કોઈ ખાસ આયોજન ન થયું તો પણ દિવાળી મસ્ત રહી અને હવે ફરી કામ ધંધે લાગી ગયા. રોજેરોજ એક જ પ્રકારના કામમાં એવા પરોવાઈ ગયા છીએ કે નવી ઘટનાઓ તરફ પૂરતું ધ્યાન જતું નથી.
વ્રજ-નાયરા દિવસે દિવસે મોટા થઈ રહ્યા છે. બાળસહજ જીદ, ચંચળતા અને ઉત્સાહથી ભરપૂર છે. હા ક્યારેક કોઈ જીદ કે તોફાનથી ગુસ્સો પણ કરાવી દે અને ક્યારેક કડક બનીને તેમને આદેશ આપવા પડે; અટકાવવા પણ પડે. મા-બાપ હોવાની કેટલીક ફરજ હોય છે.
બંનેને ખબર છે કે મમ્મી ક્યારેક સટ્ટાક ચિપકાવી શકે છે! પરંતુ, પપ્પા ગમે એટલા ગુસ્સામાં હોય તો પણ ક્યારેય હાથ નહી ઉઠાવે. મારી આ કમજોરીનો ફાયદો બંને ઉઠાવી જાણે છે. 😀 (જ્યાં સુધી શબ્દોથી અંકુશ છે ત્યાં સુધી તેમને બીજો કોઈ ડર બતાવવો જરૂરી પણ નથી લાગતું.)
આટલા વર્ષોમાં પહેલીવાર ઑફિસમાં પરંપરાગત દિવાળી-પુજા અને કથા-હવન કરવામાં આવ્યા અને અમે દંપતિએ બધી વિધી પંડિતશ્રીની આજ્ઞા મુજબ પુર્ણ કરીને યજમાનનું કર્તવ્ય પણ નિભાવ્યું. (અહી ‘પુજા-હવન કરાવવામાં આવ્યા’ એમ કહેવું વધુ યોગ્ય રહ્યું હોત. ખૈર, સર્વની ઈચ્છાને માન આપવામાં મને વાંધો નથી.)
કોરોના કાળ માં લગ્ન પ્રસંગો પર જે બ્રેક લાગ્યો હતો તે હવે હટી રહ્યો છે. લગ્ન ઉત્સુકો હવે કોઈ રિસ્ક લેવા નથી ઇચ્છતા એટલે તેમને મળેલ આ સમયમાં ફટાફટ પરણી જવા માગે છે! (ઉતાવળ બધાને હોય છે.)
તો, આ મહિનામાં લગ્ન કારણસર ભરૂચ, સુરત અને વડોદરાની યાત્રા ફિક્સ છે. લાંબા સમયે પરિવાર અને દૂરના સગાઓને રૂબરૂ મળીને આનંદ પણ થશે. લોકો ભેગા થશે ત્યારે કોરોના નું શું થશે એ ખબર નથી પણ માસ્ક અને સલામત-દૂરીનું શું થશે એ અત્યારથી ખબર છે. (લેકીન કોઈ કીસીકો નહી બતાયેગા.🤫)
લગભગ કોરોના બધા વચ્ચેથી વિદાય લઈ રહ્યો છે પણ હજુયે મહામારી પુરી થયાની જાહેરાત કરી ન શકાય. રોજેરોજ બે પાંચ કેસ હજુ આવી રહ્યા છે. બે પાંચ માંથી બસો-પાંચસો અને બે-પાંચ હજાર થતાં વાર ન લાગે. આશા રાખીએ કે વેક્સિન પોતાનું કામ કરે અને કોરોના ને હવે આપણાં વચ્ચેથી રજા આપીએ.
