નવેમ્બર’12 : અપડેટ્સ

. . .

– હા, તો અમે આજે ફરી હાજર છીએ બગીચામાં અમારી કડવી-મીઠી વાતો લઇને.

– ગયા વર્ષે પાચમના દિવસે ધંધે લાગી ગયા હતા પણ આ વર્ષે થોડા દુર હોવાના કારણે સાતમના દિવસે કામકાજની શરૂઆત કરી. (‘મુરત’માં તો અમે આમપણ માનતા નથી.)

– દિવાળી-રજાના દિવસો સાસરીયે ફુલ આરામમાં વિતાવ્યા પછી રોજ ઑફિસ જવામાં થોડી આળસ જણાય છે. જો કે માર્કેટમાં પણ હજુ સુસ્તી જણાય છે અને અત્યારે કોઇ ખાસ કામ પણ નથી એટલે કંટાળો આવે છે. (તોયે ઓફિસે તો જવું પડે ને…)

– બીજુ બધુ તો ઠીક પણ લોકોને બોનસ આપી-આપીને થાકયા. રોજ કોઇને કોઇ ટપકતા રહે છે. ટપાલી, BSNL વાળા, પાણીની બોટલમુકવા વાળા, ઘર અને ઑફિસની બહાર સાફ-સફાઇ કરતા સરકારી લોકો, લારી-ટેમ્પોવાળા, કચરા-પોતાવાળા, પોલિસવાળા, ગેસનો બાટલાવાળાથી લઇને વર્ષમાં માંડ એકાદવાર દેખાતા અને કયારેય કામમાં ન આવતા લોકો પણ ‘હક’ થી બોનસ માંગીને લઇ ગયા !! (આ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે, જો કે તેમાં સાથ આપવા બદલ હું પણ ગુનેગાર ગણાઇ શકું.)

– લગ્નની સિઝન હવે શરૂ થઇ રહી છે પણ આ વખતે વધારે લગ્નમાં હાજરી આપવી શક્ય નહી બને. કેમ કે આવતા અઠવાડીયે પરિવારમાં જ કાકાની દિકરીના લગ્નનો પ્રસંગ આવી રહ્યો છે. (અરે યાદ આવ્યું કે આ વખતે મને ‘લગ્ન-પડીકું’ લઇને છે….ક મહારાષ્ટ્રમાં જવાનું છે. ફરી ટ્રેનની મુસાફરી….)

– ઘરે મહેમાનો આવવાના શરૂ થઇ ગયા છે. હંમેશા માત્ર ચાર વ્યક્તિના કારણે ખાલી-ખાલી લાગતું મારું ઘર આજકાલ મહેમાનોના કારણે ભર્યું-ભર્યું લાગે છે. મને તો મજા છે પણ ટેણીયાને થોડી તકલીફ થઇ રહી છે. દરેક લોકો વ્રજને રમાડવાની ઇચ્છા કરે છે અને બધા તેની આસપાસ મંડરાયા રાખે છે પણ તેને તો શાંતિ વધુ પ્રિય હોય એવું લાગે છે !! (આ બાબતે તો તે પુરેપુરો મારા જેવો છે.)

– અરે હા, મિત્રો અને વડીલોને આપેલ વચન મુજબ આજે પહેલીવાર વ્રજ ના ફોટો મારી ફેસબુક પ્રોફાઇલ માં મુકયા છે. જો કે કેટલાક મિત્રો જ તેને જોઇ શકે એમ છે, દરેક માટે ‘ઓપન’ નથી. અને ફેસબુકમાં મારી સાથે ન જોડાયેલા મિત્રોને વિનંતી કે આપનું ઇમેલ ID કે ફેસબુક પ્રોફાઇલ લીંક મને ફેસબુક-મેસેજ, કોમેન્ટ અથવા ઇમેલ દ્વારા મોકલી આપે તો આપને તે ફોટો-આલ્બમની લીંક મોકલવામાં મને ઘણો આનંદ થશે. મારા ફેસબુક મિત્રોમાંથી પણ કોઇને ચુકી જવાયુ હોય તો તેઓ મારી ભુલ સુધારવામાં મદદ કરી શકે છે.

. .

# વધારાની વાત – વર્ડપ્રેસના ‘Site Stats’ પ્રમાણે એક અઠવાડીયાથી મારા બગીચામાં પાકિસ્તાન પ્રદેશથી કોઇના પગલાંઓ નિયમિત જણાય છે. યાર, મને તો બહુ ડર લાગે છે. એમાંયે આતંકવાદી કસાબને ફાંસી આપ્યા પછી તો આ ડર ઔર વધી ગયો છે!! (જોકે ત્યાં પણ કોઇને ગુજરાતી આવડતું હોઇ શકે છે અથવા તો કોઇ એમ જ ભુલું પડયું હોય એવી સંભાવનાઓ પણ હોઇ શકે.)

. . .

4 thoughts on “નવેમ્બર’12 : અપડેટ્સ

  1. 1} અમારે ખુણાનું ઘર હોવાથી , બે બે કચરા વળનાર બેન , બોનસ માંગવા આવે છે . . પણ કચરો વાળવામાં બંને સગ્ગી આળસુ બહેનો છે . . . અને એકદમ ખૂણા પર પડેલો કચરો નથી નથી આ લેતી . . કે . . નથી પેલી લેતી 😀

    2} મને પણ શાંતિ પ્રિય છે , i.e Peace ( શાંતિભાઈ કે શાન્તિબહેન નહિ હો ) 😉

    nirav.is.reading@gmail.com ( Little child’s little Pic . )

    1. અમારે ત્યાં બોનસ લેવા અવતી બહેનો માંથી કોઇને મે મારી નજરે કામ કરતા જોઇ નથી, આ તો ઓફિસનો માણસ સાથે આવીને તેને બોનસ આપવાના આદેશ સાથે ઓળખાણ આપે એટલે આપી દેવું પડે…. (શું કરીયે યાર.., શેઠ બનીને બેઠા હોઇએ એટલે ૫૦-૧૦૦ માટે આનાકાની પણ ના કરાયને…. 🙂 )

      તમને પણ શાંતિ પ્રિય છે એ જાણીને આનંદ થયો. (શાંતિના ચાહકોમાં વધુ એકનો ઉમેરો !! 😀 )

      ફોટો આલ્બમની લીંક આપને ઇમેલ કરી દીધી છે.

  2. આ વખતે તો અહીં બેંગ્લોરમાં, PGમાં સાફ સફાઇ વાળો આપ્યો અને કન્નડમાં કંઇ બોલ્યો, મેં એક જણને બોલાવીને પૂછ્યું કે આ શું કહે છે. તો ખબર પડી કે તે બીડી માટે પૈસા માંગે છે. ભગાડી મૂક્યો, બીજુ શું? 🙂

    .. અને, ટેણિયો મસ્ત છે 🙂

  3. Vrajને રમાડવાની V-rajને તો મજા આવી ગઈ…. 😀
    અને શાંતિપ્રિય લોકો માટે ગાંધીનગર સ્વર્ગ જેવું છે… (એમાં મારું નામ પણ આવી ગયું :P)

બોલો, શું કહેવું છે તમારે...