇ સરકારી ચુટણી નથી, આ તો એક કો-ઓપરેટીવ સંસ્થાની ચુટણીની વાત થાય છે. આમ તો ‘નખરાં-ને-નિયમો’ વિધાનસભા ચુટણી જેવા છે! અને વધુ નવાઇની વાત એ છે કે આ વખતે અમે પણ એક પક્ષ તરફથી ચુટણી-કાર્યાલયની નાનકડી જવાબદારી નિભાવી રહ્યા છીએ. (જોયું! શોખ હંમેશા આકર્ષતો હોય છે અને વ્યક્તિ અનાયાસે જ તેની તરફ ખેંચાઇ જતો હોય છે!)

– અત્યારે અમારું મુખ્ય કામ આખા ગુજરાતમાં વિખરાયેલા મતને એકઠા કરવાનું છે અને ત્યારબાદ મતદાર-ને-રીજવીને-વધુ-વોટ-મેળવો-યોજના અમલમાં મુકવાની છે! વિવિધ જ્ઞાતિ-વ્યવસાયના વિખરાયેલા મતદારોને મતદાન બુથ સુધી ખેંચી લાવવા માટે માઇક્રો-પ્લાનીંગ પણ કરવામાં આવી રહ્યું છે. (ચુટણીની પ્રક્રિયામાં સીધા જ જોડાવાનો આ મારો પ્રથમ અનુભવ હશે.)

– ધંધાના કામને હમણાં ટાળવામાં આવી રહ્યા છે અને આમ પણ માર્કેટમાં મંદીનો માહોલ છે એટલે વધારે કામ પણ નથી. (હમારે અચ્છે દિન કબ આયેંગે, મોદીજી?)

– આવનારા બજેટમાં ઇન્કમટેક્ષમાં ૫ લાખ સુધીની છુટની વાતો સંભળાઇ રહી છે પણ મને તેમાં સચ્ચાઇ હોય એવું લાગતું નથી. જો કે આઇડીયા ઉત્તમ છે પણ જો આ છુટ અચાનક અમલમાં આવે તો નાણાંકીય ક્ષેત્રે ઘણી વિચિત્રતા સર્જાઇ શકે છે. મારા મતે આટલી છુટ આપવી જ હોય તો તેને એક-બે સ્ટેપમાં લાગુ કરવી ઠીક રહેશે. (નાણાંપ્રધાન સાંભળો છો ને?)

– બીજા કોઇ મારું સાંભળે કે ન સાંભળે પણ અહી આવનારા બે-ચાર લોકો તો છે જ, જે મારી ગમે તેવી (અને ન ગમે તેવી) વાતોને સુખે-દુઃખે સાંભળી* લેતા હોય છે. (*અહી વાંચનના અર્થમાં લેવું.)

– અરે હા, મને ઇમેલ કરતા મિત્રો નોંધ લે કે સંસ્થા આજકાલ એક આડા-રસ્તે વ્યસ્ત છે એટલે છેલ્લા એકાદ અઠવાડીયાથી ત્રણ-ચાર મિત્રો સિવાય દરેક ઇમેલના રીપ્લાય બાકી છે અને તે બદલ સંસ્થા દિલગીર પણ છે. (મારા આડા-અવળા કારસ્તાનો વિશે તો અહીયા વધારે કંઇ કહેવા જેવું નથી, મને સમજનારા અને નજીકથી ઓળખતા લોકો તો મનમાં સમજી જ જશે.)

– ઓકે. આજ માટે આટલી વાતો ઘણી છે, બીજી વાતો માટે ફરી કયારેક નવું પાનું ચીતરવામાં આવશે.


Ahmedabad Tweet Meetup
#Header Image:
ATM5 દરમ્યાન સાબરમતીની ચોપાટીએ મળેલા મિત્રોની સમુહ-છબી!
[click on image to open.]

