કોમેન્ટ હવે અટકીને આવશે, ગુગલ+ અને પ્રથમ ગુજરાતી-બ્લોગ સ્પર્ધાનું પરિણામ

. . .

– આમ તો મારા બગીચાની શરુઆતમાં જે સુંદર પ્રતિભાવ મળ્યા તે જોઇને દરેક કોમેન્ટ્સને મુકત આવકાર આપવો એવું નક્કી કર્યું હતું. પણ….. કેટલીક બિનજરુરી તથા અસભ્ય કોમેન્ટ અને ઢગલો સ્પામ (Spam) કોમેન્ટ્સ બાદ હવે મિત્રોના પ્રતિભાવોને તુરંત પ્રદર્શિત થવા દેવાના બદલે અટકાવીને રજુ થવા દેવામાં આવે એ જરુરી લાગે છે. (“પાડાના વાંકે પખાલીને ડામ….”)

– થોડા દિવસ પહેલા મારા એક મોટા નિયમનો મે જ ભંગ કર્યો છે. (પોતાની જાત ને શું સજા કરવી ? – જા… આ વખતે જવા દઉ છું પણ ફરીવાર ન થાય તેનું ધ્યાન રાખજે.)

– અમદાવાદમાં હવે સવાર-સાંજ થોડી ઠંડી લાગે છે (સ્વેટરનો ઉપયોગ કરવો પડે તે સિઝનને હજુ વાર છે.) અત્યારે તો સિઝન લગ્નો ની છે ભાઇ….

– ગુગલ+ માં સુધારાઓ અને સેવાઓ દિવસે-દિવસે વધી રહી છે. (તેનો મુળ લોગો પણ બદલાઇ ગયો છે… જોયો ?) મારા બગીચાનું ગુગલ+ પેજ બનાવ્યું છે. જુઓ અને જોડાઓ…
https://plus.google.com/105127746425592383671/posts
(આ બ્લોગમાં તેનું widget ઉમેરવું હતુ પણ ઘણાં પ્રયાસ બાદ લાગે છે કે હાલ પુરતું તે શક્ય નથી.)

– g+ માં દરેક જગ્યાએ ફેસબુકની કોપી દેખાઇ આવે છે !!! (આ ગુગલવાળાની પોતાની ક્રિએટીવીટી ખલાસ થઇ ગઇ છે કે શું ?)

– પ્રથમ ગુજરાતી બ્લોગ સ્પર્ધાનું પરિણામ થોડા દિવસ પહેલા જ આવ્યું છે.  આ સ્પર્ધાના આયોજકો અને પ્રતિભાવ આપનાર દરેક મિત્રોનું કાર્ય ખરેખર સરાહનીય છે. જે બ્લોગનો પ્રથમ દસમાં સમાવેશ થયો છે તે દરેક બ્લોગ ખરેખર તેમના સ્થાનને શોભાવે છે.

– સ્પર્ધાના વિજેતાઓ માટે જુઓ –
http://netjagat.wordpress.com/2011/11/18/winners-2011-competition/

. . .

બેક ટુ બિઝનેસ અને આજની વાત

. . .

– દિવાળીની રજાઓ પુરી થઇ છે. ઘણાં દિવસ મહેમાન, મુસાફરી, મુલાકાત અને મસ્તીમાં પસાર કર્યા હોય ત્યારે કામમાં જોડાવાનું આળસ થાય તે સ્વાભાવિક છે. (એમ તો હવે ઘરે કામ વગર બેસી રહેવાનો કંટાળો પણ આવે છે.)

– ભારતીય પ્રણાલિકા મુજબ મુહુર્ત કરી દીધુ છે અને હવે કાલથી કામમાં જોડાવાનું છે. ( જો કે સમય અને તારીખ જોઇને તો આજથી જોડાવાનુ છે એમ કહેવું પડે !!)

– કોઇ પ્લાન હતો નહી તો પણ રજાઓમાં 5-7 ગામ-શહેર ફરી વળ્યા છીએ એટલે એકંદરે રજા વસુલ(!!) કર્યાનો સંતોષ છે. આ દિવાળી યાદગાર રહેશે એવા એક-બે પ્રસંગ પણ બન્યા છે જેની નોંધ અહી પછી કયારેક લઇશ.

– આ વર્ષે ઘરે આવનારા મહેમાનોની સંખ્યા થોડી વધુ રહી. (ઘણાં સમય પછી મને અહેસાસ થયો કે મારા સગાં-વ્હાલાઓ આટલા બધા છે !! 🙂 ) કેટલાક સંબંધીઓ ને લાંબા સમય પછી મળ્યા નો ઘણો આનંદ પણ થયો.

– ઇંટરનેટ તો લગભગ છુટી ગયું હતું એટલે આજે ઘણાં દિવસે તેને પણ હાથમાં લીધું. ઘણાં ઇમેલના જવાબ આપ્યા છે અને બ્લોગ, ફેસબુક, ઓરકુટ પર એક-એક ચક્કર લગાવ્યો છે. યાર, આ ચક્કર મારવાના ચક્કરમાં અત્યારે રાત્રીના 03:30 (તેને સવારના પણ કહી શકો છો) થઇ રહ્યા છે છતાંયે હુ નવરો પડયો નથી. (બેડ હેબિટ – બીજુ શું !!)

