મારી મોટી મોટી વાતો

– અ.મ્યુ.કો. સાથે ફાઇનલી સેટ-અપ થયું અને મારૂ કામ પુરું થયું. સરકારી ઓફિસમા તમે સાચા હોવ તો પણ ભોગવવાનું તમારા પક્ષે જ હોય છે. (જો કે અગાઉના સુખદ અનુભવથી કામ થોડું સરળ બન્યું હતું.)

– ગઇ કાલે ગણતરી કરીને સરવાળો કર્યો કે મારે એક વર્ષમાં લગભગ ₹ 2,20,000 જેટલો પ્રોપર્ટી-ટેક્ષ ચુકવવાનો થાય છે. (જેમાં ગોડાઉન, દુકાન, ઓફિસ, ઘર દરેકનો સમાવેશ થાય છે.)

– આ ઉપરાંત વર્ષમાં ઇન્કમટેક્ષ, સેલ્સટેક્ષ, પ્રોફેશનટેક્ષ, સર્વિસ ટેક્ષ, રોડ ટેક્ષ, પાણી ટેક્ષ, એજ્યુકેશન સેસ, એડિશનલ સેસ, વેટ, ટોલ ટેક્ષ, સુઅરેજ ટેક્ષ વગેરે સ્વરૂપે વર્ષમાં બીજા કેટલાક-લાખ રૂપિયા ચુકવતો હોઉ છું. (આ બધાનો સરવાળો મેળવવો તો ઘણો મુશ્કેલ છે.)

– આજે સરકાર-નિયમો-બંધારણ માટે મગજમાં ઘણી ભડાશ ભરાઇ છે જેને કયાંક ઠાલવવી જરૂરી છે. પછી હું હળવો થઇને મારા નિયમિત કામે વળગી શકું. (અને અહી બીજાને ધંધે વળગાડી શકું… 😇 )

# એટલે આજે થોડી નક્કામી અને થોડી ‘આઉટ ઑફ ટ્રેક’ વાત…

ખાસ નોંધઃ કોઇએ મગજ ના બગાડવું હોય તો આગળ ન વાંચશો. 🙏 (જાણે મારા કહેવાથી કોઇ રોકાઇ જવાના હતા..)

– આજે વિચારું છું કે હું ટેક્ષ તરીકે જેટલા ચુકવું છું તેના બદલામાં સરકાર તરફથી મને જે સેવા મળે છે તેનું પ્રમાણ કેટલું હશે? શું હું મારા દ્વારા ચુકવવામાં આવેલા ટેક્ષના બદલામાં સરકાર કે સરકારી વિભાગ તરફથી સહકાર, સુરક્ષા કે સુવિધાની આશા ન રાખી શકું? મારા દ્વારા ચુકવવામાં આવતા નાણાંનો કેટલો હિસ્સો સરકાર મારી પાછળ ખર્ચ કરતી હશે ?

– હું બી.પી.એલ. ધારક નથી કે એસ.સી.-એસ.ટી.-બક્ષીપંચ તથા લઘુમતી અને ખાસ-સેલીબ્રીટી પણ નથી કે જેનો મને કોઇ સરકારી લાભ પણ મળતો હોય !!! હું એક એવા સામાન્ય નાગરીકની કેટેગરીમાં છું જેની કિંમત ચુટણીના સમયે એક ‘મત‘ જેવી છે. (કહેવાઉ લાખોનો પણ વેચવા નીકળો તો ફુટી કોડી પણ ન આવે.)

– મને સરકાર તરફથી મને મળતી મુખ્ય સુવિધાઓમાં સુરક્ષા, વ્યવસ્થા, પોલિસ, રેલ્વે, હોસ્પીટલ, પાણી-ગટર અને રોડ-રસ્તા વગેરે વગેરેનો સમાવેશ થાય છે. (વીજળી એ સરકારી સેવા નથી.)

– હવે નવાઇની વાત એ છે કે તે દરેક સુવિધા મેળવવાની કિંમત તેની ફી ઉપરાંત ઢગલો ટેક્ષ સ્વરૂપે હું ચુકવું છું તો પણ સરકાર દ્વારા મને મળતી અપુરતી કે ખામીયુક્ત સેવા બદલ વળતરની કોઇ જોગવાઇ ભારતીય બંધારણમાં નથી. (સરકાર કોઇપણ નાગરિકને ટેક્ષ ચુકવવા માટે ફરજ પાડી શકે એવી જોગવાઇ કરવામાં આવી છે, પણ કોઇ નાગરિક સરકારને સુવિધા પુરી પાડવા માટે ફરજ પાડી શકે એવી કોઇ જોગવાઇ બંધારણે સામાન્ય લોકોને આપી નથી.)

