મુલાકાતઃ સાબરમતી આશ્રમ

સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ, અમદાવાદ. Sabarmati Ashram, Gandhi Ashram Ahmedabad

~ પોરબંદરના મોહનદાસ કરમચંદ ગાંધી જે સમયજતાં ગાંધીજી અને બાપુ તરીકે આખા ભારતમાં ઓળખાયા. તેમની મહાત્મા બનવા તરફની યાત્રાની શરુઆત જ્યાંથી થઇ તે જગ્યા એટલે આ સાબરમતી આશ્રમ.

સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ, અમદાવાદ. Sabarmati Ashram, Gandhi Ashram Ahmedabad

~ એક સમયગાળા દરમ્યાન ગાંધીજીનું રહેઠાણ રહેલ આ જગ્યા હવે ઐતિહાસિક સ્થળ છે; જેની મુલાકાતે વિશ્વભરથી પ્રવાસીઓ આવતા હોય છે… પણ અમદાવાદમાં કાયમી વસતા હોવા છતાં મેં 15 વર્ષ બાદ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી! (જેની પાસે હોય તેને તેની કદર ન હોય તે માનવ સ્વભાવમાં છે.)

~ આશ્રમ રોડ પર મહિનામાં 15 વાર જવાનું થતું હશે તો પણ કેમજાણે મનથી ઇચ્છા હોવા છતાંયે આ સ્થળે અટકવાના સંજોગ બનતા ન હતા. છેવટે એક બહાને દિવસ નક્કી થયો અને મુલાકાતનો પ્લાન બની ગયો. (ઘણીવાર મને ધક્કો મારનાર અથવા તો ખેંચી જનાર વ્યક્તિ કે કારણ ખુટતું હોય છે.)

~ અહીયાં 15-મી ઓગષ્ટના દિવસે આવવાનો પ્લાન હતો એટલે પહેલાંથી માનસિક રીતે તૈયાર હતો કે સ્વાતંત્ર્ય દિવસ હોય અને ગાંધી આશ્રમ જેવી જગ્યા હોય તો હાઇ-સિક્યુરીટી હોવી સ્વાભાવિક છે. એમપણ આવા દિવસોમાં રિસ્ક સામાન્ય દિવસો કરતાં વધુ રહે છે.

~ પહોંચતા પહેલાં વિચારીને રાખ્યું હતું કે ચારે તરફ કડક સુરક્ષા હશે એટલે કેમેરાને અંદર લઇ જવાની પરવાનગી પણ ન મળે, મોબાઇલને કદાચ ગાડીમાં જ રાખવો પડશે અને દરેક ખુણે તમારી ઉપર નજર રાખવા માટે કમાન્ડોઝ હાજર હશે; પણ અહીયાં તો સાવ અલગ અહેસાસ થયો. મુખ્ય એન્ટ્રીમાં એક-બે સામાન્ય પોલીસવાળા સિવાય કોઇ જગ્યાએ એવું કંઇજ ન જણાયું અને જે-જે વિચાર્યું હતું એવું તો કંઇ જ ન થયું!

~ અહીયાં બધી જગ્યાએ કોઇજ પ્રકારની રોકટોક વગર મનફાવે ત્યાં ફરી શકાય છે અને ઐતિહાસિક ઇમારતો તથા બીજા મુલાકાતીઓને ખલેલ ન થાય એમ જ્યાં ફાવે ત્યાંથી, જેવા ફાવે તેવા ફોટો ક્લીક કરી શકો છો! (આ મને વધારે ગમ્યું.)

~ કોઇપણ પ્રકારનો એન્ટ્રી ચાર્જ નથી અને અંદર કોઇ ફેરીયા/ભીખારીઓ કે ગાઇડનો ત્રાસ નથી એ પણ ગમ્યું. જો કોઇ વિષયે માહિતી કે ઐતિહાસિક જાણકારી ઇચ્છો તો આશ્રમના વ્યવસ્થાપકો વિસ્તારથી જણાવવા તત્પર છે. (બસ, એકવાર તેમને પુછવું પડે!)

~ ખરેખર શાંત અને રમણીય જગ્યા છે. આજે આ જગ્યાની સ્વચ્છતા અને સુંદરતા જાળવવા બદલ વ્યવસ્થાપકોને શાબાશી આપવી પડે! ગાંધીજી પોતે સ્વચ્છતાના આગ્રહી હતા અને તેમના આશ્રમમાં આજે પણ તેનું ધ્યાન રખાય છે તે સારું લાગ્યું.

