આજે તે ખુશખબર ને એક વર્ષ થયું!

– કઇ ખુશખબર? હા, આગળ તેની જ વાત કરવાની છે..

– થયું એવું કે આજે અનાયાસે જ નવરા બેઠા-બેઠા મારા બગીચાની જુની ગલીયોમાં આંટો મારવાનું મન થઇ આવ્યું. (લે.. કાયમ લખતા હોઇએ, તો કયારેક પાછા વળીને જોવાનું મન તો થાય ને!)

– જુની વાતોમાં રખડતાં-ભટકતાં1 આજથી બરાબર એક વર્ષ પહેલા આજના દિવસે જ લખાયેલી એક એવી પોસ્ટ હાથમાં આવી કે જેને ત્યારે તો પાસવર્ડ પ્રોટેક્ટેડ કરવામાં આવી હતી. (વિચાર્યું’તું કે થોડા સમય પછી તેને ‘ઓપન’ કરી દઇશ પણ સમય-જતા ભુલાઇ ગયું.)

– એક વર્ષ પહેલા જે ખુશખબર થોડા લોકો સાથે વહેંચી હતી, આજે તે પોસ્ટને સહર્ષ ‘ઓપન ફોર ઑલ‘ કરવામાં આવે છે. (યહ દેરી કે લીયે હમે ખેદ જરૂર હૈ)

– હા, મુળ તો આજે સેલીબ્રેશનનો દિવસ છે કે તે ખુશખબરને એક વર્ષ થયું છે! અને તેનું પરિણામ તો તમે બધા જાણો જ છો. 🙂

– જુની ખુશખબર-પોસ્ટની ‘ઓપન’ લીંક જુઓ :  અહીં

# લેટેસ્ટ અપડેટ્સ:

  • ટેણીયાને 4 મહિના પુરા થયા. અત્યાર સુધી તેની માટે કુલ 2 રાત્રીનો ઉજાગરો નોંધાયો છે.
  • ગુજરાત વિધાનસભાની ચુટણીમાં બે દિવસ પહેલા મત આપ્યો અને આવતી કાલે તેનું પરિણામ જાહેર થવાનું છે.
  • થોડા અપડેટ્સ ટ્વીટરમાં જોવા મળશે.
  • અને જોઇ લેજો… આ વખતે પણ મોદી જ આવશે.2

ડિસેમ્બર’12 : અપડેટ્સ

. . .

– દરરોજ કંઇકને કંઇક નોંધ લેવા લાયક બનતું જ રહેતું હોય છે પણ કમનસીબે સમયસર નોંધવાની આળસમાં ઘણું ભુલી જવાતું હોય છે.

– ઠંડી અત્યારે થોડી-થોડી વધી રહી છે પણ વર્ડપ્રેસની અસીમ કૃપાથી મારા આ બગીચામાં તો હમણાંથી જ બરફવર્ષા ચાલુ થઇ ગઇ છે !! (તમે જોયું કે નહી? જુઓ જુઓ…બેક્ગ્રાઉન્ડમાં બરફ વરસતો દેખાશે.)

– રવિવારે વ્રજને ફરી રસી અપાવવા લઇ ગયા હતા. હવે પછીનો ‘ડોઝ’ મે મહિનામાં આવશે. આ રસી આપનારા ડોકટર-નર્સ જે રીતે રસી-ઇન્જેકશન આપતા હોય છે તે જોઇને કુમળા બાળક પ્રત્યે તેઓ થોડા નિર્દય હોય એવું લાગે. (હશે, તેમની માટે તો આ બધુ રોજનું કામ કહેવાય એટલે..)

– પરિવારમાં લગ્ન પુરા થયા. હવે તો બધા મહેમાનો પોતપોતાના ઘરે પહોંચી ગયા છે અને પોતના કામધંધે પણ વળગી ગયા હશે. (પણ અમે હજુ રજાના માહોલમાંથી બહાર નથી આવ્યા બોલો…)

– આ મહિનાની ૧૩ અને ૧૭ તારીખે ગુજરાતમાં ચુટણી છે. સૌને પોતાનો કિમતી મત ‘યોગ્ય’ ઉમેદવારને આપવા વિનંતી. (જો યોગ્ય ઉમેદવાર પસંદ કરવો મુશ્કેલ હોય તો નાછુટકે ઉભેલા ઉમેદવાર માંથી પ્રમાણમાં ઓછા ‘નાલાયક’ની પસંદગી કરવી.) અને આપને કોઇ જ ઉમેદવાર યોગ્ય ન લાગે તો….