અપડેટ્સ-40 [May’14]

~ અગાઉ દેશ-ચુટણી-રાજકારણ અને જન્મદિવસની અપડેટ્સ વચ્ચે રોજબરોજની વાતો લગભગ ભુલાઇ ગઇ છે એટલે આજે તેને પ્રાથમિકતા આપવામાં આવી છે; પરંતુ તેની સાથે-સાથે કેટલીક જરૂરી રાજકીય વાતોને પણ અહી જ સમાવી લેવામાં આવી છે. (શું ખબર… ફરી આવો સમય મળે કે ન મળે…)

~ શરૂઆત કરીએ એક ખાસ મુલાકાતથી… થોડા દિવસ પહેલા ગુજરાતી-બ્લૉગીંગ-દુનિયાના મહામહિમ અને અમારા બ્લોગીંગ માર્ગદર્શક અને આદર્શ એવા શ્રી શ્રી કાર્તિકભાઇ સાથે અમદાવાદમાં જ રૂબરૂ મુલાકાત કરવામાં આવી. તેમના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે મારી માટે થોડો સમય ફાળવવા બદલ સંસ્થા તેમનો આભાર વ્યક્ત કરે છે. (રૂબરૂ મુલાકાતની શ્રુંખલામાં આ લગભગ ત્રીજા વ્યક્તિને મળવાનું થયું હશે.)

~ કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ બે સાવ ભિન્ન ક્ષેત્રના વ્યક્તિઓ મળે ત્યારે વાતચિત કયા મુદ્દે કરવી તે પ્રશ્ન ઉદભવે તે સ્વાભાવિક ઘટના છે. જો કે મારી માટે વાતચિત કરતાં આ મુલાકાત વધુ જરૂરી હતી, એટલે મને તો કોઇ વાંધો નહોતો. પણ કાર્તિકભાઇની સમસ્યા અંગે હું ચોક્કસ કહી ન શકું. અમે એકબીજાના મુખ્ય વિષયની થોડીક વાતો કરી. (થોડીક એટલા માટે કે તેમના વિષયમાં મને ટપ્પી ન પડે અને મારા વિષયની બોરિંગ વાતોથી તેમની દુર રાખવાનો મારો નેક ઇરાદો!) એટલે મારા ચિત્ર-વિચિત્ર વિચારોની સાથે-સાથે અમે પરિવાર-દેશ-દુનિયા અને આસપાસના લોકોની ‘પંચાત’ વધુ કરી. (આ મુલાકાત દરમ્યાન આદત મુજબ હું જ વધારે બોલ્યો હોઇશ અને તેમને બોલવાનો ઘણો ઓછો ચાન્સ આપ્યો હશે એવું મારું માનવું છે.)

~ ટેણીયાંને અને તેની મમ્મીને બે દિવસ પહેલા જ ઘર-ભેગા કરવામાં આવ્યા છે. (વેકેશન પુરું થયું!) અને સુનું-સુનું ઘર ફરી ગાજતું થઇ ગયું છે.

~ વ્રજને હવે નાના-નાના સવાલોના જવાબ આપતા આવડી ગયું છે. અમે જે બોલીયે તેના પાછળના શબ્દો રીપીટ કરવામાં પણ છોટું-સાહેબ માસ્ટર થઇ ગયા છે! લગભગ દરેક શબ્દો ચોખ્ખા બોલે છે. (જો કે ચમચીને તો હજુપણ તે ‘મન્ચી’ જ કહે છે! -આ શબ્દથી યાદ આવ્યું કે તેની ભાષામાં બોલાતા શબ્દોનું લિસ્ટ બનાવવાનું ભુલાઇ જાય છે.)

~ પોણા બે વર્ષનો આ ટેણીયો હવે અમને સવાલ પણ પુછે છે! કોઇ પણ નવી વસ્તું દેખે એટલે તેની તરફ આંગળીથી ઇશારો કરીને તેનો સવાલ તૈયાર જ હોય, “પપા, આ શું છે?” (જો કે અત્યારે તો કંઇ પણ જવાબ આપી દો, સ્વીકારી લે છે.)

~ લગભગ ૨૨ દિવસ સુધી એકલા રહેવાનો સૌથી મોટો ફાયદો એ રહ્યો કે છેલ્લા છ મહિના દરમ્યાન ચુકી જવાયેલી ઘણી ફિલ્મને જોઇ લેવાઇ. એમ તો કામકાજમાં પણ વ્યસ્તતાનું પ્રમાણ વધારે રહ્યું. હવે થોડા દિવસોમાં દરેક વ્યક્તિ/પેઢીનો ઇન્કમટેક્ષ ભરવાનો હોવાથી એકાઉન્ટને ફાઇનલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે એટલે દિવસો કાગળીયા વચ્ચે વ્યતિત થઇ રહ્યા છે.