વેકેશનમાં ફરવા જવા માટે ઘણી જગ્યાઓ ચર્ચામાં લીધી. લાગતા વળગતા લોકો પાસેથી તત્કાલીન સ્થિતિના વાવડ મેળવ્યા. મળેલ જાણકારી મુજબ દરેક જગ્યાઓ એટલી પેક હતી કે ફરવાની જગ્યાએ ભીડમાં ફસાવવાનો ડર હતો. છેવટે ફરવાનો મોહ છોડીને ઘરે આરામ કરવાનું યોગ્ય સમજ્યું. (મજબૂરી છે ભાઈસા’બ)
થોડા દિવસ પહેલા કોઇએ અમારા દ્વારા બનાવેલ દેશી તુક્કલ ના ફોટો દેખવાની ઇચ્છા જણાવી હતી એટલે થયું કે માત્ર ફોટો મુકી દેવાથી તો અમારી એ દિવસની મહેનતને ન્યાય નહી મળે. ત્યારે તે વિષયે એક પોસ્ટ લખવાની ઇચ્છા થઇ હતી અને આજે તે પોસ્ટ ખરેખર લખવામાં આવી રહી છે! (આવેલા વિચારોને આટલી ઝડપથી અમલમાં હું મુકી રહ્યો છું તે બદલ મને ખુબ-ખુબ અભિનંદન!)
આજે અલગ મુડમાં છું અને થોડો નવરો પણ છું. (કદાચ નવરા હોવાના લીધે પણ અલગ મુડમાં હોઇ શકું!) એટલે આજે મનફાવે એમ લંબાવવામાં આવશે.
વાત તો માત્ર ફોટો મુકવાની જ હતી પણ એમ જ ફોટો મુકી દઉ તો મારા નૌટંકીબાજ દિમાગને ચેન ન પડે ને.. 😜 સો, હમ કુછ તો નખરે કરેંગે હી…
જેઓને મારી નૌટંકી-કથામાં રસ ન હોય તેઓ ફોટો-દર્શન કરીને સીધા જ પ્રસાદ-પાર્ટ તરફ જઇ શકે છે. 🙏 (બહાર જવાનો રસ્તો જમણીબાજુ ઉપર કોર્નરમાં છે અને મોબાઇલથી વાંચતા સજ્જનો HOME બટન દબાવીને છટકી શકે છે.)
કથા રજુઆતનો એક પ્રકાર છે; અને દરેક કથા ઈશ્વરની જ હોય તે જરૂરી નથી. #જાણકારી
~ પુર્વ ભુમિકા અગાઉની પોસ્ટમાં જણાવેલ છે; છતાંયે તે વાંચવા ધક્કો ન ખાવો પડે તેવા શુભ આશયથી અહી શરૂઆતથી કથા રજુ કરવામાં આવી રહી છે.
અહીથી કથાની શરુઆત થાય છે..
વિક્રમ સંવત ૨૦૭૩ના શિયાળાના ઠંડા દિવસોનો આ સમયકાળ છે. ઉત્તરાયણના તહેવારના પડઘમ સંભળાઇ રહ્યા છે. કોઇ ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે; તો કોઇ હજુયે નોટબંધીની ચર્ચાએ અટકેલા છે! મિશ્રિત્ર પ્રતિભાવોના વાતાવરણની અસર વચ્ચે આપણી આજની કથાનું બીજ રોપવામાં આવે છે. (વાહ.. શું શરૂઆત છે! 👌)
અત્રે કથાના પુર્વાધમાં બનેલી એક ઘટના પણ જાણવા જેવી છે. ભારત-વર્ષના બંધારણથી સ્થાપિત ઉચ્ચન્યાયાલયના આદેશ, ગુજરાત પ્રદેશ મહાન્યાયાલયના આગ્રહ અને ભુતકાળમાં કદાચ કર્ણાવતી તરીકે ઓળખાયેલ અમદાવાદ નામક નગરીના વહીવટીય મુખીયાના હુકમના પ્રતાપે ઉત્તરાયણના ઉત્સાહભર્યા તહેવાર અગાઉ જ પતંગોથી ભરેલા બજારોમાં ચીન-દેશ બનાવટની તુક્કલોને વેચવા પર પ્રતિબંધ આવી જાય છે. (ધધડ.. ધધડ.. ધધડ… -આવો કંઇક અવાજ ઇમેજીન કરી લેવો.)
