જન્માષ્ઠમી ~ જન્મદિવસ

~ થોડીક મોડી અપડેટ છે, પણ નોંધ તરીકે જરુરી છે. એટલે, અઠવાડીયા પછી પણ તેને અહી ઉમેરવાનું મને યોગ્ય લાગે છે. (અને જો મને યોગ્ય લાગે છે તો અહીયાં એમ જ થશે.)

~ આ કોઇ તહેવાર વિશેની અપડેટ નથી. તહેવાર માત્ર એક સંજોગ છે. આ વર્ષે જન્માષ્ઠમીના દિવસે વ્રજ આઠ વર્ષનો થયો. વ્રજનો જન્મદિવસ અને કાનુડાની જન્મ-તિથી એક જ દિવસે સેટ થઇ ગઇ તેનો ઘરમાં અતિઉત્સાહ દેખાયો! (અને અમે અહી તે સંજોગનો ઉપયોગ કરી રહ્યા છીએ તે અંદરની વાત છે.)

~ નક્કી થયેલ પ્રોટોકોલ મુજબ ઉજવણીમાં સામાજીક અંદર જાળવવાનો પુર્ણ પ્રયત્ન હોવા છતાં તે એકંદરે શક્ય બન્યું નહોતું. જો કે માત્ર પરિવારના જ સભ્યો હોવાથી અમે તે વિશે જે-તે સમયે વિરોધ કરવાનું ટાળ્યું હતું. (ક્યારેક રિસાયેલા ફુઆ બની રહેવા કરતાં ઉજવણીનો ભાગ બનવું કાર્યક્રમના હિતમાં રહેતું હોય છે.)

~ આમ તો પહેલાં કોઇ ઉજવણીનો પ્લાન નહોતો, પણ મેડમજીની ઇચ્છાને આજ્ઞા સમજીને અમે ઉજવણી બાબતે સહમત થયા. ઘરની અંદર જ ભેગા થઇને અને કોઇ-કોઇ સામાન બહારથી મેળવીને ઉજવણી પુર્ણ કરવામાં આવી. (કોઇની ખુશી આપણી મંજુરી માટે અટકેલી હોય તો તે સમયે ઉદાર વલણ ધરાવવાનો અમારો મત છે.)

~ સંસ્થાના આદેશ બાદ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉજવણી સમયના ફોટો’ને અહી ઉમેરવાનો કાર્યક્રમ રદ જાહેર કરવામાં આવેલ છે, જેની નોંધ લેવી. (સોસીયલ ડિસ્ટન્સ કે માસ્ક પહેરવાની સલાહ આપવા ઇચ્છા લોકોને નિરાશ કરવા બદલ અમે દિલગીર છીએ.)

~ છતાંયે આજના દિવસની યાદગીરી તરીકે એક ફોટો ઉમેરવાની લાલચ રોકી શકાય એમ ન હોવાથી બગીચાના ચોકીદાર પાસેથી બે ફોટો માટેની પરવાનગી હાથ જોડીને મેળવેલ છે. (કોઇ કહેશે કે, અમે પગે પડીને પરવાનગી મેળવી હોય તોય તેમને કોઇ ફરક પડયો ન હોત. વાત તો સાચી છે; બીજાને શું ફરક પડે!)

~ વ્રજના જન્મદિવસે ક્લીક કરેલ એક ફોટોઃ

~ હવે સમય છે બીજો ફોટો ઉમેરવાનો; હાજર છે બે વર્ષ પહેલાંનો એક ફોટો જે ઉપરોક્ત તહેવાર સાથે આબેહુબ બંધબેસે છે. ફોટો વ્રજનો છે, લુક કનૈયાનો છે અને કારીગરી અમારી છે! (આ ફોટોને મેડમજીના ખાસ આગ્રહ અનુરૂપ બનાવ્યો છે, તો તે બાબતે કોઇ નકારાત્મક ટિપ્પણી કરવી નહી. વખાણ આવકાર્ય. લિ. હુકમથી.)

🎉

Aug’20 : અપડેટ્સ

લોકડાઉન ખુલ્યા પછી કામમાં એવા પરોવાઇ ગયા કે આ જગ્યા પર આવવાની આદત છુટી ગઇ. કોરોનાએ તો ભલભલાની લાઇફ ડિસ્ટર્બ કરી છે તો અમે પણ એમાં બાકાત નથી. કળ વળતા વાર લાગશે.

રમેશભાઇને પણ નથી ખબર કે હજુ કેટલો સમય કોરોનાકાળમાં જીવવું પડશે. અમિતાભ ભૈ થી અમિત શાહ સુધી તેની ઝપેટમાં આવી ગયા એ નવાઇની વાત છે. હા, જે રીતે રિકવરી રેટ ઉંચો જઇ રહ્યો છે તે થોડીક આશા જન્માવે છે કે બધું ઠીક થઇ જશે. એમ તો જો દરરોજના નવા કેસ અને મૃત્યુના આંકડાઓ જોતા રહીયે તો ડિપ્રેશન થઇ જાય એવી હાલત છે. કોણ જાણે દવા/રસી ક્યારે આવશે.

