Nov’21 – અપડેટ્સ

resident society

કોઈ ખાસ આયોજન ન થયું તો પણ દિવાળી મસ્ત રહી અને હવે ફરી કામ ધંધે લાગી ગયા. રોજેરોજ એક જ પ્રકારના કામમાં એવા પરોવાઈ ગયા છીએ કે નવી ઘટનાઓ તરફ પૂરતું ધ્યાન જતું નથી.

વ્રજ-નાયરા દિવસે દિવસે મોટા થઈ રહ્યા છે. બાળસહજ જીદ, ચંચળતા અને ઉત્સાહથી ભરપૂર છે. હા ક્યારેક કોઈ જીદ કે તોફાનથી ગુસ્સો પણ કરાવી દે અને ક્યારેક કડક બનીને તેમને આદેશ આપવા પડે; અટકાવવા પણ પડે. મા-બાપ હોવાની કેટલીક ફરજ હોય છે.

બંનેને ખબર છે કે મમ્મી ક્યારેક સટ્ટાક ચિપકાવી શકે છે! પરંતુ, પપ્પા ગમે એટલા ગુસ્સામાં હોય તો પણ ક્યારેય હાથ નહી ઉઠાવે. મારી આ કમજોરીનો ફાયદો બંને ઉઠાવી જાણે છે. 😀 (જ્યાં સુધી શબ્દોથી અંકુશ છે ત્યાં સુધી તેમને બીજો કોઈ ડર બતાવવો જરૂરી પણ નથી લાગતું.)

આટલા વર્ષોમાં પહેલીવાર ઑફિસમાં પરંપરાગત દિવાળી-પુજા અને કથા-હવન કરવામાં આવ્યા અને અમે દંપતિએ બધી વિધી પંડિતશ્રીની આજ્ઞા મુજબ પુર્ણ કરીને યજમાનનું કર્તવ્ય પણ નિભાવ્યું. (અહી ‘પુજા-હવન કરાવવામાં આવ્યા’ એમ કહેવું વધુ યોગ્ય રહ્યું હોત. ખૈર, સર્વની ઈચ્છાને માન આપવામાં મને વાંધો નથી.)

કોરોના કાળ માં લગ્ન પ્રસંગો પર જે બ્રેક લાગ્યો હતો તે હવે હટી રહ્યો છે. લગ્ન ઉત્સુકો હવે કોઈ રિસ્ક લેવા નથી ઇચ્છતા એટલે તેમને મળેલ આ સમયમાં ફટાફટ પરણી જવા માગે છે! (ઉતાવળ બધાને હોય છે.)

તો, આ મહિનામાં લગ્ન કારણસર ભરૂચ, સુરત અને વડોદરાની યાત્રા ફિક્સ છે. લાંબા સમયે પરિવાર અને દૂરના સગાઓને રૂબરૂ મળીને આનંદ પણ થશે. લોકો ભેગા થશે ત્યારે કોરોના નું શું થશે એ ખબર નથી પણ માસ્ક અને સલામત-દૂરીનું શું થશે એ અત્યારથી ખબર છે. (લેકીન કોઈ કીસીકો નહી બતાયેગા.🤫)

લગભગ કોરોના બધા વચ્ચેથી વિદાય લઈ રહ્યો છે પણ હજુયે મહામારી પુરી થયાની જાહેરાત કરી ન શકાય. રોજેરોજ બે પાંચ કેસ હજુ આવી રહ્યા છે. બે પાંચ માંથી બસો-પાંચસો અને બે-પાંચ હજાર થતાં વાર ન લાગે. આશા રાખીએ કે વેક્સિન પોતાનું કામ કરે અને કોરોના ને હવે આપણાં વચ્ચેથી રજા આપીએ.

વેકેશનમાં ફરવા જવા માટે ઘણી જગ્યાઓ ચર્ચામાં લીધી. લાગતા વળગતા લોકો પાસેથી તત્કાલીન સ્થિતિના વાવડ મેળવ્યા. મળેલ જાણકારી મુજબ દરેક જગ્યાઓ એટલી પેક હતી કે ફરવાની જગ્યાએ ભીડમાં ફસાવવાનો ડર હતો. છેવટે ફરવાનો મોહ છોડીને ઘરે આરામ કરવાનું યોગ્ય સમજ્યું. (મજબૂરી છે ભાઈસા’બ)

🏘

Nov’20 – અપડેટ્સ

a landscape view from madhyapradesh

~ તો, ઠંડી આવી ગઈ. હું પણ આવ્યો છું. એમ તો બે દિવસથી અહિયાં છું; પણ લખવાની જગ્યાએ બીજા આડાઅવળા કામ જ કર્યા છે. (મને ગમે છે તો કરું છું; કોઇને તકલીફ હોય તો જણાવે.)

