થોડા ન્યુઝ અપડેટ્સ

. . .

(માત્ર મારા બગીચામાં નોંધ માટે)

લોકલ ન્યુઝ

– અણ્ણાજીએ મૌનવ્રત ધારણ કર્યું છે. : આજકાલ જે રીતે ન્યુઝમાં અણ્ણાજી વિશે જાણવાં મળે છે તે મુજબ કહી શકાય કે બિચારા અણ્ણાજી રાજકીય-નેતા નામના વિચિત્ર પ્રાણીઓના અતિવિચિત્ર વર્તન અને ગંદી-ચાલ સમજવામાં કાચા પડી રહ્યા છે. (ઇશ્વર તેમને થોડી ચાલાકી પણ શિખવે એવી આશા.)

– અણ્ણાજી ના સાથીઓમાં પણ હવે વધુ ફુટ પડી રહી છે. (કદાચ આ ઘટના પાછળ સત્તાપક્ષનો મજબુત પંજો હોઇ શકે !!)

– મોદી સાહેબની ઉપવાસ-સદભાવના કેવો રંગ લાવશે તે તો ભગવાન જાણે પણ તેમની સામે પડેલા શ્રી સંજીવ ભટ્ટ સામે અદાલતે સદભાવના દાખવી છે. (સંજીવ ભટ્ટ અને તે કેસ વિશે થોડુ ઘણું સંશોધન કર્યું છે. મને તો બંને પક્ષ પર શંકા છે. સાચુ-ખોટુ તો તે લોકો જાણે પણ આ કેસમાં મને કોઇ દુધે ધોયેલા નથી લાગતા.)

– ઘણાં લાંબા સમય પછી ભારતીય ક્રિકેટ ટીમને જીતનો સ્વાદ ચાખવા મળ્યો. આ ટીમને ઇંગ્લેન્ડ સામે મળેલ વ્હાઇટવૉસ નો બદલો લેવો છે. (ભગવાન તેમના બીજા કામ પડતા મુકીને આ લોકોની મહેચ્છા પુરી કરે એવી પ્રાર્થના.)

આંતરરાષ્ટ્રીય ન્યુઝ

– મહાન કહી શકાય એવો શાંતી પુરસ્કાર આ વખતે સંયુક્ત રીતે ત્રણ મહિલાઓ ને (હા મારા દોસ્ત ત્રણ મહિલાઓ ને !!!! તમે બરાબર જ સાંભળ્યું છે !!!) આપવામાં આવશે એવું નક્કી થયું છે. તેમાં તવક્કુલકરમાન (યેમેન) , એલેન જોન્સન (લાયબેરિયા) અને લેમાહ જીબોબી (આફ્રિકા) નો સમાવેશ થાય છે. (દુનિયાની કોઇ મહિલા કયારેય શાંતિનો એવોર્ડ જીતી ન શકે એવું મજાકમાં અમારા દાદાજી કહેતા…આજે દાદાજી હોત તો તેમને આ ન્યુઝ બતાવવાની મજા આવી હોત.)

– દુનિયામાં ઘણાં ઠેકાણે એપ્પલનો iPhone 4GS ઉપલબ્ધ થઇ ચુકયો છે. (લોકોએ જે રીતે લાઇન લગાવી હતી તેના ફોટો લગભગ બધા ન્યુઝપેપરમાં હતા.)

– ન્યુમેક્સિકોમાં દુનિયાનું પહેલું ” સ્પેસપોર્ટ ” (સ્પેસમાં જવા માટેનું એરપોર્ટ) તૈયાર થઇ ગયું છે. થેંકસ ટુ મિસ્ટર ” રિચર્ડ બ્રેન્સન “. મારું અંતરિક્ષમાં જઇને દેશ-દુનિયાને જોવાનું સપનું હવે બે લાખ ડોલર ચુકવવા જેટલું જ દુર છે. (જો કે ડોલરને રૂપિયામાં ફેરવીને આંકડો લગાવીએ તો આ સપનું પુરું કરવું હજુ ઘણું દુર કહેવાય. 🙁 )

