દર્શિત – પ્રદર્શિત : 2

એક અજાણ્યા ઈમેલને જોઇ-વાંચીને અને હવે તેને જવાબ આપવાનું નક્કી કર્યું ત્યાં સુધીની વાત આગળની પોસ્ટમાં હતી. હવે આગળની વાત..

આમ તો તેમના ઇમેલ પછી મેં મોકલેલો તેનો આખો જવાબ અને તે પછી અમારા વચ્ચે થયેલ ઇમેલની આપ-લે, તે બધી વાતો અહી અક્ષરસઃ મુકવા જેવી છે; પણ તેમ કરવામાં કોણ-જાણે-કેમ મને તેમની આંખોની શરમ નડે છે. એમ તો અંગત જેવું એમાં કંઈ જ નથી. આજે તે ગમે ત્યાં હોય અને બની શકે કે મને વાંચતા પણ હોય! અથવા તો સાવ ભુલી ચુક્યા હોય તો પણ તેમના દ્વારા મને ઉદ્દેશીને લખાયેલા તે શબ્દો મારા સુધી રહે તે ઠીક લાગે છે. (એમપણ તે આખી વાત જોડવા જઈશ તો આ પોસ્ટ લાંબી થઈ શકે અને મૂળ મુદ્દાથી ભટકી જાય એવી સંભાવના પણ છે.)

ટુંકમાં કહું તો તે દિવસે મેં તેમણે જણાવેલ વાતોના અનુસંધાનમાં તથા મને એમ ઈમેલ મોકલવાનો આભાર વ્યક્ત કરતો એક જવાબ મોકલ્યો હતો. ત્યારે અગાઉ કરેલ મનોમંથન અનુસાર જાણી જોઈને મારા જવાબમાં નામ-નંબરવાળી વાત ટાળી દેવામાં આવી હતી. (એમ તો તેમની સાથે કોઈ જ અગાઉનો સંબંધ નહોતો અને કોઈ નવો સંબંધ બનાવવામાં મને રસ પણ નહોતો, તો પણ સીધી જ ‘ના’ કહેવામાં હું અચકાતો હતો.)

ત્યારબાદ સતત કેટલાક મહિનાઓ સુધી અમારી વચ્ચે ઈમેલની આપ-લે થતી રહેતી. જેમાં મુખ્યત્વે મારી જે-તે સમયની પોસ્ટના પ્રતિભાવ અને તે મુજબ તેમના અનુભવ કે વિચારો રહેતા. આ ઉપરાંત તે પત્રાચારમાં તેમના તરફથી વારંવાર મારા નામ-નંબર જાણવાની ઈચ્છા પણ વ્યક્ત થતી રહેતી. (હું તે એક ઇચ્છા સિવાય બીજી દરેક વાતનો નિયમિત પ્રતિભાવ આપતો હતો.)

એકવાર મને માત્ર “બગીચાનો માળી” તરીકે જ ઓળખવા વિશે આગ્રહથી કહ્યું હતું. ગુમનામ રહેવાનો મારો મુખ્ય નિયમ મને નડતો હતો. (સાચું કહું તો તેમની માંગણીમાં હવે વિનંતી કરતા હઠ વધુ જણાતી હતી.)

જ્યારે આપણે કોઈ સાથે નિયમિત વિચારો અને વાતો વહેંચીયે છીએ ત્યારે તેઓ આપોઆપ આપણી ઉપર હક જતાવતા થઈ જતા હોય છે. અજાણ્યાથી જાણીતાં અને ત્યારબાદ મિત્રતા જેવો ભાવ જાતે જ જન્મે છે; આપણે ન ઇચ્છવા છતાં બંધનમાં બંધાતા જઈએ છીએ. કોઈ કેટલું કહી શકે તેવો હક આપણે જ કોઇને આપતા હોઇએ છીએ.

છેવટે એક દિવસ એવો આવ્યો કે મારા માટે વાતને ટાળ્યા વગર એક નિર્ણય પર પહોંચવું જરૂરી થઈ ગયું. વારંવાર થતી વાતચિતમાં કોઈ એક વાતનો જવાબ ન આપવો હવે મને પણ ઠીક ન’તું લાગતું. મેં અમારા વચ્ચે વાતચિતના એ સંબંધનો અંત થવાની પુર્વધારણા સાથે જ તેમને સાફ શબ્દોમાં ‘ના’ કહેવાનું નક્કી કર્યું. (તેઓનું નારાજ થવું મને પણ સ્વાભાવિક જણાતું હતું; પરંતુ મારી પાસે બીજો વિકલ્પ નહોતો.)

