અપડેટ્સ – 200228

બે દિવસ પહેલા બીજાના કારણે હોસ્પીટલના ધક્કાની વાત હતી અને આજે આ લખી રહ્યો છું ત્યારે હું બિમાર થઇને ઘરમાં ફરજીયાત આરામ કરી રહ્યો છું. (ફરજીયાત ન હોત તો હું આરામ પણ ન કરતો હોત. મને તો એમાંયે કંટાળો આવે.)

જેની ખબર પુછવા હું જતો હતો, તે હવે મારી ખબર પુછી રહ્યા છે. સમય પણ કેવો તરત પલટાઈ પણ જતો હોય છે! પરિસ્થિતિને વશ રહેવું પડે ભાઇ, અભિમાન કોઇનું ચાલતું નથી. (અહંકારી રાવણનું પણ ન’તું ચાલ્યું અને જીતી-જીતીને અખંડ ભારત બનાવનાર સમ્રાટ અશોકે પણ છેવટે શાંતિનો માર્ગ સ્વીકારવો પડયો હતો; હું તો સાવ સાધારણ માણસ છું.)

શરદી, થોડો તાવ અને અશક્તિની ફરિયાદ શું કરી, બધા મને કાલે સાંજથી શંકાની નજરે દેખવા લાગ્યા છે. કોરોના નો ડર ઘણો ભારે! 🤷‍♂️ (હા યાર, એક-બે પળ માટે તો મને પણ શંકા થઇ આવી; હાલ તો મન મનાવ્યુ છે. પ્લીઝ, કોઇએ આ મુદ્દો છેડવો નહી.)

ચીનમાં જે રીતે હજુ બધું લોક-ડાઉન છે તે રીતે લાંબુ ચાલશે તો દુનિયાની ઇકોનોમીને મોટો ફટકો પડી શકે એમ છે. અરે દુનિયાને છોડો યાર, નવો કાચો માલ નહી આવે તો ભારતને પોતાના ઉદ્યોગો ચલાવવા ભારે પડી શકે છે. (નેતાઓ ભલે કહેતા કે મોટી અસર નહી થાય; પણ હું કહું છું કે આવું જ રહેશે તો આવનારો સમય અઘરો હશે.)

મારો પીછો કરતાં જીવોને જણાયું હશે કે લગભગ મૃત અવસ્થામાં રહેતી મારી સોસીયલ પ્રોફાઇલમાં કોઇ સળવળાટ જણાય છે. જો, આરામ જ કરવાનો હોય એટલે બેઠા બેઠા શું કરવાનું?… તો જે મળે તેની મેથી મારવાની હોય. 😂 (બની શકે ત્યાં સુધી વિવાદાસ્પદ મુદ્દાને ટાળવાનો પ્રયત્ન કરું છું, છતાંયે આદત મુજબ ક્યાંક તો સળગતું ઉપાડી લઉ છું. યાર, હું સુધરતો જ નથી.)

એમ તો વચ્ચે આ સામાજીક ઇ-માધ્યમોમાં એકટીવ થવાનું નક્કી કર્યું હતું, પણ લાંબો સમય ટકી ન શકાયું; ટ્વીટર સિવાય દરેક જગ્યાએથી હું ગાયબ છું. તેમ છતાયે ઇચ્છા છે કે કેટલાક લોકો સાથે સંપર્ક જળવાઇ રહે અને તેમની વાતોમાં રસ હોવાના લીધે ફેસબુક પર ફરી સક્રિય થવું છે.

