વ્રજ asking..

…પપ્પા, આ લોકો લગન કેમ કરતાં હશે?

# કાલે જ એક લગ્નમાં આ સવાલ તેણે પુછ્યો; પણ હું કોઇ જવાબ ન આપી શક્યો. કોઇને ખબર હોય તો જણાવી શકે કે વ્રજ દ્રારા પુછવામાં આવેલ સવાલનો શું જવાબ આપી શકાય?


* સાઇડટ્રેક : રાજકારણ અને સરકારી વાતોથી દુર રહેવું એવું નક્કી કર્યું’તું, એટલે આજકાલ આખા દેશમાં જે ચાલી રહ્યું છે તે વિશે આજસુધી અહીયાં કોઇ નોંધ કરવામાં આવી નથી. પણ હવે લાગે છે કે તેને માત્ર રાજકારણ સાથે જોડી ન શકાય.1

અષ્ટ્મ-ષષ્ટ્મ

– અહીયાં અપડેટ્સ નોંધવાનું કાર્ય લગભગ ભુલાઇ રહ્યું છે. મારી આળસમાંથી મને જરાયે ફુરસદ મળતી નથી તેમ પણ કહી શકાય. સમય એટલો ઝડપથી સરકી રહ્યો છે કે કંઇક નોંધલાયક વિચારૂં તે પહેલા જ બીજી ઘટનાઓ પ્રથમ ઘટનાને દેખવાની દ્રષ્ટિ બદલી નાંખે છે. (મનમાં વિચારોનું વિચિત્ર દ્વંદ્વ યુધ્ધ જામેલું છે.)

– તાજેતરમાં નવરાત્રીનો શોર રહ્યો અને ગઇ કાલે શરદપુનમની ઉજવણી બાદ આ ગરબા ફેસ્ટીવલની ઓફિસીયલ પુર્ણાહુતી થઇ. ખેલૈયાઓની મજા શરૂઆતમાં વરસાદે બગાડી પણ અંતમાં મોજ કરવા દીધી. એક જગ્યાના ગરબા-આયોજક હોવાને લીધે વરસાદથી અમે પણ ઘણાં હેરાન થયા, પણ કુદરત સામે સૌ લાચાર હતા. (જેમના છત્રી-રેઇનકોટ વેચાયા/ઉપયોગ વગરના રહી ગયા હતા, તે સિવાય કોઇનું આ એક્સ્ટ્રા વરસાદથી લગભગ ભલું નહી થયું હોય! કુદરતને જે ગમ્યું તે ખરું!)

– જુલાઇ કામમાં વિત્યો, ઓગષ્ટ રજાઓ વચ્ચે અને સપ્ટેમ્બર રખડપટ્ટીમાં ગયો છે. હવે થોડા દિવસોમાં દિવાળી આવશે. લગભગ ધાર્મિક તહેવારોની ઉજવણીએ વ્યસ્ત રાખ્યા. કયારેક વિચાર આવે છે કે આ તહેવારો ખરેખર આપણાં જીવનના ઉત્સાહને ટકાવી રખાવા છે કે પછી આપણને નવરા ન થવા દેવા માટે કોઇએ કરેલું વિધિવત પ્લાનીંગ છે! (એમ તો આ વિચાર ઘણો જુનો છે પણ હું ખુદ હજુ કોઇ એક મત સુધી પહોંચી શક્યો નથી.)

– છેલ્લી અપડેટ્સ જુલાઇ મહિનામાં નોંધવામાં આવી હતી; હવે ત્રણ મહિના બાદ ફરી કંઇક લખવાનો કીડો મનમાં સળવળ્યો છે. (કુછ કીડે ઐસે ભી હોતે હૈ!)