અમદાવાદમાં કોરોનાએ જે કેર વર્તાવ્યો હતો તેને ઘણાં અંશે કાબુમાં કરવામાં આવ્યો છે. અગાઉ આ મુદ્દે જે જે લોકોને અહીથી સારી ભાષામાં ખરાબ શબ્દો કહ્યા હતા તે અમે પરત લઇએ છીએ. શહેરના ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ સૌને અભિનંદન. 104 મેડિકલ સુવિધા અને 108 સર્વિસ ફુલ ફોર્મમાં છે. હજુ પણ શહેર પર આફત તો છે જ એટલે લડાઇનો આ જુસ્સો ટકાવી રાખે તો સારું.

લડાઇથી યાદ આવ્યું કે થોડા દિવસ પહેલાં ચીનના સૈનિકો સાથે નાનકડી લડાઇ પછી સીમા ઉપર ઘણી તંગ પરિસ્થિતિ બની છે. પછીથી લાંબી વાટાઘાટો ચાલી રહી છે પણ છેલ્લે મેળવેલા સમાચાર મુજબ ચીન હજુ પાછો પગ કરવાના મુડમાં નથી. સરકારે વિવાદ વચ્ચે જાસુસીના બહાને ઘણી ચાઇનીઝ એપ્લીકેશન બંધ કરાવી દીધી છે. બીજું બધું તો ઠીક, પેલા ટીકટોકીયા નવરા થઇ ગયા હશે.

ગયા અઠવાડીએ ફ્રાન્સથી 5 લડાકુ-વિમાન આવ્યા અને ન્યુઝમાં ઘણાં ઉડ્યા. બોર્ડર પરની બબાલ ના કારણે લોકોએ રાફેલમાં ઘણો રસ લીધો કે મીડીયાએ પરાણે રસ લેવડાવ્યો એ નક્કી કરવું મુશ્કેલ છે. એમપણ મોદીના આવ્યા પછી સમાન્ય લોકોને ડિફેન્સ-મેટરમાં કંઇક વધારે જ ઇન્ટરેસ્ટ દેખાય છે! ઓકે. તેમાં રસ લેવામાં કંઇ ખોટું પણ નથી.

અરે હા, સુશાંત સિંહ રાજપુતની વાતો પણ હજુ ન્યુઝમાં છે. પહેલાં મને એમ હતું કે માત્ર આત્મહત્યાનો મામલો છે પણ જે રીતે એક પછી એક પડ ખુલી રહ્યા છે તે જોતાં દાળમાં ઘણું કાળું હોવાનું જણાય છે. અત્યાર સુધી સુશાંતની બોડીને લટકતી ઉતારવાના ત્રણ અલગ-અલગ વર્ઝન બહાર આવ્યા છે! આ સિવાય બીજી ઘણી નાની-મોટી શંકાઓ છે. ગઇ કાલના સમાચાર મુજબ બિહાર અને મુંબઇ પોલીસ વચ્ચેની ખેંચતાણ પછી આ કેસ સીબીઆઇને સોંપી દેવાનો નિર્ણય લેવાયો છે.

આટલા વિશાળ દેશમાં કોઇ એક વ્યક્તિના મૃત્યુને સેલીબ્રીટી હોવાને લીધે આટલું કવરેજ મળે તે અતિરેક જેવુંય લાગે. સુશાંતની જગ્યાએ કોઇ સામાન્ય માણસ હોત તો નજીકના ચાર લોકો સિવાય કોઇને તેની મોતના કારણ જાણવામાં રસ પણ ન હોત.

રાજસ્થાનનો મામલો હજુ ગુંચવાયેલો છે. બે-પાંચ તો હુકમના પત્તા જેવા માથા બચ્યા છે જેને પણ કોંગ્રેસ ખોઇ રહી છે. આમ વર્તમાન કદાચ સચવાઇ જાય પણ ભવિષ્ય અંધકારમય હશે તે કોઇપણ કહી શકે છે. કોંગ્રેસીઓ જલ્દી જ આ નકલી ગાંધીઓની ભક્તિમાંથી બહાર નિકળે તો સારું અને તેને કોઇ સમજદાર આગેવાન જલ્દી મળે એવી આશા; નહી તો આ દેશ વિપક્ષ વગરનો થઇ જશે. લોકશાહી માટે વિપક્ષ વગરની સરકાર લાંબાગાળે નુકશાનકારક સાબિત થઇ શકે છે. આજની ભાજપ ભવિષ્યમાં નહેરુ-ઇન્દીરાની કોંગ્રેસ ન બની જાય તે માટે પણ વિપક્ષ જરુરી છે.