~ છેલ્લા અઠવાડીયામાં જ રવિન્દર સિંઘના બે પુસ્તક1ને ઉપરાઉપરી વાંચવામાં આવ્યા. પુસ્તકો માટે હવે મારા બગીચામાં એક અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે જેમાં વાંચવામાં આવેલા પુસ્તક અંગે મારા મંતવ્યો રજુ કરતા રહેવાનો વિચાર છે. નવા વિભાગ માટે જુઓ- અહી.

~ આજકાલ ગરમીનો પારો 44-45 ની આસપાસ રહેવાના કારણે સખત ત્રાસદાયક વાતાવરણ છે. સવારે વહેલા અને રાત્રે થોડી-થોડી ઠંડક રહે છે પણ તે સિવાય આખો દિવસ સખત બફારો અનુભવાય છે. બપોરે 1 થી 5 દરમ્યાન તો બહાર નીકળી ન શકાય એવી હાલત છે. હવે તો વરસાદનો ઇંતઝાર છે. (કયારે વરસાદ આવે ને… કયારે મન મોર બની થનઘાટ કરે…)

~ મારા આ બગીચાના રૂપરંગમાં ફરી બદલાવ ન કરવાનો વિચાર કર્યો હોવા છતાં એક નાનકડો ચેન્જ કરવામાં આવ્યો છે. હવેથી બેકગ્રાઉન્ડમાં લીલો-લીલો બગીચો જોઇ શકાશે. (આ હરિયાળા બેકગ્રાઉન્ડ વિના મારો બગીચો મને સુકો-સુકો લાગતો હતો!)

~ આખરે દેશમાં અબકી બાર મોદી સરકાર આવી જ ગઇ. જેમ ફેસબુક પર લોકોને કહેતા સાંભળ્યા છે એમ હું કહી શકું છું કે નરેન્દ્ર મોદીની જીત માટે અમે પણ સચોટ આગાહી કરી હતી. જો કે હું અહીયાં તે બધું કહીને આપબડાઇ કરવામાં માનતો નથી એટલે કંઇ જ કહેતો નથી. (જોયું! ના-ના કહેતા કહી પણ દીધું છે! 😉 અને જો કોઇને ખાતરી કરવી હોય તો નવેમ્બર-2013 થી ચુટણી પરિણામ પહેલાની વાતો જોઇ લેવી.)

~ આ વખતે પ્રથમવાર દેશના વડાપ્રધાનની સપથવિધિનો શાનદાર સમારોહ નિરાંતે નિહાળવામાં આવ્યો. જો કે એક-ને-એક સપથ અલગ-અલગ વ્યક્તિઓના મુખે સાંભળીને ત્યાં પધારેલા મહેમાનોની જેમ મનેય કંટાળો આવતો હતો; પણ સપથવિધી બાદ નવા-નવા વડાપ્રધાનના મુખે કંઇક સાંભળવાની લાલચે ટીવી સામે બેસી રહ્યો હતો. પણ છેક સુધી તેઓ ન આવ્યા. 🙁 (વડાપ્રધાન બન્યા પછી અત્યાર સુધી મોદી’જી નું કોઇ જાહેર ભાષણ સાંભળવા નથી મળ્યું. જો કે સુત્રોથી મળતી જાણકારી અનુસાર બે દિવસમાં વડાપ્રધાન દેશની પ્રજાને સંબોધન કરશે એવા સમાચાર છે.)

~ સપથવિધી બાદ મોદીસરકાર જે રીતે કામકાજ કરી રહી છે તે જોતા લાગે છે કે અચ્છે દિન જલ્દ હી આ જાયેંગે.. જો કે કેટલાક લોકોને તેમાં શંકા પણ છે. (આ કેટલાક લોકો આજકાલ કોંગ્રેસી તરીકે ઓળખાય છે! આમ તો હવે સરકારના દરેક કાર્યોમાં શંકા કરવી તેમની ફરજ પણ છે.)