~ અમારી પણ અંગત માન્યતાઓ અને કેટલીક વિચિત્રતાઓ છે કે જે આ મહાન વ્યક્તિત્વના દરેક વિચારો સાથે બંધબેસતી નથી. પરંતુ દેશની આઝાદી સમયના એક વિશિષ્ટ અને સમગ્ર દુનિયામાં સન્માનિત વ્યક્તિની ખાસ જગ્યા વિશેની આ મુલાકાત પોસ્ટમાં તે બધું ઉમેરવું યોગ્ય નથી લાગતું. (ક્યારેક અંદરની નકારાત્મકતાને કંટ્રોલ કરવી જરુરી હોય છે.)

# હવે છે સ્થળની મુલાકાત દરમ્યાન કરવામાં આવેલ ક્લીક્સઃ

નકશો - સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ, અમદાવાદ. Sabarmati Ashram, Gandhi Ashram Ahmedabad Map

# સ્થળ અને દિશા સુચક પાટીયાંઓ.. (આ ફોટો એટલાં માટે છે કે અહીયાં શું-શું આવેલું છે તે સમજી શકાય.)

આશ્રમમાં ગાંધીજી જે ઘરમાં રહેતાં તે ઘરના ફોટો..

*કોઇપણ ફોટો પર ક્લીક કરીને તેને પુરા કદમાં જોઇ શકાશે.

સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ, અમદાવાદ. Sabarmati Ashram, Gandhi Ashram Ahmedabad

# આશ્રમના પરિસરમાં બનાવવામાં આવેલ સુંદર મ્યુઝીયમ..

~ આ સંગ્રહાલયમાં મોહનદાસથી મહાત્મા બનવા સુધીની સફરની ફોટોગ્રાફ સાથે વિસ્તૃતમાં માહિતી છે અને એ પણ વાંચવી-જોવી ગમે તે રીતે સુંદર આયોજનથી ગોઠવાયેલી! જેના કેટલાક ફોટોગ્રાફ અહી નીચે જોઇ શકો છો..

સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ, અમદાવાદ. Sabarmati Ashram, Gandhi Ashram Ahmedabad
સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ, અમદાવાદ. Sabarmati Ashram, Gandhi Ashram Ahmedabad

મુલાકાતઃ મૈસુર શહેર

mysore palace karnataka

~ ક્યારેક નક્કી કર્યું હતું કે શહેરોની મુલાકાતની સિરીઝમાં મૈસૂર મુલાકાતની અપડેટ નોંધવામાં આવશે. વિચાર તો ઘણાં કરી રાખુ છું પણ અમલમાં આવતા વાર લાગી જાય છે. (લાગે છે કે આજકાલ મારી આદતમાં સરકારી કાર્યક્ષમતા ઘુસી રહી છે.)

~ બે દિવસમાં આ પોસ્ટ પુરી કરવાની હતી પણ થોડાક જ વધારે દિવસો ચાલ્યા ગયા છે. (થોડાક જ કહેવાય ને યાર.. હજુ 2-3 મહિના તો થયા છે. એમ અમે કંઇ ભુલતાં નથી હોં કે.)

~ વાત એમ છે કે આજકાલ જીંદગી થોડી આડીઅવળી ચાલે છે અને વળી આડાવળા કામકાજ પણ. મન ક્યાંય ઠેકાણે નથી એટલે ક્યારે, ક્યાં અને કેમ હોઇશ, શું કરતો હોઇશ એ જ નક્કી નથી હોતું તો જે પહેલા નક્કી થયેલું છે તે પણ અગડમ્-બગડ્મ થઇ ગયું છે. (વાત જ ના પુછતાં કે શું થયું છે.. કોઇને કંઇ કહેવા જેવું નથી. એકાદ પ્રાઇવેટ પોસ્ટનો ટાઇમ થઇ ગયો છે.)