ગઇ કાલે 5 ઓગષ્ટ હતી. રામ જન્મભૂમી પર રામ મંદિર બનાવવાનું મુહુર્ત કરવામાં આવ્યું. મંદિર તો બનશે ત્યારે દેખાશે પણ નરેંદ્ર મોદીએ પોતાનું કદ ઘણું વધારી દીધું. ધાર્મિક કાર્યક્રમમાં દેશના વડાપ્રધાને ન જવું જોઇએ એવો તર્ક કરનાર મહામુર્ખ હોઇ શકે છે કેમ કે આ દેશ અને તેના નેતાઓ હંમેશા ધર્મની આસપાસ રહ્યા છે. હા, પહેલા તે મુસ્લીમ ધર્મ હતો એટલે કહેવાતા સેક્યુલરોને ચાલતું હતું પણ હવે હિંદુ માન્યતાઓને મહત્વ મળે છે તે જોઇને ઘણાંને પેટમાં દુઃખતું હોય એવું લાગે છે.

મારા માટે તો બંને પક્ષ સરખા અંતરે છે; પણ મને હંમેશા નવાઇ લાગે કે નિરિશ્વરવાદી એવા ડાબેરીઓ અને ધર્મનિરપેક્ષતાની વાતો કરતા સેક્યુલરો છેવટે ઇસ્લામ આગળ કેમ નમી જતા હશે? ખૈર, આ બધા વિશે લખવાનું શરુ કરીશ તો વાત ઘણી લાંબી ચાલશે. હા, આ બધાની આસપાસ બીજી કેટલીક જરુરી વાતોની ખાસ નોંધ કરવી છે તો એક અપડેટ તે વિશે પણ લખવાનો વિચાર આવે છે..

ચલો હવે બઉ થઇ ગામની પંચાત. હુંય થાક્યો છું લખી-લખી ને. હવે પછી નવી ફુરસતમાં વાત આગળ વધારીશ.

Jul’20 : અપડેટ્સ

કોરોનાકાળમાં જીવી રહ્યા છીએ એ જ આજની મોટી અપડેટ છે. 

અમદાવાદમાં કોરોના સંક્રમણનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે અને એ જ ગતિથી આ શહેર સામાન્ય સમય તરફ આગળ વધી રહ્યું છે.

જીજીવિષા દરેકમાં છે અને હવે ડરીને રહેવું મંજુર ન હોય એમ બધા લડી લેવાના મુડમાં દેખાય છે. આ સમયે શહેરમાં ઘરેથી બહાર નિકળતો દરેક વ્યક્તિ યોધ્ધા સમાન છે. દરેક્ને શ્રધ્ધા છે કે તેને કંઇ નહિ થાય અને ક્યાંક મનમાં ડર છે તો તે પણ હવે મજબુરી નીચે દબાઈ ગયો છે.

હવે કોઇને બેદરકાર કહીને અપમાન કરવું ઠીક નથી લાગતું. પોતાનો જીવ બધાંને વ્હાલો છે એટલે થઈ શકે એટલાં પ્રયત્ન તે કરશે જ.

અંગત રીતે ન ઓળખતા એવા લોકોએ પણ અમદાવાદ મુકીને થોડો સમય બહાર નિકળી જવા માટે સલાહ આપી છે. તેમની લાગણી બદલ આભાર પણ હું આ શહેરને એમ છોડી શકું તેમ નથી. મને મનમાં પુરો વિશ્વાસ છે કે આ શહેર જલ્દી ઉભું થશે. હું હજુ હિંમત હાર્યો નથી, મારું અમદાવાદ પણ હિંમત હારે એમ નથી.

મેડમજી અને બાળકોને નાના-નાની પાસે ભરૂચ રહેવા મોકલ્યા તેને હવે મહિનો થવા આવ્યો છે. કન્ફ્યુઝ છું કે તેમને હવે લેવા જવું કે નહિ. અહી સ્થિતિ ડેન્જર તો છે; સાથે-સાથે એમપણ થાય છે કે આ સમયે બધા સાથે હોય તો સારું.

અમારી સોસાયટીમાં ત્રણ ઘર પછીના ઘરે એક ભાઇ કોરોનાને સોસાયટીમાં લઇ આવ્યા હતા. હોસ્પિટલમાંથી ઠીક થઇને કાલે જ ઘરે પહોંચ્યા છે. SVP હોસ્પિટલ અને સરકારી વ્યવસ્થાના ભરપેટ વખાણ પણ કરી રહ્યા છે. બીજું બધું તો ઠીક, હવે અમારો ડર ઓછો થઇ ગયો છે.


ઉપરની વાતો અઠવાડિયા પહેલાં લખાયેલી પડી હતી, પણ આજેય સ્થિતિ એવી જ છે. નવું એટલું છે કે આજકાલ અમદાવાદ કરતાં સુરતમાં આંકડા ઝડપથી વધી રહ્યા છે. એમ તો આ આંકડાની માયાજાળમાં પડવા જેવું નથી કેમ કે અસલી ચિત્ર રમેશભાઈ સારી રીતે જાણે છે.

અને હા-ના કરતાં-કરતાં મે પરિવાર ભેગો કરી લીધો છે. ઘરમાં બાળકો સાથે હોય તો એક આનંદ છવાયેલો રહે છે. બધા સલામત રહીશું એવો વિશ્વાસ છે. જો કે થોડી ચિંતા જેવી વાત એ પણ છે કે આસપાસની સોસાયટીઓમાં હવે નવા 5 કોરોના-દર્દી છે!

😰