અપડેટ્સ – 200228

બે દિવસ પહેલા બીજાના કારણે હોસ્પીટલના ધક્કાની વાત હતી અને આજે આ લખી રહ્યો છું ત્યારે હું બિમાર થઇને ઘરમાં ફરજીયાત આરામ કરી રહ્યો છું. (ફરજીયાત ન હોત તો હું આરામ પણ ન કરતો હોત. મને તો એમાંયે કંટાળો આવે.)

જેની ખબર પુછવા હું જતો હતો, તે હવે મારી ખબર પુછી રહ્યા છે. સમય પણ કેવો તરત પલટાઈ પણ જતો હોય છે! પરિસ્થિતિને વશ રહેવું પડે ભાઇ, અભિમાન કોઇનું ચાલતું નથી. (અહંકારી રાવણનું પણ ન’તું ચાલ્યું અને જીતી-જીતીને અખંડ ભારત બનાવનાર સમ્રાટ અશોકે પણ છેવટે શાંતિનો માર્ગ સ્વીકારવો પડયો હતો; હું તો સાવ સાધારણ માણસ છું.)

શરદી, થોડો તાવ અને અશક્તિની ફરિયાદ શું કરી, બધા મને કાલે સાંજથી શંકાની નજરે દેખવા લાગ્યા છે. કોરોના નો ડર ઘણો ભારે! 🤷‍♂️ (હા યાર, એક-બે પળ માટે તો મને પણ શંકા થઇ આવી; હાલ તો મન મનાવ્યુ છે. પ્લીઝ, કોઇએ આ મુદ્દો છેડવો નહી.)

ચીનમાં જે રીતે હજુ બધું લોક-ડાઉન છે તે રીતે લાંબુ ચાલશે તો દુનિયાની ઇકોનોમીને મોટો ફટકો પડી શકે એમ છે. અરે દુનિયાને છોડો યાર, નવો કાચો માલ નહી આવે તો ભારતને પોતાના ઉદ્યોગો ચલાવવા ભારે પડી શકે છે. (નેતાઓ ભલે કહેતા કે મોટી અસર નહી થાય; પણ હું કહું છું કે આવું જ રહેશે તો આવનારો સમય અઘરો હશે.)

મારો પીછો કરતાં જીવોને જણાયું હશે કે લગભગ મૃત અવસ્થામાં રહેતી મારી સોસીયલ પ્રોફાઇલમાં કોઇ સળવળાટ જણાય છે. જો, આરામ જ કરવાનો હોય એટલે બેઠા બેઠા શું કરવાનું?… તો જે મળે તેની મેથી મારવાની હોય. 😂 (બની શકે ત્યાં સુધી વિવાદાસ્પદ મુદ્દાને ટાળવાનો પ્રયત્ન કરું છું, છતાંયે આદત મુજબ ક્યાંક તો સળગતું ઉપાડી લઉ છું. યાર, હું સુધરતો જ નથી.)

એમ તો વચ્ચે આ સામાજીક ઇ-માધ્યમોમાં એકટીવ થવાનું નક્કી કર્યું હતું, પણ લાંબો સમય ટકી ન શકાયું; ટ્વીટર સિવાય દરેક જગ્યાએથી હું ગાયબ છું. તેમ છતાયે ઇચ્છા છે કે કેટલાક લોકો સાથે સંપર્ક જળવાઇ રહે અને તેમની વાતોમાં રસ હોવાના લીધે ફેસબુક પર ફરી સક્રિય થવું છે.

સક્રિય થવાનો મતલબ એમ છે કે સમયાંતરે ત્યાં આંટો મારતા રહેવું. મારી કોઇ અપડેટ કે નવી પોસ્ટ ત્યાં હોવાની સંભાવના નહિવત્ છે. આપણે તો આ બગીચે જ ઠીક છીએ. એકલા-અટુલા ભલે હોઇએ, તો પણ મને આ જ જગ્યા ગમે છે મારા વિચારો ઠાલવવા માટે. (મેરા બગીચા મહાન! 👌)

દિલ્લીના તોફાનો સિવાય સોસીયલ મીડીયા પર બીજું કંઇ જ દેખાતું નથી, ટી.વી.ના કોઇ પ્રોગ્રામમાં આપણે રસ ધરાવતા નથી, ન્યુઝચેનલોનો બહિસ્કાર ચાલી રહ્યો છે, વેબ સીરીઝ બધી બંધનમાં નાંખે છે અને મારા બે (અતિ) તોફાની બાળકો એક આખી મુવી સળંગ જોવા દે એમ નથી. (અને અમે ભુતકાળમાં મનોમન ભિષ્મપ્રતિજ્ઞા લઇને બેઠા છીએ કે, મુવી જોવી હોય તો સળંગ જોવી; નહી તો જરાય ન જોવી.)