~ મુખ્ય બદલાવ એ છે કે મેં મારું ઇ-સરનામું બદલ્યું છે; જે પહેલાં mail@marobagicho.com હતું, તે હવે b@marobagicho.com કર્યું. તેની પાછળ કોઈ મોટું કારણ નથી. બસ, મને બદલવું હતું તો બદલી દીધું છે અને સબસ્ક્રાઇબર્સને પણ નવા રુપરંગમાં ઇમેલ મળશે એવી ગોઠવણ કરી છે. (ફરી એકવાર કારણ વગરનો બદલાવ.)

~ આમ તો મને કોઇપણ સરનામે ઇ-ટપાલ લખો તો છેવટે એક જ ઇનબોક્ષમાં આવતી હોય છે! હા, ફરક એ રહેશે કે હવે મારા દ્વારા મોકલવામાં આવતા ઇમેલ નવા સરનામાથી હશે. લાગતા-વળગતાં અને મારા નિયમિત ઇમેલને સહન કરતાં લોકો નોંધ લે. જૂનું ઇમેલ ઍડ્રેસ પર ઇમેલ સ્વીકારવાનું ચાલું જ રહેશે. (આ સિવાય બીજું ખાસ કંઈ નોંધ કરવા જેવું નથી.)

~ ગયા મહિને પારિવારિક કારણસર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્રના જલગાંવ સુધીની મુસાફરી કરી. બે દિવસ વિતાવ્યા અને ત્રણ દિવસે પરત આવ્યા. વરસાદ સમયે રોડ બગડવા વિશે ભલે ઘણો કકળાટ કર્યો હોય પણ આપણાં પડોશી રાજ્યોના સ્ટેટ હાઇ-વે અને ગામડાના રસ્તાઓની હાલત જોઇને સમજાયું કે ગુજરાતના રોડ-રસ્તાઓ ઘણી સારી હાલતમાં છે જે માટે આપણે અભિમાન કરવું જોઈએ! (સ્ટેટ-બૉર્ડર ક્રૉસ કર્યાનો અનુભવ જ કહી દે કે તમે હવે ગુજરાતમાં નથી.)

~ એમ તો મુસાફરી બીજી પણ ઘણી રહી છે એટલે દરેકનો ઉલ્લેખ કરવો અઘરો છે અને ઘણી વાતો ભુલાઇ ગઈ છે; અને જો યાદ કરી-કરીને લખવા જઈશ તો આ પોસ્ટ આજે પુરી નહી થાય. (એમ તો મૂળ સમસ્યા યાદ કરવાની છે અને તે માટે મારી ટુંકી યાદ-શક્તિ પર જુલમ થાય એમ નથી.)

~ ‘હાય-હાય કોરોના’ કરવાનું અમે મુકી દીધું છે. થોડી સાવચેતી સાથે તેની સાથે રહેવાની ગોઠવણ કરી લીધી છે. હવે એટલો ડર પણ નથી લાગતો. (જે થશે એ જોયું જશે એ મુખ્ય મંત્ર છે.)

~ સુપ્રીમ કોર્ટની દખલ બાદ હવે લોકડાઉનમાં સમયસર હપ્તા ભરવાનો થોડોક ફાયદો બેંક તેના ગ્રાહકોને આપી રહી છે જે ગમ્યું. GST અને તેના માટે સરકારની કડકાઈને માત્ર મોદીના નામે સહન કરી રહ્યા હોઇએ એવું છે. કામ-ધંધા લગભગ ટ્રેક પર આવી રહ્યા છે પણ નિર્મલાબેન કાચા પુરવાર થઈ રહ્યા છે. સરકારને આવકની જરૂર છે તેમાં સહમત; પણ વેપારીઓને મરવા ન દેતા બેન. (મોદીસાહેબ સાથે કોઇની નજીકની ઓળખાણ હોય તો મારી આ વાત પહોંચાડજો.)

