માત્ર અંગત મિત્રો માટે જ

– બે દિવસ પહેલા શ્રીમતીજી(ખબર છે કે આ ઘણો ભારે શબ્દ છે; પણ અત્યારે ચલાવી લો અને આગળ વધો) એક અનહદ આનંદના સમાચાર આપ્યા કે હું પપ્પા બનવાનો છું! (“મેં માં બનનેવાલી હું” -વાળો ડાયલોગ હવે આઉટડેટેડ થઇ ગયો છે બોસ…)

– ખુશીનો તો કોઇ માપ નથી; પણ.. આ કોઇ ફિલ્મ કે ટેલી-સિરીઝ તો છે નહી કે મને આ ખબર સાંભળીને એકદમ નવાઇ લાગે!! 😀 (સીરીયલ કે ફિલ્મમાં પત્ની પહેલીવાર જ્યારે આવી ખબર તેના પતિને સંભળાવે ત્યારે પતિને પહેલા ચોંકતો જ બતાવવામાં આવે, એ જોઇને મને બહુ વિચિત્ર લાગે1)

– મન તો ઘણુ આનંદિત હતુ અને થયું કે મારી ખુશીને આખી દુનિયામાં જોર-જોરથી બુમો પાડીને વહેંચુ; પણ પત્નીશ્રી ના ‘થોભો અને થોડી રાહ જુઓ’ એવા આદેશ બાદ એ કામ થોડા સમય માટે પડતુ મુકયુ છે….

– જો કે એક ખાનગી વાત એ છે કે મેડમજીની લાખ મનાઇ બાદ પણ આ વાતને તરત એક દોસ્ત સાથે વહેંચી દીધી છે. (શું કરુ યાર… આટલો બધો આનંદ આખરે મારા નાનકડા મનમાં કેમ સમાવવો!)

– આજે ફાઇનલી ડોક્ટર પાસે ચેક-અપ કરાવવા ગયા હતા અને ડોકટરે પણ લીલીઝંડી બતાવી છે. (મને જોઇને ડોક્ટરને મનમાં એક સવાલ ચોક્કસ થયો હશે કે આ છોકરો બાપ બનશે તો કેવો લાગશે ?? )

– આ મોટી યાદગીરીને મારા બગીચામાં ઉમેરવી કેમ ભુલાય? એટલે આજે ઉમેરી દઉ છું… (જો કે આ પોસ્ટને અત્યારે તો પ્રાઇવેટ રાખવાનું નક્કી કર્યું છે.)  ભવિષ્યમાં કયારેક જાહેરમાં ચોક્કસ મુકીશ એવો વિચાર છે.


અપડેટઃ હવે આ પોસ્ટ બગીચાના દરેક મુલાકાતીઓ માટે ખુલ્લી છે.

તો ઔર ભી દુઃખ હોતા હૈ…

– જયારે તમે કોઇને તમારા હમદર્દ માની ને પુરા દિલથી અંગત વાતો જણાવતા હો અને તે વ્યક્તિ અકળ કારણોસર દગો દે ત્યારે દુઃખ થાય તે સ્વાભાવિક છે. (પણ.. આટ-આટલા ચેતીને ચાલવા છતાંયે હું ખાડામાં પડયો તેનું વધારે દુઃખ થાય છે.)

– ના, કોઇએ કંઇ કહ્યુ નથી. પણ કોઇએ એવુ કંઇક કર્યું છે જેનાથી તે મિત્ર પરનો વિશ્વાસ ડગી ગયો છે.

– તેના આ કૃત્યનું કોઇ ખાસ કારણ પણ હોઇ શકે છે. (બની શકે છે કે તેના દ્વારા થયેલ કૃત્યની તેને ખબર જ ન હોય અથવા મને ખબર પડી ગઇ છે કે મને ખબર પડી જશે તેનો તેને અંદાજ ન હોય.)

