મુળ ચીનના વુહાન શહેરથી શરૂ થયેલ કોરોના વાઇરસ [COVID-19] હવે આખી દુનિયામાં ફેલાઇ ચુક્યો છે. માંસાહારની વિચિત્ર આદતોને લીધે મનુષ્યોમાં ફેલાયેલો આ રોગ હજુ સુધી અસાધ્ય છે. શરૂઆતમાં શરદી-ખાંસીના સામાન્ય લક્ષણો ધરાવતી આ ચેપી જીવલેણ બિમારીનો સીધો ઇલાજ ન હોવાને લીધે તેને વધુ ગંભીર ગણવામાં આવે છે.
વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાતો આ વાઇરસ હવે આખી દુનિયામાં ફેલાઇ ચુક્યો છે. શરીરમાં ફેલાયેલા આ વાઇરસ ચેપગ્રસ્ત વ્યક્તિને ઝડપથી મૃત્યુ તરફ ખેંચી જતો હોવાને લીધે સમગ્ર દુનિયાની સરકારો તે માટે ચિંતિત છે. સૌથી વધુ કેસ ચીન બાદ ઇટાલી અને ઇરાનમાં નોધાયા છે. છેલ્લા આંકડા મુજબ દુનિયાભરમાં કુલ 1,67,000 લોકો તેની અસર હેઠળ આવ્યા છે, જેમાંથી અંદાજીત 6,000 થી વધુ લોકોની મૃત્યુ થઇ ચુકી છે અને 70,000 થી વધુ લોકોને સારવાર બાદ જીવલેણ કોરોના-વાઇરસ-મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.
દુનિયાના દરેક દેશ પોતપોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે. વિશ્વભરમાં મોટા-મોટા સમારંભ, ઇવેન્ટ્સ, પ્રદર્શન અને રમત-સ્પર્ધાઓના કાર્યક્રમ ટાળી દેવામાં આવ્યા છે. સામાન્ય આંતરરાષ્ટ્રીય ઉડાન રદ કરી દેવાઇ છે અને વિઝિટર-વિઝા પણ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. દરેક સરકાર પોતાની સરહદમાં પ્રવેશતા લોકો પર સખત નજર રાખી રહી છે.
ભારતમાં આપણને બધાને નવાઇ લાગે એટલી હદે કેંદ્ર અને રાજ્ય સરકારો મહામારીને રોકવા માટે આયોજન કરી રહી છે! આવી પરિસ્થિતિમાં નાગરિકોના જીવ બચાવવાને પ્રાથમિકતા આપવા બદલ દરેક અભિનંદનને પાત્ર છે.
દરેક વિમાન મથક પર આવતા લોકોનું સ્ક્રીનીંગ ફરજીયાત છે. દરેક કેસને ઝીણવટથી ચકાસવમાં આવી રહ્યા છે. શંકાસ્પદ કેસમાં પણ સરકાર રિસ્ક લેવાના મુડમાં નથી જણાતી. સંભાવનાઓને આધારે દરેક રાજ્યોએ વિશેષ તૈયારીઓ કરી રાખી છે ઉપરાંત ઝડપી નિદાન-સારવાર માટેની ટીમ અને હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
આ નોંધી રહ્યો છું ત્યાં સુધી આખા દેશમાં કુલ કોરોના વાઇરસ(COVID-19)થી સંક્રમિત એવા 107 પોઝીટીવ કેસ નોંધાયા છે; જેમાં કેરળ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે. હવે ત્યાં આ ચેપ વધુ ન ફેલાય તે માટે પગલાં લેવા આવશ્યક હોઇ શકે છે.
ગુજરાતમાં કોઇ જગ્યાએ શંકાસ્પદ કેસ નોંધાયા હોવાના ન્યુઝ છે પણ આજસુધી કોઇ કન્ફર્મ કેસ નોંધાયો ન હોવા છતાંયે મહામારી ફેલાઇ હોય એમ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આજના સમાચાર મુજબ સમગ્ર ગુજરાતમાં સ્કુલ-કોલેજ, મોલ-સિનેમાને થોડા દિવસો માટે બંધ કરવાનો અને દરેક મેળાવડા કે સેમીનાર-કાર્યક્રમને ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કંપનીઓ પણ ‘વર્ક-ફ્રોમ-હોમ‘ ફોર્મુલા અપનાવી રહી છે. જોકે તકલીફ ત્યાં આવશે જ્યાં કારખાનામાં વસ્તુઓનું ઉત્પાદન થતું હોય અને જ્યાં પ્રક્રિયામાં કામદારોની સીધી જ જરુરીયાત રહેતી હોય; ત્યાં લગભગ કારખાનું કે ધંધાકીય એકમને બંધ કરવું પડે એવી સ્થિતિ બનશે.
આર્થિક નુકશાનનો અંદાજ લગાવવો હજુ વહેલો ગણાશે કેમ કે રોગચાળો ફેલાતો અટકાવવો વધુ જરુરી છે. હજુ સુધી દેશમાં નવા કેસ નોંધાતા જવાનો સીલસીલો યથાવત છે એટલે પહેલાં તેમાં રોક લગાવવાને પ્રાથમિકતા અપાય તે પણ યોગ્ય છે.
સૌથી વધુ વ્યસ્ત હોય તો અત્યારે હોસ્પિટલ અને તેના ડોકટર-નર્સીંગ સ્ટાફ છે. તેમની માટે ડબલ-ડ્યુટી નિભાવવાનો ટાઇમ છે અને કોઇ જ ફરિયાદ વગર નિભાવી પણ રહ્યા છે. અગાઉની એક અપડેટ્સમાં ડોક્ટર વિશે કરેલ ટિપ્પણી માટે આજે પરત લઉ છું. એમ તો ત્યારે ટીકા માટે કેટલાક કારણો હતા, પણ અત્યારની પરિસ્થિતિમાં તેઓ અભિનંદન યોગ્ય છે.
દેશ-દુનિયામાં આ સમયમાં ચર્ચાનો આ મુખ્ય વિષય છે. યુધ્ધ-વિગ્રહ ભુલાઇ ગયા છે; ઇશ્વર-અલ્લાહ-ઝીસસ વગેરેના ઠેકેદારો-એજન્ટો અને ભક્તો ઉપરાંત આતંકવાદીઓએ પણ આ વાઇરસ સામે હાર સ્વીકારી લીધી છે. એક ભયાનક બિમારીએ બધાને એક કરી દીધા છે!
ક્યારેક એમ પણ લાગે છે કે કોરોના વાઇરસ મુદ્દે જરુર કરતાં વધુ ભય બતાવવામાં આવી રહ્યો છે. લોકો વધુ પડતા જ સંવેદનશીલ બનીને ડરી રહ્યા છે અને વળી એકબીજામાં વધુ ભય ફેલાવી રહ્યા છે. વાસ્તવિકતા ગંભીર હોઇ પણ શકે છે પરંતુ આસપાસમાં હજુ એટલી ખરાબ પરિસ્થિતિ ઉભી નથી થઇ એવું મને લાગે છે.
ખૈર, પાણી પહેલાં પાળ બાંધવી એ પણ જરુરી પ્રક્રિયા છે અને વળી આ વાઇરસના ચેપથી બચવા માટે કેટલીક સામાન્ય જાણકારી હોવી જ પર્યાપ્ત છે. એટલે ગભરાઇ જવા કરતાં શાંત અને સજાગ રહેવામાં સમજદારી છે.