~ અમેરિકામાં સત્તા પરિવર્તન અને ચૂંટણી પ્રક્રિયા માટે આ વખતે ભારતીય ઉપખંડમાં લોકો અતિ-ઉત્સાહ દેખાડી રહ્યા છે જે મારી સમજ બહાર છે. હા મને તેના પરિણામ જાણવામાં રસ હોય છે પણ તેના કારણો વિશેની ચર્ચામાં પડવું ક્યારેય જરુરી નથી લાગ્યું. કોઇ કારણસર આ વખતે દેશ-વિદેશની બીજી બધી વાતોથી પણ દૂર રહી ગયો છું. જોકે તેનો કોઈ અફસોસ નથી. (એકંદરે શાંતિ છે.)

~ ટીવી ન્યૂઝ અને મીડીયાને તો ઘણાં સમય પહેલાં હાથ જોડી દીધા છે અને કેટલાયે લોકોને તેમ કરવા સલાહ પણ આપી ચુક્યો છું. ખરેખર, ગજબ માનસિક શાંતિ મેળવી શકાય છે અને પોતાની અંદર ઘણી નકારાત્મકતાને પ્રવેશતા અટકાવી શકાય છે. (આ કિંમતી સલાહ મફતમાં આપી છે એટલે કોઈ તેનું મૂલ્ય નહી સમજે એ મને ખબર છે.)

~ થોડા જ દિવસોમાં દિવાળી છે. પછી થોડી રજાઓ. દિવાળીની રજાઓ પછી મારા માટે અલગ પ્રવૃતિમાં પ્રવેશ લેવાનું થશે. થોડાક નવા લોકો, એક નવી પ્રવૃત્તિ અને તદ્દન નવી જગ્યા. હાલ તો તે સમય માટે ઉત્સાહમાં છું એટલે મજા આવશે એમ લાગે છે. (મારો આ ઉત્સાહ ટકાવી રાખે એવી રમેશભાઇને વિનંતી.)

~ વ્રજ-નાયરા દિવાળી-વેકેશનમાં નાના-નાની પાસે જવાની જીદ કરે છે અને મેડમજી તો ત્યાં જવા માટે રેડી જ હોય; એટલે એક ધક્કો ત્યાં થશે. આમ તો છોકરાંઓ માટે આ આખુ વર્ષ વેકેશન જેવું રહેવાનું છે, તોય સ્કુલમાંથી દિવાળીનું વેકેશન આપવામાં આવ્યું છે. (નિયમ એટલે નિયમ!)

~ દિવાળીએ ફરવા જવાનો વિરોધી હોવા છતાં આ વખતે ખબર નહી કેમ મને ક્યાંક જવાની ઘણી ઇચ્છા થાય છે. ક્યાંક દૂર થોડા દિવસ અજાણ્યા વાતાવરણમાં ગુમ થઈ જવાનું મન થાય છે. સાચું કહું તો લોકડાઉન-મોડ માંથી બહાર નિકળવા માટે મને એક બ્રેક જોઈએ છે. (જેમ હિરો હિરાને કાપે એમ આ બ્રેક મને લોકડાઉન અસરમાંથી બહાર કાઢી શકે છે.)

~ એમપણ મેડમજી અને બાળકોના પ્લાન નક્કી છે તો વિચારું છું કે તેમને ત્યાં મુકીને પછી એકલા ક્યાંક જઈ શકાય એવું ગોઠવું. (સ્થળ પણ કેટલાક શોધી રાખ્યા છે જ્યાં એકલાં જઈ શકાય.)

~ દિવાળી સુધી અહીયાં નિયમિત લખતા રહેવાનો વિચાર પણ છે. લોકડાઉન પહેલાં કરેલ એક-બે સ્થળ મુલાકાતની વાતો ઉમેરવા જેવી લાગે છે. તે સિવાય એમ જ કારણ વગર અથવા તો કોઈ કારણસર લખાયેલી અપડેટ સિવાયની અસ્તવ્યસ્ત વાતો પણ ડ્રાફ્ટમાં રાહ જોઈ રહી છે તો તેને પણ ન્યાય આપવાનો વિચાર છે. (અંતે તો મનમાં આવશે એમ જ થશે.)