સમય ઘણીવાર એવા વળાંક પર લાવીને મુકી દે છે કે તમારે ના-છૂટકે કઠોર નિર્ણય લેવા પડે છે. પરિણામ જાણતાં હોવા છતાંયે તમે મજબૂર હોવ છો. 

મારા એ નિર્ણય બાદ અમારા વચ્ચે બનેલ એક સાહજીક સંબંધ તુટવાનો ભય ચોક્કસ હતો. અહીયાં વધું નુકશાન કોણ ભોગવશે તે નક્કી કરવું મુશ્કેલ હતું. છેવટે તેમને ‘ના’ કહેવા માટે અને તેનું કારણ સમજાવવાના છેલ્લા પ્રયત્ન તરીકે મેં કેટલાક શબ્દો એક ઈમેલ દ્વારા મોકલી આપ્યા. જેનો મુખ્ય ભાગ નીચે વાંચી શકો છો…

[ . . . ] હું સહમત છું કે તમે મારું સાચું નામ જાણવા ઇચ્છો છો અને તે વાતને હું ટાળતો રહું છું. અહીયાં વાત ભરોસા કે વિશ્વાસની નથી, પણ પોતાની જાત સાથે કરેલ એક વાયદાની છે જે વિશે અગાઉ પણ આપણે વાત કરી ચુક્યા છીએ.
જ્યાં નામ આવે ત્યાંથી જ નામના મેળવવાની ઝંખના ઉભી થતી હોય છે. મારે પ્રસિધ્ધ થવું નથી. હું તેને લાયક પણ નથી. અહિયાં મારા શબ્દો જ મારી ઓળખાણ બને એવી મારી ઇચ્છા છે એટલે જ હું મારા નામ-ઓળખનો ઉલ્લેખ કરવાથી દૂર રહ્યો છું. બાકી તો, મારો ચહેરો ભલે ક્યાંય પ્રદર્શિત ન હોય;પણ જો તમે મારી દરેક વાતને ધ્યાનથી વાંચશો તો આપને સમજાઈ જશે કે હું દર્શિત છું.
આ સિવાય આપને વધુ કોઇ ઓળખ હું આપી શકું એમ નથી તો તે બદલ માફ કરશો. આપના આટલા આગ્રહ હોવા છતાં તે વિશે ના કહેવા મજબુર છું.
આશા છે કે આપના તરફથી આ વિષયે ફરી કોઈ આગ્રહ કરવામાં નહી આવે અને કારણ વગર બંધાયેલો આ સંબંધ એમ જ જળવાઇ રહેશે. [ . . . ]

ઉપરના ઇમેલનો સીધો કોઈ જવાબ ન આવ્યો પણ તેઓએ મારી નવી પોસ્ટમાં મને એક નામથી સંબોધન કરીને પ્રતિભાવ આપ્યો. તે પોસ્ટ પર બીજા લોકોએ પણ તે નામને જ પકડ્યું. (મને સમજાઈ ગયું હતું કે તે નામ ક્યાંથી જાગ્યું છે.)

મને ખબર પડી ગઈ કે સંદર્ભ આપવામાં જ નામ વિશે ગૂંચવાડો થઈ ગયો છે. મેં ત્યારે તે વિશે ચોખવટ ન કરવી જ યોગ્ય સમજી અને હું પોતાને અજાણતા જ એક ઓળખ આપી ગયો. (ચોખવટ ન કરવાના કારણમાં એમપણ હતું કે તે નામ એમ જ ક્યારેક ભુલાઇ જશે.)

જેમ પેલી પંદર લાખની એ વાત કોઈ અલગ સંદર્ભમાં કહેવાયેલી હતી પણ તેનો અર્થ કેટલાક લોકો દ્વારા અલગ રીતે કરવામાં આવ્યો અને કોઈ માટે કાયમનો તકિયા-કલામ બની ગયો; એમ વાત-વાતમાં હું દર્શિત થઈ ગયો!

