ઓફિસ.. ઓફિસ..

– કામકાજની ઘણી વ્યસ્તતા પછીની આજે તાજી-તાજી પોસ્ટ. (થોડી ઇંટરનેટ કનેક્શનની પણ રામાયણ હતી.)

– કાલે ૨૬ જાન્યુઆરી હતી, કોઇ દેશપ્રેમ જતાવ્યા વગર દિવસ પુરો કર્યો. (નાના હતા ત્યારે આ દિવસો દેશપ્રેમથી છલકાતા રહેતા, હવે મોટા થયાને એટલે દેશના હાલ જાણીને ઉત્સાહ ઓસરી ગયો છે.)

કાયમી સ્થાન અને વ્યવસ્થા બદલીને નવી ઓફિસ, નવા લોકો અને નવી વ્યવસ્થા સાથે તાલમેલ ગોઠવવો થોડું અઘરું કામ હોય છે. (એક ઘર છોડીને નવા ઘર, પડોશી અને નવી જગ્યાએ સેટ થનાર લોકોની મુશ્કેલીઓ નો આજે અંદાજ આવે છે.)

– સ્વભાવ બદલવો પ્રમાણમાં અઘરું લાગે છે; ઘણી માનસિક તૈયારી છતાં કેટલીક કડકાઇનો ચુસ્ત અમલ કરાવવામાં દિલની સહમતી મળતી નથી. (કદાચ ભગવાને મારામાં ગુસ્સો કરવાનું સોફ્ટવેર ઇનસ્ટોલ કર્યું નથી લાગતું. 🙂 )

– સ્ટાફના લોકો મને કાયમી જોઇને ખુશ થયા છે. (હવે જોઇએ… આ ખુશી કેટલા દિવસ ટકે છે.)

– જો કે બોસ તરીકે હું તેમને કયારેય નડતો/ખખડાવતો નથી એ એક કારણ ગણી શકાય. (પણ કાયમી ધોરણે હું એવો નમ્ર બની ન શકું, એ વાત તે લોકો જલ્દી સમજી જાય તો સારું.)

– બગડેલી સિસ્ટમ સુધારવી એ નવી સિસ્ટમ બનાવવા કરતાં ડબ્બલ મહેનત માંગે છે. ( આ હું નથી કહેતો; મારો અનુભવ બોલે છે !!)

– એક-બે સેલ્સ પર્સનની ખાસ જરુરીયાત લાગે છે. વિચારું છું કે કોઇ રેફરન્સથી મળી જાય તો ઠીક, નહીતો છેલ્લે ન્યુઝપેપર એડવર્ટાઇઝમેન્ટ તો પાક્કું. (જાહેરાત આપ્યા પછીનો એક આખો દિવસ બગડશે તે સમસ્યા પણ ધ્યાનમાં રાખવી પડશે.)

– જો કે જાહેરાત જોઇને આવનાર નોકરી ઇચ્છુક લોકોના ઇન્ટર્વ્યુ લેવા મને કેમેય ફાવતા નથી, આવનાર વ્યક્તિના ઓળખ/અનુભવ પત્ર (Bio-Data) પર થી તેની કાર્યક્ષમતા/કુશળતા/કાર્યદક્ષતા માપવી મુશ્કેલ હોય છે. (મારી બીજી ઓફિસે બે-ત્રણ વખત આવી રીતે લોકોના ઇન્ટર્વ્યુ લીધા છે, પણ છેલ્લે તો કોને હા/ના કહેવી એ મારી માટે વિકટ પ્રશ્ન બની જાય છે.)

– નવી જગ્યાના ધીમા ઇંટરનેટ કનેક્શનને બાય-બાય કરીને નવું સુપર ફાસ્ટ* (કંપનીના મત મુજબ) કનેક્શન અપનાવવામાં આવ્યું છે. (ઓનલાઇન દોસ્તો, તૈયાર રહેજો.. મને સહન કરવા..)


સાઇડટ્રેકઃ ઉત્તરાયણના બીજા દિવસે ‘પવન’ભાઇના રિસાઇ જવાના કારણે ફેસબુક મિત્રોનું મસ્ત વિશ્લેષણ કરવામાં આવ્યું હતુ, પણ સમય અને ઇંટરનેટની સમસ્યાના કારણે પોસ્ટ કરવાનું રહી ગયું હતુ; જે આ બગીચામાં થોડા સમયમાં જ ઉગી નીકળશે. જોતા રહેજો..