👍

અપડેટ્સ – 191020

~ છેલ્લી અપડેટની પોસ્ટને લગભગ 3 મહિના થઇ ગયા છે! અહીયાં અલગ-અલગ વિષયે જે કંઇ ઉમેરાય છે તે બધું અપડેટ્સમાં જ ગણી લઇએ તો પણ અલગથી પોસ્ટ નથી લખાઇ એ નોંધ લાયક છે. (મતલબ કે મારા માટે નોંધ લાયક. બીજાને તો શું ફેર પડવાનો યાર)

~ પાછળના દિવસોમાં બાકી રહી ગયેલી ઘણી ફિલ્મો પણ જોવામાં આવી છે. જેમાં તાસ્કંદ ફાઇલ્સ, રેવા, ન્યુટન, કેસરી અને હવાહવાઇ જેવી મુવીએ મનમાં ખાસ જગ્યા બનાવી. કદાચ મારો ટેસ્ટ પણ બદલી રહ્યો છે; રોમેન્ટીક અને કોમેડી ફિલ્મો કરતાં હવે ઐતિહાસિક અને કોઇ મુદ્દા કે ઘટના આધારીત ફિલ્મમાં મને વધારે રસ આવે છે. (હું ગુજરાતી છું એટલે ફિલ્મનું બહુવચન ફિલ્મો જ કરીશ. જેને ન સમજાય તેઓએ જાતે સુધારીને વાંચી લેવું.)

~ અગાઉના મહિનાઓના પ્રમાણમાં સપ્ટેમ્બર મહિનામાં મારી સુસ્તી જણાય છે. લખવા લાયક ઘણી વાતો હોવા છતાં એક-બે કારણસર વધુંં લખી નથી શકાયું. (કારણ ન પુછશો, કેમ કે તે વિશે હું કંઇ કહી શકું એમ નથી.)

~ સપ્ટેમ્બરના પ્રમાણમાં ઓક્ટોબર મહિનાની સ્થિતિ વિરુધ્ધ છે. સખત વ્યસ્તતા રહી છે મહિનાની શરુઆતથી. વળી નવરાત્રી-દિવાળીનો સમય હોય એટલે કામમાં થોડી વધારે ભાગદોડ હોય એ સ્વાભાવિક છે. (સિઝનમાં બે પૈસા વધારે કમાઇ લઇએ તો એમાં કાંઈ ખોટુંય નથી ને ભાઇ.)

~ આ વખતે નવરાત્રીની શરુઆત વરસાદ સાથે રહી પણ ત્રીજા નોરતાં પછી રસીયાઓનો રંગ જામી ગયો. વરસાદ પ્રમાણમાં સારો કહી શકાય એવો રહ્યો અને લાંબા સમય સુધી પણ. (વાતાવરણ અચાનક પલટી જાય અને તડકામાંથી ધોધમાર વરસાદ આવીને બધા પ્લાન ફેરવી દે એવું આ વખતે થયા કર્યું.)

~ દેશના નેતાઓમાં અટલજી અને પર્રિકર બાદ અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજને ગુમાવ્યાનો અફસોસ થયો. તેઓ ચોક્કસ સ્મરણમાં રહેશે. (શ્રધ્ધાંજલી આપતા આવડતું નથી અને ઇશ્વર તેમના આત્માને શાંતી આપે એવું લખવામાં અમને અમારી માન્યતાઓ નડે છે.)

~ કાશ્મીરની વાતો, હાઉડી-મોદી, મંદી અને ચિદંબરમની બંદી જેવા મુદ્દાઓ સામાન્ય જનમાનસ પર હાવી રહ્યા. હવે બધે હરિયાણા-મહારાષ્ટ્રની ચુટણીની વાતો ચાલી રહી છે. હું લગભગ દરેક પ્રકારની ચર્ચાથી દુર રહ્યો છું. (વિદેશમાં પી.એમ.નું સન્માન સરસ વાત છે, તો પણ છેવટે દેશ સંભાળવો વધુ જરુરી હોય છે.)

~ કોર્પોરેટ ટેક્ષમાં થયેલ ઘટાડો નોંધલાયક વાત છે; ભવિષ્યમાં આ નિર્ણય ઘણાં વૈશ્વિક ઉદ્યોગકારોને ભારતમાં કારખાનાં સ્થાપવા આકર્ષી શકે છે. હું કોઇ ઇકોનોમીસ્ટ નથી પણ થોડીક સમજણ મુજબ કહી શકું કે હાલ તો આ ઘટાડા બાદ થનાર રાજકોષીય ખાધને પહોંચી વળવું પણ સરકાર માટે ચેલેન્જ રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે મંદીનો સમય છે અને હવે આપણી ઇકોનોમી પણ તેની અસરમાં છે.

