અણધાર્યું જો ને એવું રે થાશે..

~ અમદાવાદમાં ગયા અઠવાડિયે બે દિવસના લોકડાઉન ઉર્ફે કરફ્યુમાં કોરોનાની શરૂઆતના એ દિવસો યાદ આવી ગયા.

~ આ વખતે થોડોક ફરક એ રહ્યો કે દિવાળી પછી રજાઓના જ દિવસો હતા એટલે કોઈ વધારે અસર ન થઈ; પણ દુઃખ એટલું થયું કે રજાઓમાં ફરવા-રખડવાનો પ્લાન રદ કરવો પડ્યો અને ઘરમાં પુરાઇને બેસી રહેવું પડયું. (થાય એ પણ ક્યારેક.)

~ હજુયે અમદાવાદમાં અને બીજા મોટા શહેરોમાં 9 થી સવારે 6 સુધીનો રાત્રી કરફ્યુ અમલમાં છે. કોરોના રાત્રે જ હુમલો કરે છે એમ તો ન જ કહેવાય પણ રાતે ખાવા-પીવા-ટહેલવા નીકળતાં અને એક-બે જગ્યાએ ટોળે વળતાં અમદાવાદીઓને બિમારીની અસર પ્રત્યે થોડા સિરિયસ બનાવવા માટે આ રીત પણ ઠીક છે. હા, કરફ્યુ ટાઇમમાં રાત્રે એકાદ કલાકની વધુ છૂટ મળે તો કેટલાક ધંધાકીય એકમ અને દુકાનો, શો-રૂમ માટે સારું રહે. (કેટલાક તો કરફ્યુ હોવો જ ન જોઇએ એમ પણ કહેશે.)

~ સરકારને સલાહ આપનાર એમપણ વધારે છે એટલે મારી સલાહ-પોટલી બંધ રાખું એ જ ઠીક છે. (આમેય અમારું કોઈ માને એમ નથી.)

~ એક રીતે જોઈએ તો સરકાર કંઈ નથી કરતી એમ ન કહી શકાય અને ક્યાંક વધુ પડતું કરે છે એમપણ કહેવાય! બીજું બધું તો ઠીક પણ ધંધા અને ટ્રાન્સપોર્ટના નિયમોમાં અચાનક ફેરફાર ન કરે એટલી હાથ જોડીને વિનંતી છે. કેમ કે એ બધુ જ ડિસ્ટર્બ કરી દે છે અને ફરી પાટે ચડાવવામાં વેપારીઓનો દમ નીકળે છે. (સરકારભાઇ, ફરીથી કહું છું કે વેપારીઓને મરવા ન દેતા. પલીજ.)

~ કોરોના/કોવિડ-19 ના ફેલાવા વિશે તો વાત કરવા જેવી નથી. અહિયાં આજકાલ કેસ ખરેખર એટલા બધા છે કે તમે સરકાર કહે એટલું જ સમજો તો ઠીક છે. હકીકત જોવા જશો તો મગજ ચકરાવે ચડી જશે. (લગભગ બધાને એકવાર કોરોના થઈને જ રહેશે એવું લાગે છે.)

~ અમારી આસપાસ સોસાયટીઓમાં 50 થી વધુ કેસ હાલમાં એક્ટિવ છે. ડર સાવ નથી એમ ન કહી શકું પણ તોય હજુ અમે અમારી દિનચર્યા બદલી નથી. (આ બહાદુરી ગણાય કે મુર્ખામી એ નક્કી કરવાનું બાકી છે.)