~ દેશના પડોશીઓ સાથે જે રીતે નિકળતા કેળવવામાં આવી રહી છે તે પ્રક્રિયાને અમે સંપુર્ણ ટેકો આપીએ છે. અમે અગાઉ જણાવી ચુક્યા છીએ કે આસપાસના દેશ સાથેના વિવાદિત મુદ્દે વાતચિત એ શ્રેષ્ઠ વિકલ્પ છે. પણ જો સામે પક્ષે શાંતિ-પ્રયાસના બદલે વારંવાર છમકલાં કરવામાં આવે તો યુધ્ધને અમે છેલ્લો વિકલ્પ પણ ગણીયે છીએ. (તમને એમ લાગશે કે હું તો એવી રીતે મારો મત જણાવી રહ્યો છું કે જાણે અમારા આ મતથી કોઇ મોટો ફરક પડવાનો હોય!)

~ મારી ધારણા મુજબ જ ગુજરાતમાં હવે મોદી-સરકારની જગ્યાએ પટેલ-સરકાર આવી ગઇ છે. (જુઓ- છ મહિના પહેલાની આગાહી) મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના પ્રમાણમાં આનંદીબેન થોડા કમજોર ચોક્કસ છે પણ તેમની ઉપર સાહેબનો હાથ રહેશે એટલે વાંધો નહી આવે એવું અમારું માનવું છે. (આનંદીબહેનની ગણના કડક વ્યક્તિ તરીકેની છે, પણ રાજકારણમાં કડક વ્યક્તિત્વ કરતાં સમય અનુસાર નિર્ણય લઇ શકે એવી પ્રેક્ટિકલ વ્યક્તિ વધુ સફળ રહે છે.)

~ રાજકારણ વિશેની અપડેટ્સ તો ઘણી છે પણ આજે અહી અટકીએ તે ઠીક રહેશે. બીજી કોઇ અપડેટ્સ ધ્યાનમાં આવતી નથી અને સંપુર્ણ કોમર્સીયલ-ઇવેન્ટ એવી IPL માં મને જરાયે રસ ન હોવાથી તેની કોઇ જ વિગત મારા બગીચામાં ઉમેરવાની જરૂર લાગતી નથી. (ચોખવટ: અહી માત્ર અમારું જ શાસન હોવાથી અમને રસ હોય એ જ માહિતી ઉમેરવામાં આવે છે.)

# આજનો કોશ્ચન2

Book: I Too Had a Love Story

i too had a love story

પુસ્તકનું નામ: આઇ ટુ હેડ અ લવ સ્ટોરી
લેખક: રવિન્દર સિંઘ

– ઘણાં દિવસ પછી આજે કોઇ પુસ્તક વિશે લખવાનું મન થયું છે. આપણે ત્યાં વાર્તા-નવલકથા-ફિલ્મમાં સામાન્ય રીતે ‘હેપ્પી એન્ડીંગ’ની બોલબાલા છે અને એટલે જ મુંબઇવાળા પેલા શાહરુખભાઇને પણ કહેવું પડયું છે કે, “અગર અંત મે સબકુછ ઠીક નહી હો જાતા તો સમજો, પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત….”

– આપણને (એટલે કે ભારતીય દર્શકો-વાચકોને) દુઃખી અંત માફક નથી આવતો. પરંતુ આજે વાત કરવી છે એક એવા પુસ્તકની કે જેમાં ‘હેપ્પી એન્ડીંગ’ ના બદલે કરુણ અંત છે.

– Play Books store માં એમ જ ખાંખા-ખોળા કરતા આ પુસ્તક ધ્યાનમાં આવ્યું અને માત્ર વાચકોના રિવ્યુ-રેટીંગ (અને ડિસ્કાઉન્ટ!) જોઇને ખરીદવાનો વિચાર બનાવ્યો. આમ પણ આપણને લવ સ્ટોરીમાં રસ ખરો. લેખકનું નામ થોડુંક જાણીતું લાગ્યું પણ આજસુધી તેમના કોઇ પુસ્તકનો અનુભવ ન હોવાથી થયું કે એમને વાંચવાનો અખતરો પણ કરી જોઇએ. (અખતરા કરવા એ તો મારો જુનો શોખ છે.) આમ, કોઇ જ પુર્વધારણા કે પુસ્તકના વિવરણ વગર પુસ્તકને ખરીદીને વાંચવાની શરૂઆત કરી.