– દુરની વ્યક્તિ કે સામાન્ય મિત્ર કંઇ કરે તો કોઇ ફેર ન પડે પણ અંગત બનેલ દોસ્ત સંબંધોમાં અચાનક અંતર બનાવવા લાગે ત્યારે મન ગુંચવાય છે. (કોઇ મતભેદ કે મનભેદ બન્યા હોય ત્યારે વાત સમજી શકાય. પણ…. આમ, સાવ અચાનક જ… )

– આજે K3G માં યશવર્ધન રાયચંદ2 અને તેની પત્ની નંદીની વચ્ચેનો એક સંવાદ યાદ આવે છે…

नंदीनी : “अपने जब दुर चले जाते है तो दुख होता है।”
यशवर्धन : “अपने जब दुरीयां बढा लेते है तो और भी दुख होता है।”

– આજે તે સંવાદમાં છુપાયેલી ગંભીરતા સમજાય છે… આખી ઘટના વર્ણવીને વધુ દુઃખી થવાનો કોઇ મતલબ નથી એટલે જીવનનો એક કડવો અનુભવ મેળવીને આગળ વધતા રહેવામાં ભલાઇ છે…

– “ચેતતો નર સદા સુખી” ~ આ જુની કહેવત ફરીથી ગોખવી પડશે.

😢

બેક ટુ બિઝનેસ અને આજની વાત

. . .

– દિવાળીની રજાઓ પુરી થઇ છે. ઘણાં દિવસ મહેમાન, મુસાફરી, મુલાકાત અને મસ્તીમાં પસાર કર્યા હોય ત્યારે કામમાં જોડાવાનું આળસ થાય તે સ્વાભાવિક છે. (એમ તો હવે ઘરે કામ વગર બેસી રહેવાનો કંટાળો પણ આવે છે.)

– ભારતીય પ્રણાલિકા મુજબ મુહુર્ત કરી દીધુ છે અને હવે કાલથી કામમાં જોડાવાનું છે. ( જો કે સમય અને તારીખ જોઇને તો આજથી જોડાવાનુ છે એમ કહેવું પડે !!)

– કોઇ પ્લાન હતો નહી તો પણ રજાઓમાં 5-7 ગામ-શહેર ફરી વળ્યા છીએ એટલે એકંદરે રજા વસુલ(!!) કર્યાનો સંતોષ છે. આ દિવાળી યાદગાર રહેશે એવા એક-બે પ્રસંગ પણ બન્યા છે જેની નોંધ અહી પછી કયારેક લઇશ.

– આ વર્ષે ઘરે આવનારા મહેમાનોની સંખ્યા થોડી વધુ રહી. (ઘણાં સમય પછી મને અહેસાસ થયો કે મારા સગાં-વ્હાલાઓ આટલા બધા છે !! 🙂 ) કેટલાક સંબંધીઓ ને લાંબા સમય પછી મળ્યા નો ઘણો આનંદ પણ થયો.

– ઇંટરનેટ તો લગભગ છુટી ગયું હતું એટલે આજે ઘણાં દિવસે તેને પણ હાથમાં લીધું. ઘણાં ઇમેલના જવાબ આપ્યા છે અને બ્લોગ, ફેસબુક, ઓરકુટ પર એક-એક ચક્કર લગાવ્યો છે. યાર, આ ચક્કર મારવાના ચક્કરમાં અત્યારે રાત્રીના 03:30 (તેને સવારના પણ કહી શકો છો) થઇ રહ્યા છે છતાંયે હુ નવરો પડયો નથી. (બેડ હેબિટ – બીજુ શું !!)

– રજાના દિવસોમાં અમદાવાદમાં ધાર્યા મુજબ જ લોકોની અવરજવર વધુ રહી. કોઇ જગ્યાએ સુખે ફરવાનું સુખ પ્રાપ્ત ન થયું તેનું થોડુક દુઃખ થયું. (જો કે આ કોઇ નવી વાત નથી.)

– કેટલાક એવા ઇ-મિત્રો (એટલે કે.. ઇંટરનેટથી મળેલા મિત્રો !!) મારા જીવનમાં આવ્યા છે જેને અત્યારે તો નવા વર્ષની આકર્ષક ભેટ જ ગણી શકાય. કોઇ પાસેથી જીવતા તો કોઇ પાસે માણતા શીખવા જેવું છે. નિઃસ્વાર્થ મિત્રતા ખરેખર ઘણી સુંદર હોય છે, નહી !!

. . .

# વધારાની વાતઃ

– આજે ભુતપુર્વ (અને મારી માટે તો આજે પણ) વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય નો જન્મ દિવસ છે. (જો જો અહી “રાય” પાછળ “બચ્ચન” લખ્યું નથી એટલે એવુ કંઇ વાંચતા પણ નહી.. 😉 )  ચલો બધા મારી સાથે બોલો…. હેપ્પી બર્થ ડે ઐશ્વર્યા…