– વ્યસ્તતાને ઉપાર્જન સાથે સીધો સંબંધ હોય એવું હું માનતો હતો, પણ પોતાની જાત અનુભવ બાદ કહી શકાય કે તે બંને વચ્ચે કાર્યકારણનો એવો કોઇ સંબંધ સિધ્ધ થતો નથી. (‘ઘડીની નવરાશ નહિ, ને પાઇની પેદાશ નહિ’ –એવી વાત છે આ.)

– આપણે સતત બદલાતા એવા સમય સાથે જીવી રહ્યા છીએ કે આજે સ્વીકારેલું સત્ય પણ આવતી કાલે આપણને જ અર્ધસત્ય કે અપ્રાસંગિક લાગવા લાગે છે. (યાદ આવ્યું કે, ક્યારેક ‘સત્ય’ વિશે ઘણું-બધું લખવાનું વિચાર્યું હતું.)

– બધું જ ઠીક છે અને એક સુખી આરામદાયક જીવન હોવા છતાં ખબર નથી પડતી કે હું શું ઇચ્છું છું. ના, આધ્યાત્મ કે આત્માની શોધમાં મને જરાયે રસ નથી. તેમાં સમય અને શક્તિનો બગાડ કરવા કરતાં કોઇ સામાન્ય માણસના ધ્યેયને પુર્ણ કરવાનું એક પગથીયું બનવું પસંદ કરીશ. (મને જલ્દી કોઇ નવું લક્ષ્ય જોઇએ છે.)

– આજકાલ કંઇક અલગ લખવાની ઇચ્છા થાય છે. એક-બે કહાનીઓ છે જે મનમાં ગુંથાઇ રહી છે, જેને કોઇ કાગળ જોઇએ છે. કયાં લખું અને કઇ રીતે તે વિશે દ્રિધા છે. વિચારું છું કે અહીયાં જ તેનું ચિતરામણ કરું; પણ પછી એમ લાગે છે કે દરેક લખાણને પબ્લીકમાં રજુ કરતાં પહેલાં તે યોગ્ય બનાવવું. (મનમાં ઉઠતા હજારો સ્પંદનોથી સ્ફુરતો આ એક વિચાર છે. ઇચ્છા છે કે તે દિશામાં હું આગળ વધી શકું.)

ઓફિસ-ટાઇમમાં આવા વિચારો કરવા એ સંસ્થા અને સંસ્થાના વહિવટદારના આર્થિક ભવિષ્ય માટે જોખમી છે, એટલે બીજા વિચારો રાત્રે કરવામાં આવશે. (આજકાલ રાત્રે ઉંઘ પણ નથી આવતી! બોલો, કેટલી ફરિયાદો છે મને મારી માટે!)

– અને મને ખબર છે કે આવું કંઇ ટાઇટલ ન હોય પણ બધી દિશાઓમાં એકસાથે ફેલાતી વાતોને યોગ્ય કોઇ મથાળુ ન સુજે તો આખરે એક માણસ પણ કેટકેટલું વિચારે!? (વધારે પડતું વિચારીને મગજ-ની-મા-બેન2 એક થઇ જાય તે પહેલા કંઇ પણ ટાઇટલ આપી દેવું સારું ને..)

– ઓકે. અસ્તુ. ખુશ રહો!

ન્યુ હમસફર…

– Header અને પોસ્ટ title જોઇને લગભગ સમજી ગયા હશો કે આજે કઇ વાત હોઇ શકે. હમસફર મુળ તો ગુજરાતી ભાષાનો શબ્દ નથી પણ તેને આપણે અપનાવેલો ચોક્કસ છે. આપણે સામાન્ય ભાષામાં સાથે સફર કરનારને હમસફર કહીએ તો એ ન્યાયે આ ચાર પૈડા વાળું સાધન હમસફર કહેવાય ને! (અમારે તો ક્યારેક દિવસનો અડધો/આખો સમય તેના ચાર દરવાજા વચ્ચે ગુજરતો હોય છે ‘તો તે ન્યાયે તેને અડધું ઘર પણ કહેવાય!)