થોડા સંભારણા અને અહેવાલ

. . .

– ઘણાં દિવસ પછીની પોસ્ટ. (જેમાં બે દિવસ નેટ-ઉપવાસના પણ આવી ગયા.)

– ૨૦૧૧ નુ વર્ષ પુરૂ કરીને ૨૦૧૨માં (મંગળ) પ્રવેશ. (તારીખમાં સાલ લખતી વખતે એક મહિના સુધી ભુલ થશે જ.)

– દિવાળીએ નવુ વર્ષ ગણવું એ હવે માત્ર વ્યવહારમાં જ બચ્યુ છે, આચરણથી આપણે સૌ અંગ્રેજી મહિનાઓ પ્રમાણે જ ચાલીએ છીએ. (મારા મતે ગ્લોબલ સમયમાં અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે વર્તવું જરુરી છે.)

– ઇંટરનેટ ઉપયોગની મારી શરુઆત ૨૦૦૧ માં ઇમેલ અને ઇમેલ ગ્રુપ થી શરૂ થઇને ૨૦૦૩ માં યાહુ-ગ્રુપ, ગુગલ-ગ્રુપ વાયા ૨૦૦૮ માં ફેસબુક-ઓરકુટ બાદ ૨૦૧૧ માં બ્લોગ પર ચાલી રહી છે. જેમાં પ્રગતિની દ્રષ્ટિએ ૨૦૧૧ નુ વર્ષ ઘણું અગત્યનું ગણાશે. (હવે એક બિઝનેસ વેબસાઇટ બનાવવાનો વિચાર છે.)

– મારી ધંધાકીય કારકિર્દીમાં પણ ગયુ વર્ષ અગત્યનુ રહ્યુ. મારા ભવિષ્યની દિશા (અને દશા) બદલી શકે એવા ઘણાં મોટા અને અગત્યના નિર્ણયો આ વર્ષમાં લેવાયા છે.

– પરિવારમાં ઘણો આનંદ રહ્યો. કોઇ ખાસ પારિવારીક પ્રસંગ ન હોવા છતાં દરેક સાથે સતત સંપર્કમાં રહ્યાની ખુશી થઇ. (બધા સંપીને હળી-મળીને રહે એનાથી વધારે કંઇ ન જોઇએ.)

– ઓનલાઇન અને ઓફલાઇન ઘણાં નવા લોકો મળ્યા, જાણ્યા અને અનુભવ્યા. મિત્રો બનાવવા, જાળવવા અને મેળવીને ગુમાવવાનો દોર આ વર્ષે પણ ચાલુ રહ્યો. (એકાદ ઘટનાના બાદ હવે મિત્રો બનાવવા અને તેમને જાળવવા અંગે મે મારી માટે કડક નિયમો લાગુ કર્યા છે.)

– પરિવાર અને દોસ્તોમાં કેટલાક દુરથી નજીક આવ્યા તો કેટલાક નજીકથી વધુ નજીક આવ્યા અને કોઇ વધુ નજીકથી થોડે દુર ગયા. (આ અંતર મારી નજરે નોંધાયેલ અંદાજીત અંતર હોવાથી તેની વાસ્તવિકતા અલગ પણ હોઇ શકે.)

– ઓનલાઇન મિત્રો ગયા વર્ષ દરમ્યાન પ્રમાણમાં વધુ હાવી રહ્યા. (પણ હવે તેમાં ફરક પડશે એવો કાયદો બની ગયો છે અને તેને મારી સંસદમાં પાસ પણ કરી દેવાયો છે !!)

– હવે નજર વર્તમાન તરફ છે. ભવિષ્યની પરવાહ પહેલા પણ નથી કરી એટલે આવનારા વર્ષમાં શું કરવું તે જે-તે સમયે નક્કી કરવામાં આવશે. (જેવા પડશે એવા દેવાશે.)

– પહેલા કરતાં આજે હું વધારે પ્રેક્ટિકલ, પરિપક્વ અને માનસિક રીતે મજબુત બન્યો છું. (કોઇની પર અંધ વિશ્વાસ મુકવાની આદત હવે લગભગ છુટી ગઇ છે.)

