JUN'17 – અપડેટ્સ

Sabarmati Riverfront Road

~ ઘણાં સમય પછી અપડેટ્સની નોંધ થશે એવું જણાય છે. (પોસ્ટ ન ઉમેરી હોય તો એવું જણાય ને! એમાં કોઇ નવાઇ નથી.)

~ નવા ઉગેલા ફુલના ચક્કરમાં બગીચાનો માળી તેના આખા બગીચાનું કાયમી કામ ભુલી ગયો હોય એવી સ્થિતિ છે. (એક રીતે જોઇએ તો એ નવા ફુલની વાતો પણ મારા બગીચાની અપડેટ્સ જ છે ને..)

~ ઓકે તો લેટેસ્ટ અપડેટ્સમાં તો એવું છે કે વ્રજ, નાયરા અને મેડમજી વેકેશન પુરું કરીને ઘરે આવી ગયા છે અને ગઇ કાલથી વ્રજની સ્કુલ શરૂ પણ થઇ ચુકી છે. મને એમ હતું કે વ્રજ આટલા લાંબા વેકેશન પછી ફરી સ્કુલ જવામાં એક-બે દિવસ આનાકાની કરશે પણ તે આ બાબતે જરાયે મારા જેવો નથી. (બોલો, ખુશીથી સ્કુલ જવા તૈયાર થઇ ગયો મારો દિકરો! ગુડ બોય.)

~ ‘બગીચાના ફુલો ફરી ફુલદાનીમાં ગોઠવાઇ જશે’ -આ વાળી વાત અત્યાર સુધી ૭૫૦+ લોકો પોસ્ટ કરી ચુક્યા છે અને આ વૉટ્સએપ ફોરવર્ડીયાઓના તો મોબાઇલ છીનવી લેવા જેવા છે! 😜 આવી પોસ્ટ લખનાર/ફોરવર્ડ કરનાર ભાઇ(કે બહેન)ને એમ હશે કે તે પહેલી વાર કહી રહ્યા છે! પણ તેમની આવી ધારણા સિવાય બીજું કંઇ જ નવું નથી હોતું… (તે માસુમ ઇન્સાન જે ભલું-બુરું જણાવવા ઇચ્છતા હોય છે તે બધું જ આ સંસારમાં અગાઉ કહેવાઇ ચુક્યું હોય છે!)

~ આજકાલ સમગ્ર ગુજરાતની સ્કુલોમાં ફી વિશે જબરી અસમંજસતા ચાલી રહી છે. વ્રજની સ્કુલના કેટલાક વાલીઓએ મને તેમની લડતમાં જોડાવવા અને સરકારી નિયમોના આધારે વધારે ફી ની વિરુધ્ધમાં લડવા આગ્રહ કર્યો છે; પણ ખબર નહી કેમ મને આ લડતમાં તર્ક નથી દેખાતો.

~ શિક્ષણનો ખર્ચ હવે ખરેખર ઘણો વધી ગયો છે તે આપણે સૌ જાણીયે છીએ અને તેની પર સરકારી અંકુશ હોય તો ઉત્તમ છે; પણ દરેક સ્કુલ માટે એક જ નિયમે ફી નક્કી ન કરી શકાય તે સ્વીકારવું પડશે. (અત્યારે તો મામલો હાઇકોર્ટમાં છે પણ મને લાગે છે કે છેલ્લે આમાં ભીનું સંકેલાઇ જશે. રાજકારણીઓની જ ઘણી સ્કુલો છે એટલે ચુટણી સુધી કેસ ખેંચાશે અને પછી.. જૈસે થે!)

~ વ્રજની સ્કુલમાં તો દરેક સ્ટુડન્ટ માટે એડવાન્સ ચેક લઇ લીધા છે અને એક ચેક તો ક્લીઅર પણ થઇ ગયો છે! બીજા ચેક તેઓ ગવર્નમેન્ટ પોલીસી નક્કી થયા બાદ જ તેમના એકાઉન્ટમાં ભરશે એવું સ્કુલના વ્યવસ્થાપકોનું કહેવું છે. (જો કે કેટલાક અવિશ્વાસુ વાલીઓએ સ્ટોપ-પેમેન્ટનો વિકલ્પ પસંદ કરેલો છે.)

