May’13 : અપડેટ્સ

~ આજકાલ બીજું બધું ચીતરવામાં અપડેટ્સ ભુલાતા જાય છે. (મારો બગીચો બનાવવાનો મુળ હેતુ જ ભુલાઇ જાય એવું તો ના ચાલે.)

# ચલો, સૌથી પહેલા છોટે બાદશાહથી અપડેટ્સની શરૂઆત કરીએ.

~ આજે યાદ આવ્યું કે ઘણાં દિવસથી તેની કોઇ વાતો રેકોર્ડ પર નથી લેવામાં આવી! સાહેબ સાડા નવ મહિનાના થયા. હવે આખો દિવસ કંઇ ને કંઇ ‘બકબક‘ કર્યા રાખે છે.

~ એક સેમ્પલ: અતાતાતાતા પાપાપાપાપા પ્લેગ્લુબલલપાપાપા (કોણ જાણે શું કહેતો હોય છે અમને તો કંઇ સમજાતું નથી. કોઇ એક્સપર્ટ ધ્યાનમાં હોય તો જણાવજો.)

~ ચાર પગે (એટલે કે બે હાથ અને બે પગ વડે) ચાલતો થઇ ગયો છે અને કંઇ પણ વસ્તુના ટેકે આસાનીથી ઉભો થઇ જાય છે. અત્યાર સુધી કોઇ પણ ટેકા વગર સળંગ ત્રણ સેકંડ ઉભા રહેવાનો તેનો વર્લ્ડ રેકોર્ડ છે!

~ કદાચ મહિનામાં જ બે પગે ચાલતા શીખી જશે એવું લાગે છે. (અગત્યનું કામ: ઘરના બધા દરવાજા-સીડી-પગથીયા પાસે ‘આગળ રસ્તો બંધ છે’નું પાટીયું લગાવવું પડશે; પણ ફરી એક સમસ્યા આવશે – તેને વાંચતા પણ શીખવાડવું પડશે!)

# ટેણીયો એવો ધમાલીયો અને જીદ્દી થતો જાય છે કે વાત ન પુછો. હવે તો બધા મને કહે છે કે, તુ તો ત્યારે ઘણો ડાહ્યો હતો (એમ તો હજુયે છું! 😉 ) અને સાસરીયાંમાંથી મેડમજીના બાળપણનો રિપોર્ટ કઢાવ્યો તો એ પણ ‘નોર્મલ‘ આવ્યો છે; તો સવાલ એ છે કે ટેણીયો કોના ઉપર ગયો છે?’ (દરેક પરિવારમાં એકાદ સ્વજન હશે જ, જે કાયમી તપાસ કર્યા કરે અને સમયાંતરે જાહેરાત કર્યા કરે કે બાળક ‘કોના ઉપર ગયું છે’)

– આજકાલ ઘરે વધારે રહેવાના કારણે અમારી બંનેની દોસ્તી વધારે મજબુત બનતી જાય છે. કયારેક તો તેની મમ્મી કરતાં પણ વધારે મારી સાથે રહેવાની જીદ કરે છે.

– જો તેને મોબાઇલ, ટીવી રિમોટ કે ટેબ આપવાની ભુલ કરીએ, તો પછી જે-તે વસ્તુ ‘સલામત‘ પાછી મળશે તેની આશા નહિવત છે. આ સત્યને હવે અમે સ્વીકારી લીધું છે. (અને સ્વીકાર્યા સિવાય છુટકો પણ નહોતો.)

# હવે મારી અપડેટ્સ;

– બિમારીની રિકવરી ધાર્યા કરતા ઘણી ફાસ્ટ છે અને હવે તો મારી મમ્મી અને ડૉક્ટર સિવાય કોઇને લાગતું નથી કે હજુ હું બિમાર છું. (જો કે ઑફિસિયલ રિપોર્ટ પ્રમાણે હું બિમાર જ ગણાઉ.)

– લેટેસ્ટ વજન અપડેટ: 50  કિલો.

– જીવનના દરેક ક્ષેત્રે ઘણાં પરિવર્તન આવી ગયા છે, થોડા સમયમાં ઘણું બદલાઇ ગયું હોય એમ લાગે છે. મારી માટે મારી જીંદગીની કિંમત કંઇ ખાસ નહોતી પણ કેટલાક માટે તે અમુલ્ય છે તે સમજાઇ ગયું છે. (અને આ સમજણે મારા જીવન પ્રત્યે ગંભીર બનતા શીખવી દીધું છે.)