તે વાતને આજે વર્ષો થઈ ચૂક્યા છે. હવે તે સંદર્ભથી મળેલ ઓળખ જ અહિયાં મારી ઓળખ બની ચૂકી છે. તે ઓળખ આપનાર વ્યક્તિ સાથે લાંબા સમયથી કોઈ સંપર્ક નથી, પરંતુ તેઓએ આપેલ નામ કાયમ બની ચૂક્યું છે. મે પોતે પણ તેને અહીયાં મારી ઓળખ તરીકે સ્વીકારી લીધું છે.

અસ્તુ.

દર્શિત – પ્રદર્શિત

આજકાલ પશ્ચિમ બંગાળમાં ચુટણીની સિઝન ચાલી રહી છે અને રાજકારણમાં રસ રાખતા લોકોને તેમાં રસ વધારે આવે એવો માહોલ ત્યાં જામેલો છે. તો, ચુટણીની જ એક વાતથી આજની વાતને યોગ્ય શરુઆત મળશે એવું મને લાગે છે. (સારી શરૂઆત સૌને ગમે!)

મોદી સાહેબે વર્ષ 2014માં પ્રચાર સમયે કોઈ સભામાં કહેલી પેલી 15 લાખ વાળી વાત યાદ છે? હા, યાદ જ હશે. ઘણાં તો આજેય રાહ જોઈ રહ્યા હશે! એમ તો આજે રાજકારણની કોઈ વાત નથી કરવાની; તે વાતની જેમ જ ભૂતકાળમાં બની ગયેલી એક નાનકડી ઘટના અને તેની આજ વિશે નોંધ કરવી છે. (જોયું! અમે નાનકડી વાત કહેવા માટે 15 લાખનો રેફરન્સ લીધો છે.)

ઓકે.. મૂળ ટ્રેક પર વાત કરીએ. લગભગ ઘણાં સમયથી હું આ વાતનો અલગ અલગ સમયે ઉલ્લેખ કરતો રહ્યો છું, પણ હવે લાગે છે કે થોડીક ચોખવટ જરૂરી છે. આમ તો અહિયાં ચોખવટ કરવી એ પોતાના પગ પર કુહાડી મારવા સમાન હશે. કદાચ અહિયાં  પોતાની જાતને જાતે જ કુવામાં ધક્કો મારવા જેટલી આત્મઘાતી પુરવાર થઈ શકે છે. (જે થાય તે, એમપણ અહિયાં આટલો સમય રહ્યા પછી કોણ શું વિચારશે એ બાબતે વધુ હરખ-શોક જેવું રહ્યું નથી.)

અહીયાં એટલે કે મારા બગીચામાં માત્ર 25-30 પોસ્ટ ઉગાડી હતી એ સમયની આ વાત છે. પહેલાં ઘણીવાર બન્યું હતું એમ એ દિવસે પણ કોઈ આવ્યું હતું મારા આ બગીચામાં જેમણે બધી જ પોસ્ટ વાંચી લીધી હશે એવું આંકડાઓ જોઇને સમજાઈ જતું હતું. એ જ દિવસે બે પોસ્ટ પર તેમના પ્રતિભાવ અને ઇનબોક્ષમાં એક ઈમેલ હતો. (એ દિવસોમાં મારી નજર આંકડાઓ ઉપર ઘણી રહેતી.)

વળી એક સંદર્ભ સાથે મૂળ વાત પર આગળ વધીએ. વર્ષો પહેલાં દુરદર્શન પર એક કાર્યક્રમ આવતો જેમાં તેમને મળેલાં ઢગલો પત્રોમાંથી કોઇપણ પત્ર ઉઠાવીને તેને ટીવી પર વાંચતા અને તેમની પસંદના ગીતની ફરમાઇશ પુરી કરવામાં આવતી. પેલો ઇમેઇલ મેળવ્યો એ દિવસે હું એ જ સ્થિતિમાં હતો. મારા ઇનબોક્ષમાં આવેલ ઇમેલના નાનકડા ઢગલામાંથી એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મળેલ ઇ-પત્ર ખોલીને તેમના શબ્દો સાથે જોડાયેલ લાગણી અને આગ્રહભરી ફરમાઇશને જોઇ રહ્યો હતો. (વિચારી પણ રહ્યો હતો.)

