અનિર્ણાત્મક મનોદશા

. . .

– જીવનમાં સંયમિત વિચાર માર્ગે આગળ વધતા રહેવાને બદલે આજે મને એવું લાગે છે કે હું રાહ ભટકી રહ્યો છું. (કોઇ સાવ નાની વાતમાં તુટી પડું એટલો કમજોર તો હું નહોતો જ.)

– ભલે કોઇ કારણસર પણ જે અચાનક કરવામાં આવ્યું તે હવે થોડું ડંખતુ હોય એવું લાગે છે. (જે હકિકતમાં છે નહી, તેની આજે ખોટ સાલે છે !!)

– એવું નથી કે ખરાબ અનુભવ પહેલા નથી થયા તો પછી એ નિર્ણય અત્યારે જ કેમ એ જાણવા ઘણાં મિત્રો રાહ જોઇ રહ્યા છે. તો ત્રણ-ચાર મિત્રોને એવું લાગે છે કે મે તેમની સાથેના અનુભવ બાદ આ કાર્ય કર્યું છે. (દરેકને સ્પષ્ટતા કરવી અઘરી છે અને તેઓ કંઇ પણ વિચારે પણ તેમના પ્રત્યે દિલથી લાગણી જરૂર છે.)

– ફેસબુક છોડવું આમ તો અઘરું નથી પણ હવે લાગી રહ્યું છે કે કોઇ ઉતાવળીયો નિર્ણય તો નથી ને ? (જો ખરેખર એવું લાગશે તો પરત જતાં ખચકાવું ન જોઇએ.)

– એકવાર બોલ્યા એટલે બધુ છોડી જ દેવું જરૂરી પણ નથી, કેમ કે લાગણીથી સાથે જોડાયેલા અને મને પણ જેમનો સાથ ગમતો એવા દોસ્તોને સાવ એમ જ છોડી દેવા એ જીદ કહેવાશે. (‘કોઇ શું વિચારશે ?’ – એ સવાલ એટલો અગત્યનો નથી.)

– હજુ એક-બે દિવસ ખુદની પરિક્ષા લઇ જોઉ છું, જો મને ખરેખર એમ લાગશે કે ત્યાં રહેવું ખોટું નથી તો પછી ચોક્કસ પરત ફરવામાં આવશે અને જો એમ લાગ્યું કે મારા ત્યાં રહેવા કે ન રહેવાથી મને કે મારા મિત્રોને કોઇ ખાસ ફરક નથી પડતો… તો પછી આખી પ્રોફાઇલ ડીલીટ કરવાનો વિચાર અમલમાં મુકી દેવાશે. (ન રહે બાંસ, ન બજે બાસુરી !) જે મિત્રો મારી સાથે સંપકમાં રહેવા ઇચ્છે છે તેમની માટે હું અહિયાં તો છું જ.

– ફેસબુક મિત્રોમાં જેમને મારા આ કાર્યથી દુઃખ થયું હોય (ખાસ તો તે મિત્રોને જે એમ સમજે છે કે આ તેઓના કારણે કર્યું છે) તેમને.. સૉરી… દિલથી..

. . .

– (માત્ર જાણકારી હેતુ) ટાઇટલમાં જે ‘અનિર્ણાત્મક મનોદશા’ લખ્યું છે તે ‘કન્ફ્યુઝન’ શબ્દનો ગુજરાતી અનુવાદ છે !!

થોડી ફિલસુફી, મનની સાફસુફી..

– આજે ન જાણે કોણ ચઢ્યું’તું મારા બગીચાના ઉંબરે.. જેણે મારા બગીચામાં શાયદ એકાદ વેલાને છોડીને બીજા દરેક વૃક્ષો અને છોડવાઓનો પુરેપુરો અભ્યાસ કર્યો છે!! (જયારે જયારે આવા આકસ્મિક મુલાકાતીઓ આવે ત્યારે કાં’તો કોઇ ઉંડી શંકા ઉભી થાય છે અથવા તો કોઇ મજાનો દોસ્ત મળી જાય છે!)

