જનરેશન 2.0

નાયરાઃ પપ્પા, આ વીડીયો પ્લે કેમ નથી થતો?
પપ્પાઃ ટીવીમાં એવું ના થાય.
નાયરાઃ કેમ?
પપ્પાઃ …… 😐


નવા જમાનામાં જન્મેલા ટબુડાઓને ટચ સ્ક્રીન અને નોન-ટચ સ્ક્રીન વચ્ચેનો ફરક પણ કઇ રીતે સમજાવવો? અને આ જનરેશને તો જનમ્યા ત્યારથી ટચ ડિવાઇસ દેખ્યા છે; હવે બગ્ગુ ને કોણ સમજાવે કે ટીવી સ્માર્ટ તો થયા છે; પણ હજુ સ્પર્શથી કામ કરે એટલા હોંશીયાર નથી બન્યા.

અમારા ટાઇમમાં અમે ડબ્બા જેવા બ્લેક-એન્ડ-વ્હાઇટ ટીવી દેખ્યાનું પણ યાદ છે; જો આ છોકરાંઓને એ વિશે કહીશ તો મને આદિમાનવ જેટલો જુનો ગણી લેશે!!

🧔

બ્રેક એલર્ટ!

~ જાહેર જગત નોંધ લે કે આ સંસ્થાના સંસ્થાપક (એટલે બગીચાના માળીભાઇ!) ઠંડા પ્રદેશની સહેલગાહ કરવા હેતુ લગભગ 12 દિવસ બ્રેક ઉપર રહેશે, જેથી સંપર્ક નહિવત રહે તો દરગુજર કરશો. 🙏

~ હું જાણે ખાસ હસ્તી હોઉ એવા ભ્રમમાં ઉપરોક્ત જાહેરાત કરવામાં આવી હોવાનું લાગી શકે. (મને જ લાગે છે તો બીજાને એવું જણાય તે સ્વાભાવિક છે.)

~ ‘મગજમાં રાઇ ભરાઇ જવી‘, આ કહેવત કદાચ મારા જેવા લોકોની આવી માનસિક-વિકૃતિ દર્શાવવા માટે જ બનાવવામાં આવી હોવી જોઇએ! 🙂 (સાઇડટ્ર્રેકઃ દરેક ભાષાની કહેવતોને મુલ્યવાન ઘરેણાં કહેવાય; ભાષાનો આ પ્રકાર મારો ફેવરીટ છે.)

~ એમ તો ઇંટરનેટ કનેક્ટેડ રહીશ પણ ટુકડે-ટુકડે. નોટીફીકેશનને મુડ કે સમય અનુસાર ચેક કરવામાં આવશે. (કોઇને ટુકડે-ટુકડે વાંચીને પાછળ ‘ગેંગ‘ શબ્દ યાદ આવી ગયો?, તો ઝી-ન્યુઝ સિવાય બીજી ચેનલ્સ પણ જોવાનું રાખો ભાઇ..)

~ થોડા દિવસ માટે કામકાજમાંથી બ્રેક લેવાનો છે એટલે હવે અહીં લખવા કરતા થોડું કામ પણ કરી લઉ તો મારી માટે સારું રહેશે. હે ને? (એમ જ રોજેરોજ કંઇપણ લખ્યા રાખું છું તો કોઇને જાણીને નવાઇ પણ લાગી શકે કે હું કામધંધોયે કરું છું!)

~ લગભગ અઠવાડીયાથી ઓફિસમાં ભવિષ્યનું એ આયોજન ચાલે છે કે આ દસ-બાર દિવસમાં કઇ-કઇ જરૂરિયાતો ઉદ્ભવી શકે અને કઇ-કઇ સંભાવનાઓ જન્મી શકે! (હું બ્રેક ઉપર હોઇશ, ઓફિસ તો ચાલુ રહેશે યાર..)

નીંદામણઃ રમેશભાઇ કી માં કેહતી થી, ધંધા કરને સે કોઇ છોટા નહી હોતા, ઔર ધંધે સે બડા કોઇ કામ નહી હોતા

અપડેટ્સ 36 [Feb’14]

– આજે ફેબ્રુઆરીની ૨૫ તારીખ થઇ. આ મહિનાનો અંત લગભગ હવે નજીક છે. ઠંડીની અવરજવર ચાલું છે અને બે દિવસથી તડકો ગુલાબી ઠંડીમાં આખો દિવસ ખોવાયેલો રહેતો હોય એવું ખુશનુમા વાતાવરણ રહે છે. (જાણે વેલેન્ટાઇન મહિનામાં મૌસમ પણ રંગીન હોય એવો માહોલ છે!)

– હંમેશની જેમ આ વખતે પણ લગ્ન વધારે રહ્યા. આપણે ત્યાં એક રીતે જોઇએ તો આ સારું છે કે બધા લોકો મુરત ના બહાને વર્ષમાં એક-બે સમયગાળામાં લગ્નો પતાવી દે છે. નહી તો હું ધંધો ઓછો અને ચાંદલા વધારે કરતો હોત! (આ અપડેટેડ વિચાર છે, જુનો વિચાર અહીં છે.)

– આજે વાત તો આગળની પોસ્ટની અંતમાં ઉમેરેલી ટ્વીટના અનુસંધાનમાં કરવાની હતી પણ એ પોસ્ટને ડ્રાફ્ટમાં હજુ વધારે દિવસ રહેવું હોય એવું લાગે છે. (સાચું કહું તો તે પોસ્ટ પુરી કરવામાં મારો આળસુ સ્વભાવ જવાબદાર છે. જરૂરી નોંધ: હું નિર્દોષ છું.)