– જેમ ગ્રાહક સુરક્ષા દ્વારા વેપારી-ઉત્પાદક કે સેવા આપનાર સામે અયોગ્ય સેવા/ખામીયુક્ટ વસ્તુ માટે દાવો માંડી શકે છે, તેમ અહી સરકાર સેવા આપનારના સ્થાને છે અને હું તેના ઉપભોકતા તરીકે અયોગ્ય સેવા અંગે દાવો પણ ન કરી શકું તો એ કયાંનો ન્યાય? (ફરિયાદ કરવી હોય તો કરો, પણ તેનો ઉકેલ લાવવો કે નહી તે સરકાર નક્કી કરશે અને વળતરની આશા તો બિલકુલ ન રાખવી.)

– ભારતની રાજનીતિ જે રીતે ચાલી રહી છે અને તેનાથી દેશના જે હાલ થઇ રહ્યા છે તેમાં પણ આપણાં બંધારણનો પણ મોટો વાંક છે. સીધી વાતને સરળ રીતે કહેવાને બદલે ગોળ-ગોળ નિયમોમાં ફેરવીને દરેક કાયદાને જરૂર કરતાં મોટું સ્વરૂપ આપી દીધું છે. (જે બંધારણે લોકોને આંદોલન કરવાનો હક આપ્યો પણ એ જ બંધારણે સરકારને ઘણી સત્તા આપી રાખી છે એટલે નાના-મોટા આંદોલનનું એકાદ ‘બ્રેકિંગ ન્યુઝ’ સિવાય બીજું કંઇ ઉપજતુ નથી.)

– એક તરફ જે કલમ દેશના દુશ્મનને ફાંસીએ ચઢાવવાનો મજબુત કાયદો બનાવી આપે છે, તે બીજીબાજુ દયાના નામે દુશ્મનને પાળતા રહેવા મજબુર કરે, એ આપણાં બંધારણ અને તેને અનુરૂપ ચાલતા તંત્રની ઘોર નિષ્ફળતા છે. (સામાન્ય નાગરિક સાથે ઉઘરાણી માટે કડક હાથે વર્તવાની જોગવાઇ ધરાવતા કાયદાઓમાં ખત્તરનાક ગુનેગારો માટે ભરપુર દયાળું જોગવાઇઓ છે!) આપણે ત્યાં નાગરિક કરતાં વધારે સુરક્ષા ત્રાસવાદીઓ અને નેતાઓ માટે હોય છે!! (કાયદાના મતે તે લોકો દેશ માટે ઘણાં અગત્યના છે!! અંધા-કાનુન… )

લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે ચાલતી વ્યવસ્થા અને ભારતીય લોકશાહી એટલે સરકારી અધિકારીઓ દ્વારા, ટેક્ષ ઉઘરાવીને, પૈસા માટે, રાજકીય પક્ષ વડે ચાલતી વ્યવસ્થા. (આવું કયાંય લખ્યું નથી; આ અર્થ મારો પોતાનો બનાવેલો છે.)

– આ બધુ એટલે સ્વીકારી લેવાયું છે કેમ કે અહી પ્રજા હક પ્રત્યે જાગૃત નથી અને ફરજ પ્રત્યે જવાબદાર નથી. આઝાદી માત્ર કાગળ પર દેખાય છે, આપણે હવે મત આપીને ચુટેલી સરકારના ગુલામ છીએ. (કદાચ આપણી ચામડી ઉપર ગુલામીના થર એટલા જામી ગયા છે કે આપણને ગુલામ હોવાનો અહેસાસ પણ નથી.)

– દરેક નાગરીકને સમાન અધિકાર આપનાર બંધારણની જોગવાઇ નીચે જ ઢગલો ભેદભાવ ફુલી-ફાલી રહ્યા છે. કોઇ ચોક્કસ જ્ઞાતિ, ધર્મ અને વર્ગ માટે સ્પેશીયલ નિયમો બનાવવામાં દરેકને સમાન અધિકાર આપવાની વાત હવામાં ‘છુ‘ થઇ જાય છે. પણ તેને પડકારે કોણ ? (ભગવાન જાણે સમાન સિવિલ કોડ કયારે આવશે.)

– આજે પેલા સંસદ સુધી પહોંચી ગયેલા ધારાસભ્યો પોતાને અને સંસદને સર્વોચ્ચ ગણાવે છે. બંધારણ મુજબ લોકો તેમનું કહેલું સ્વીકારવા મજબુર બની જાય તો તે પણ એક પ્રકારની ગુલામી જ કહેવાય. (હું બંધારણનો ગુલામ, બંધારણીય ધારાસભ્યોનો ગુલામ કે પછી બંધારણીય સંસ્થાનો ગુલામ….. શું માનવું?)

– બંધારણના આમુખમાં લખવામાં આવેલ છે કે ‘અમે ભારતના લોકો’ આ બંધારણને અનુસરવાનું નક્કી કરીયે છીએ. (જયારે.. ભારતના ૧% લોકો પણ દેશના મુળ બંધારણ વિશે જાણતા નહી હોય.)

– કોઇ વ્યક્તિએ કહ્યું હતું કે, ‘આપણું બંધારણ કચરાપેટીમાં ફેંકી દેવા લાયક છે.’ (ઘણી એકતરફી જોગવાઇઓને કારણે હવે મને પણ કયારેક એવું લાગે છે.)

