બગીચાની વાર્ષિક વિકાસ ગાથા – દ્રિતિય

~ ગયા વર્ષે કહ્યું’તુ ને કે અબ બાબા બને હૈ તો હિન્દી બોલના પડેગા, એ જ ન્યાયે આ વર્ષે પણ અમે રજુ કરવા જઇ રહ્યા છીએ, બગીચામાં ઉછરેલી ખટમીઠી વાતો અને વૃક્ષો-છોડવાઓનું દ્રિતિય વાર્ષિક સરવૈયું. (ઢેટેણે…ણ!!!)

🙏 ઢોલ-નગારાં-પીપુડાં-ફટાકડાંના અવાજ અને ‘જોધા-અકબર’ના એન્ટ્રી મ્યુઝિકને જાતે યાદ કરી લેવા. 🙏

~ આમ તો આ પોસ્ટ ઘણી મોડી રજુ થઇ રહી છે અને તેના બચાવમાં કેટલાક બહાનારૂપ કારણો પણ છે; પરંતુ છેલ્લા બે દિવસ મારા ‘લેપટોપને Windows7 માંથી Windows8 માં અપગ્રેડ કરવામાં બગાડયા/સુધાર્યા’ તેને સૌથીવધુ વાજબી કારણ ગણી શકાય.

~ જો કે અપગ્રેડની તે દાસ્તાનમાં એક કંટાળાજનક, આઘાતજનક અને માનસિક ત્રાસદાયક કહી શકાય તેવો પરંતુ અંતમાં સુખદ અને આશ્ચર્યકારક અનુભવ સમાયેલો છે; પણ તેનાથી અત્યારે વિષયાંતર થવાની સંભાવના છે એટલે તે વાતો પછી કયારેક કરીશું.

~ એક ચોખવટ પહેલા પણ કરી છે અને આજે ફરી કરૂ છું કે અહી લખવું એ માત્ર શોખ અને યાદગીરી જાળવવા માટે છે. મારી ઘણી યાદોં અને વાતોને જાહેરમાં મુકવી યોગ્ય ન હોવાથી અથવા કોઇની અંગત ઓળખાણ ખુલ્લી થઇ જવાના ભયના કારણે પ્રાઇવેટ કરી દેવામાં આવતી હોય છે, જેને મારા સિવાય અન્ય કોઇને વાંચવાની પરવાનગી નથી હોતી. (જો કે આ રીતે પોસ્ટને પ્રાઇવેટ કરવાનું બીજુ અંગત કારણ એ પણ છે કે જો હું તે બધી પોસ્ટને જાહેર કરી દઉ તો મારા ઉપરાંત ઘણાં જાહેર/અંગત કે લાગતાવળગતા લોકોની ઇજ્જત દાવ પર લાગી જાય એમ છે!)

– ચલો, બીજી વાતો ઘણી થઇ ગઇ છે તો હવે મુળ વિષય પર આવું..

# હાજર છે કેટલીક આંકડાકીય માહિતી:

  • વર્ષ દરમ્યાન નોંધાયેલા કુલ મુલાકાતીઓ : 19,021
    (સૌ વાચકો અને મુલાકાતીઓનો આભાર.)
  • કુલ પોસ્ટ : 47
    (આ જાહેર રિપોર્ટ છે એટલે પબ્લીક પોસ્ટ જ ગણતરીમાં લેવાશે, પ્રાઇવેટ પોસ્ટની સંખ્યાનો અહી સમાવેશ થતો નથી.)
  • 2013 માં કુલ કોમેન્ટ્સ – 624
    (દરેકના પ્રતિભાવની અમે નોંધ લઇએ છીએ.)
  • ગયા વર્ષમાં સૌથી વધુ વંચાયેલી મુખ્ય 3 પોસ્ટ :
  • સૌથી વધુ મુલાકાતીઓ – ફેબ્રુઆરી (2,902)
    (વાહ.. વાહ…)
  • સૌથી ઓછા મુલાકાતીઓ – નવેમ્બર (893)
    (જે કોઇએ આ મુલાકાતીઓની મંદી ના મહિનામાં સાથ આપ્યો તે સૌનો દિલથી આભાર)
  • સૌથી વધુ કોમેન્ટ કરનાર – વન એન્ડ ઓન્લી.. કાર્તિકભાઇ!!
    (ચલો, તાલી પાડો છોકરાંઓ)
  • સૌથી વધુ પોપ્યુલર પોસ્ટ – થોડી ફિલસુફી, મનની સાફસુફી…
    (વર્ડપ્રેસના મતે)
  • સૌથી વધુ લાઇક્સ ધરાવતી પોસ્ટ – તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન.. (23 Likes!)
    (ભગવાનભાઇની જય હો..)