સક્રિય થવાનો મતલબ એમ છે કે સમયાંતરે ત્યાં આંટો મારતા રહેવું. મારી કોઇ અપડેટ કે નવી પોસ્ટ ત્યાં હોવાની સંભાવના નહિવત્ છે. આપણે તો આ બગીચે જ ઠીક છીએ. એકલા-અટુલા ભલે હોઇએ, તો પણ મને આ જ જગ્યા ગમે છે મારા વિચારો ઠાલવવા માટે. (મેરા બગીચા મહાન! 👌)

દિલ્લીના તોફાનો સિવાય સોસીયલ મીડીયા પર બીજું કંઇ જ દેખાતું નથી, ટી.વી.ના કોઇ પ્રોગ્રામમાં આપણે રસ ધરાવતા નથી, ન્યુઝચેનલોનો બહિસ્કાર ચાલી રહ્યો છે, વેબ સીરીઝ બધી બંધનમાં નાંખે છે અને મારા બે (અતિ) તોફાની બાળકો એક આખી મુવી સળંગ જોવા દે એમ નથી. (અને અમે ભુતકાળમાં મનોમન ભિષ્મપ્રતિજ્ઞા લઇને બેઠા છીએ કે, મુવી જોવી હોય તો સળંગ જોવી; નહી તો જરાય ન જોવી.)

થોડા દિવસોમાં વ્રજની ફાઇનલ પરિક્ષાઓ આવી રહી છે એટલે મેડમજી ઉપર તેનું ટેન્શન જણાય છે. નાયરાનું પ્લે-ગ્રુપમાં એડમીશન થઇ ગયું છે. મારી બગલીના નખરાંઓનો એક મસ્ત ફોટો પણ ઘણાં દિવસથી અહીયાં મુકવાનો ભુલાઇ જાય છે. 🤦‍♂️

અત્યારે તો મેડમજી જમવા બોલાવે છે, તેને પ્રાથમિકતા આપુ. આ લખાણપટ્ટી તો નીરંતર ચાલ્યા જ રાખશે. ફોટો માટે એક નવું પાનું ચિતરવામાં આવશે.. મજા આવશે. 👍

અપડેટ્સ – 200226

બદલાવ પછી એમ હતું કે હવે હું મનફાવે એમ વર્તી શકીશ. કેમ કે જે કરવું હતું એ બધું કરી ચુક્યો છું અને હવે મારી મરજી મુજબ ચાલવાનું છે. પણ ક્યારેક સંજોગો મન મુજબ વર્તવા નથી દેતા હોતા..

આટલા દિવસ ગેરહાજરીના મુખ્ય કારણોમાં હોસ્પિટલના ધક્કા છે! મને તો કંઇ ન’તુ થયું પણ આ વખતે થોડા નજીકના લોકો માટે અલગ-અલગ કારણસર છેલ્લા 10 દિવસો હોસ્પિટલમાં વિતાવ્યા છે.

લાંબા સમય પછી મેડિકલ ફિલ્ડ સાથે પનારો પડયો. દર્દી, દવા, ઇલાજ અને કાગળિયાઓ જ જોયા છે આ દિવસોમાં! વધારે વિચારતા એવું લાગે કે ડોક્ટર્સને આપેલ ભગવાનનો દરજજો પાછો લેવાનો સમય આવી ગયો છે. પૈસાનું પાણી અને શરીરનો કચરો થઇ જાય છે; આ બધામાંથી દુશ્મનને પણ પસાર ન થવું પડે એવી આશા રાખીએ. 🙏

થોડા દિવસ પહેલા દેશનું બજેટ રજુ થયું હતું. જેમાં ઇન્કમટેક્ષ સિસ્ટમમાં થયેલ નવા ઉમેરા સિવાય બીજું નોંધલાયક જણાતું નથી. હવે ઇન્કમટેક્ષ ભરનારને નવી અને જુની પધ્ધતિના ઓપ્શન મળશે! ડાયરેક્ટ ટેક્ષ કોડ – DTC તરીકે જાણીતા આ કાયદા વિશે વધુ માહિતી અહીં નીચે જણાવેલી કડી પર મળી જશે;

મારી જાણકારી મુજબ એકવાર નવી પધ્ધતિમાં જનાર વ્યક્તિને ફરી જુની પધ્ધતિમાં પરત આવવા નહી મળે તેવી જોગવાઇ છે; એકરીતે જુની સિસ્ટમ વધુ ફાયદાકારક જણાય છે એટલે નવી દિશાએ જતાં પહેલા પુરતું વિચારી લેવું. પોતાના આયોજનોને પણ ધ્યાનમાં લઇ લેવા.

