આજની દિનચર્યા – તાઃ૧૫,જુલાઇ’૧૧

એક સરળ દિવસ. અમદાવાદમાં વાતાવરણ વાદળછાંયુ વધારે છે એટલે નવા કોઇ કામમાં ઉત્સાહ નથી આવતો. એકંદરે આળસ વધારે આવે છે. મન બહેલાવવા વસ્ત્રાપુર તળાવની ઉડતી મુલાકાતે જઇ આવ્યો પણ બહુ મજા ન આવી.

આજે એક મિત્રના બ્લોગમાં જય વસાવડાના લેખની લિંક જોઇને તેની મુલાકત લીધી. આખો લેખ એક જ ઝાટકે વાંચી નાંખ્યો. હવે પરિણામ – દેશ માટે લડવાનું શુરાતન ઉપડ્યું છે. કંઇક કરવાનો જોશ જાગ્યો છે. તેમનો એક-એક શબ્દ મારા મનમાં ઘુમરાઇ રહ્યો છે. નેતાઓ ની કાયરતા પર ગુસ્સો આવી રહ્યો છે, દેશમાં શાંતિ બનાવી રાખવા કયારેક લડાઇ પણ આવશ્યક હોય છે તે હું માનતો થયો છું.

ફેસબુકમાં આજે ગુજરાતી લેખન જગતના અગ્રગણ્ય ગણી શકાય એવા બે લેખકો વચ્ચે ચાલતી વૈચારિક તંગદિલીનો ‘ઇ’સાક્ષી બન્યો. કોઇ એક લેખકના વિચારમાં જણાઇ આવતો દંભ ઘણો આઘાતજનક લાગ્યો. લેખનની દુનિયા પણ ઘણી વિશાળ હોય છે અને જે તે લેખકોના લેખનના ચાહકોની દુનિયા તેનાથી પણ વિશાળ હોય છે. લેખકે તેના ચાહકો પ્રત્યે નિષ્ઠાવાન રહેવું જોઇએ પણ સત્ય કહેતા કે કોઇ ઘટનાનું વિવેચન કરતી વખતે પક્ષપાત ન રાખવો જોઇએ.

તેઓ હવે એકબીજાના મિત્રો નથી રહ્યા પણ આ બન્ને લેખક અત્યારે મારા મિત્રમંડળમાં છે. મારા ન્યાયની ત્યાં અને અહી કોઇ કિંમત નથી એટલે બન્ને વચ્ચે સુપીરીયર કોણ તે જાહેર કરવાનો કોઇ મતલબ નથી. સમય બધુ કહી દેશે…

આવજો મિત્રો.

બગીચાના માળીની વાત – તાઃ ૧૪-૭-૨૦૧૧

વરસાદ પછી બે દિવસથી વાતાવરણ આમેય સમજાતુ નહોતું અને ત્યાં સાંભળ્યા ન્યુઝ મુંબઇમાં બોમ્બ બ્લાસ્ટના.

આજે તો બહુ બેચેની છે. બીચારા કેટલા લોકોએ પોતાની છત્ર-છાંયા ગુમાવી હશે ત્યાં. ફરી નેતાઓ જાગશે ને ભાષણો કરશે. અહી તહીંની વાતો થશે. થોડા વાયદાઓ અને થોડી હોંશિયારી બતાવશે… પછી જે હશે તે માત્ર અને માત્ર રાજકારણ !!!

અહી કોઇને નથી પડી દેશની કે નથી કોઇના માં દેશપ્રેમ. દેશ દાઝ તો શોધતા જડે તો જડે. હે ભગવાન, હે ઇશ્વર, હે અલ્લાહ, હે જીસસ… તુ આટલો ક્રુર તો નહોતો… તુ તો લાગણીનો ધોધ હતો… તો પછી તને માનનારાની માનસિકતામાં આટલો ફરક કેમ….??? મને તો સમજાવ…

આરપારની લડાઇ કરતાં ઘરને સાચવવું વધુ જરુરી છે. વાતો તો ઘણી કરી.. હવે, નક્કર પગલા વિના કંઇ ન થાય..  દેશ ચલાવનારા નેતાઓ શાનમાં સમજે તો સારું.. રાજકારણની રમત-રમતમાં આખા દેશને આતંકવાદીને વેચી દેવો નેતાઓ ને ફાવે પણ પ્રજાને ના પોસાય. હે નેતાઓ હવે સૌનિકોને આગળ આવવા દો. બહુ થયું. મારો દેશ માત્ર તમારા ભરોષે તો ન જ ચાલે.

આજની દિનચર્યા – તાઃ૨૭, જુન’૧૧

મારો બગીચો.કોમ

આજે તારીખ ૨૭, જુન ૨૦૧૧ની દિનચર્યા. આજે રવિવાર હતો પણ કામકાજમાં રજા ન હોવાથી ઓફિસે જવું પડયું.

સાંજે લાયન્સ ક્લબમાં કોઇ પ્રોગ્રામ હતો એટલે ત્યાં જવાનુ થયું. એકંદરે આનંદદાયક સમારંભ કહી શકાય તેવો અનુભવ રહ્યો. જાણ્યું કે લાયન્સ ક્લબ સેવા કાર્ય અંગે ઘણા સારા કાર્યો કરી રહી છે. નવા વરાયેલ પ્રમુખનો જુસ્સો ખુબ ગમ્યો.

લાયન્સમાં શરુઆતમાં પ્રવેશ કરવા માટે લીયો કલબનો સુંદર આઇડીયા મળ્યો છે. આમ પણ કંઇક કરવાની આશા છે. જો બનશે તો સેવા કરીશું નહીતો નવા લોકો અને મિત્રો તો મળશે જ !!

દરેક સમારંભની જેમ અહીપણ લાંબી ભાષણબાજી ચાલી જેણે થોડો મુડ બગાડયો અને બાકી રહેતુ હોય તેમ વળી સન્માન અને સ્વાગત કરવાનો રીવાજ ચાલુ કર્યો. પ્રોગ્રામના અંતે જમણવાર પતાવ્યો. અમને બન્નેને વાનગીઓમાં મજા ન આવી,

રાત્રે હું અને મેડમજી આઇસ્ક્રીમ ખાઇને ઘરે પહોંચ્યા. કાલે આરામ કરવાનો પ્લાન છે એટલે લેપટોપ હાથમાં લઇને.. ઇમેલ રીપ્લાય તથા ફેસબુકમાં મિત્રોની વોલ પર કોમેન્ટસની ચિતરામણ કરી છે… અત્યારે રાતના ૨ઃ૧૮ થઇ રહ્યા છે. ઉંઘ તો નથી આવતી પણ દિનચર્યા ટુંકાવીને સુવુ પડશે એવું લાગે છે.

આજની દિનચર્યા