~ આ બધામાં ક્યાંક મારી ભુલો હશે પણ બીજો બધો વાંક અન્ય લોકોનો અને આસપાસની પરિસ્થિતિનો છે. (ઓનેસ્ટલી, આ બધા મારા બહાના છે. મને પોતાને ખોટો ન કહેવાના 🙂 )

~ ચલો વિષય પર આવીએ.. આમ કંઇ પણ લખ્યા કરીશ તો વળી મુળ મુદ્દો સાઇડમાં રહી જશે. (એમ તો અત્યાર સુધી આ બગીચામાં આડીઅવળી વાતો સિવાય બીજું કંઇ ક્યાં ઉગાડ્યું જ છે! 😀 )

~ બેંગ્લૉર અને Bannerghatta નેશનલ પાર્કની મુલાકાત પતાવીને અમે સાંજે જ મૈસૂર તરફ નીકળવાનો વિચાર તો કર્યો હતો, પણ એમ બધાયનું ધાર્યું થતું હોત તો દરેકની દુનિયા કેટલી સરળ હોત! (મજાક-મજાકમાં કેવી મોટી વાત આવી ગઇ, હે ને?)

~ નેશનલ પાર્કમાં સફારી પછી બટરફ્લાય પાર્ક અને પ્રાણી સંગ્રહાલય જોવામાં અમે સાંજ કરી દીધી હતી. ત્યારબાદ હોટલમાં જમ્યાં અને બહાર નીકળ્યા ત્યારે રાત્રીની શરૂઆત થઇ ચુકી હતી. વળી આખો દિવસ એવા થાક્યા હતા કે રાતે મૈસૂર સુધી જવાનો વિચાર ઘણો ભારે લાગ્યો. છેવટે સવારે વહેલા મૈસૂરની યાત્રાએ નીકળીશું એવો નિર્ણય લીધો. (શું કરીયે યાર.. છેવટે પરિસ્થિતિ પ્રમાણે બદલતાં રહીએ એમાં જ તો જીવનયાત્રાનું શાણપણ સમાયેલું છે.)

~ બીજા દિવસે ડ્રાઇવર સમયસર આવી ગયો અને અમે સવારે વહેલા બેંગ્લોરથી નીકળ્યા મૈસૂર માટે. હજુયે બધા આગળના દિવસના થાકમાં હતા એટલે રસ્તો ઉંઘમાં જ પસાર થઇ રહ્યો હતો. બેંગ્લોર-મૈસૂર વચ્ચેના સવાસો કિલોમીટરના રસ્તામાં લગભગ અડધે પહોંચીને અમે સવારના નાસ્તા માટે અટક્યા હોઇશું એટલુંં યાદ છે. (ઉંઘમાં તો કેટલું યાદ રાખી શકાય ભાઇ..)

~ નાસ્તા પછી સીધા મસૂરી અટકવાનું હતું પણ સસરાની ખાસ ઇચ્છા હોવાથી કાવેરી નદીના કિનારે આવેલા કોઇ મહત્વના મંદિરમાં દર્શનના કાર્યક્રમને વાઇલ્ડકાર્ડ એન્ટ્રી આપવામાં આવી. આ મહત્વના મંદિરનો ફોટો નીચે જોઇ શકો છો. (અગર સસરાની ઇચ્છા હોય તો બોલો તેમને રોકનાર હું બની શકું? કોઇ જમાઇની આટલી હિંમત હોઇ શકે?)

પાતાળેશ્વર મંદિર, કર્ણાટક

~ સસરાએ દર્શનનો લાભ લીધો, વ્રજે કાવેરી નદીમાં ન્હાવાનો લ્હાવો લીધો અને અમે ફરી મૈસૂરના રસ્તે આગળ વધ્યા. પછી તો અડધા કલાકમાં જ પહોંચી ગયા હોઇશું. પહોંચી પહેલા વેજીટેરીઅન હોટલ શોધીને મસ્ત પેટપુજા કરી. (બપોરે લગભગ 1 વાગ્યે અમે ત્યાં પહોંચ્યા હોઇશું.)

કરણાટક રાજ્યમાં આવેલી કાવેરી નદી, kaveri, kauveri river of karnataka state
કાવેરી નદી

~ જમ્યા પછી રોડ પરના બોર્ડને જોઇને એક વેક્ષ મ્યુઝિયમમાં ગયા, પણ અમને તેમાં કંઇ ખાસ જોવા જેવું ન લાગ્યું અને પછી પ્રખ્યાત પેલેસની મુલાકાત માટે નીકળ્યા. પહોંચ્યા.