લગભગ ભવિષ્યમાં સરકારનો પ્રયત્ન દરેક કરદાતાને DTC – Direct Tax Code તરફ જવાનો હશે. આ વચલો રસ્તો તો અચાનક થતા બદલાવ બાદ આવતી માથાકુટને ટાળવા માટે રાખવામાં આવ્યો હોઇ શકે. ઉતાવળે GST લાગુ કરવાનો અનુભવ ક્યાંક તો કામ આવ્યો.

આ બધામાં કાયદાઓની આંટીઘુંટીઓમાં સી.એ. અને ટેક્ષ પ્રેકટીસનરને વધુ જલ્સા થશે. ચલો, કોઇને તો મંદી નહી નડે.. 😇

જો કે અનુકુળતા કે ફાયદાને બાજુ પર મુકીને કહું તો હું આયકર માટે નવી પધ્ધતિને સરકારી કામકાજની નજરે અને લાંબા ગાળે દેશના પરિપેક્ષ્યમાં વધુ યોગ્ય જણાય છે. ખબર નહી કેમ, દેશની વાત આવે ત્યાંરે હું અંગત નુકશાનને ગણતરીમાં કેમ નથી લઇ શકતો. મારે અમદાવાદી હોવામાંથી રાજુનામું આપી દેવું જોઇએ? 😐

અમેરિકાવાળા શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ મોદીસાહેબ સાથે અમદાવાદ આવ્યા હતા અને આખું અમદાવાદ જાણે માથે લીધું હતું. ના ભાઇ, મને કોઇ વાંધો કે ફરિયાદ નથી. એ બહાને રોડ-રસ્તા વધુ સારા થઇ ગયા અને સ્ટેડીયમ સમય કરતાં 2-3 મહિના વહેલું તૈયાર થઇ ગયું.

આ જે-જે લોકો વધારે ખર્ચો થયાની વાતો કરે છે, તેમના ઘરે તો વેવાઇ પણ ખીચડી ખાઇને પાછા જતા હશે એમ માની લઇએ. મહેમાન આવે ત્યારે ઘરમાં બે નવી વાનગીઓ બને અને થોડી સાજ-સજાવટ થાય તો તેમાં કંઇ ખોટું ન કહેવાય યાર..

દિલ્લીમાં CAA નો ડખો હજુ ચાલુ છે! અને હદ થાય છે હવે તો…

😥


*અભ્યાસુએ સુચવેલ પ્રતિભાવ મુજબ ઉપરની વાતોમાં ઉમેરેલ નવી જાણકારીઃ
– વ્યક્તિગત કરદાતાઓ ઇચ્છે તો દર વર્ષે નવી-જુની પદ્ધતિ પસંદ કરી શકે છે. ધંધાકીય કરદાતાઓને નવી પદ્ધતિ પસંદ કર્યા પછી જુની પદ્ધતિ નહી મળે.

ફેરવિચારણા અને બદલાવ

ટેકનીકલ અપડેટ્સમાં મારા સિવાય બીજા કોઇ રસ લેશે એવું લાગતું નહોતું પણ થોડું આશ્ચર્ય થયું. મિત્રો અને વડીલોએ આંશિક વિરોધ પણ નોંધાવ્યો.