કોમેન્ટ તો જે-તે પોસ્ટ સંદર્ભે હતી પણ ઇમેલ કોઈ જ સંદર્ભ વગર મને ઉદ્દેશીને જ મોકલાયેલો હતો. તેમણે મારી સાથે સીધી જ વાત કરવાનો હેતુ જણાવીને મારો મોબાઇલ નંબર અને સાથે-સાથે સાચું નામ-સરનામું જણાવવા આગ્રહ કર્યો હતો. (એમ તો આવી માંગણી કોઇએ પહેલીવાર કરી હોય એવું પણ નહોતું.)

મિત્રો-વાચકો કે મુલાકાતીઓના પ્રતિભાવ કે ઇમેલના જવાબ આપવાની મારી આળસના એ સમયગાળામાં માત્ર શબ્દોથી મારા બગીચા સાથે જોડાયેલા આવા વાચકો ક્યારે અલગ થઈ ગયા એ ખબર ન પડી. ક્યારેક એમ થાય કે મેં અજાણતાં જ કેટલાં બધાં લોકોને ટાળી દીધા હશે અને એવા બધા લોકો મારાથી કંટાળીને દુર પણ થઈ ગયા હશે! (આજેય જ્યારે એ સમયમાં જવાબ ન અપાયેલા શબ્દોને જોઉ છું તો મને મારી પોતાની જાત પ્રત્યે અસંતોષ થઈ આવે છે.)

મને તો હંમેશા ગુમનામ રહીને જ લખવું હતું. પોતાના માટે જ લખવું હતું. મારો સમય નોંધવો હતો, યાદો લખવી હતી અને વિચારો વહેંચવા હતા. અનામી રહેવાનો નિયમ મારા માટે અલગ કારણથી પણ જરુરી હતો અને જો આમ અજાણ્યા વ્યક્તિ દ્વારા મળેલ ઈ-પત્રમાં મારા નામ-નંબર વહેંચવા લાગુ તો ગુમનામીનો એ જરુરી નિયમ માત્ર નિયમપોથી પુરતો રહી જાય. (હા, કોઇ તો એમ પણ કહેશે કે નિયમો તોડવા માટે જ બનતા હોય છે.)

પેલા ઈ-મેલમાં શબ્દો જેટલાં સંયમિત રીતે મુકાયેલા હતા અને આગ્રહ એટલો જ વધુ હતો કે જેને ટાળી ન શકાય; અથવા તો એમ સમજો કે તેમને તરત જ ચોખ્ખી ‘ના’ કહીને નિરાશ ન કરી શકાય એવું ત્યારે જણાતું હતું. તેથી જ લાંબા વિચાર બાદ અને થોડાક મનોમંથન બાદ તેનો જવાબ લખવાનું નક્કી કર્યું..

વધુ આવતા અંકે…

31મી વાર્ષિક ગાથા [170609]

~ કોઇ ભાગવત કથા તો હું કરાવું એમ નથી અને કોઇ વીર પુરૂષના જીવનની ગાથા કહેવાનો વિચાર પણ નથી. આજે તો માત્ર મારી જ વાત છે. આ 31 મી વાર્ષિક ગાથા એટલે મારા 31 મા જન્મ દિવસની વાર્ષિક પોસ્ટ! (બીજું બધુ ભુલી જઉ છું પણ આ પોસ્ટ તો યાદ રાખીને લખવાની જ હોય છે.)

~ જન્મ દિવસ તો વિતી ચુક્યો છે અને મહિનો પણ બદલાઇ ગયો છે; છતાંયે ભવિષ્યમાં આ પોસ્ટ શોધવામાં સરળતા રહે તે માટે આ પોસ્ટમાં મે મહિનાની એ જ તારીખ સેટ કરી છે જયારે મારો જન્મ દિવસ હતો. (આ મારો બગીચો છે અને અહિંયા બહું જ શક્ય છે! ચાહો તો ભવિષ્યમાં પણ જઇ શકો અને ઇચ્છો તો ભુતકાળમાં પણ જઇ શકાય..)

~ દર વર્ષનો નિયમ છે અને લગભગ છેલ્લા 4-5 વર્ષથી નિયમિત છું કે આ દિવસે કંઇક લખવું જરુર. (દોસ્ત/વાચક-લોકો નિયમિત શબ્દ પર ખાસ ધ્યાન આપે.)