– અમેરિકા અને લગભગ યુરોપમાં (તથા બીજા ઘણાં ઠેકાણે) દિવાળીના સમયે હોળી ચાલી રહી છે. આ વગર સિઝનની હોળીનો વિષય છે – ભ્રષ્ટાચાર !!! આમ તો અત્યારે આખી દુનિયામાં આ એક મુળ મુદ્દો છે. પબ્લીક બધી જગ્યાએ બીચારી જ છે અને સત્તા-પાવર જેમના હાથમાં છે તેઓ નકઢા થઇ ચુક્યા છે. (કાગડા બધે કાળા જ હોય, બસ થોડો કલર-શેડમાં ફરક હોય છે.)

. . .

આજની વાત – ૧૬/૧૦/૨૦૧૧

. . .

– આજે ફરી નવી વાત મુકયાને ઘણો સમય થઇ ગયો. શ્રી જગજીતસંહ’જી અને શ્રી સ્ટીવ જોબ્સ ની વિદાય પછી મન થોડુ સુનુ થઇ ગયું હતું. એટલે મનને મનાવવા થોડા દિવસ તેને ધંધામાં વધુ પરોવ્યું હતું.

– નવરાત્રી પુરી થઇ અને દિવાળી ઉંબરે આવીને ઉભી છે. તહેવારો પણ કેવા ઝટ ઉકેલાઇ જાય છે !!!

– નવરાત્રી તો દિલ ભરીને માણી પણ દિવાળી વિશે આવું કહી શકાય તેમ નથી. કામ ઘણું-બધુ છે એટલે આ વખતે દિવાળીની રજાઓ માણવાનું કેન્સલ કરવું પડે તેમ છે.

– જયારે નાના હતા ત્યારે એક દિવાળીથી બીજી દિવાળી સુધીનો સમય ઘણો લાંબો લાગતો. દિવાળી-વેકેશન કયારે આવશે તેની ગણતરી બે મહીના પહેલાથી થવા લાગતી. પણ હવે જીવનમાં કેટલી દિવાળી ઉમેરાઇ તે ગણવાનો સમય પણ નથી મળતો.

– દિવાળીની સિઝન આમ તો જામેલી છે પણ બજારમાં અત્યારે કયાંક નિરુત્સાહ પણ જોવા મળી રહ્યો છે. (જો કે કેટલાકને તો બારેમાસ મંદીનો પીરીયડ જ જણાતો હોય છે.)

– વર્ડપ્રેસ દ્વારા ગુજરાતી બ્લોગર માટે gu.wordpress.com નામનું અલગ સ્પેશીયલ નેટવર્ક પણ આપવામાં આવે છે તેની મને બે દિવસ પહેલા જ ખબર પડી. (આ પહેલા મારો બગીચો શાન થી અંગ્રેજી બ્લોગના નેટવર્કમાં સામેલ હતો !!!)

– મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મારા બગીચામાં અન્ય લોકોની જાહેરાત પણ દેખાય છે. તો તેમને સવિનય જણાવવાનું કે શ્રી વર્ડપ્રેસ માલિક દ્વારા આપવામાં આવતી આ ફ્રી જગ્યાનું ભાડું વસુલવાની તે એક ખાસ પધ્ધતિ છે. તે જાહેરાતો સાથે બગીચાના માળીને કાંઇ લાગતુ વળગતુ નથી તેની (ઘણી મોટી) નોંધ લેવી.
(તમે શું કહો છો દોસ્તો ? – આ વર્ડપ્રેસ-વાળા લોકોએ તે બધી જાહેરાત માંથી મળતી આવકનો કમ-સે-કમ ૧-૨ ટકા હિસ્સો તો મને આપવો જોઇએ ને… 😉 પણ તેમને કોણ સમજાવે !!! જવા દો…)

– બ્લોગરની પણ અલગ દુનિયા હોય છે અને તે દુનિયાની અલગ રીતરસમો પણ હોય છે એવું બધુ આજકાલમાં જાણવા મળ્યું છે. (આપણે તો આપણાં મનની જ કરવાના, જો કે બને ત્યાં સુધી કોઇનેય નડવું નથી.)

. . .