– આજકાલ ઇમેલ-ફેસબુક મેસેજથી કેટલાક લોકો સાથે અંગત વાતચીત પણ થતી રહે છે, જે લોકોને મારી વાતો ગમે છે અને તે સૌ સજ્જનો નો જાહેર આભાર પણ માનુ છું. (જો કે મારી મોટાભાગની વાતો નિજાનંદ હેતુ જ હોય છે તો પણ કોઇ તેને ગમાડે એટલે અનેરો આનંદ થાય.)

– અત્યાર સુધી અજાણ્યા લોકો માટે હું લગબંધ બંધ રહ્યો છું પરંતુ હવે ખુલ્લા બનવાનો પ્રયત્ન છે. બ્લોગમિત્રોમાંથી આજસુધી માત્ર એક વ્યક્તિને રૂબરુ મળ્યો છું. હા, એક અન્ય મિત્રને પણ મળ્યો છું, પણ તેઓ હવે થોડા અંગત લોકોમાં ગણાય છે. (આ એ મિત્ર છે, જે ચાહે તો મારી વિરુધ્ધ કંઇ પણ કરી શકે છે પણ તે કંઇ નહી કરે તેનો વિશ્વાસ પણ એટલો જ છે.)

– વિશ્વાસ ઘણી મોટી ચીજ હોય છે અને એ જ વિશ્વાસથી અંતર્મુખી સ્વભાવ છતાં હવે ધીરેધીરે અજાણ્યા લોકો તરફ પણ હું વિશ્વાસ ધરાવતો બન્યો છું. કોઇએ કયારેક કહ્યુ’તુ કે સામાન્ય રીતે લોકો એટલા ખરાબ નથી હોતા કે તેમની સાથે થોડી દોસ્તી પણ ન કરી શકાય. (કોઇકે કયારેક વિશ્વાસઘાત કર્યો હોય એ તો હવે નાની સી વાત લાગે છે જેને સહેલાઇથી માફ પણ કરી શકુ છું.)

– જેમને મે ભુતકાળમાં મારો સંપર્ક કે વધુ ઓળખાણ ન આપવાની બાબતે નારાજ કરેલા છે તે લોકોની આજે માફી માંગુ છું. શરૂઆતના સમયે નક્કી કર્યું હતુ કે કોઇને અંગત જીવનમાં નહી પ્રવેશવા દઉ પણ હવે તે નિયમમાં હળવો સુધારો કરવાનો વિચાર છે. (આ વિચાર હજુ વિચારણા હેઠળ છે.)

– કેટલાક ઉત્સાહી લોકોના મતે હું કોઇ લેખક બનવાના, કવિ બનવાના, બ્લોગર બનવાના વગેરે વગેરે ગુણ ધરાવુ છું. કોઇ ખોટુ ન લગાડતા..પ્લીઝ પણ..અત્યારે તો હું એક સારો માણસ બની રહેવા ઇચ્છું છું. (અને તે એક ગુણ થોડો પણ મેળવી લઉ તોયે ઘણું છે.)

– જીવનમાં ચિંતા કે સમસ્યાને કયારેય જાત પર હાવી થવા દીધી નથી કેમકે બને ત્યાં સુધી દરેક બાબતે સલામતી પહેલા ચકાસી લઉ છું. કોઇ આપણને મળીને ખુશ થાય એ જ આપણાં જીવનની મોટી મુડી છે. (જીંદાદિલ માણસ હોવું અને કાયમી તેવા બની રહેવું મુશ્કેલ હોય છે તો પણ પ્રયત્ન તો એ જ રહેશે.)

– એક બાબતે આજે જાત પર ગર્વ છે કે જેને મારો દુશ્મન કહી શકું એવો કોઇ માણસ મારા જીવનમાં નથી, બસ ચારે તરફ માત્ર દોસ્તો અને કુટુંબીઓ છે. (સાંભળ્યુ’તું કે, ‘જીવનમાં આગળ વધવા માટે દુશ્મનો હોવા જરૂરી છે’ – પણ તેમાં હું અપવાદરૂપ છું !! છતાં આગળ વધી રહ્યો છું..)