~ અહી એ ગમ્યું કે પેલેસમાં કેમેરા લઇ જવા પર કોઇ પ્રતિબંધ નથી અને વિઝિટર્સ માટે સારી વ્યવસ્થાઓ છે. (બેબીફીડીંગ માટે પણ એક અલગ પ્રાઇવેટ લેડીઝ-રૂમની વ્યવસ્થા છે, જે મને ઘણું ગમ્યું. મેડમજીએ તેનો ઉપયોગ પણ કર્યો.)

કરણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state
મૈસુરનો ઐતિહાસિક પેલેસ

~ જો હું જયપુર, કુંબલગઢ કે આગ્રાના કિલ્લા/મહેલની દ્રષ્ટિએ મૈસૂરના મહેલને દેખું તો મને આ મહેલ ઘણો સામાન્ય લાગ્યો. મારા મતે આ એક ઐતિહાસિક મહત્વ ધરાવતી આલિશાન ઇમારત છે જે સમયાંતરે નવા રુપરંગમાં ઢળતી રહી છે. જો કે આ એક શહેરી વિસ્તારમાં આવેલો હોવાથી અને નવા સમયમાં બનેલો હોવાથી પણ તેમાં કિલ્લેબંધી જેવી બનાવટ જરૂરી નહી હોય. (જયપુરઆં સીટી-પેલેસ પણ લગભગ આવી જ રીતે છે.)

~ અંદર અને બહારથી ઘણાં ફોટો લીધા છે જેમાંથી સિલેક્ટેડને અહી યાદગીરી માટે ઉમેરું છું. (મને કોઇપણ એન્ગલથી કંઇપણ ક્લિક કરતા રહેવાની આદત છે, તો બધા ફોટો સહન ન થાય ને..)

કરણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state
કરણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state
કરણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state
કરણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state
કરણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state
કર્ણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state
મહેલ, મસૂરી

~ એકંદરે સારું શહેર છે પણ મૈસૂરમાં વધુ જગ્યાઓ નથી ફરવા માટે. આ શહેર મુખ્યત્વે પેલેસ માટે જ પ્રખ્યાત છે. પેલેસ પતાવીને સસરાએ કોઇ ચામુંડેશ્વરીદેવીના મંદિરે જવાનું નક્કી કરી રાખ્યું હતું, અમે તે તરફ નીકળ્યા જે શહેરથી થોડું બહાર આવેલું છે. જેનો ફોટો અહી નીચે દેખાશે પણ માત્ર બહારથી જ. (અંગત રીતે હું મંદિર-મંદિર ફરવાનો વિરોધી છું પણ કોઇ કલાત્મક કે ઐતિહાસિક જગ્યા હોય તો મને ત્યાં જવાનો વાંધો ન હોય.)

મૈસૂર શહેરની પાસે આવેલું ચામુંડેશ્વરી દેવીનું મંદિર. Chamundeshwari Temple near maysore city of karnataka state
મૈસૂર શહેરની પાસે આવેલું ચામુંડેશ્વરી દેવીનું મંદિર. Chamundeshwari Temple near maysore city of karnataka state
મૈસૂર શહેરની પાસે આવેલું ચામુંડેશ્વરી દેવીનું મંદિર. Chamundeshwari Temple near maysore city of karnataka state

~ આ મંદિર ટીપીકલ સાઉથઇન્ડીયન સ્ટાઇલમાં બનેલું છે. શહેરથી દુર અને થોડી ઉંચાઇએ આવેલું છે. મને દર્શનમાં કોઇ રસ નહોતો પણ શહેરથી બહાર આવ્યા બાદ ડુંગરની ટોચ સુધી જવાનો રસ્તો ઘણો સરસ લાગ્યો. મારા સિવાય કોઇને તેમાં રસ ન હોવાથી ક્યાંય અટકવા ન મળ્યું અને રસ્તામાં ફોટો ક્લિક ન કર્યાનો અફસોસ રહેશે. (આસપાસ હરિયાળી અને વળી સુંદર વળાંકો વાળો રસ્તો. લગભગ માઉન્ટ આબુ જેવો રસ્તો કહી શકાય.)

~ દર્શન-વિધી અને ત્યાંજ આસપાસ નાની-મોટી શોપિંગ પતાવ્યા બાદ વૃંદાવન ગાર્ડનનો પ્લાન રેડી હતો. રસ્તો લગભગ એક કલાકનો હશે પણ અમે મંદિરમાં સમય વધુ બગાડ્યો હતો, એટલે ગાર્ડન પહોંચ્યા ત્યારે અંધારું થવાની શરૂઆત થઇ ચુકી હતી. (આ ગાર્ડનની પ્રવાસીઓ ખાસ મુલાકાત લેતા હોય છે. અમે પણ પ્રવાસી હતા.)