એમ તો આ પ્રતિબંધની જાહેરાત ભુતકાળના આ જ સમયગાળામાં અગાઉ પણ કરવામાં આવી છે, પણ આ વર્ષે તેનો અમલ કડક રીતે થાય તેની ખાસ તકેદારી વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી રહી છે. તેથી જ તો તે વિનાશક વિદેશી તુક્કલને બજારમાંથી મેળવવી નાગરિકો માટે અશક્ય બની જાય છે. (વાહ! સરકારી કાર્યક્ષમતાનું સુંદર ઉદાહરણ.. 👍 જો ઇચ્છે તો બધું કરી શકે એમ છે!)
પ્રતિબંધ તો તેને ઉડાવવા માટે પણ હતો. છતાંયે નજરે જોનાર સાક્ષીઓના મતે કોઇ-કોઇ રીઢા ગુનેગારોએ આ આદેશને અવગણીને ચીનાઓ દ્વારા નિર્મિત તે ઘાતક તુક્કલોને નિરાળા આકાશમાં તરતી મુકી હતી; પરંતુ તેની સંખ્યા જુજ હોવાથી બીજા દિવસે તેના નુકશાનની જાણકારી સમાચાર માધ્યમોમાં જોવા મળતી નથી.
સવાર-સવારમાં આવેલ તાજા ન્યુઝપેપરમાં રંગીન દિવડાઓથી ઝગમગતા રાત્રીના આકાશનો ફોટો જોવાના શોખીનો પણ નારાજ થાય છે!
કથા હવે મુખ્ય ભાગમાં પ્રવેશ કરે છે..
અમે રીઢા ગુનેગાર નહોતા બનવા ઇચ્છતા એટલે સરકારી હુકમનું અક્ષરશઃ પાલન કર્યું; પણ અગાઉના વર્ષના એ સુંદર આકાશને યાદ કરતાં-કરતાં તુક્કલો વિશેની યાદોમાં સરી પડયાં.
બધાએ એકબીજાને પોતપોતાની તુક્કલ-સ્ટોરી કહી. મજાક-મસ્તી કરી. ઘણું હસ્યા અને છેલ્લે દેશી તુક્કલોની વાતો પર આવી અટક્યા. નિર્ણય આવ્યો કે ઉત્તરાયણની રાત્રીએ જો આકાશ એમ ટમટમતા દિવા વગર સુનુ પડી જાય એ કેમ ચલાવી લેવાય??? વાંધો ચાઇનીઝ તુક્કલનો છે ને, તો તેની અવેજમાં આપણી દેશી તુક્કલો કેમ ન ઉડી શકે?? (આકાશની ચિંતામાં તો અમારું દિલ ભરાઇ આવ્યું..)
દેશી તુક્કલની વાતને પકડીને અમારા રાજકુંવર શ્રી વ્રજકુમાર પણ જીદમાં જોડાયા. આખરે અમે તેને વાયદો કર્યો કે આજે તો અમે તને દેશી તુક્કલ આ આકાશમાં ઉડાવીને જ બતાવીશું. ઘરમાં તો જુની દેશી તુક્કલ ન હોવાથી બજારમાંથી લઇ આવવી પડે એમ હતી. સમય સાંજથી રાત્રી તરફ ઝડપથી સરકતો જોઇને અને અમે બજાર તરફ દોટ મુકી. 🏃♀️ (આ એક રૂપક છે. એમ તો અમે ગાડી લઇને નીકળ્યા’તા.)