  1. તમારૂં ઓળખપત્ર લઇને મતદાન કેન્દ્ર પર જજો.
  2. તમે મતદાન કરવા આવ્યા છો તેની નોંધ રજીસ્ટરમાં કરાવજો.
  3. પહેલી આંગળી પર કાળું ટપકું મુકાવજો.
  4. EVM પર “ઉપરમાંથી કોઇ નહિ” નું બટન દબાવજો.
  • જો એવું બટન EVM પર ના હોય તો…
  • પ્રિસાયડીંગ ઓફિસરને કહો કે તમે ફોર્મ નં 16A દ્વારા જ મતદાન કરવા ઇચ્છો છો કારણકે તમે જે મત આપવા માંગો છો એ સુવિધા EVM પર નથી. (EVM = ઈલેક્ટ્રોનીક વોટીંગ મશીન) ફોર્મ 16A ભરી ને તમારા તથા પ્રિસાયડીંગ ઓફિસર ના હસ્તાક્ષર કરવા જરૂરી છે. આ ફોર્મ ભરવાથી તમારો ” કોઇ ઉમેદવાર ચૂંટવા લાયક નથી ” એવો મત નોંધાઇ જશે તેમજ તે મુજબની ગણતરીમાં લેવાશે.
  • આ અંગે વધુ જાણકારી / માર્ગદર્શન તમે સ્થાનિક ચૂંટણી નિરીક્ષક પાસેથી વિના સંકોચ અધિકાર સાથે મેળવી જ શકો છો.
    (માહિતી સ્ત્રોત: શ્રી અખિલ સુતરીયા)

– અમારે ત્યાં ઉભેલા ઉમેદવારમાં જે ઉમેદવાર ઠીક લાગે છે તેની પાછળ રહેલી રજકીય પાર્ટી ઉપર મને ભરોસો નથી આવતો અને જે ઉમેદવાર પસંદગીને ‘લાયક’ નથી તેનો રાજકીય પક્ષ (અન્ય વિકલ્પના અભાવે) મને પસંદ છે. આ કારણોથી મારો કીમતી મત કોને આપવો તે હજુ સુધી નક્કી કરી શક્યો નથી. (નક્કી કરીશ તો પણ અહીયા કોઇને નહી કહું. એ તો સિક્રેટ જ રહેશે. 🙂 )

– મારા મતે આ વર્ષે પણ નરેન્દ્ર મોદીનું પલ્લું થોડું ભારે જણાય છે. હવે જોઇએ ગુજરાતની પ્રજા આખરે કોને વધુ પસંદ કરે છે. (જો કે હું કોઇ ચુટણી એક્સપર્ટ નથી એટલે મારી ધારણા ખોટી પણ પડી શકે છે જેની નોંધ લેવી.)

– અમદાવાદના આકાશમાં હમણાંથી પતંગ દેખાવાના શરૂ થઇ ગયા છે. આ વર્ષે ઉતરાયણની આગળના દિવસે એટલે કે ૧૩ જાન્યુઆરીના દિવસે રવિવાર આવે છે એટલે આ વખતે ત્રણ દિવસની ઉતરાયણ પાક્કી. (મને બચપનથી જ ઉતરાયણનો તહેવાર ઘણો વ્હાલો.) ગુજરાત સરકારના આગામી કાર્યક્રમોમાં તપાસ કરીને કોઇ મને કહેજોને કે આ વખતે ‘વાઇબ્રન્ટ ઉતરાયણ’ના આયોજનનો કોઇ પ્લાન છે કે નહી?

– રેગ્યુલર દોડવાનો પ્લાન પહેલા લગ્નના કારણે અને હવે ઠંડી (સાથે સાથે થોડી આળસ) ના કારણે અટકેલો છે. (આ અટકેલો પ્રોગ્રામ ફરી શરૂ કરવું ઘણું વિકટ લાગે છે…. કેમ કે હમણાંથી સવારે વહેલા ઉઠાતુ જ નથી.)

– મારી ગાડીના કાચ ઉપરની બ્લેક ફિલ્મ ન કાઢવા બદલ ગઇકાલે જ દંડ ભર્યો! (હવે તો જલ્દી જ કાઢી નાખવી પડશે. 🙁 )

– બસ, હવે વધારે લખીને લાંબુ નથી કરતો. અસ્તુ.

. . .

નવેમ્બર’12 : અપડેટ્સ

. . .

– હા, તો અમે આજે ફરી હાજર છીએ બગીચામાં અમારી કડવી-મીઠી વાતો લઇને.