~ આ દિવસે લખવાનો ફાયદો એ પણ થાય છે કે ગયા વર્ષના આ દિવસ થી આ વર્ષના એ જ દિવસે મારામાં કેટલો તફાવત છે તે દેખી શકાય છે. (હા, તમે તો એમ જ સમજશો કે ફાયદા વગર અમદાવાદી કંઇ ન કરે..)

~ આ પોસ્ટના ટાઇટલમાં ‘ગાથા’ કહેવાનું એક કારણ એ પણ છે કે આજે મારા વિશે એટલું બધું લખવામાં આવ્યું છે જે એક લાંબી ગાથા સમાન જ છે! (નોંધઃ આ લાઇનને આખી પોસ્ટ લખ્યા પછી પાછળથી ઉમેરવામાં આવી છે.)

~ ચલો તો શરૂઆત કરીએ.. ગત આખુ વર્ષ મજા તો કરી જ છે અને કોઇ આકસ્મિક ઘટના વગર મોજ-મસ્તીમાં વર્ષ પુરું કર્યું છે. હર્યા-ફર્યા અને ઘણાં જલ્સા કર્યા છે. ઘણાં નવા અનુભવો મળ્યા છે તો કેટલાક નવા વ્યક્તિઓનો પરિચય પણ થયો છે. (અનુભવોની કોઇ કોઇ વાતો અગાઉ અપડેટ્સમાં નોંધાયેલી જ છે અને આળસમાં ઘણી નાની-મોટી વાતો ભુલાઇ ગઇ છે.)

~ ગયા વર્ષની ખાસ નોંધાલાયક વાત ઘટના એ છે કે ખાસ કારણોસર મેં મારા સૌથી નજીકના મિત્રોને મારાથી અલગ કરી દીધા છે. સંપર્કથી તો અમે ધીરે-ધીરે ઘણાં દુર થઇ ગયા હતા, પણ હવે મિત્રો તરીકે પણ મેં સામેથી મારી જાતને આખા ગ્રુપથી અલગ કરી દીધી છે. તેમનાથી દુર થઇ જવાનું કારણ તો હવે તે બધા જાણે છે, પણ તેમાંથી કોઇ સામેથી આવીને મારી નારાજગીને છંછેડવાની અને મને મનાવવાની હિંમત કરી શકે એમ નથી. (‘જે ગાંઠ છુટી શકે તેવી હોય તેને કાપવી નહી’, એવું માનનારો હું હવે ‘એક ઘા ને બે કટકા’ જેવા સ્પષ્ટ નિર્ણય લેવામાં પણ અચકાતો નથી.)

~ એક બનીને જીવેલા નજીકના મિત્રો જયારે સામુહિક રીતે પોતાના ગ્રુપમાં જ આપણને એકલા કરી મુકે અને તે પણ કોઇ કારણ વગર ત્યારે તેની લાગણી અસહનિય હોય છે. ખૈર, તેમાંથી કોઇએ મને બધું ભુલીને ગ્રુપમાં પરત આવવા કહ્યું, પણ હવે હું જ એવા સંબંધમાં જોડાવા રાજી નથી. સૌને દિલથી માફ કરી શકું છું અને વ્યક્તિગત સંબંધ રહેશે પણ હવે ત્યાં સલામત અંતર જરૂર હશે. (ફરીવાર પણ આવું જ થશે તેવી શંકા છે એટલે મન પણ માનતું નથી. આ બાળકોની કિટ્ટા-બુચ્ચાની રમત તો નથી જ.)

~ આ જ સમય દરમ્યાન એવા નવા લોકો પણ પરિચયમાં આવ્યા છે કે જેઓએ જુના મિત્રોની જુની વાતોથી મને આગળ લઇ ગયા છે. અમે એકબીજાથી અજાણ્યા જીવ સમાન કારણોસર ભેગા થયા અને હવે કારણ વગર પણ સાથે છીએ. મારા જુના મિત્રો હવે મારા વિશે બેફિકર છે અને હું પણ હવે તેમના વિશે બેખબર છું; જાણે કે મને કોઇ ફરક જ ન પડતો હોય એમ!