– રજાના દિવસોમાં અમદાવાદમાં ધાર્યા મુજબ જ લોકોની અવરજવર વધુ રહી. કોઇ જગ્યાએ સુખે ફરવાનું સુખ પ્રાપ્ત ન થયું તેનું થોડુક દુઃખ થયું. (જો કે આ કોઇ નવી વાત નથી.)

– કેટલાક એવા ઇ-મિત્રો (એટલે કે.. ઇંટરનેટથી મળેલા મિત્રો !!) મારા જીવનમાં આવ્યા છે જેને અત્યારે તો નવા વર્ષની આકર્ષક ભેટ જ ગણી શકાય. કોઇ પાસેથી જીવતા તો કોઇ પાસે માણતા શીખવા જેવું છે. નિઃસ્વાર્થ મિત્રતા ખરેખર ઘણી સુંદર હોય છે, નહી !!

. . .

# વધારાની વાતઃ

– આજે ભુતપુર્વ (અને મારી માટે તો આજે પણ) વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય નો જન્મ દિવસ છે. (જો જો અહી “રાય” પાછળ “બચ્ચન” લખ્યું નથી એટલે એવુ કંઇ વાંચતા પણ નહી.. 😉 )  ચલો બધા મારી સાથે બોલો…. હેપ્પી બર્થ ડે ઐશ્વર્યા…

આજની વાત

તાઃ ૨૦-૯-૨૦૧૧

. . .

– બે દિવસથી વરસાદે આરામ ફરમાવ્યો છે એટલે લાગે છે કે હવે વરસાદના વળતા પાણી છે !!!

– રવિવારના દિવસનો એકદિવસીય નેટ-ઉપવાસ એકંદરે સફળ રહ્યો. (હા, સાંજે એક વખત મોબાઇલ દ્વારા ઇમેલ ચેક કરવાથી મારી જાતને હું રોકી ના શક્યો તેનુ પછી દુઃખ પણ થયું. )

– ન.મો.ના ઉપવાસ પત્યા અને નવા ઉપવાસ સત્રની જાહેરાત પણ થઇ. મોદીની આ નવી ફોર્મ્યુલા ચાલશે કે નહી તે તો સમય કહેશે.. અત્યારે તો તેમને તથા તેમના વિરોધીઓને રાજકીય રોટલા શેકવાનો સમય મળી ગયો છે અને પબ્લીકને વાગોળવા નવો મસાલો પણ !! 🙂

– પેટ્રોલના ભાવ વધ્યાનો આંચકો ગઇ કાલે બાઇકમાં પેટ્રોલ નખાવતી વખતે વધારે જોરથી લાગ્યો. (હવે તો મારી જુની સાઇકલને સમારકામ કરાવીને વાપરવાના દિવસો આવશે એ સમય દુર નથી લાગતો.)

– એક આઇડીયા આવ્યો છે કે – અમદાવાદમાં મોટા અને ખાસ રોડ પર સ્પેશીયલ સાઇકલ ટ્રેક બનાવીને લોકોને સાઇકલ સવારી તરફ આકર્ષિત કરવામાં આવે તો ઘણું બધુ ઇંધણ બચાવી શકાય અને લોકોની સેહત સુધરે તે નફામાં. (જો કે તે પહેલા આપણે ત્યાં બપોરના તડકાથી બચવા છાપરાવાળી સાઇકલો માર્કેટમાં ઉપલબ્ધ હોવી જરૂરી છે.)

– નવરાત્રી નજીક આવી રહી છે. દાંડીયા-રાસનો શોખ ખરો પણ બાજુમાં આવેલા પાર્ટી પ્લોટવાળા મોડે સુધી માથુ પકવશે તે યાદ આવતા આ તહેવારનો શોખ શોકમાં ફેરવાઇ જાય છે. (રોજ એકના એક ગીતો અને ગરબા આખરે કેટલી વાર સહન થાય ?? 🙁 )

– ફેસબુક પેજમાં નવું વેલકમ-પેજ બનાવ્યું છે – જોઇને અભિપ્રાય આપવા વિનંતી. આ રહી તેની કડી –  https://www.facebook.com/marobagicho?sk=app_106171216118819

– આ બ્લોગથી મળેલ શીખ – માત્ર પ્રોડકટ બનાવવામાં જ રચ્યા-પચ્યા રહેવા કરતાં તેનું યોગ્ય માર્કેટીંગ પણ કરતા રહેવુ જોઇએ. તો જ પ્રોડક્ટ માર્કેટમાં ચાલી શકે અને લાંબો સમય ટકી શકે. (ઉપરનું પેજ અને તેના સુધારાઓ માર્કેટીંગના જ એક ભાગ સમજવા.)

. . .