થોડા દિવસોમાં વ્રજની ફાઇનલ પરિક્ષાઓ આવી રહી છે એટલે મેડમજી ઉપર તેનું ટેન્શન જણાય છે. નાયરાનું પ્લે-ગ્રુપમાં એડમીશન થઇ ગયું છે. મારી બગલીના નખરાંઓનો એક મસ્ત ફોટો પણ ઘણાં દિવસથી અહીયાં મુકવાનો ભુલાઇ જાય છે. 🤦‍♂️

અત્યારે તો મેડમજી જમવા બોલાવે છે, તેને પ્રાથમિકતા આપુ. આ લખાણપટ્ટી તો નીરંતર ચાલ્યા જ રાખશે. ફોટો માટે એક નવું પાનું ચિતરવામાં આવશે.. મજા આવશે. 👍

11 thoughts on “અપડેટ્સ – 200228

  1. જલદી સારા થાઓ એવી પ્રાર્થના…

    દિલ્લીમાં જે થયુ એના માટે વહેલા જાગવાની જરુર હતી. ખબર હતી કે શાહિનબાગમાં છેલ્લા ૨ મહિનાથી લોકો શાંતિના નામે જે આંદોલનો કરી રહ્યા છે એ છેલ્લે તો આ રસ્તો અપનાવવાના જ છે.

    1. આપની પ્રાર્થના કોઇ જલ્દી સાંભળી લે એવી મારી પ્રાર્થના. 🙏

      હા લાગતું તો એ જ હતું કે ક્યારેક આંદોલન આવી જ દિશા લેશે, પણ તોફાનો શાહીનબાગના બદલે અલગ જગ્યાએથી શરૂ થયા છે એટલે ક્યાં શું કહેવું એ જ સમજાય એમ નથી. આજે સમાચાર છે કે શાહીનબાગમાં પણ 144ની કલમ લાગુ કરવામાં આવી છે. એ બહાને આ અર્થ વગરનું આંદોલન સમેટાઇ જાય એ પણ ઠીક છે.

    1. વહેલા સાજા થવાની શુભેચ્છાઓ અમે મોડી ઝીલી છે, કદાચ એટલે જ સાજા થવામાં મોડા થયા હોઇશું! 😊

      coronaની બીમારી વિશે તો એવું કહી શકાય કે જાણે તે હમણાં જ વળગી પડશે એમ સાવ નજીકથી નીકળી ગઇ હોય.. 😐

      પણ હવે..
      મારા શરીરમાં કોઈ એવા કીટાણું નથી;
      મને કોરોનાનો ડર ના બતાવો…

  2. પોસ્ટ ઘણી મોડી વાંચી. હવે તો સાજા થઈ ગયા હશો!
    રહી વાત ઈકોનોમીની તો અસર તો પડવાની જ. પણ જેવી પરિસ્થિતિ થાળે પડશે એટલે રીકવરી પણ બમણી ઝડપે થશે. લાંબાગાળાના રોકાણકારો માટે શાંતિ રાખવી અને સમાચારોથી દૂર રહેવું!

    1. આપની ધારણા ખોટી નથી, પણ અડધી સાચી છે! બિમાર તો ન કહેવાઉ પણ હવે સાજો થવા તરફ જઇ રહ્યો છું એમ કહી શકાય.

      આ બમણી રિકવરીની થીયરીમાં મને પણ વિશ્વાસ જણાય છે. એમ તો કોઇ બહાને આપણાં દેશમાં જ વૈકલ્પિક વ્યવસ્થા વિકસે તો એ પણ છેવટે ઇકોનોમી માટે બેસ્ટ રહેશે.

      એક સારા સમાચાર એ મળ્યા છે કે ઇમ્પોર્ટના કારણે ખતમ થવા સુધી પહોંચી ગયેલા મોરબીના સિરામિક ઉદ્યોગને કોરોનાએ નવું જીવન આપી દીધું છે! આજકાલ ત્યાં તેજી દેખાય છે.

બોલો, શું કહેવું છે તમારે...