~ ધંધાની એક નવી જગ્યાને સજાવવામાં હમણાં વ્યસ્ત છું અને નિયમિતતા ને છંછેડીને થોડો અસ્તવ્યસ્ત પણ છું. જોઇએ કે આ નવી અસ્તવ્યસ્તતા મને ક્યાં સુધી લઇ જાય છે. દિમાગને હમણાં ફુલ્લી દિલથી ચલાવું છું. (મરકટ મનનું કંઇ નક્કી ન કહેવાય. કભી ઇસ ઔર તો કભી ઉસ ઔર..)

~ દેશ-દુનિયાની વધારાની ચિંતાને મનમાંથી કાઢવા માટે રાત્રે એક જ વાર ન્યુઝ ચેનલમાં હેડલાઇન્સ સિવાય વધુ ન્યુઝ ન દેખવાનો નિયમ ઉત્તમ સાબિત થઇ રહ્યો છે. આજકાલની અપડેટ્સમાં રાજકારણ વિશે ઘણી ઓછી વાતો નોંધ થતી હોવાનું મુખ્ય કારણ આ નિયમ છે. (હા પણ પેલા એન.ડી.ટી.વી. ના પ્રણવ રોય સાથે જે થયું તે હજુ ઘણું ઓછું છે. યે દિલ માંગે મોર..)

~ વરસાદ આવવાની તૈયારી જણાય છે હવે. અત્યાર સુધી એક વાર મસ્ત કરાં અને બે વાર હળવા ઝાપટાં આવ્યા છે. લેકીન મેઇન સિઝન અભી બાકી હૈ મેરે દોસ્ત.. (આ આપણી ફેવરીટ સિઝન હોં કે! 🙂 )

# નોંધ લાયક: કાલે જ કોઇ સાથે ચર્ચા કરતાં યાદ આવ્યું કે હું લગભગ 3.5 વર્ષથી બિમાર નથી થયો! (ટચ વુડ!.. 😇 )


મથાળું ચિત્રઃ રિવરફ્રંટ રોડ, સાબરમતીના કિનારે, અમદાવાદ
છબીને કંડારનારઃ એ જ.. અમે પોતે. 🙂

Sep’13 : અપડેટ્સ

– છેલ્લી અપડેટ્સ મુક્યાને લગભગ એક મહિનાથી વધુ સમય થયો છે! (આટલા દિવસોમાં લખવા લાયક કોઇ અપડેટ્સ ન હોય એવું તો ન જ બને ને..)

– આજે લખવા બેઠો તો છું, પણ લાગતું નથી કે વધુ ઉમેરી શકાય. કેમ કે કલાક પછી એક વાર્ષિક સમારંભ માટે ગાંધીનગર જવાનું છે અને પછી આખો દિવસ ત્યાં જ સચવાઇ રહેવાનું છે. (આ મારો ફેવરીટ સમારંભ પણ છે એટલે તેને ગુમાવવો મને નહી ગમે.)

– બિમારીના એ દિવસો તો વહેલા જ પુરા થઇ ગયા’તા પણ દવાઓ ચાલું હતી. આગળના વાક્યના અંતમાં ‘હતી’ કહેવાનો મતલબ એ છે કે આજે તે દવાઓનો અંત આવ્યો. સવારે જ તેના આખરી ડોઝ પેટમાં પધરાવ્યો અને એક લાંબી માંદગીમાંથી સફળતાપુર્વક બહાર આવ્યાનો આનંદ મનાવ્યો. (હવે એક છેલ્લો રિપોર્ટ કરાવવાનો બાકી રહ્યો પણ તે નોર્મલ જ રહેશે તે નક્કી છે.)

છ મહિના આરામનો એ સમય કેમ વિતશે તે વિશે હજુ તો વિચાર કરતો હતો; આજે તે સમય પુરો થઇ પણ ગયો! ઘડીયાળ પણ એ જ છે અને તેના કાંટા પણ એ જ ગતિથી ચક્કર કાપી રહ્યા છે છતાંયે સમજાતુ નથી કે આ સમયની ઝડપ આટલી કેમ વધી ગઇ છે! (મને હમણાં બેકગ્રાઉન્ડમાં ‘મહાભારત’નો “મૈ સમય હૂં” -વાળો અવાજ સંભળાઇ રહ્યો છે!)

– પહેલા યાદ કરું છું ટેસ્ટ રિપોર્ટનો એ દિવસ અને પછી આજનો દિવસ, વચ્ચે શું બન્યું કે આ સમય કેમ પુરો થયો તો તે અંગે કોઇ ખાસ યાદગીરીઓ દેખાતી નથી. (મગજ કમજોર બની રહ્યું છે તેની નિશાની!)