તુક્કલ પ્રાપ્તી પ્રયત્ન અધ્યાયઃ
નીકળ્યા ત્યારે વિચાર્યું’તું કે તરત લઇને પરત ફરીશું; પણ દોરી-પતંગોથી ખીચોખીચ ભરાયેલા બજારો વચ્ચે પહોંચીને જોયું તો એક પણ દેશી તુક્કલ ન મળે! શોધ્યું-પુછયું-જાણ્યું પણ એ તુક્કલ ન મળે!.. સાંજ વિતી અને રાત આવી પણ ક્યાંય એકેય તુક્કલ ન મળે!.. આખરે નિરાશા મેળવીને અમે હવે ઘરે પહોંચ્યા છીએ. (લગભગ છેલ્લા 3-4 વર્ષથી આ તુક્કલો બજારમાંથી અદ્રશ્ય છે. હદ તો એ છે કે અહી મુકવા માટે તેનો ફોટો ગુગલ પાસે પણ ન મળ્યો! 😲)
બીજાને તો સમજાવ્યા, પણ ‘તુક્કલ ન મળે’ એ વાત વ્રજ સ્વીકારે એમ નહોતો! અમે મુંજાયેલા હતા અને આ મુંજવણમાં અમને અચાનક ગીતા યાદ આવી. 😎 (તમે સમજદાર છો એટલે અહીયાં ગીતા નામની છોકરી વાળો વાહિયાત જોક્સ તમારા માથે મારતો નથી. છતાંયે એક્સ્ટ્રા જાણકારી તરીકે ગીતાની વ્યાખ્યા જોવી હોય તો ક્લીક કરો – અહીં)
અમે એ જ ગીતાના સંદર્ભથી આંતરીક માર્ગદર્શન મેળવ્યું કે, હે પાર્થ.. ઉઠાવો બાણ, હવે તો યુધ્ધ એ જ કલ્યાણ! છેવટે જાતે જ હથિયાર ઉઠાવીને નિર્ધાર કર્યો કે હવે તો અમે હાર નહી જ માનીએ.
અમારી દેશી તુક્કલની ઇચ્છાને પુરી કરવાનો માર્ગ અમને મળી ગયો હતો; નિશ્ચય કર્યો કે અમે જાતે જ તેનું નિર્માણ કરીશું અને સમગ્ર સંસાર વચ્ચે વિજયી બનીને તેની જીવંત રજુઆત કરીને જ જંપીશુ. (યે વાલા કુછ જ્યાદા હો ગયા ના? 😋..)
તુક્કલ નિર્માણ અધ્યાયઃ
અમારા હથિયારોમાં કાતર, ગુંદર અને સોય તથા કેટલીક જુની કંકોત્રીઓ જેવા સામાન્ય સામાન હતા. જો કોઇ મુખ્ય હથિયાર હતું તો તે અમારો દ્રઢ નિશ્ચય હતો! વિજયી બનવું હોય તો લડી લેવું એ એકમાત્ર નિર્ણય હોય છે, ન લડનાર ને હારવાનો ભય નથી હોતો. યુધ્ધ માટે તૈયાર હોય તેને જ વિજયી બનવાની તક મળતી હોય છે. અમે યોધ્ધા બનવાનું પસંદ કર્યું હતું એટલે લડવું એ અમારું કર્મ હતું! (હું આધ્યાત્મના રસ્તે તો નથી ને? 🤔 અરે ના હોય હવે..)
મર્યાદિત સામાનનો શ્રેષ્ઠ ઉપયોગ અને અમારો અડગ નિર્ણય રંગ લાવ્યો. (આ પણ રૂપક છે. અહી કોઇપણ પ્રકારના રંગનો ક્યાંય ઉપયોગ થયેલ નથી.)
ટીકાકાર તો અહી પણ હતા. અમને અમારા સંકલ્પથી ડગાવવા માટે તેમણે શરુઆતમાં જ વેધક સવાલો પુછયા અને અસફળ બનવાનો ડર પણ બતાવ્યો. અમે લડયા. જીત્યા! 🏆
આખરે નિરિક્ષકો અને ટીકાકારોના આશ્ચર્ય વચ્ચે અમે તુક્કલ બનાવી લીધી હતી! (થોડુંક આશ્ચર્ય અમને પણ હતું કે આ તો ખરેખર બની ગઇ! ☺)
અંતિમ અધ્યાયઃ
બનેલ તુક્કલની આબેહુબ છબી સદાયે જીવંત બનીને આજના દિવસની યાદ અપાવતી રહે તે હેતુથી અમે તેને મોબાઇલ કેમેરાથી ક્લિક કરી લીધી હતી. જે આજે અહી આપ સૌ સમક્ષ આ કથાની વચ્ચે શોભામાં વધારો કરી રહી છે!
આ પછી તો તેની બનાવટની પ્રક્રિયા પુરી થવાની અને અમારી કલ્પનાના વાદળોમાંથી બહાર નીકળીને સાક્ષાત આકાશમાં તરતી મુકવા સુધીની ઘટનાઓ આકાર લે છે.
