– આગળ દિનચર્યા લખી તેને લગભગ એક અઠવાડિયું વિત્યું છે. તો આજે આખા અઠવાડિયાનો રિપોર્ટ એક જ પોસ્ટમાં. જે યાદ છે તે નોંધવાનો પ્રયાસ કરીશ.
– શરુઆત કરીએ સોમવારથી. તાઃ૨૫, જુલાઇ’૧૧. અઠવાડિયાના શરુઆતના દિવસ જેવો દિવસ. રજા પછીની સુસ્તી અને સવારમાં કામની દોડધામ. નવું તો કશુંયે નહી.
– આગલા દિવસે અહી મુકેલા વસ્ત્રાપુર તળાવના ફોટા જોવાવાળા લોકોનો ધસારો રહ્યો તે જોઇને ઘણી નવાઇ લાગી. શ્રી સંજયભાઇએ તો ઇમેલ કરીને ઓરીજીનલ ફોટાની માગણી કરી. ફેસબુકમાં લોકોના મેસેજના જવાબ આપવામાં સમય વધારે બગાડયો. ગુગલ+ માં પોસ્ટ મુકવાની શરુઆત. બાકીનો સમય બિઝનેસમાં. (હવે તો બાકીનો સમય બિઝનેસને મળે છે! હું બદલાઇ ગયો છું એવુ મને લાગે છે…એટલે સુધરવાની જરુર છે.)
– મંગળવાર તાઃ૨૬, જુલાઇ’૧૧. ગુગલ+ ને પુરેપુરુ જાણી લેવા આદુ ખાઇને પાછળ પડયો. (આ એક રૂઢીપ્રયોગ છે તેને સીરીયસલી ના લેતા.) લગભગ બધુ સમજાઇ ગયું છે. દિવસે તો કામ વધુ હતુ એટલે રાત્રે ગુગલ+ વિશેનો મારો અનુભવ અહી આપની સાથે વહેંચ્યો. કોઇએ હજુ સુધી મારા કરેલા નિરિક્ષણમાં ભુલ કાઢી નથી એટલે લાગે છે કે મે જે અનુભવ્યું તે બધુ યોગ્ય છે. (જો કે મારા લખાણના જવાબમાં કોઇ વિરોધ ન દર્શાવે તેનો મતલબ બધા સહમત છે તેવું હુ નથી માનતો કેમ કે મૌન પણ એક જાતનો વિરોધ હોઇ શકે છે. જો કે તેવા વિરોધને અમે ગણકારતા નથી.)
– હવે બુધવાર તાઃ૨૭, જુલાઇ’૧૧. સવારે ઓફિસે આવીને બ્લોગ પરની મિત્રોની કોમેન્ટ મંજુર(એપ્રુવ) કરી.
મિત્રો એક સવાલ છે કે, કોઇ દ્વારા કરવામાં આવતી કોમેન્ટને મારી મંજુરી વગર એપ્રુવ થવા દઉ તો કેવું રહેશે ? અહી કોમેન્ટ તરીકે કોઇના અસંગત કે બિભત્સ અભિપ્રાય મળશે તેવો ભય હાલમાં તો નથી.
થોડું વિચારીને જણાવશો..
– શ્રી સંજયભાઇ(યુ.કે. રહેતા અમદાવાદી)ને તળાવના ફોટા મોકલી આપ્યા છે; તેમને ઘણો આનંદ થયો છે તેવું તેમના ઇમેલ-રીપ્લાય પર થી લાગ્યું. (આ વાંચીને તેમને કોઇ ફરિયાદ હોય તો ઇમેલમાં જ જણાવવા વિનંતી. ઇજ્જતના જાહેરમાં ભવાડા ન થાય ને.) આખો દિવસ ઘણો વધારે વ્યસ્તતામાં ગુજર્યો.
– આવ્યો ગુરુવાર. તાઃ૨૮, જુલાઇ’૧૧. આજે એક કવિતા લખી છે. (મને નથી લાગતું કે તે ઉત્તમ હોય પણ લોકોના ઘણાં વખાણ પછી તે સારી છે તેમ હું માની લઉ છું.)