~ જુના મિત્રો માટે પણ હવે દિલમાં કોઇ કડવાશ નથી. સમય ઘણું બદલતો રહેતો હોય છે અને એમ પણ મારી બનાવટ જ એવી છે કે મારા મનમાં ગુસ્સો કે દ્રેષ લાંબો સમય ન ટકે. (એક્સ્ટ્રા-પ્રેક્ટિકલ બની ગયો છું કદાચ.અથવા તો અલગ થઇને પણ હું ખુશ જ છું; અથવા તો ખરેખર તે બધા વિશે મને પરવાહ નથી.)

~ ગયા વર્ષે અચાનક ઉંમરમાં મોટા બની જવાનો ગમ હાવી થઇ ગયો હતો, જે આ વર્ષે જરાયે જણાતો નથી. મને ત્યારે એમ હતું કે લોકો હવે ઉંમરના કારણે ભેદભાવ કરશે પણ સાવ એવુંયે નથી. (મારી સાથે સાથે આસપાસના બધા પણ એટલા જ મોટા થયા જ છે એટલે તેમની માટે હજુયે હું એ જ છું જે ટ્વેન્ટીઝમાં હતો.)

~ થોડા સમય પહેલાં જ નોંધ્યું હતું કે લાઇફ એટલી સરળ અને પ્રિડિક્ટેબલ બની ગઇ છે કે તેમાં મને કંટાળો આવે એ સ્વાભાવિક છે. એ સાચી વાત છે કે મને શાંતિથી જીવવું ગમે; પણ હવે એકદમ શાંતિવાળી આરામદાયક લાઇફ મને જ બોરિંગ લાગવા લાગી છે. (મુશ્કેલી હોય ત્યારે શાંતિ જોઇએ અને શાંતિ હોય ત્યારે ચેલેન્જીંગ લાઇફની ઇચ્છા થાય એવું કેમિકલ આપણાં સૌના મગજમાં કુદરતી રીતે સેટ થયેલું હોય છે.)

~ આસપાસ થોડા વર્ષોથી જે બધું સિસ્ટેમેટીકલી ગોઠવ્યું હતું તેને હવે વિખેરવામાં આવી રહ્યું છે. લાંબા બ્રેક પછી લાઇફ ઉપર થોડું રિસ્ક લેવાના ફુલ મુડમાં છું અને તે દિશામાં આગળ પણ વધી ગયો છું. (કેટલાક વિચારો જલ્દી જ અમલમાં મુકાઇ જતા હોય છે.)

~ ક્યારેક એવા કારણો કે બહાનાઓ પણ હોય છે જે લાઇફનો મુળ ટ્રેક બદલવા સુધી લઇ જતા હોય છે અને તેના આધારે જ આપણે મનથી મોટા બદલાવ માટે તૈયાર થઇએ છીએ. આપણે જાણીયે છીએ કે જે કંઇ કરવું છે તેમાં પોતાની ઇચ્છા જ મુળતત્વ છે; છતાંયે આપણે જે બદલી રહ્યા છીએ (અથવા તો બદલવાનું વિચારી રહ્યા છીએ) તે સર્વોત્તમ અને યોગ્ય છે તેવું બીજા લોકો સામે સાબિત કરવા બહાનાઓ તૈયાર કરતા હોઇએ છીએ. (આ પણ એક બિમારી ગણી શકાય.)

~ નાયરાના જન્મથી એક નવી જવાબદારી જેવું લાગે છે, પણ હવે તે નિભાવવામાં કોઇ ખાસ પ્રયત્ન કરવો નહી પડે એવુંયે જણાય છે. આશા છે કે તોફાની વ્રજ હવે જલ્દી સમજદાર બની જશે. છોટા પરિવાર-સુખી પરિવાર જેવી અમારી આ નાનકડી દુનિયા હંમેશા આબાદ રહે એ જ જાળવવાની મુખ્ય જવાબદારી હમણાં જણાય છે. (નાના-નાના પડકારો તો આવે પણ કંઇ અજુગતું બને એવા કોઇ અણસાર નથી જણાતા.)