~ ક્યારેક તુત લાગે છે તો ક્યારેક તોપ લાગે છે, ક્યારેક આ કોરોના મને બહુરુપી લાગે છે. કોરોના-ગ્રસ્ત બનીને ઠીક થયા હોય એ માંથી 49.50 ટકા એ પક્ષમાં છે કે કોરોનાથી ડરવા જેવું કંઈ જ નથી; કેમ તે સામાન્યથી ભારે તાવ અને શરદીથી વધું નથી અને થોડા દિવસની સામાન્ય દવામાં ઠીક થઈ શકાય છે. જ્યારે 49.50 ટકા લોકો એ પક્ષમાં છે કે કોરોનાને જરાય હળવાશથી લેવા જેવા જેવો નથી; કેમ કે આ એક જીવલેણ વાયરસ છે. (બચેલા 1 ટકા લોકો મારી જેમ કન્ફ્યુઝ છે અથવા તો બંને બાજુ હિલોળા લીધા કરે છે.)

~ રસીનું પરીક્ષણ પણ ચાલી રહ્યું છે. ટેસ્ટીંગ ડોઝ અપાઇ ચુક્યા હોવાના સમાચાર છે. મોદી સાહેબ પણ ખાસ તેના માટે ફરી ગુજરાત-અમદાવાદની મુલાકાતે આવવાના ન્યૂઝ જાણ્યા છે. (મુલાકાતના બીજા કોઈ ઉદ્દેશ સંસ્થાના ધ્યાનમાં નથી આવ્યા.)

~ ઠીક છે તો જે થશે એ જોયું જશે. અન્ય લોકો સાથે સંપર્કમાં આવો ત્યારે ખાસ માસ્ક પહેરવું અને સામાજીક અંતર જાળવવું એ જ હાલ સૌથી મોટો ઈલાજ છે. ચેપથી બચવા હાથ ચહેરાને ન અડે તે પણ ધ્યાન રાખવું એટલું જ જરુરી છે.

~ અંતે તો.. અણધાર્યું જો ને એવું રે થાશે; મન કે ચિત્તમાં ન હોય…

😷

જવાબ

broken

• તો તું નહી આવે?
– ના.

• તને મન નથી થતું?
– મારે ખોટું નથી બોલવું.

• તો સાચું બોલી દે..
– સાચું મારા સુધી જ રહે એ ઠીક છે.

• તું આવો કેમ છે?
– હું આવો જ હતો, હંમેશાથી..

• તું મને હર્ટ કરી રહ્યો છે યાર..
– જાણું છું.

• તો પણ?
– હા, બીજો કોઈ રસ્તો નથી મારી પાસે.

• રસ્તો ન હોય એવું ન બને.
– આજે બન્યુ છે. હું ડેડ-એન્ડ પર છું.

• તું કેમ આવું કરે છે?
– ખબર નહી.. હવે આ એકજ વિકલ્પ દેખાય છે.

• આપણે આટલો સમય સાથે હતા તો એક દિવસમાં શું બદલાઇ ગયું એ તો બોલ?
– એક દિવસમાં નથી બદલાયું; દિવસે-દિવસે બદલાયું છે. હું બદલાઇ ગયો છું. આપણે બદલાઈ ગયા છીએ.

• તો શું થયું?
– એ જ તો ઘણું થયું છે.

• મને એમાં કોઈ વાંધો નથી યાર.. આપણે સાથે છીએ એ જ મહત્વની વાત છે..
– આટલું થયા પછી પણ સાથે છીએ એમાં મને વાંધો છે. મારું આમ બદલાઇને સાથે રહેવું હવે ફાવતું નથી. મને એ જ બની રહેવું છે જે હું પહેલાં હતો; હું એ નથી જે તારી સાથે છું.

• તો રહે ને પહેલાની જેમ; તને કોણ રોકે છે.
– આપણી વચ્ચે નામકરણ કરેલા આ સંબંધનું બંધન. તેનું તૂટવું જરૂરી છે.

• પણ કેમ? એમાં તારી પણ મરજી હતી.
– ના, માત્ર તારી ખુશી માટે મેં ત્યારે સંમતિ આપી હતી એ તું જાણે છે. મેં પરિણામ વિશે ચેતવી પણ હતી તને. હવે તારી વાતમાં નથી આવવું.

• આપણે મળીશું તો બધું ઠીક થઈ જશે.
– મને એ જ ડર છે અને પછી મને એનો પસ્તાવો પણ થશે.