. .

– અને છેલ્લે વાચકો માટે ખાસ ચોખવટ : હું ઉંમરમાં હજુ ૨૫ વર્ષનો છું અને કોઇ એન્ગલથી લેખક પણ નથી એટલે મારી વાતોમાં ઉંમર અને કમ-અનુભવનો પ્રભાવ કે કમજોરી રહેવાની જ.. (વધુ આશાઓ રાખવી વાચકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. – જનહિતમાં પસ્તુત)

. . .

બેક ટુ બિઝનેસ અને આજની વાત

. . .

– દિવાળીની રજાઓ પુરી થઇ છે. ઘણાં દિવસ મહેમાન, મુસાફરી, મુલાકાત અને મસ્તીમાં પસાર કર્યા હોય ત્યારે કામમાં જોડાવાનું આળસ થાય તે સ્વાભાવિક છે. (એમ તો હવે ઘરે કામ વગર બેસી રહેવાનો કંટાળો પણ આવે છે.)

– ભારતીય પ્રણાલિકા મુજબ મુહુર્ત કરી દીધુ છે અને હવે કાલથી કામમાં જોડાવાનું છે. ( જો કે સમય અને તારીખ જોઇને તો આજથી જોડાવાનુ છે એમ કહેવું પડે !!)

– કોઇ પ્લાન હતો નહી તો પણ રજાઓમાં 5-7 ગામ-શહેર ફરી વળ્યા છીએ એટલે એકંદરે રજા વસુલ(!!) કર્યાનો સંતોષ છે. આ દિવાળી યાદગાર રહેશે એવા એક-બે પ્રસંગ પણ બન્યા છે જેની નોંધ અહી પછી કયારેક લઇશ.

– આ વર્ષે ઘરે આવનારા મહેમાનોની સંખ્યા થોડી વધુ રહી. (ઘણાં સમય પછી મને અહેસાસ થયો કે મારા સગાં-વ્હાલાઓ આટલા બધા છે !! 🙂 ) કેટલાક સંબંધીઓ ને લાંબા સમય પછી મળ્યા નો ઘણો આનંદ પણ થયો.

– ઇંટરનેટ તો લગભગ છુટી ગયું હતું એટલે આજે ઘણાં દિવસે તેને પણ હાથમાં લીધું. ઘણાં ઇમેલના જવાબ આપ્યા છે અને બ્લોગ, ફેસબુક, ઓરકુટ પર એક-એક ચક્કર લગાવ્યો છે. યાર, આ ચક્કર મારવાના ચક્કરમાં અત્યારે રાત્રીના 03:30 (તેને સવારના પણ કહી શકો છો) થઇ રહ્યા છે છતાંયે હુ નવરો પડયો નથી. (બેડ હેબિટ – બીજુ શું !!)

– રજાના દિવસોમાં અમદાવાદમાં ધાર્યા મુજબ જ લોકોની અવરજવર વધુ રહી. કોઇ જગ્યાએ સુખે ફરવાનું સુખ પ્રાપ્ત ન થયું તેનું થોડુક દુઃખ થયું. (જો કે આ કોઇ નવી વાત નથી.)

– કેટલાક એવા ઇ-મિત્રો (એટલે કે.. ઇંટરનેટથી મળેલા મિત્રો !!) મારા જીવનમાં આવ્યા છે જેને અત્યારે તો નવા વર્ષની આકર્ષક ભેટ જ ગણી શકાય. કોઇ પાસેથી જીવતા તો કોઇ પાસે માણતા શીખવા જેવું છે. નિઃસ્વાર્થ મિત્રતા ખરેખર ઘણી સુંદર હોય છે, નહી !!

. . .

# વધારાની વાતઃ

– આજે ભુતપુર્વ (અને મારી માટે તો આજે પણ) વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય નો જન્મ દિવસ છે. (જો જો અહી “રાય” પાછળ “બચ્ચન” લખ્યું નથી એટલે એવુ કંઇ વાંચતા પણ નહી.. 😉 )  ચલો બધા મારી સાથે બોલો…. હેપ્પી બર્થ ડે ઐશ્વર્યા…