~ બે બાળકોના પિતા હોવા છતાંયે હજુ મનમાં બાળકની સહજતા અને તાજા યુવાન જેવી મસ્તી ભરાયેલી છે. ગંભીર કાર્યો કરી શકું છું અને સ્વભાવની ચંચળતા પણ હજુયે હેમખેમ છે. મારા અંદર એક એવી વિચિત્રતા છે જે મને નૈતિક અને અનૈતિકતાથી આગળની એક અલગ દુનિયામાં વ્યસ્ત રાખે જે જ્યાં કોઇ બંધન કે નિયમો નથી અને જો કોઇ નિયમો છે તો એ જાતે બનાવેલા છે. (હા મેં મારી માટે જ ઘણાં નિયમો બનાવ્યા છે!)

~ લોકો મને આજે પણ ગંભીર અને સંપુર્ણ જવાબદાર વ્યક્તિ ગણે છે પણ તે જાત મહેનતે બનાવેલી એક છાપ છે; જેને હું પણ જાહેરમાં જાળવી રાખવામાં માનું છું. જાહેર વર્તન અંગે હું હંમેશા સભાન રહું છું. લગભગ દરેક વ્યક્તિની અંગત અને જાહેર એમ બે દુનિયા/છાપ/વર્તન હોય છે. બહારથી બેફિકર-મસ્ત જણાતો વ્યક્તિ ક્યારેક અંદરથી આવ એકલો કે અત્યંત ચિંતાગ્રસ્ત હોય એવું બની શકે; તો શાંત જણાતી વ્યક્તિની અંદર ઘુઘવતો દરિયો કે ભયંકર તોફાન પણ છુપાયેલા હોય છે જે કોઇ ખાસ જગ્યા-વ્યક્તિ કે સ્થિતિમાં જ બહાર આવી શકે. (જો કોઇ કહે કે હું જે બહાર છું તે જ અંદર છું તો તેને તમે સાફ જુઠ ગણી શકો. લગભગ કોઇ વ્યક્તિ માટે આ શક્ય જ નથી.)

~ લગભગ દરેક વચન/વ્યક્તિને વફાદાર છું પણ માત્ર કોઇ એકનો હું પહેલાંયે નહોતો અને ભવિષ્યમાં પણ ન બની શકું. ટુંકમાં મને અનેક લોકો સાથે અલગ-અલગ પ્રમાણસર વહેંચાયેલ એક એવું વિચિત્ર વ્યક્તિત્વ કહી શકો કે જેની ઉપર ઘણાં લોકો હક હોવાનો દાવો કરી શકે છે પણ કોઇ એક તેનું પુરેપુરું હકદાર બની ન શકે. (મારા વિશે સમજવું હોય તો આ બે લાઇનમાં ઘણું બધું આવી જાય છે.)

~ બને ત્યાં સુધી મારા દ્વારા આસપાસ કોઇને અંગત/જાહેર નુકશાન ન થાય તેની કાળજી રાખું છું. કેટલાક મત પ્રત્યે હવે પહેલા કરતાં પણ વધારે સ્પષ્ટ છું. બળવાખોર સ્વભાવ હજુયે અકબંધ છે. દરેક ઘટના – પરિસ્થિતિ – વ્યક્તિ કે સંબંધો માટે મારા પોતાના અલગ નિયમો છે. જરૂર પડે એમ નવા નિયમો બનાવતો રહું છું; જુના બદલતો રહું છું. એક રીતે જોઇએ તો મારું એક પર્સનલ લૉ-બોર્ડ છે, જ્યાં સરકાર હું છું; હાઇકોર્ટ અને સુપ્રિમકોર્ટ પણ હું જ છું. (સત્તાપક્ષ–વિપક્ષ–ફરિયાદી-વકિલ અને જજ પણ હું જ છું. ટુંકમાં અથઃ થી ઇતિ હું જ હું છું.)

~ અહિંયાં ભલે મારા શબ્દોથી પ્રદર્શિત છું પણ કોઇ રીતે હું દર્શિત નથી. એમ પણ ઓળખને એક મર્યાદામાં જાળવી રાખવી એ જુનો નિયમ હતો. તેમાં જે છુટછાટ લીધી હતી તે આજે પણ મુખ્ય નિયમોને આધીન છે. વ્રજ અને નાયરા સિવાય બીજી બધી ઓળખ મર્યાદિત રાખવાની એકસ્ટ્રા કલમને મુળ નિયમમાં અપવાદ તરીકે ઉમેરાયેલી છે, પણ જરૂર લાગશે તો બગીચાનું સેન્સર બોર્ડ તેમાંયે કાપ મુકી શકે છે. મારા શબ્દો અને વર્તનની આ અંગત નોંધનો કોઇ મારી વિરુધ્ધ દુરૂપયોગ ન કરી શકે છે તે સતત ધ્યાનમાં રાખવું આજે જરૂરી જણાય છે. (અગાઉ આ વિશે વિચાર્યું હતું, પણ આજે હું સમયના જે પડાવ પર છું ત્યાંથી આ દરેક વાતોનું મહત્વ ઘણું વધી જાય છે.)