# હવે, કેટલીક અન્ય માહિતીઃ

~ બ્લોગીંગના આ વર્ષે મને શરૂઆતમાં સાથ આપનારા ઘણાં જુના સાથીદારો ગુમ થઇ ગયા તો બીજા ઘણાં સાથીદારો નવા જોડાયા!! (કેટલાક લોકોએ ઘણાં સુંદર વિષયો સાથે બ્લોગીંગ વિશ્વમાં પ્રવેશ કર્યો હતો; પણ હવે માત્ર તેમની જુની પોસ્ટ જ જોવા મળે છે અને તેના લેખક-મિત્રો ગાયબ છે!)

~ મારા બગીચાની આ સફરમાં હવે લગભગ સ્થિરતા જણાય છે. મારી જાત ને લેખક તો ન કહી શકાય પણ ‘બે-શબ્દો’ લખનાર તરીકે પ્રસ્થાપિત કરી શક્યો છું. હા, પોસ્ટની અનિયમિતતા છે પણ હવે મારી સાથે અણધાર્યું કે અજુગતું કંઇ થતું નથી તેનો આનંદ પણ છે. (અને થઇ જાય તો તેને હું ગણકારતોયે નથી. 😉 )

~ કુલ પોસ્ટના આધારે ૨૦૧૨નું વર્ષ એટલું સારું ન કહી શકાય કેમ કે આ ક્ષેત્રે ગયા વર્ષના પ્રમાણમાં તેમાં ૨૦-૨૨ ટકાનો ઘટાડો થયો છે. જો કે ગયા વર્ષે ટાઇમ-પાસ પોસ્ટનો ભરાવો ઘણો હતો તેને ધ્યાનમાં લઇ શકાય! (કેટલાક સજ્જનોને તો આ વર્ષે પણ એવું જ લાગતું હશે; હોય એ તો… જૈસી જીસકી સોચ. )

~ બે-ચાર બ્લોગરને તેમના બ્લોગની શરૂઆત કરાવવામાં મારો બગીચો પ્રેરણારૂપ બન્યો છે, તેને ગયા વર્ષ દરમયાનની સૌથી ઉત્તમ પળ ગણી શકાય.

~ ગયા વર્ષે મારા દ્વારા ઘણાં નવા બ્લોગની મુલાકાત અને અનુભવ લેવામાં આવ્યા. ગયા વર્ષે હું બ્લોગદુનિયામાં નવો નિશાળીયો હતો પણ આ વર્ષે બ્લોગર તરીકેની થોડીઘણી રીતભાત શીખ્યો છું એવું લાગે છે. (મતલબ કી હવે યે બચ્ચા અનુભવી-લોગ કી ટોલી મે આવતા હૈ!)