~ દેશમાં મંદી છે તે સરકારે પણ સ્વીકારવું પડશે, તો જ તેના માટે યોજનાઓ બનાવી શકાશે. ફિલ્મોના કલેક્શન અને એમેઝોન કે ફ્લીપકાર્ટના ઓફર દિવસોમાં થયેલ વેચાણના આંકડા સાથે કુલ ઇકોનોમીને સરખાવી ન શકાય. (મંત્રીઓને સમજાતું ન હોય તો સાવ બાલીશ બહાનાઓ બતાવવાને બદલે ચુપ રહેવું જોઇએ.)

~ ન્યુઝ ચેનલોમાં પાકિસ્તાન અને ઇમરાનની વાતો હવે ઇરીટેટ કરે એ લેવલ પર છે. દેશ ઘણો મોટો છે અને આપણી પાસે ચર્ચા કરવા માટે હજુ ઘણાં જરુરી આંતરિક મુદ્દાઓ છે; તો તે તરફ પણ થોડું ધ્યાન આપે એવી સદબુધ્ધિ પત્રકારો મેળવે એવી આશા.

~ BJPના રાજકારણનું કેંદ્રસ્થાન એવા આયોધ્યા કેસમાં દલીલો પુરી થયા બાદ ફાઇનલ ચુકાદાની રાહ જોવાઇ રહી છે. લગભગ હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આવી જશે. (આશા રાખીએ કે 370 ની જેમ આમાં પણ બધું શાંતીથી પતે.)

~ મારો સ્પષ્ટ મત હતો કે આયોધ્યામાં રામ જન્મભૂમી બાબતે મુસ્લીમ પક્ષે પોતાનો દાવો છોડી અને મોટું મન રાખીને સામેથી જગ્યા સોંપી હોત તો ભવિષ્યમાં અન્ય ઘણાં મામલે તેઓ પ્રત્યે હિંદુઓની લાગણી હોત. આ કેસની હાર-જીત આવનારા સમયમાં બીજી ઘણી જગ્યાએ ઘર્ષણ ઉભું કરશે અને હવે તે ટાળી શકાય એમ નથી. (વધારે તુ-તુ મૈ-મૈ અને મારું-તારું થશે…)

~ હવે ઉપરની બધી વાતોથી અલગ વાત. આજકાલ મને એક બહુજ મોટું પરિવર્તન થઇ રહ્યું હોવાનું જણાય છે. આખી દુનિયા, આ દેશ અને આપણાં વિચારો નવા પરિમાણમાં ટ્રાન્સફર થઇ રહ્યા છે. જાણે કે કોઇ એવી થીંક-ટેંક છે જે ત્રીપલ શીફ્ટમાં કામ કરી રહી છે અને બધે જ એક પછી એક ઘટનાઓને ગોઠવી રહી છે.

~ આજે તમે કે હું જે કંઇ કરીએ છીએ, જે પ્રતિભાવ આસપાસની ઘટના કે સમાજ તરફ ધરાવીએ છીએ, તેમાં કોઇ પેટર્ન ચોક્કસ છે. ક્યાંક તો નેરેટીવ સેટ થયેલા છે; અથવા તો સેટ કરવામાં આવી રહ્યા છે. કોઇ વ્યક્તિ/સમુહ કે સમયની માંગ તેની પાછળ હોઇ શકે છે જે સામુહિક ભવિષ્યને ક્યાંક લઇ જવા માંગે છે અથવા તો આપણે સૌ કોઇ એક દિશા તરફ જવા માટે જાણતાં-અજાણતાં જોડાઇ ગયા છીએ. (જ્યારે મુળ માન્યતાઓ કે વિચારો બદલાતા હોય ત્યારે તેની પાછળના કારણો પણ વિચારવા જોઇએ એવું મને લાગે છે.)

~ આ બધું વાચનારને ઉપરની વાતો ડાર્કહોલમાં સમાતી હોય એવું પણ લાગી શકે છે. કારણ કે હમણાં હું જે કહેવા માંગુ છું તે ટુંકમાં કે સીધી રીતે કે સરળ શબ્દોમાં સમજાવી શકું એમ નથી. ઘણીબધી ગુંચવણભરી વાતો છે અને એકરીતે જોઇએ તો બધી સંભાવનાઓ જ તો છે. (ખરેખર ઘણું બધું છે આમાં અથવા તો કંઇ જ નથી!)

~ બીજી વાતો નવી પોસ્ટમાં ઉમેરવાના વિચાર સાથે આજે અહી અટકું છું. (ઉપરના મુદ્દે કંઇક વધુ ઉમેરવાના ચક્કરમાં આ પોસ્ટ 2 દિવસથી ડ્રાફ્ટમાં પડી છે.)