– આપણાં ભારતીય સમાજમાં નવી ગાડીને ઘરના નવા સભ્ય જેટલું સ્થાન છે એટલે તેના આગમન સાથે એક ઉત્સવ જેવી ભાવના જોડાયેલી હોય તે સ્વાભાવિક છે. લોકો ખાસ મુરત જોવડાવીને તેને લેવા જતા હોય છે અને કંપની સ્થળ ઉપર જ તેના ટીલા-ટપકાં-આરતી થતાં મે ઘણીવાર દેખ્યું છે. આમ તો બધું મનને મનાવવા માટે છે પણ લોકોની અગાઢ ભાવના જોડાયેલી હોય એટલે તે રિવાજ વિશે અમારી અંગત વિશેષ ટીપ્પણી અનામત રાખવામાં શાણપણ જોયું છે. (પણ વાત જ્યારે પોતાની હોય ત્યારે તો મનમાની જ કરવાની હોય ને)

– સેલ્સમેને મને બે વાર એ પુછવા ફોન કર્યો’તો કે સાહેબ તમે કયા મુરતમાં ગાડી લેવા આવશો? -પ્રથમવાર ફોન આવ્યો ત્યારે મે કહ્યું કે તમે જ્યારે આપો એ જ સૌથી શુભ મુરત કહેવાશે. પણ બીજીવાર ખબર નહી કયા મુડમાં હતો કે મે કહી દીધું કે તમારે ત્યાં જેને સૌથી ખરાબ ચોઘડીયું કહેતા હોવ તે સમય મને આપી દો, હું ત્યારે લેવા આવી જઇશ. જેથી અન્ય મુરત પ્રેમી પ્રજાને તેમની અને મને મારી ગાડી સરળતાથી મળી રહે. (મારા આ પ્રતિભાવથી તેને આચકો ચોક્કસ લાગ્યો’તો પણ ‘કસ્ટમર ચોઇસ’ તરીકે સ્વીકારીને તેણે મને સવારે વહેલા આવવાનો સમય આપી દીધો.)

– મુરત કરતાં મને યાદગીરી માટે વ્રજના જન્મ દિવસે આ ગાડીને લેવાની ઇચ્છા હતી પણ કંપની-ડીલર અને અમારા જન્માક્ષરના પુરતા ગુણ ન મળવાથી અમારું ધાર્યું ન બની શક્યું. લગભગ એક મહિના વેઇટીંગમાં રહ્યા બાદ છેવટે ભારતની આઝાદી-દિવસ પહેલા અને વ્રજના જન્મ દિવસના બે દિવસ પછી ડીલીવરી લેવામાં આવી. (ડીલર મેનેજરનો આગ્રહ હતો કે મોડું થયું જ છે તો ૧૫મી ઓગષ્ટ સૌથી યોગ્ય દિવસ છે, પણ તેમના સેલ્સમેનને પુછતા જાણ્યું કે તે દિવસે કુલ ૨૭ ગાડીની ડીલીવરી આપવાની છે તો મને તે દિવસ સ્વીકાર્ય ન લાગ્યો.)

– મારા દ્વારા ખરીદવામાં આવેલ આ ત્રીજી ગાડી છે અને મારૂતિ કંપનીની પ્રથમ ગાડી છે. (આ એક્સ્ટ્રા જાણકારી છે.) આ પોસ્ટ અંગત રાખવા કરતા તેના દર્શન હેતુ ઉપલબ્ધ રાખવી તે વિચારને મંજુર રાખ્યો છે. હવે તેને તમે દર્શન કહો કે પ્રદર્શન. જે ગણો તે. પણ અહીયા ફોટો ઉમેરવામાં આવશે તે નક્કી છે. (ખુશી તો વહેંચવી ગમે ને યાર.)

– અને છેલ્લે, નવી ગાડીનું ચોકસાઇથી નિરિક્ષણ કરતાં છોટું સાહેબ…