• તું મારુંય નહી માને?
– હવે હું કોઇનુંય નહી માનું.

• પણ કેમ?
– કારણ તું જાતે જ સમજી લે. મારાથી હવે વધુ સમજાવી શકાય એમ નથી.

• મને સમજવું છે, પ્રયત્ન તો કર..
– તું મને નથી સમજી શકી બકા; તો મારા કારણને કઈ રીતે સમજીશ..

• તું મને ગુંચવે છે.
– હું પોતે ગુંચવાયેલો છે.

• કેમ આવી ગોળ-ગોળ વાત કરે છે?
– કેમ કે મારું મગજ ફરી રહ્યું છે.

• શું થયું છે યાર તને; કેમ આવું કરે છે.
– બહુજ ખરાબ લાગ્યું છે મને તારા છેલ્લા વર્તનથી; નફરત થઇ રહી છે મારી ઉપર પુરો અધિકાર જતાવતા એ સંબંધના નામથી. તારા એ હકથી હું મને પીંજરામાં પુરાયેલો, પોતાની જાતથી કપાયેલો, ફીલ કરી રહ્યો છું. હું કેવો હતો તે શોધી રહ્યો છું. 

• તો શોધ ને; એમાં મને કેમ દૂર કરે છે?
– તું વચ્ચે આવી રહી છે અને મને હરપળ તારા એ સંબંધને પાળવા અને તે મુજબ બદલવા દબાણ કરી રહી છે. હવે મારી સહનશક્તિ ખુટી છે.

• ઠીક છે તો સંબંધનું નામ હટાવી દઇએ, બસ. પણ એટલી વાતમાં અલગ થવાની શું જરુર છે?
– બહુજ જરુરી છે. આપણે આગળ વધી ગયા છીએ બકા. અહીયાં અટકવા માત્રથી બીજું અટકવાનું નથી અને પાછા જવું હવે આપણાં માટે શક્ય નથી.

• પણ એકવાર તો મળી લે.
– મળવા માટે કોઈ કારણ નથી દેખાતું.

• તો આ સંબંધ પહેલાં પણ આપણે કારણ વગર મળતા હતા જ ને?
– હા, એમ તો કારણ ઘણાં હતા; પહેલાં એકબીજા પ્રત્યે ઉંડી લાગણી હતી. ગુંગળામણ કે અપેક્ષા વગરનું જોડાણ હતું. જોડાણ હોવા છતાં આઝાદી હતી. જેમ છે એમ જ એકબીજાનો સ્વીકાર હતો અને હવે આ એકતરફી અધિકાર, બંધન.. નથી રહેવાતું. મને આઝાદ થવું છે.

• તું આઝાદ તો છે. મેં ક્યાં પકડી રાખ્યો છે તને?
– તે પકડી રાખ્યો છે. મને કાબુમાં કરી રાખ્યો છે. મને તું જ તો ચલાવી રહી હતી; હવે નહી ચાલી શકું એમ..

• હું એટલી ખરાબ છું?
– ના, હું વધારે ભોળો હતો. હવે મારા મન મુજબ રહેવું છે. પહેલાંની જેમ બંધન વગર જીવવું છે. મારાથી આમ બંધનમાં રહેવાય એમ નથી.

• ઠીક છે. પણ.. આટલી વાર મળ્યા છીએ તો હવે એકવાર-છેલ્લીવાર મળવાથી શું થઈ જશે?
– ભુલ.

• તો તું નહી જ આવે?
– હું જવાબ આપી ચુક્યો છું.

💔

Nov’20 – અપડેટ્સ

a landscape view from madhyapradesh

~ તો, ઠંડી આવી ગઈ. હું પણ આવ્યો છું. એમ તો બે દિવસથી અહિયાં છું; પણ લખવાની જગ્યાએ બીજા આડાઅવળા કામ જ કર્યા છે. (મને ગમે છે તો કરું છું; કોઇને તકલીફ હોય તો જણાવે.)