સારઃ
આ કથાનું સંપુર્ણ રસપાન કરાવવા માટે હજુ ત્રણ-ચાર અધ્યાય ઉમેરવા પડે એમ જણાય છે. પરંતુ કથાના લંબાણ અને વાચકગણની માનસિક સુવિધાને ધ્યાનમાં લેતા હવે સીધા કથાસાર તરફ જ આગળ વધીએ એવી હરિઇચ્છા છે. (મનની સભામાં લંબાઇ વિશે વિરોધ અને સમર્થનના દાવાઓ થાય છે. પણ ઉપર જોયું ત્યારે ખબર પડી કે આજે તો ઘણું લખાઇ ગયું છે એટલે અટકવું ઠીક રહેશે.)
આ સ્વ્યં નિર્મિત દેશી તુક્કલોને આકાશમાં લગભગ 4 કલાક સુધી તરતી રાખવામાં આવે છે અને અન્ય કોઇએ આકાશી-ચેડા (વાંચો કે પેચ) ન કરતાં છેલ્લે તેનું જમીન પર સફળ ઉતરાણ કરવામાં આવે છે.
દિવસભરના અભિયાનના સુખદ અંતની વિજયી ઉજવણી કરવામાં આવે છે અને આવતા વર્ષ સુધી આ નમુનાને સાચવીને મુકવાનું નક્કી કરવાની સાથે આ કથા સમાપ્ત થાય છે. (અહી તાલીઓનો ભારે ગડગડાટ ઇમેજીન કરવા વિનંતી.)
આભારવિધી:
સૌ પ્રથમ તો આયોજકશ્રી નો આભાર કે તેઓએ આ કથાનકના વાર્તાચિત્રમાં રસ દાખવ્યો. તેમની નિઃસ્વાર્થ સેવા-ભક્તિના કારણે જ આ કથા આપ સૌ માણી શક્યા.
કથાનું રસપ્રદ વર્ણન અને ભાવપુર્ણ રજુઆત બદલ શ્રી બાબા બગીચાનંદનો ખુબ-ખુબ આભાર. તેમને પ્રાર્થના છે કે ભવિષ્યના આવા આયોજનમાં ફરીવાર તેમની વાણીનો લાભ આપીને મુલાકાતીઓ પર કૃપા કરતા રહેશો.
દરેક દર્શકો અને વાચકોનો આભાર. જો આપ અહીયા ન આવ્યા હોત તો આ કથાનો પણ કોઇ મતલબ ન હોત. ઉપરાંત આપ સૌએ સહિષ્ણુ બનીને મને સહન કર્યો તે બદલ ફરી એકવાર આભાર.
મારા શબ્દો વહેંચવા માટે વિશેષ માધ્યમ પુરું પાડવા ઇંટરનેટની સેવાનો આભાર કે જેથી દુનિયાની અલગ-અલગ જગ્યાએ બેસીને પણ તમે આ કથાને માણી શક્યા. અને છેલ્લે આ કથાની માહિતી શેર કરીને મારા શબ્દોને મહત્તમ વાચકો સુધી પહોંચાડતા સૌ નામી-અનામી સ્વ્યંસેવકોને આભાર સહ વંદન..
~ સૌને બગીચાના માળી તરફથી જેસીક્રષ્ન!
~ અસ્તુ.
યાર, કોઇ પાણી પીવડાવો મને; હું તો લખી-લખીને થાકી ગ્યો. ઘણાં દિવસ પછી આટલું લખવાની મહેનત કરી છે!..
– આ વિષયે કદાચ હું પ્રથમવાર જાહેરમાં કંઇ લખી રહ્યો છું અને હું જે વિચારું છું તે જ લખવાનો પ્રયત્ન છે.
– ભગવાન અને તેને માનવાવાળા લોકોના સમુહમાં મારો સમાવેશ હવે નહિવત છે; છતાં પણ કયારેક કોઇની લાગણીને ખાતર કોઇ મંદિરમાં કે કોઇ ધાર્મિક સ્થળે આંટો મારી આવતો હોઉ છું. (તે સ્થળ મારી માટે તો કોઇ બગીચા, ફુટપાથ કે અન્ય પ્રવાસ સ્થળ જેવું જ સામાન્ય છે.)