– બંધારણમાં નાના-મોટા સુધારા ઘણાં થયા છે, પણ હજુ સુધી તેના કેન્દ્રમાં નાગરિકો માટે સુવિધાની જવાબદારીની જગ્યાએ સરકારની સત્તાનુ પ્રમાણ ઘણું મોટું છે.


છેલ્લે, કયાંક વાંચેલું એક વાક્ય (કદાચ તુષાર ગાંધી દ્વારા લખાયેલ) – ‘કોણ કહે છે કે ખંડણી લાંબો સમય નથી ટકતી… ભારતમાં ઇન્કમટેક્ષનો કાયદો ૧૫૦ વર્ષ જુનો છે!’

ઓફિસ.. ઓફિસ..

– કામકાજની ઘણી વ્યસ્તતા પછીની આજે તાજી-તાજી પોસ્ટ. (થોડી ઇંટરનેટ કનેક્શનની પણ રામાયણ હતી.)

– કાલે ૨૬ જાન્યુઆરી હતી, કોઇ દેશપ્રેમ જતાવ્યા વગર દિવસ પુરો કર્યો. (નાના હતા ત્યારે આ દિવસો દેશપ્રેમથી છલકાતા રહેતા, હવે મોટા થયાને એટલે દેશના હાલ જાણીને ઉત્સાહ ઓસરી ગયો છે.)

કાયમી સ્થાન અને વ્યવસ્થા બદલીને નવી ઓફિસ, નવા લોકો અને નવી વ્યવસ્થા સાથે તાલમેલ ગોઠવવો થોડું અઘરું કામ હોય છે. (એક ઘર છોડીને નવા ઘર, પડોશી અને નવી જગ્યાએ સેટ થનાર લોકોની મુશ્કેલીઓ નો આજે અંદાજ આવે છે.)

– સ્વભાવ બદલવો પ્રમાણમાં અઘરું લાગે છે; ઘણી માનસિક તૈયારી છતાં કેટલીક કડકાઇનો ચુસ્ત અમલ કરાવવામાં દિલની સહમતી મળતી નથી. (કદાચ ભગવાને મારામાં ગુસ્સો કરવાનું સોફ્ટવેર ઇનસ્ટોલ કર્યું નથી લાગતું. 🙂 )

– સ્ટાફના લોકો મને કાયમી જોઇને ખુશ થયા છે. (હવે જોઇએ… આ ખુશી કેટલા દિવસ ટકે છે.)

– જો કે બોસ તરીકે હું તેમને કયારેય નડતો/ખખડાવતો નથી એ એક કારણ ગણી શકાય. (પણ કાયમી ધોરણે હું એવો નમ્ર બની ન શકું, એ વાત તે લોકો જલ્દી સમજી જાય તો સારું.)

– બગડેલી સિસ્ટમ સુધારવી એ નવી સિસ્ટમ બનાવવા કરતાં ડબ્બલ મહેનત માંગે છે. ( આ હું નથી કહેતો; મારો અનુભવ બોલે છે !!)

– એક-બે સેલ્સ પર્સનની ખાસ જરુરીયાત લાગે છે. વિચારું છું કે કોઇ રેફરન્સથી મળી જાય તો ઠીક, નહીતો છેલ્લે ન્યુઝપેપર એડવર્ટાઇઝમેન્ટ તો પાક્કું. (જાહેરાત આપ્યા પછીનો એક આખો દિવસ બગડશે તે સમસ્યા પણ ધ્યાનમાં રાખવી પડશે.)

– જો કે જાહેરાત જોઇને આવનાર નોકરી ઇચ્છુક લોકોના ઇન્ટર્વ્યુ લેવા મને કેમેય ફાવતા નથી, આવનાર વ્યક્તિના ઓળખ/અનુભવ પત્ર (Bio-Data) પર થી તેની કાર્યક્ષમતા/કુશળતા/કાર્યદક્ષતા માપવી મુશ્કેલ હોય છે. (મારી બીજી ઓફિસે બે-ત્રણ વખત આવી રીતે લોકોના ઇન્ટર્વ્યુ લીધા છે, પણ છેલ્લે તો કોને હા/ના કહેવી એ મારી માટે વિકટ પ્રશ્ન બની જાય છે.)

– નવી જગ્યાના ધીમા ઇંટરનેટ કનેક્શનને બાય-બાય કરીને નવું સુપર ફાસ્ટ* (કંપનીના મત મુજબ) કનેક્શન અપનાવવામાં આવ્યું છે. (ઓનલાઇન દોસ્તો, તૈયાર રહેજો.. મને સહન કરવા..)


સાઇડટ્રેકઃ ઉત્તરાયણના બીજા દિવસે ‘પવન’ભાઇના રિસાઇ જવાના કારણે ફેસબુક મિત્રોનું મસ્ત વિશ્લેષણ કરવામાં આવ્યું હતુ, પણ સમય અને ઇંટરનેટની સમસ્યાના કારણે પોસ્ટ કરવાનું રહી ગયું હતુ; જે આ બગીચામાં થોડા સમયમાં જ ઉગી નીકળશે. જોતા રહેજો..