– ગયા વર્ષે પાચમના દિવસે ધંધે લાગી ગયા હતા પણ આ વર્ષે થોડા દુર હોવાના કારણે સાતમના દિવસે કામકાજની શરૂઆત કરી. (‘મુરત’માં તો અમે આમપણ માનતા નથી.)

– દિવાળી-રજાના દિવસો સાસરીયે ફુલ આરામમાં વિતાવ્યા પછી રોજ ઑફિસ જવામાં થોડી આળસ જણાય છે. જો કે માર્કેટમાં પણ હજુ સુસ્તી જણાય છે અને અત્યારે કોઇ ખાસ કામ પણ નથી એટલે કંટાળો આવે છે. (તોયે ઓફિસે તો જવું પડે ને…)

– બીજુ બધુ તો ઠીક પણ લોકોને બોનસ આપી-આપીને થાકયા. રોજ કોઇને કોઇ ટપકતા રહે છે. ટપાલી, BSNL વાળા, પાણીની બોટલમુકવા વાળા, ઘર અને ઑફિસની બહાર સાફ-સફાઇ કરતા સરકારી લોકો, લારી-ટેમ્પોવાળા, કચરા-પોતાવાળા, પોલિસવાળા, ગેસનો બાટલાવાળાથી લઇને વર્ષમાં માંડ એકાદવાર દેખાતા અને કયારેય કામમાં ન આવતા લોકો પણ ‘હક’ થી બોનસ માંગીને લઇ ગયા !! (આ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે, જો કે તેમાં સાથ આપવા બદલ હું પણ ગુનેગાર ગણાઇ શકું.)

– લગ્નની સિઝન હવે શરૂ થઇ રહી છે પણ આ વખતે વધારે લગ્નમાં હાજરી આપવી શક્ય નહી બને. કેમ કે આવતા અઠવાડીયે પરિવારમાં જ કાકાની દિકરીના લગ્નનો પ્રસંગ આવી રહ્યો છે. (અરે યાદ આવ્યું કે આ વખતે મને ‘લગ્ન-પડીકું’ લઇને છે….ક મહારાષ્ટ્રમાં જવાનું છે. ફરી ટ્રેનની મુસાફરી….)

– ઘરે મહેમાનો આવવાના શરૂ થઇ ગયા છે. હંમેશા માત્ર ચાર વ્યક્તિના કારણે ખાલી-ખાલી લાગતું મારું ઘર આજકાલ મહેમાનોના કારણે ભર્યું-ભર્યું લાગે છે. મને તો મજા છે પણ ટેણીયાને થોડી તકલીફ થઇ રહી છે. દરેક લોકો વ્રજને રમાડવાની ઇચ્છા કરે છે અને બધા તેની આસપાસ મંડરાયા રાખે છે પણ તેને તો શાંતિ વધુ પ્રિય હોય એવું લાગે છે !! (આ બાબતે તો તે પુરેપુરો મારા જેવો છે.)

– અરે હા, મિત્રો અને વડીલોને આપેલ વચન મુજબ આજે પહેલીવાર વ્રજ ના ફોટો મારી ફેસબુક પ્રોફાઇલ માં મુકયા છે. જો કે કેટલાક મિત્રો જ તેને જોઇ શકે એમ છે, દરેક માટે ‘ઓપન’ નથી. અને ફેસબુકમાં મારી સાથે ન જોડાયેલા મિત્રોને વિનંતી કે આપનું ઇમેલ ID કે ફેસબુક પ્રોફાઇલ લીંક મને ફેસબુક-મેસેજ, કોમેન્ટ અથવા ઇમેલ દ્વારા મોકલી આપે તો આપને તે ફોટો-આલ્બમની લીંક મોકલવામાં મને ઘણો આનંદ થશે. મારા ફેસબુક મિત્રોમાંથી પણ કોઇને ચુકી જવાયુ હોય તો તેઓ મારી ભુલ સુધારવામાં મદદ કરી શકે છે.

. .

# વધારાની વાત – વર્ડપ્રેસના ‘Site Stats’ પ્રમાણે એક અઠવાડીયાથી મારા બગીચામાં પાકિસ્તાન પ્રદેશથી કોઇના પગલાંઓ નિયમિત જણાય છે. યાર, મને તો બહુ ડર લાગે છે. એમાંયે આતંકવાદી કસાબને ફાંસી આપ્યા પછી તો આ ડર ઔર વધી ગયો છે!! (જોકે ત્યાં પણ કોઇને ગુજરાતી આવડતું હોઇ શકે છે અથવા તો કોઇ એમ જ ભુલું પડયું હોય એવી સંભાવનાઓ પણ હોઇ શકે.)

. . .