– લાંબા સમય બાદ ચાર મિત્રો વચ્ચે મુલાકાતની સામાન્ય ઘટનાથી સોફ્ટવેર એન્જીનીયર રવિન પોતે આ પુસ્તકની શરૂઆત કરે છે. આ મુલાકાત રવિનને પોતાની માટે કોઇ જીવનસાથી શોધવાની પ્રેરણા આપે છે અને પોતાની પસંદના હમસફર શોધવાની વાત ઓનલાઇન મેટ્રીમોનીયલ સાઇટમાં રજીસ્ટ્રેશન સુધી પહોંચે છે. શરૂઆત ધીમી પણ સરસ રીતે થાય છે જેમાં વેબસાઇટ દ્વારા ખુશી નામની છોકરી તેના સંપર્કમાં આવે છે. (જે રવિનના બાયોડેટા દ્વારા તેનો સંપર્ક કરે છે અને ઘણી સરળતાથી શરૂઆત થાય છે એક લવ સ્ટોરીની…)

– આજના ફાસ્ટ જમાનામાં પણ એકબીજાને પ્રત્યક્ષ મળ્યા કે જાણ્યા વગર, માત્ર બાયોડેટા અને ફોટો જોઇને, અને મોબાઇલથી વાતો કરીને પ્રેમમાં પડવાની વાત સુધી પહોંચતું આ પુસ્તક મને વધુ ગમવાનું કારણ પણ એવું જ છે. (હવે તમને થશે કે હું તે કારણ અહી જાહેરમાં જણાવીશ… ના બાબા ના, કંઇક તો અંગત જેવું રહેવા દઉ જીવનમાં.) અતિશ્યોક્તિ વગરના શુધ્ધ, નિખાલસ અને સરળ પ્રેમનું સુંદર આલેખન જોવું હોય તો આ બુક એકવાર વાંચવી જ પડે!

– વાંચતી વખતે મારા મનમાં એ ખ્યાલ હતો કે આખરે બધું ઠીક થઇ જ જશે અને આનંદ-ઉત્સવની વાત સાથે આ પુસ્તકનો અંત આવશે. પરંતુ અંત આવો હોઇ શકે તેની મેં જરાયે કલ્પના કરી નહોતી. (રેટીંગ પર વધારે ધ્યાન હતું એટલે ઉડતી નજરે રીવ્યુ દેખ્યા હતા.)

– બે દિવસમાં તો લગભગ ૭૦% પુસ્તક વંચાઇ ગયું હતું. ત્રીજા દિવસે સવારે ઉંઘ વહેલી ઉડી જતા સવારના સમયને પસાર કરવામાં આખું પુસ્તક પુરું કરવામાં આવ્યું. પહેલીવાર કોઇ બુક પુરી થઇ જવાનું દુઃખ થયું. કેમ કે તેનો અંત સામાન્ય ધારણા અને માનસિકતાથી વિરુધ્ધ હતો જેને મન તરત સ્વીકારવા માટે તૈયાર ન’તું.

– અંતે એક વાત અહી કહીશ કે, જો આ પુસ્તકના અંતમાં તમારી આંખોમાં આંસુ આવી જાય તો સમજી લેવું કે તમારી અંદર એક સંવેદનશીલ વ્યક્તિ હજુ પણ જીવે છે!

i too had a love story book review in gujarati
I Too Had a Love Story by Ravinder Singh

આ પુસ્તકને બગીચાનંદ તરફથી..

flower rating system by marobagicho.com :) its 4.5/5 star!

5 માંથી 4.5 ફુલડાં!

લેખકના જીવનમાં બનેલી સત્ય-ઘટનાની યાદમાં અંગ્રેજી ભાષામાં લખાયેલ આ પુસ્તકની શૈલી સંપુર્ણ ભારતીય છે. જો કે આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ થયો હોય એવી માહિતી મળતી નથી. લેખક દ્વારા આ પુસ્તકના બીજા ભાગરૂપે લખાયેલ પુસ્તક ‘Can Love Happen Twice?’ પણ વંચાઇ ગયું છે પણ તેની વાત ફરી કયારેક કરીશું.


Update: આ પુસ્તકના ગુજરાતી અનુવાદ માટે જુઓ: અહીં (શ્રી નિરવભાઇએ પ્રતિભાવમાં આપેલ જાણકારી મુજબ.)