આમ તો આવી ઇચ્છા પહેલા પણ મનમાં આવી હતી અને ઇમેલ રોકવાનો પ્રસ્તાવ તે સમયે ચુપચાપ પાસ કરીને અમલમાં મુકી દેવામાં આવ્યો હતો. (આ વખતે ડોઢ ડાહ્યા થઇને મોટા ઉપાડે જાહેરાત કરી એટલે નજરે ચડી જવાયું. 🤦‍♂️ )

આ વખતે મારો મુળ વિચાર કંઇક નવા-જુની કરવાનો જ હતો. પરંતુ કેટલાક વિચિત્ર કારણસર અન્ય બદલાવની ઇચ્છાઓ ફરી વિચારોના પ્રવાહ સાથે તણાઇ આવી. આ એ જ ઇચ્છાઓ હતી જેને ઘણાં સમયથી ટાળવામાં આવતી હતી; પણ આ વખતે અગાઉ વિચારાયેલ ઘણાં જ બદલાવ માટે મારું મન મનાવી ચુક્યો હતો.

આગળની પોસ્ટ તે વિશેની નોંધ માત્ર હતી કે હું શું-શું બદલવા ઇચ્છુ છું; જો કે તે બધું કરું કે ન કરું તેનાથી કોઇ મોટો ફરક નથી પડતો અને લગભગ બીજા કોઇને પણ કંઇજ ફરક ન પડે. (એક રીતે તો આ બધું આમ લખવું જરુરી ન હોય પણ હું તો મારી માટે તેની નોંધ કરવા ઇચ્છતો હતો, જેથી આ બધા વિચારો અને બદલાવ વિશે ભવિષ્યમાં ફરી જાણી શકુ.)

આગળની પોસ્ટમાં નોંધાયેલા બધા વિચારો અને ઇચ્છાઓનો અમલ કરવાનું નક્કી જ હતું; પરંતુ હવે જેમની સાથે એક અકળ-સંબંધથી જોડાયેલા છીએ તેવા મિત્રોની લાગણીનું થોડુંક માન રાખવું પણ ઠીક લાગે છે. અહીયાં કોઇ-કોઇ ફેરફાર તો થઇ જ ચુક્યા છે અને બીજા ફેરફાર આ પોસ્ટથી થઇ રહ્યા છે. (કેટલાક ફેરફાર તરત દેખાઇ આવશે અને કેટલાક ધીરે-ધીરે જણાશે.)

ઇમેલ, ફેસબુક અને ટ્વીટર પર આ વિશે મારી પાસે પ્રેમથી જાણકારી માંગવામાં આવી. તે દરેકને એક પછી એક પ્રતિભાવ આપ્યા પણ છે કે કોઇ ખાસ કારણ નથી. (આ તો એવી રીતે કહું છું જાણે હજારો લોકોએ મને પુછી લીધું હોય! 😎 ડીયર બગી, તુ એટલો ફેમસ પણ નથી યાર.., ચોખવટથી બોલ કે માત્ર 9 જ લોકો છે, જેઓએ તને આ વિષયે પુછ્યું છે. #પ્રામાણિકતા)

ટાળવામાં આવેલ વિચારો/બદલાવની નોંધઃ

  • રીડર-ફીડ ચાલુ રહેશે. કારણ કે વધુ વિરોધ આ મુદ્દે થયો.
  • જેટપેક સાથેનું જોડાણ કાયમ રહેશે; તેના વગર મોબાઇલ એપથી બ્લોગ હેંડલ કરવો અઘરો જણાય છે. આ ઉપરાંત જેટપેક વગર ઘણી નાની-મોટી સમસ્યા ઉભી થતી હતી એટલે જાહેર-હિતમાં અમે તે મુદ્દે યથાસ્થિતિ જાળવવાનું વધુ યોગ્ય સમજીએ છીએ.
  • આ સમસ્યાઓમાં મને સૌથી વધુ વાંધો રેન્ડમ-પોસ્ટ વિશે હતો, કેમ કે તેના વગર મને મજા ન આવે. તે પછીના વાંધામાં વર્ડપ્રેસ-રજીસ્ટર્ડ મુલાકાતીઓને પ્રતિભાવ માટે દર વખતે નામ-સરનામાનું ફોર્મ ભરવું પડે એ સમસ્યા હતી અને એ જ રીતે તેમના પ્રતિભાવનો જવાબ આપતી વખતે મને પણ કરવું પડે! અને આ બધું મારા જેવા આળસુ જીવને મંજુર ન હોય તે આપ પણ સમજી શકો છો. (આ બધું જેટપેક વગર અલગ પ્લગીનથી પણ મેનેજ થઇ શકે. બટ, તેને શોધવાની અને ઇન્સ્ટોલ કરવાની મહેનત કરશે કોણ? હું તો નઇ કરું.)

