– આ દિવાળી પછીની પ્રથમ પોસ્ટ છે. ગમે તેમ તોયે નવા વર્ષની આ તાજી-તાજી પોસ્ટ ગણાય! (જરા નજીક આવીને વાંચી જુઓ તો આ પોસ્ટમાં તાજી-તાજી સુગંધ પણ આવશે!1)
– સૌને મોડે-મોડે પણ નવા વર્ષની શુભેચ્છાઓ. દિવાળી પછી હું એવો ખોવાયો’તો કે છેક આજે અહીયાં હાજર થયો છું. (ખબર છે યાર કે કોઇ મને એટલું ધ્યાનથી નથી વાંચતું કે હું કયાંય ખોવાઇ જઉ તો મને શોધવા નીકળી પડે! ફિર ભી દિલ કો બેહલાને કે લીયે યે ખયાલ……)
– પેલા અમિતાભ ભ’ઇ ઘણાં દિવસોથી કે’તા તા ને કે ‘કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા’ -તે આ દિવાળીયે તેમનું સાંભળીને થોડું કચ્છ ફરી આવ્યા. મજા આવી. (અમે એવા ભોળા છીએ કે કોઇ આમ વારંવાર કહે તો પછી તેમની વાતનું માન પણ રાખીએ.😇)
– રિવાજ પ્રમાણે વ્રજનું સવા વર્ષે મુંડન કરાવ્યું. માથે ‘ટકો” થયા પછી બોસ હવે “ટકા-ટક‘ લાગે છે! (ટકા-ટક ફોટો પબ્લીક ડિમાન્ડ ઉપર જ મુકવામાં આવશે. લિ.હુકમથી)
– હવે તો અમારા એ લાડ-સાહેબ ઘણાં-બધા શબ્દો બોલતા શીખી ગયા છે. તેની લગભગ જરૂરીયાત અને પસંદ હવે તે શબ્દોથી કહી શકે છે! હમણાંથી તેનો નવો શોખ છે: ટેબ્લેટ! તેમાં તેની મમ્મીએ (અને મેં પણ) મસ્ત-મસ્ત કાર્ટુન વિડીયો-ગીતો નાંખી આપ્યા છે કે તેને એકવાર ચાલુ કરીને મુકી દો એટલે પેલા ભાઇ તો એકીટશે જોયા જ કરશે. (તે લગભગ બધા ગીતોને હવે ઓળખે છે અને તેને કયો વિડીયો જોવાની ઇચ્છા છે તે તમને બોલીને કહેશે.)
– આ વર્ષે પણ લગ્નોની હારમાળા છે. આ વર્ષે નવી વાત એ છે કે મને જયાં કંટાળો આવતો તેવા લગ્નોમાં જવાનો હવે આનંદ આવે છે અને આજકાલ મને મીઠાઇ પણ ભાવવા લાગી છે! (ખબર છે કે મીઠાઇ બધાને ગમે પણ કોઇ-કોઇ મારા જેવાયે હશે કે જેમને તે પસંદ નહી હોય.)
– હવે ઠંડી ધીમે-ધીમે શરૂ થઇ રહી છે. ઠંડીની આ શરૂઆત ઉપરથી એમ જણાય છે કે આ વર્ષે ઠંડીનું જોર ઘણું રહેશે. (સ્વેટર-ધાબળા અને તાપણાંના લાકડા હાથવગા જ રાખજો, જરૂર પડશે.)
– આ ઠંડીમાં કંઇ ગરમા-ગરમ હોય તો તે છે ભારતનું રાજકારણ. એક વાત તો માનવી પડે કે ગુજરાતમાં ઇલેક્શન વખતે જે ગરમા-ગરમી દેખાતી હતી તેવો માહોલ અત્યારે આખા દેશમાં જણાય છે. (આ બધા પાછળ પેલા મોદીભાઇનો હાથ લાગે છે! આ ‘હાથ‘ અને ‘મોદી‘ એક વાક્યમાં સારા લાગે છે ને? નથી લાગતા? ઓકે, જવા દો એ વાત..)
– ચુટણીના આ માહોલ દરમ્યાન દરેક પાર્ટીના નેતાઓના શબ્દો અને કરતુતો જોઇને ચોખ્ખુ દેખાઇ આવે છે કે બધાને સત્તા જોઇએ છે અને શોર્ટકટથી મોટા બની જવું છે. જો કે ત્રીજા મોરચા કે અરવિંદભાઇ વાળી આમ આદમી પાર્ટીના સત્તા સુધી પહોંચવાના લખ્ખણ જણાતા નથી. (ગજું હોય કે ન હોય, જોર તો બધા લગાવવાના. આ વખતે ચુટણી પ્રચારના ભાષણોમાં હું લાલુપ્રસાદને ઘણાં ‘મીસ‘ કરીશ.)
– જો મારું ગણિત સાચું પડે અને શ્રી નરેન્દ્ર મોદી પી.એમ. બને તો પછી મારા ગુજરાતનું શું થશે? -એવા વિચાર પણ આવી રહ્યા છે. (જોયું, દરેક વખતે અમારા વિચારો નાના ન હોય, અમને આવા મોટા-મોટા વિચારો પણ આવે હોં!)
– મારા મતે જો એવું બને તો આનંદીબેન પટેલ અથવા તો સૌરભ પટેલનો ચાન્સ લાગી શકે છે. (અમિતશાહ મજબુત ઉમેદવાર છે, પણ હમણાં હલવાયેલા છે એટલે તેમને ગણતરીમાં ન લઇએ.)
– છેલ્લે હવે રાજકારણની વાતોથી જેમને કંટાળો આવતો હોય અથવા તો કોઇને એમ લાગતું હોય કે તેની સાથે અમારે શું લેવા-દેવા, તો તેમની માટે હાજર છે એક ટ્વીટ… (સમજને વાલે કો ઇશારા કાફી હૈ!)