– તે દિવસની પહેલી પોસ્ટ અને આજની સ્થિતિને સરખાવીએ ત્યારે ખ્યાલ આવે છે કે ત્યારે કેવો સમય હતો અને આજના વિચારો કેવા છે! (નિયમિત અપડેટ્સ લખતા રહેવાનો મારો સૌથી મોટો ઉદ્દેશ પણ આ જ છે.)

જો કે આ મારો બગીચો પણ એટલે જ બનાવ્યો છે કે તેમાં મારી બધી યાદગીરીઓ, સંભારણાંઓ અને વિચારો-અનુભવો નોંધાતા રહે કે જેથી હું વિતેલા જીવનને એકવાર ફરી જોઇ શકું અને સારી/નરસી યાદોને જોઇને પોતાની જાત સાથે બે ઘડી વિચાર-વિમર્શ કરી શકું. (આ વિતેલો સમય મને વર્તમાનમાં શાંત અને મજબુત બનાવી રાખવા માટે ઘણીવાર ઉપયોગી બન્યો છે.)

– આ તો થઇ માત્ર મારી વાત; નવા-જુની અને આજકાલ વિશે તો લખવાનું બાકી રહ્યું. પરંતુ તે માટે આજે સમય નથી એટલે એક-બે દિવસમાં નવા અપડેટ્સ નોંધવામાં આવશે. (આ વાત મારી માટે લખાયેલી છે! 🙂 )

લાસ્ટ, અપડેટ ઓફ ધ ડે!
મારો ટીનટીન હવે સરસ રીતે ચાલતા શીખી ગયો છે!

– તો ફરી મળીશું, થોડા જ દિવસોમાં.. આવજો. ખુશ રહો..

July’13 : અપડેટ્સ

. . .

– આપ સૌનું મારા બગીચામાં સ્વાગત છે. આજે કદાચ આપને સવાલ થશે કે ઑગષ્ટમાં આ જુલાઇની અપડેટ્સ કેમ? મારી કોઇ ભુલ તો નથી ને? (જો આ સવાલ નહી થયો હોય તો હવે થશે અને થવો જ જોઇએ !!)

– જુલાઇ મહિનો આખો પુરો થઇ ગયો અને મારા બગીચામાં છેક આજે તેની અપડેટ્સ મુકવાનો ટાઇમ મળ્યો છે એટલે થયું કે ભલે મહિનો બદલાઇ ગયો હોય પણ અપડેટ ચુકી જઇએ એવું ન બનવું જોઇએ. (વરસાદની સીઝન હોય ત્યારે મારી સાથે આવું થાય એ સ્વાભાવિક છે. તેના કારણો માટે જુઓ – ‘આ પોસ્ટ‘)

# સૌ પ્રથમ આખા મહિનાની મુખ્ય હાઇલાઈટ્સ પર એક નજર:

  • વરસાદ – બફારો – ભુવા – અ મ્યુ કો – બિમારી
  • મારી હેલ્થ – છોટુના કારનામાઓ – અન્ય અપડેટ્સ
  • રાજકીય – ઘટનાઓની નોંધ – ટીપ્પણીઓ
  • એક્સ્ટ્રા / નકામી વાતો

# હવે અપડેટ્સની વિસ્તૃતમા નોંધ લઇએ…. શરૂ કરીએ છીએ હવામાન બુલેટીનથી:

– વરસાદ એકંદરે સારો કહી શકાય એવો છે. પણ વાતાવરણમાં બફારો અને ભેજ એટલો છે કે પરસેવે ભીંજાયેલા રહીએ.

– આ વખતે વરસાદમાં હજુસુધી કોઇ મોટા નુકશાનના સમાચાર નથી. (અરે યાર, બે ઇંચ વરસાદ પડે તોયે અમદાવાદના રસ્તાઓમાં પાણી ભરાઇ જાય અને બે-ત્રણ ગરનાળા ઉર્ફે એંડરબ્રીજ બંધ કરવા પડે એ તો હવે સામાન્ય ઘટના કહેવાય.)

– ન્યુઝપેપરમાં દરરોજ રસ્તાઓના ‘ભુવા’ના ફોટો ન જોઇએ આશ્ચર્ય થાય છે! અ.મ્યુ.કો. ની આ એક ઉપલબ્ધી ગણી શકાય. (તેનો મતલબ ભુવા પડતા નથી એવો ન કરવો, આ તો છાપાવાળાઓને હવે ભુવા’ના ફોટો છાપવામાં રસ નથી રહ્યો એટલે..)

Continue reading “July’13 : અપડેટ્સ”