~ મુખ્ય બદલાવ એ છે કે મેં મારું ઇ-સરનામું બદલ્યું છે; જે પહેલાં mail@marobagicho.com હતું, તે હવે b@marobagicho.com કર્યું. તેની પાછળ કોઈ મોટું કારણ નથી. બસ, મને બદલવું હતું તો બદલી દીધું છે અને સબસ્ક્રાઇબર્સને પણ નવા રુપરંગમાં ઇમેલ મળશે એવી ગોઠવણ કરી છે. (ફરી એકવાર કારણ વગરનો બદલાવ.)

~ આમ તો મને કોઇપણ સરનામે ઇ-ટપાલ લખો તો છેવટે એક જ ઇનબોક્ષમાં આવતી હોય છે! હા, ફરક એ રહેશે કે હવે મારા દ્વારા મોકલવામાં આવતા ઇમેલ નવા સરનામાથી હશે. લાગતા-વળગતાં અને મારા નિયમિત ઇમેલને સહન કરતાં લોકો નોંધ લે. જૂનું ઇમેલ ઍડ્રેસ પર ઇમેલ સ્વીકારવાનું ચાલું જ રહેશે. (આ સિવાય બીજું ખાસ કંઈ નોંધ કરવા જેવું નથી.)

~ ગયા મહિને પારિવારિક કારણસર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્રના જલગાંવ સુધીની મુસાફરી કરી. બે દિવસ વિતાવ્યા અને ત્રણ દિવસે પરત આવ્યા. વરસાદ સમયે રોડ બગડવા વિશે ભલે ઘણો કકળાટ કર્યો હોય પણ આપણાં પડોશી રાજ્યોના સ્ટેટ હાઇ-વે અને ગામડાના રસ્તાઓની હાલત જોઇને સમજાયું કે ગુજરાતના રોડ-રસ્તાઓ ઘણી સારી હાલતમાં છે જે માટે આપણે અભિમાન કરવું જોઈએ! (સ્ટેટ-બૉર્ડર ક્રૉસ કર્યાનો અનુભવ જ કહી દે કે તમે હવે ગુજરાતમાં નથી.)

~ એમ તો મુસાફરી બીજી પણ ઘણી રહી છે એટલે દરેકનો ઉલ્લેખ કરવો અઘરો છે અને ઘણી વાતો ભુલાઇ ગઈ છે; અને જો યાદ કરી-કરીને લખવા જઈશ તો આ પોસ્ટ આજે પુરી નહી થાય. (એમ તો મૂળ સમસ્યા યાદ કરવાની છે અને તે માટે મારી ટુંકી યાદ-શક્તિ પર જુલમ થાય એમ નથી.)

~ ‘હાય-હાય કોરોના’ કરવાનું અમે મુકી દીધું છે. થોડી સાવચેતી સાથે તેની સાથે રહેવાની ગોઠવણ કરી લીધી છે. હવે એટલો ડર પણ નથી લાગતો. (જે થશે એ જોયું જશે એ મુખ્ય મંત્ર છે.)

~ સુપ્રીમ કોર્ટની દખલ બાદ હવે લોકડાઉનમાં સમયસર હપ્તા ભરવાનો થોડોક ફાયદો બેંક તેના ગ્રાહકોને આપી રહી છે જે ગમ્યું. GST અને તેના માટે સરકારની કડકાઈને માત્ર મોદીના નામે સહન કરી રહ્યા હોઇએ એવું છે. કામ-ધંધા લગભગ ટ્રેક પર આવી રહ્યા છે પણ નિર્મલાબેન કાચા પુરવાર થઈ રહ્યા છે. સરકારને આવકની જરૂર છે તેમાં સહમત; પણ વેપારીઓને મરવા ન દેતા બેન. (મોદીસાહેબ સાથે કોઇની નજીકની ઓળખાણ હોય તો મારી આ વાત પહોંચાડજો.)