~ આ વર્ષે મારા બગીચાને વર્ડપ્રેસ-મુક્ત સ્વતંત્ર એડ્રેસ આપવાનો વિચાર છે. સેવા તો વર્ડપ્રેસની જ રહેશે પણ સરનામું મારું અંગત હોય એવી એક ઇચ્છા જાગૃત થઇ છે. આ વિચાર યોગ્ય છે કે નહી તે અંગે મિત્રો (કે વિવેચકો) પોતાનો તટસ્થ મત જણાવી શકે છે. (થોડો ખર્ચ થશે પણ એ કરવા હું તૈયાર છું.)

~ ઓકે. હવે લગભગ દરેક મુખ્ય આંકડાઓ અને માહિતીનો સમાવેશ થઇ ગયો છે તો આપનો કિંમતી સમય બગાડવા કરતાં અટકવું ઠીક રહેશે એવું જણાય છે.  (તમે પણ વાંચીને થાકયા-કંટાળ્યા હશો એવું માની લઇએ. 😉 )

~ આવજો..


# નોંધઃ ઉપર પ્રસ્તાવનામાં બાબા લખ્યું એટલે કોઇએ અમને બ્લોગબાબા ન સમજવા; તે નામ કોઇ એક ખાસ બ્લોગર-પત્રકાર માટે પહેલેથી આરક્ષિત છે! –લિ.હુકમથી

નક્કામું નિરીક્ષણ-3

– હમણાં મેડમજી પીયર છે એટલે અત્યારે આ રાજા એકલા છે!!  (મમ્મી-પપ્પા છે સાથે, તો પણ આમ તો એકલા જ કહેવાઇએ ને..) તો… કંઇક નવું વિચારવાનો થોડો એકસ્ટ્રા ટાઇમ મળી રહે છે. (તમે સમજી શકો છો.)

– આ ફાલતુ ટાઇમમાં મારું સ્પેશિયલ ટાઇમપાસ વર્ક છે : ‘નિરિક્ષણ કરવું (જેમાં મોટા ભાગે નક્કામા નિરિક્ષણો જ હોય છે.)

– તો આજે મારા નવરા મગજે ફરી એક નક્કામું સંશોધન કરીને કંઇક શોધી કાઢ્યું છે અને આજના નિરિક્ષણનો વિષય અને સંશોધનનું પરિણામ નીચે મુજબ છે;

‘પત્નીના પીયર જવાથી પતિને થતા ફાયદા’

  • કપડા પોતાની પસંદના પહેરી શકાય!!
  • ગમે તે વસ્તુ મનફાવે ત્યાં મુકી શકાય. (પોતાની મરજીના સંપુર્ણ માલિક!)
  • સવાર-સાંજ નાની-નાની ફરિયાદ કે ફાલતુ કચકચ સાંભળવામાંથી છુટકારો!1
  • આખો પલંગ તમારો એકલાનો!!
  • મમ્મીના હાથની રસોઇ ખાવા મળે અને મમ્મીના વખાણ છુટથી કરી શકાય!
  • સવારે વહેલા વાગતા એલાર્મની છુટકારો!!!
  • ‘ઘરે કયારે આવશો?’ – ફોન પર પુછાતા આ કાયમી પ્રશ્નથી રજા મળે.
  • રજાઓમાં દોસ્તારોની ટોળી જમાવી શકાય. (“આજે રજા છે તો બહાર ફરવા/જમવા જઇએ” – આ બબાલથી પણ બચી શકાય.)
  • રાત્રે લેપટોપને ચાહો ત્યાં સુધી જગાડો, સમયની કોઇ પાબંધી નહી.
  • “સાંજે જમવામાં શું બનાવુ ?” – આ અઘરા સવાલથી બચી શકાય.
  • સાસ-બહુ ટાઇપ ટીવી પ્રોગ્રામથી છુટકારો અને ગમતી મુવીને કોઇ ખલેલ વગર પુરેપુરી જોઇ શકાય.
  • કોઇ પાર્ટી કે પ્રસંગમાં જવાનો અને ત્યાંથી પરત થવાનો સમય તમે પોતે નક્કી કરી શકો.