– આસપાસના લગભગ દરેક મિત્રોનો સાથ હમણાંથી છુટી ગયો છે. કોઇ કામમાં વ્યસ્ત છે તો કોઇ ફરવામાં અને હું ‘નવરો’ તે કોઇનો સમય બગાડવાનું કારણ બનવા નથી ઇચ્છતો. (આમ જોઇએ તો હમણાં હું ટેણીયા સાથે જ પુરો સમય વિતાવું છું અને વર્ષોથી બાકી રહી ગયેલા પરચુરણ કામ/શોખ પુરા કરી રહ્યો છું.)

– નવરા હોઇએ એટલે નવી-નવી ઇચ્છાઓ જાગે અને નવા-નવા નખરાંઓ સુઝે! અને અમે રહ્યા થોડા વિચિત્ર પ્રાણી એટલે હવે તે દરેકની નોંધ કરવાનું નક્કી કર્યું છે જેથી ઉદભવેલી ઇચ્છા ભુલાઇ ન જાય અને સુઝેલો નખરો ચુકી ન જવાય. (બાબુમોશાય, યે જીંદગી બહુત છોટી હૈ ઔર ઇસસે હમારી ખ્વાઇશેં બહુત લંબી હૈ..)

# અન્ય અપડેટ્સ;

– મારા દ્વારા ક્લીક થયેલા ફોટોને આખરે અહી જ સંઘરવાનું નક્કી કર્યું છે અને તેને એકસાથે જોવામાં સરળતા રહે તે માટે ‘છબ-છબીયાં(My Camera Clicks)’ નામનું પાનું પણ બનાવવામાં આવ્યું છે. જેમ-જેમ ફોટો મુકવામાં આવશે તેમ-તેમ તેની લીંક ત્યાં પણ અપડેટ કરવામાં આવશે એવો પ્લાન છે. 

નોંધઃ વર્ષ 2014માં ઉપરનો વિચાર બદલાઇને એક કેટેગરી રુપે ફેરવાઇ ગયો છે. આ વાતના અંતમાં તે વિશેની માહિતી મુકેલ છે અથવા જુઓ આ કડીઃ છબછબીયાં

~ લગભગ દરેક થીમમાં હોય છે, પણ આ નવા દેખાવ(થીમ)ના મેનુમાં ‘Home‘નું ઓપ્શન નહોતું. હવે તેના વગર તો ચાલે એમ નથી એવું લાગ્યું એટલે થયું કે થોડા ખાંખા-ખોળા કરીને મામલો સેટ કરીએ.

~ શોધવામાં કાલનો અડધો દિવસ બગાડ્યો, છેવટે સફળતા મળી પણ ખરી અને સાથે-સાથે ફાયદો એ થયો કે બ્લૉગમાં મેનુ-સેટીંગ્સ વિશે ઘણું નવું શીખવા મળ્યું. (કોઇને મેનુને લગતી કોઇપણ જાણકારી/મદદ જોઇએ તો નિઃસંકોચ માંગી લેજો.)


લેટેસ્ટ અપડેટ ઓફ – 2014
મારા દ્વારા ક્લીક થયેલ ફોટો એક જ જગ્યાએ જોવા માટે જુઓ;
મારા છબછબીયાં

પરિવર્તન..

– હા, પરિવર્તન એ સંસારનો નિયમ છે! અને મારા બગીચાનો પણ! 🙂

– બસ, એ જ નિયમને ન્યાય આપવા આજે આ બ્લોગના મુળ દેખાવમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. (એટલે કે મારો કોઇ વાંક નથી એ સાબિત થાય છે!)

  • કોઇને ગમે કે ન ગમે પણ મને તો ગમે છે (ત્યારે જ તો આ શક્ય બન્યું છે! 😇 ) છતાંયે કોઇને વાંધાવચકા જણાતા હોય તો મારું ધ્યાન દોરી શકે છે.

– ચિંતા ન કરો તમને નહી પુછું કે આ નવો દેખાવ (theme) કેવો છે…… ઓકે. કહો ને કે તમારી દ્રષ્ટિએ કેવું દેખાય છે? (જે સાચુ હોય તે કહેવા વિનંતી. મહેરબાની કરીને ભક્તો ચાપલુસીથી દુર રહે, મિત્રો સાચી વાત જણાવે અને વડીલો યોગ્ય સલાહ આપે.)

# જુની થીમની એક યાદગીરી:

મુળ દેખાવમાં કરેલું પરિવર્તન

– અને હા, આજથી અમે ફરી ફેસબુક પર હાજર છીએ. (કારણ ન પુછશો. 🙏..)