– થીમ બદલી બદલીને હવે મન ઠેકાણે પડ્યું છે (અહી કહી શકાય કે મારા મનને તે માટે ઠેકાણે પાડવામાં આવ્યું છે.) આ સેલ્ફ હોસ્ટેડ બ્લૉગ એ રીતે મજાની ચીજ છે કે અહી તમે સંપુર્ણ આઝાદી મહેસુસ કરી શકો. પણ તેની સામે એક સમસ્યા પણ છે કે તમે નવાં-નવાં એડીટીંગમાંથી નવરા જ ન પડો. (થોડું કંઇક કરો અને એમ લાગે કે વળી કંઇક નવું કરીયે તો મસ્ત લાગશે! અને તેમાં મુળ પોસ્ટ તો ડાફ્ટ ફોલ્ડરમાં રાહ જોતી જ રહી જાય.)

– જુની થીમની યાદગીરી1:20140201_1 Blog Look - TwentyThirteen

# આમ તો આવા બદલાવનો કોઇ ખાસ ઉદ્દેશ નથી હોતો. બસ સમયાંતરે દેખાવ બદલવાની આદત અને મનને નવા બદલાવ માટે તૈયાર રાખવાની કસરતનો એક ભાગ છે.

# જો કે હવે એમ પણ થાય છે કે મુળ દેખાવ વારંવાર બદલવો ઠીક નથી. આ નવા વિચાર અંગે ખાસ ખરડો તૈયાર કરીને મારા બગીચાની સંસદના ચાલુ સત્રમાં રજુ કરવાનો અને બહુમતીથી પસાર કરવાનો વિચાર છે. (ખરડો પસાર થાય કે ન થાય પણ હું માળી-પદ થી રાજીનામું નહી આપું તે નક્કી છે2.)

– વ્રજને દોઢ વર્ષ પુરા થયા. તેની ઉંચાઇ અઢી ફુટ (30″) પહોંચી છે, વજન લગભગ દસ કિલો છે અને ધમાલ-મસ્તીની લંબાઇ રોજેરોજ વધી રહી છે. ઘણાં શબ્દો બોલતા શીખી ગયો છે અને કયારેક બે-ત્રણ શબ્દોના વાક્યો પણ બોલે છે. (બોલે ત્યારે એટલો મીઠડો લાગે કે તમે સાંભળતા જ રહો.)

– અમને બંનેને (એટલે કે મને અને મારા મેડમજીને) હમણાં અમ્મી અને અપ્પા કહીને બોલાવે છે! (આ સાઉથ ઇન્ડીયન સ્ટાઇલ એ કયાંથી શીખ્યો એ અમને પણ સમજાતું નથી.) હા, મને તો કયારેક માત્ર ‘પા’ પણ કહે છે! તેની ભાષામાં બોલાતા દરેક શબ્દોનું એક લિસ્ટ બનાવવાનો પણ વિચાર છે.

– આજકાલ તેને સૌથી પ્રિય હોય તો એ છે – ગાડી! (ગાડી માટે તેનો સ્પેશીયલ શબ્દ છે: ભુમ્મા !) ટીવીમાં કોઇ કાર કે બાઇકની એડ્વર્ટાઇઝ આવે તો બધુ કામ મુકીને તેને જોવામાં સ્થીર થઇ જાય. હમણાં ઘરમાં નાની-મોટી લગભગ ૨૫-૩૦ ગાડીઓનો ખડકલો કર્યો છે. (આ ગાડીઓનો ગ્રુપ-ફોટો પણ અહી રજુ કરવાનો વિચાર છે.)

– આપને થતું હશે કે આ પોસ્ટમાં (અને અગાઉ પણ) લગભગ વાતવાતમાં નવાં-નવાં વિચાર રજુ કરવામાં આવે છે તો તેને અમલમાં જ કેમ નથી મુકવામાં આવતા? તો મિત્રો3, એમાં એવું છે કે જો આજે હું આ વિચારની નોંધ નહી કરું તો તેને ગમે ત્યારે ભુલી જઇશ એ સંભાવના મારી યાદશક્તિ કરતાં વધું બળવાન છે! આ એક જગ્યા જ છે જેમાં હું યાદગીરી અને વિચારો સાચવતો હોઉ છું. જેથી સમયાંતરે તેને જોઇ શકાય અને અધુરાં કાર્યોને યોગ્ય સમય મળે ત્યારે પુરા કરી શકાય.

– વધુ વાત બે દિવસમાં ઉમેરવાનો વિચાર છે. (વળી એક નવો વિચાર!) હાલ તો હું મારી પાસેથી ડ્રાફ્ટ પોસ્ટને અગ્રિમતા આપવામાં આવશે એવા વચન સાથે આજે રજા લઉ છું.


1પહેલાનો બદલાવ જુઓ: અહીં
2તે વાતને દિલ્લી વિધાનસભા કે આમ આદમી પાર્ટી સાથે કોઇ સંબંધ નથી.

કયાંય મિત્રો શબ્દ આવે એટલે મને નરેન્દ્રભાઇની સ્ટાઇલ યાદ આવે. તમને રાહુલભાઇની કોઇ સ્ટાઇલ યાદ છે? અને અરવિંદભાઇની તો ખાંસી જ સદાબહાર છે. ખુરશી જાયે પર ખાંસી ન જાયે!
#Featured image:
ભરૂચ જાનમાં જતી વખતે ડ્રાઇવર સાથે કેબીનમાં બેઠાં-બેઠાં એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતી વખતે ક્લિક કરેલ ફોટો.