~ અમેરિકામાં સત્તા પરિવર્તન અને ચૂંટણી પ્રક્રિયા માટે આ વખતે ભારતીય ઉપખંડમાં લોકો અતિ-ઉત્સાહ દેખાડી રહ્યા છે જે મારી સમજ બહાર છે. હા મને તેના પરિણામ જાણવામાં રસ હોય છે પણ તેના કારણો વિશેની ચર્ચામાં પડવું ક્યારેય જરુરી નથી લાગ્યું. કોઇ કારણસર આ વખતે દેશ-વિદેશની બીજી બધી વાતોથી પણ દૂર રહી ગયો છું. જોકે તેનો કોઈ અફસોસ નથી. (એકંદરે શાંતિ છે.)

~ ટીવી ન્યૂઝ અને મીડીયાને તો ઘણાં સમય પહેલાં હાથ જોડી દીધા છે અને કેટલાયે લોકોને તેમ કરવા સલાહ પણ આપી ચુક્યો છું. ખરેખર, ગજબ માનસિક શાંતિ મેળવી શકાય છે અને પોતાની અંદર ઘણી નકારાત્મકતાને પ્રવેશતા અટકાવી શકાય છે. (આ કિંમતી સલાહ મફતમાં આપી છે એટલે કોઈ તેનું મૂલ્ય નહી સમજે એ મને ખબર છે.)

~ થોડા જ દિવસોમાં દિવાળી છે. પછી થોડી રજાઓ. દિવાળીની રજાઓ પછી મારા માટે અલગ પ્રવૃતિમાં પ્રવેશ લેવાનું થશે. થોડાક નવા લોકો, એક નવી પ્રવૃત્તિ અને તદ્દન નવી જગ્યા. હાલ તો તે સમય માટે ઉત્સાહમાં છું એટલે મજા આવશે એમ લાગે છે. (મારો આ ઉત્સાહ ટકાવી રાખે એવી રમેશભાઇને વિનંતી.)

~ વ્રજ-નાયરા દિવાળી-વેકેશનમાં નાના-નાની પાસે જવાની જીદ કરે છે અને મેડમજી તો ત્યાં જવા માટે રેડી જ હોય; એટલે એક ધક્કો ત્યાં થશે. આમ તો છોકરાંઓ માટે આ આખુ વર્ષ વેકેશન જેવું રહેવાનું છે, તોય સ્કુલમાંથી દિવાળીનું વેકેશન આપવામાં આવ્યું છે. (નિયમ એટલે નિયમ!)

~ દિવાળીએ ફરવા જવાનો વિરોધી હોવા છતાં આ વખતે ખબર નહી કેમ મને ક્યાંક જવાની ઘણી ઇચ્છા થાય છે. ક્યાંક દૂર થોડા દિવસ અજાણ્યા વાતાવરણમાં ગુમ થઈ જવાનું મન થાય છે. સાચું કહું તો લોકડાઉન-મોડ માંથી બહાર નિકળવા માટે મને એક બ્રેક જોઈએ છે. (જેમ હિરો હિરાને કાપે એમ આ બ્રેક મને લોકડાઉન અસરમાંથી બહાર કાઢી શકે છે.)

~ એમપણ મેડમજી અને બાળકોના પ્લાન નક્કી છે તો વિચારું છું કે તેમને ત્યાં મુકીને પછી એકલા ક્યાંક જઈ શકાય એવું ગોઠવું. (સ્થળ પણ કેટલાક શોધી રાખ્યા છે જ્યાં એકલાં જઈ શકાય.)

~ દિવાળી સુધી અહીયાં નિયમિત લખતા રહેવાનો વિચાર પણ છે. લોકડાઉન પહેલાં કરેલ એક-બે સ્થળ મુલાકાતની વાતો ઉમેરવા જેવી લાગે છે. તે સિવાય એમ જ કારણ વગર અથવા તો કોઈ કારણસર લખાયેલી અપડેટ સિવાયની અસ્તવ્યસ્ત વાતો પણ ડ્રાફ્ટમાં રાહ જોઈ રહી છે તો તેને પણ ન્યાય આપવાનો વિચાર છે. (અંતે તો મનમાં આવશે એમ જ થશે.)

👍