તમે પુરાણોમાં દેવ અને દાનવોના સંયુક્ત સમુદ્રમંથનવાળી કથા સાંભળી જ હશે, જેમાં અમૃત શોધતા-શોધતા ઝેર પણ મળી આવે છે. બસ એ જ રીતે એકલા રહેવાના મનોમંથનમાં ફાયદા સાથે-સાથે કેટલાક નુકશાન પણ મળી આવ્યા છે! જેમ કે..

  • કબાટમાંથી સવારે કપડાં જાતે શોધીને બહાર કાઢવા પડે. (કયારેક બાથરૂમમાં ટુવાલ લઇ જવાનુ ભુલાઇ જાય તો પલળેલા બહાર નીકળવું પડે!)
  • પેન્ટના મેચીંગ મોજા જાતે જ શોધવાના. (અને ન મળે તો ગમે-તે મોજાથી ચલાવી લેવું પડે.)
  • સવારે મોબાઇલ જાતે ચાર્જ કરવા મુકવો પડે.. (અમારે ત્યાં આ જવાબદારી મેડમજીને સોંપવામાં આવેલી છે.)
  • વસ્તુને જેમ-તેમ મુકવાની આદતના કારણે જયારે તેની જરૂર પડે ત્યારે ઘણી સમસ્યા સર્જાય.
  • રૂમમાં ખોવાયેલી ચીજવસ્તુ માટે બીજા કોઇને જવાબદાર ઠેરવી ન શકાય. (આમાં તો સરકારને પણ જવાબદાર ન ગણી શકાય.)
  • મમ્મીને દરરોજ નવી-નવી વાનગી બનાવવા ઓર્ડર ન આપી શકાય.
  • રજાનો દિવસ મમ્મીને શોપિંગ કરાવવામાં ગુજારવો પડે અને ઘરના નાના-મોટા પરચુરણ કામ પણ કરવા પડે.
  • આખો દિવસ શું કર્યું તેનો રિપોર્ટ રાત્રે ફોનથી સબમીટ કરવો પડે. (જેવો તમારો પ્રેમ અને ડર.. એવો લાંબો રિપોર્ટ!)

ખાસ નોંધ:

– ઉપરની દરેક વાત માત્ર ૨૫ થી ૩૫ વર્ષની ઉંમરના પરણેલા પુરૂષોને જ લાગુ પડે છે. (અને જો કોઇ વધુ-ઓછી ઉંમરના વ્યક્તિઓને પણ તે લાગુ પડતી હોય તેને માત્ર સંયોગ કહેવાશે.)
– ઉપર જણાવેલા ફાયદા-નુકશાન સંપુર્ણરીતે મારા અંગત અનુભવને આધારિત છે. (આમ પણ, કોઇના ઘરે જઇને પુછવાની અમારી આદત નથી. 😀 )
– મારા કરતા વધારે અનુભવીઓ આ બગીચામાં આંટો મારતા રહે છે; તેઓ ઇચ્છે તો તેમના અનુભવ કે ફાયદા-નુકશાન અહી જણાવી શકે છે. (આપણે સુખ-દુઃખ વહેંચતા રહીએ તેના જેવું રુડું શું હોય..)
અહી કોઇની પત્નીની લાગણી દુભાવવાનો કોઇ ઇરાદો નથી. (અને છતાંયે દુભાઇ જાય તો મને કહેવા આવવું નહી; તમારું તમે ભોગવો. – હુકમથી.)
પરિણિત-પુરૂષ સમાજની નારાજગીથી બચવા કેટલાક ‘ખાસ પ્રકાર’ના ફાયદાઓનો અહી સમાવેશ કર્યો નથી. (તે જાણવા માટે ખાનગીમાં જ મળવું.)
– કુંવારાએ આ બાબતે તેમના કુંવારા મગજ બગાડવા નહી. (તેઓ તેમનો સમય આવવાની રાહ જુએ..)

120524TH0541