~ લગભગ બે-ત્રણ વ્યક્તિઓ સિવાય મારા બગીચાની આ જગ્યાથી કોઇ મને અંગત રીતે ઓળખતું નથી; છતાંયે મારા નિયમો મને દરેકથી ચેતતા રહેવાનું સુચવે છે. આજે જે વ્યક્તિ મને ઓળખે છે તે ભવિષ્યમાં મારી તરફેણમાં ન રહે તો મને કોઇરીતે નુકશાન પણ કરી શકે છે. જ્યારે રિસ્ક પોતાની જાત ઉપર હોય ત્યારે સામાન્ય સંભાવનાને પણ ક્યારેય સામાન્ય ન સમજવી – એ મારો અગત્યનો નિયમ છે.

~ દંભ થી સખત ચીડ છે અને નિખાલસતા મારો સ્વભાવ છે, પણ થોડા અનુભવો પછી બે વર્ષ પહેલાં નવો નિયમ બનાવ્યો છે કે દરેક લોકો આપણાં પ્રત્યે સંવેદનશીલ નથી હોતા, એટલે નિખાલસતાની મર્યાદા જાળવી રાખવી પણ દંભથી ખાસ દુર રહેવું. (જો કોઇએ નોંધ લીધી હોય તો તેમને જણાશે કે અપડેટ્સમાં મારી નિખાલસ વાતો ગાયબ થઇ ગઇ છે. પણ તે પ્રાઇવેટ પોસ્ટમાં હજુયે સલામત છે.)

~ આજે એમ લાગે છે કે અહિંયા સમયાંતરે મારા નિયમો પણ નોંધતો રહું. મારી વાતો તો બીજા માટે લગભગ નકામી હોય છે પણ આ નિયમો ચોક્કસ ઉપયોગી બનશે. આમ તો બધા મારી માટે જ છે છતાંયે દરેક નિયમો ચોક્કસ આધાર અને અનુભવ પછી બનાવેલા છે એટલે કોઇને ઉપયોગી બની શકે છે. બાબા બગીચાનંદની જ્ઞાનવાણી એ આ જ નિયમોનું જાહેર વર્ઝન હતું પણ આળસમાં તે વિશે વધારે પોસ્ટ થઇ શકી નહી. (મારી આળસમાંથી મને જરાયે ફુરસદ મળતી નથી.)

~ આજે મને હું જરૂરથી વધારે જ સિરિયસ જણાઉ છું. એમ તો આજે દિવસ જ સિરિયસ વાતોનો છે. વર્ષમાં એકવાર તો આટલો શાંત બની ને વાત નોંધતો હોઉ છું. વર્ષનો આ એક દિવસ છે જયારે હું મારી જાત વિશે પ્રામાણિક વિશ્લેષણ કરું છું અને મને આ બધું જરૂરી લાગે છે. આ સમયે ઉપરના દરેક આવરણ/છાપ વગર ખુલ્લા મને વાત નોંધવાની હોય છે. (પછી તો ફરી એ જ ચહેરા ઓઢી લેવાના છે અને એ જ આસપાસની ઘટનાઓમાં પરોવાઇ જવાનું છે.)

~ ભુતકાળ વિશે કોઇ અફસોસ નથી, વર્તમાનથી સંતોષ  છે અને ભવિષ્ય માટે ઘણો આશાવાદી છું. બસ અબ આજ કે લીયે ઇતના કાફી હૈ.. ફરી આવતા વર્ષે જોઇશ કે હું ક્યાં છું.

~ ત્યાં સુધી, આવજો… ખુશ રહો!


– હેડર ક્રેડિટઃ વૉલડેવીલ.કોમ વાયા ગુગલ.કોમ