થયેલ બદલાવ/ફેરફારની નોંધ

  • ઓકે, ઉપર નોંધ કર્યા મુજબ રીડર-ફીડ રોકવાનો વિચાર ચોક્કસ ટાળવામાં આવ્યો છે, પણ આ પોસ્ટને રીડરમાં દેખનાર સમજી ગયા હશે કે અમે તે મુદ્દે શું કારીગરી કરી છે! (પ્લીઝ ગાળો ન આપતા. 🙏 #રીકવેસ્ટ)
    # સાઇડટ્રેકઃ મને જે કરવું હતું એ થઇ જાય અને મિત્રોનું માન પણ જળવાઇ જાય એવો વચલો રસ્તો પસંદ કર્યો છે. રીડર વાચકો હેરાન થશે એ જાણીને હું પોતે મારા આ કૃત્યની કડી-નીંદા કરુ છું! આ દુઃખના સમયમાં મારી પુરી સંવેદના તેમની સાથે છે. (વાચકો ઇચ્છે તો આ મુદ્દે મોદીનું રાજીનામુ માંગી શકે છે.)
  • પર્સનલી ઇમેલ કરવા માટે કેટલાકે રસ દાખવ્યો એટલે થયું કે એમ યાદ કરી-કરીને ઇમેલ કરવા કરતાં સબક્રાઇબર્સને ઓટોમેટીક જતા ઇમેલ ફરી શરુ કરી દેવા. હા, અહીયાં બદલાવ એ રહેશે કે તે દરેક ઇમેલ માત્ર નવી પોસ્ટ રજુ થયાની જાણકારી સમાન હશે.
  • જેટપેકનું જોડાણ યથાવત છે પણ પોસ્ટ અને કોમેન્ટમાંથી લાઇકનું બટન હટાવી લેવામાં આવ્યું છે. લગભગ તેના પછી હવે સાઇટની સ્પીડ ડબલ થઇ ગઇ હોય એવું લાગે છે! અથવા તો તેવું થયું હોવાનો મને ભ્રમ જણાઇ રહ્યો છે. (ગુગલ PageSpeed Insights માં પણ ચકાસી લીધું છે. એ તો ખોટું ન જ બોલે ને? જે સ્પીડ-આંક પહેલા 25-35 વચ્ચે રહેતો તે હવે 80-90 વચ્ચે રહે છે!)

એમ તો આગળની પોસ્ટથી જ ફેરફારના અમલરૂપે લાઇક-બટન હટાવી દેવામાં આવ્યું હતું. આજે અચાનક રીડરમાં નજરે આવ્યું કે મારી છેલ્લી પોસ્ટમાં ચાર લાઇક્સનો આંકડો દેખાય છે! કદાચ બ્લોગનું મુળ સોફ્ટવેર વર્ડપ્રેસ અને જેટપેક સાથે જોડાયેલું હોવાથી રીડર ઓટોમેટીકલી લાઇક્સ સ્વીકારવાનું બટન ત્યાં મુકી દેતું હશે અને વાચકો ત્યાં લાઇક કરી શકતા હશે. એમ તો મુળ વેબ-સાઇટમાંથી તે બટન હટાવવાનો ફરક એ જણાયો છે કે તે લાઇક્સ વિશે મને કોઇ નોટીફીકેશન મળતા નથી; જો કે હવે તેનો કોઇ હરખ-શોક પણ નથી. #અનાશક્ત