– આવનારા સમય માટે સ્વપ્નો રાખ્યા છે પણ ભવિષ્યની કોઇ ચિંતા નથી અને ભુતકાળના સંભારણા રાખ્યા છે અને તે અંગે કોઇ ફરિયાદ પણ નથી. વહેતા સમય સાથે નીરંતર વહેતા રહેવું એ મારા જીવનનો મંત્ર બનાવ્યો છે. (કોઇ અણધાર્યા વિધ્નો હવે મને વિચલિત નથી કરી શકતા જેને હું મારી આંતરિક સફળતા ગણી શકું.)

– કોઇ સાથે નથી.. તો હું ખુશ છું અને કોઇ સાથે હોય.. તો ઘણો ખુશ છું, હવે કોઇએ સાથ નિભાવવો કે નહી તે સામેવાળાની સમસ્યા હોય છે. આશા એ છે કે જીવનમાં અત્યારે છે એટલા લોકો તો મારો સાથ નહી જ છોડે અને જો કોઇ છોડી દેશે તો તેનો ડર પણ નથી લાગતો… (આ કોઇ સાધુ બનવાના ગુણ નથી, હું એક સંપુર્ણ સંસારી માણસ છું અને એ જ રહીશ.)

– કેમ જાણે આજે ફિલસુફીભરી વાતો લખવાનો મુડ થઇ આવ્યો હતો એટલે થયું કે આજે પોતાની જાત વિશે કંઇક અધ્યઅન કરી, તેની નોંધ કરી લઉ. (કદાચ અત્યારે એક એવું પુસ્તક વાંચી રહ્યો છું એટલે આવી લાગણીઓ જન્મી હોઇ શકે.)

– ઇશ્વર સૌને સલામત રાખે. ખુશ રહો..

– ॥ અસ્તુ ॥

. . .

કઠોર નિર્ણય

. . .

– આજથી ઓફિસિયલી બિઝનેસની સેકન્ડ બ્રાન્ચનો પુરેપુરો હવાલો સંભાળ્યો.

– આમ તો તે બ્રાન્ચ છેલ્લા ૬ વર્ષથી કાર્યરત છે પણ અત્યાર સુધી તેની સંપુર્ણ જવાબદારી મારા પાર્ટનરને સોંપાયેલી હતી.

– ઘણાં સમયથી તે બ્રાન્ચના એકાઉન્ટ અને કસ્ટમર સાથેના વ્યવહારોના રીપોર્ટ જોઇને હું ચિંતિત હતો. એમાંયે છેલ્લા ત્રણ મહિનાથી ચલાવેલા એકાઉન્ટ સુધારો અભિયાન અને વ્યવહાર બદલો કેમ્પેઇનમાં ધારો તેવો સહયોગ ન મળતા અને મુળ સ્થિતિમાં કોઇ ખાસ સુધારો ન જણાતા આજે છેલ્લા પગલા રૂપે ઉપરનુ કદમ ઉઠાવવામાં આવ્યું છે.

– પાર્ટનરથી લઇ ને પટાવાળા સુધી દરેકની સત્તામાં મહત્તમ કાપ મુકવામાં આવ્યો છે કેમ કે હવે હું કોઇનું કંઇ ચલાવી લેવાના મુડમાં નથી.

– હવેથી વ્યસ્તતા અને જવાબદારીમાં સીધો બે થી ત્રણ ઘણો વધારો થશે.

– જીવનમાં પ્રથમવાર મારા દ્વારા અપનાવવામાં આવેલી કઠોરતા અને કોઇની સાડાબારી રાખ્યા વિના લીધેલો સૌથી કડક નિર્ણય.

– અને છેલ્લે…. “બૉસ ઇઝ ઓલ્વેઝ રાઇટ” – આ કહેવત બધાને સાફ શબ્દોમાં અનુસરવાની સુચના આપવામાં આવી છે.

. . .