– અન્ય સ્થળ કરતાં ત્યાં નવી વસ્તુ એ હોય છે કે તે જગ્યાએ કોઇ મુર્તીને કે તેના નામને સર્વ શક્તિમાન ઇશ્વરના સ્વરૂપે ગોઠવવામાં આવેલા હોય છે; અને એ મુર્તીને શ્રધ્ધાળુ લોકો બંધ આંખે (કે આંખો બંધ કરીને) પુજતાં હોય છે!!
– ઇશ્વરને પુજનારા ભક્તોની અતુટ શ્રધ્ધા પ્રત્યે કોઇ ફરિયાદ નથી. આમ પણ ઇશ્વરના અસ્તિત્વ અંગે હવે હું એકદમ સ્પષ્ટ છું. (આજે મારો કોઇ ભગવાન નથી અને કોઇ પ્રાઇવેટ ગુરૂ-બાબામાં શ્રધ્ધા પણ નથી.)
– હું તે લોકોની શ્રધ્ધાને વંદન કરું છું, જેમને એક જડ મુર્તીમાં પણ તેમનો તારણહાર દેખાય છે. હું સ્વીકારું છું કે જીવન જીવવા માટે કયારેક શ્રધ્ધા ઘણી મોટી ચીજ બનતી હોય છે. (પણ મને કયારેય એવા કોઇ ઇશ્વરની જરૂર નથી પડી એટલે મેં મારી શ્રધ્ધાને કુદરતના નિયમ સાથે સીધી જોડી દીધી છે.)
– ચમત્કાર કયારેય થયા નથી કે થવાના નથી. દરેક વસ્તું કુદરતી રીતે ગોઠવાયેલી છે અને તે તેના પ્રમાણે જ ચાલે છે. તેને બદલવું (ભગવાન માટે પણ) લગભગ અશક્ય છે. (કુદરત માટે જે એક સ્વાભાવિક પ્રક્રિયા છે તેને કોઇ ચમત્કાર કે ઇશ્વરની દેન ગણી શકે છે, પણ તેનાથી કુદરતને કોઇ ફેર પડતો નથી કે પડવાનો પણ નથી.)
– રોજે-રોજ કયાંક ને કયાંક ચાલતી કથા-સરઘસ-જાહેરાત ઉપરાંત ઠેર ઠેર બનાવેલા (કે બની રહેલા) મોટા-મોટા, ભવ્યાતિભવ્ય અને ભક્તોની ચાપલુસી (અને અઢળક દાનની કમાણી)થી (અતિ)પ્રખ્યાત મંદિરમાં કે ખોટા-મોટા બાવાઓના આશ્રમોમાં ઠસોઠસ એકઠા થયેલા લોકોને જોઇને કયારેક દુઃખ જેવું થાય. (પણ જો લોકો જ સામેથી લુંટાવા તૈયાર બેઠા હોય તો તેમને લુંટનારાને કેટલીવાર ખોટા કહીશું?)
– આજે એક ભવ્ય ઇમારત (કે જેને બનાવવામાં આસ્થાળું લોકોના કરોડો રૂપિયા ખર્ચાયા છે અને જેનાથી લાખો જરૂરિયાતમંદ લોકોની કરોડો સમસ્યા દુર કરી શકાઇ હોત) એવા મંદિરની મુલાકાત વખતે હજારો લોકોની ભીડ વચ્ચે સાવ એકલી ચુપ-ચાપ ઊભેલી મુર્તી જોઇને મારા મનથી નીકળેલાં શબ્દો…
“તારી હાજરીની કોઇ સાબિતી હોય તો, જલ્દી આપ ભગવાન… તારા ભક્તોને તું હોવાની.. ઘણી મોટી જાહેરાતો કરવી પડે છે!”
*કાર્તિકભાઇની નજરે “ભીડ” જોઇને આ પોસ્ટ યાદ આવી ગઇ. લગભગ 7 મહિના પહેલા લખાયેલી આ પોસ્ટને ત્યારે જાહેરમાં મુકી નહોતી. (કદાચ કોઇની લાગણી દુભાશે એવો ડર હશે.)