– એક અંગત વાતઃ તે કવિતા સંપુર્ણ મારી કહાની પર લખી છે પણ લોકો તેને કોઇ કવિની રચના સમજીને બિરદાવ્યા જાય છે. મારે તે કોઇને સાચુ કહેવુ પણ નથી. (આમ પણ લોકોને તો કેરીમાં રસ હોય, આંબામાં નહી.)
– અન્ય સાઇટ અને ગ્રુપમાં તે કવિતાની કડી(બોલે તો, લીંક) વહેંચી છે જેથી વધુ લોકોને ખ્યાલ આવે. (કરવુ પડે ભાઇ તો જ લોકોને ખબર પડે કે આપણે કંઇક નવું કર્યું છે!….આ ચાલાકીને આજકાલ એડવર્ટાઇઝીંગના નામે ઓળખવામાં આવે છે!)
– ફેસબુક અને ગુગલ+ પર મિત્રોને ઉમેરવાના ચાલું છે. નવા જોડાતા લોકો મારો અંગત પરિચય કે વધુ જાણવા ઇચ્છે છે, પણ અત્યારે કોઇને કંઇ પણ જાણકારી આપતા મન કચવાય છે; એટલે આપતો નથી. ફેસબુકમાં મિત્ર સર્કલમાં ૫૦૦નો આંકડો પાર કર્યો.
– હવે વારો શુક્રવાર અને શનિવારનો. તાઃ ૨૯ અને ૩૦, જુલાઇ’૧૧ની દિનચર્યા: આ દિવસોને અજ્ઞાતવાસ તરીકે જ ગણવા પડશે કેમકે આ દિવસોમાં કોઇ અલગ કે ખાસ ઘટના બની હોય તેવું યાદ નથી આવતુ. બસ ફેસબુક, ગુગલ+ અને થોડા ઘણાં બ્લોગ વાંચન સિવાય કંઇ નવુ નથી કર્યું. કદાચ આ દિવસોમાં હું કામકાજ અર્થે વ્યસ્ત રહ્યો છું તે પણ કારણ કોઇ શકે. જે હોય તે અત્યારે કંઇ યાદ નથી તે હકિકત છે.
– શનિવારે આ બ્લોગની સિસ્ટમે કુલ ૨૦૦૦ લોકોની મુલાકાતની નોંધ લીધી છે. લોકોના આટલા પ્રતિસાદનો મને અંદાજ નહોતો. આભાર મુલાકાતીઓ. 🙏
– હવે આજનો દિવસ. રવિવાર તાઃ૩૧, જુલાઇ’૧૧. આજે રજાનો માહોલ અને રજાના દિવસની દિનચર્યા. કંઇ જ નવું નહી અને કંઇ જ જુનું નહી. બસ ફિલ્મો, ટીવી, મોબાઇલ, રેડીયો, કોમ્પ્યુટર, પુસ્તકો અને મમ્મી.. આ બધા આજના દિવસના મુખ્ય પાત્રો. આ સિવાયના બીજા કોઇ પાત્રોનો આજની દિનચર્યામાં સમાવેશ નથી થયો.
– સોસીયલ નેટવર્કિંગ સાઇટમાં લોકો ઘણું બધુ સરસ-સરસ વહેંચતા રહે છે. સમયની મર્યાદા અને જવાબદારીઓ નડે છે; જો આ બધુ જો ભેગું કરવામાં આવે અને યોગ્ય પૃથ્થકરણ બાદ ગોઠવવામાં આવે તો જીવન અને માનવ વર્તનને સમજવા માટેની એક જોરદાર ગાઇડ તૈયાર થાય. કોઇ લેખકને આ ધ્યાનમાં આવ્યું જ હશે અને બની પણ શકે કે આવુ કોઇ પુસ્તક રજુ થઇ ચુકયું હોય.
– અત્યારે હંમેશાની જેમ રાત્રે લખવા બેઠો છું. રાત્રે લખવામાં એક ફાયદો એ રહે છે કે મને વારંવાર અટકાવનાર દુષણ મોબાઇલ ત્યારે ચુપ હોય છે અને રાતનું શાંત વાતાવરણ મને દિવસભરની યાદ તાજી કરવામાં મદદ કરે છે.
– બસ. આજે અઠવાડીયાની દિનચર્યા લખવાના ચક્કરમાં ઘણું લખાઇ ગયું છે તો વાંચનાર પણ હવે કંટાળ્યા હશે. એટલે વધુ ન લખતા.. આવજો મિત્રો.