~ ઓકે, સુંદર બગીચો છે પણ એટલો ખાસ નથી કે તેની માટે લાંબુ અંતર કાપીને ત્યાં પહોંચાય. (જો સમય હોય તો ત્યાં હરિયાળી, પાણી અને બાજુમાં ડેમ જોવા જઇ શકાય પણ ખાસ અલગથી સમય ફાળવવો જરૂરી ન લાગ્યું.)

કર્ણાટકનું વૃંદાવન / બ્રીંદાવન ગાર્ડન. Vrundavan/brindava garden of karnataka state

~ અંધારું થઇ ચુક્યું હતું એટલે અમે લાઇટોની ઝગમગાટવાળી રોશનીમાં બગીચાનો આનંદ લીધો. ડાન્સીંગ ફાઉન્ટેન (નાચતા ફુવારા) જોવા રોકાયા. અહી વ્યસ્થાપકોએ લગભગ હજાર માણસો હાજર હશે તે સમયે જ કોઇ પણ સુચના વગર અચાનક લાઇટ બંધ કરીને આખા ગાર્ડનમાં અંધારું કર્યું, ત્યારે એકસાથે બહાર નીકળતા લોકોથી અરાજકતા જેવો માહોલ હતો. (જો કોઇ બાળક વિખુટું પડી જાય તો અંધારામાં તેને શોધવું મુશ્કેલ પડે તેવી સ્થિતિ હતી.)

~ વૃંદાવન ગાર્ડનથી બહાર નીકળ્યા અને થોડે આગળ જઇને જમ્યા. થોડી ચર્ચા-વિચારણા બાદ અગાઉ બનાવેલો હોટલમાં રાત્રી રોકાણનો કાર્યક્રમ અને શોપિંગ માર્કેટ્સની મુલાકાત રદ કરીને રાતે જ બેંગ્લોર રીટર્ન થઇ ગયા. (ત્યાં હવે એક દિવસ વધુ રોકાવામાં શોપિંગ સિવાય કોઇ કારણ નહોતું અને બીજા દિવસે સાંજે બેંગ્લોર એરપોર્ટ પણ પહોંચવાનું હતું.)

~ કાર્યક્રમ બદલતા/બનાવતા અમે છેવટે રાત્રે 2 વાગ્યે બેંગ્લોર પહોંચ્યા. સવારે ઉઠીને આસપાસમાં કંઇક નવું દેખીશુ એવી આશા હતી, પણ થાક અને મુસાફરીના લીધે અમારી સવાર બપોરે થઇ. વળી, એરપોર્ટ થોડું દુર હોવાથી અને સાંજના ટ્રાફિકના લીધે પણ વહેલા નીકળવું જરુરી હતું તો નવું કંઇ દેખવા ફરીવાર આ શહેરની મુલાકાત લઇશું એમ વિચારીને મન મનાવ્યું. (ચલ મન જીતવા જઇએ! > જોવા જેવી ફિલ્મ છે. આ તો યાદ આવ્યું, એટલે થયું કે કહી દઉ.)

~ હાશ, આજે ઘણાં દિવસથી ડ્રાફ્ટમાં ધુળખાતી આ પોસ્ટ અહી પુરી થાય છે. માહિતી થોડીક છે, પણ વધુ ફોટો હોવાના લીધે આ અપડેટ સામાન્ય કરતા વધુ લાંબી થઇ ગઇ છે. (સામાન્ય રીતે અમે લંબાઇની હદ જાળવવામાં માનીએ છીએ.)


ઇમેલ સબક્રાઇબર્સ તથા અન્ય રીડર-એપથી મારા બગીચાની અપડેટ્સ દેખતા લોકોએ જાણવા જોગ; એકવાર મુળ બગીચાની મુલાકાત લેશો તો ખબર પડશે કે મેં અહીયાં કેવા-કેવા સુધારા કર્યા છે. ભૈયા, જો દેખે વો હી જાને કી શબ્દો સે સજી હુઇ અસલી હરિયાલી કૈસી દિખતી હૈ!

મુલાકાતઃ Bannerghatta નેશનલ પાર્ક

~ આગળની અપડેટ્સમાં કરેલમાં પ્લાન મુજબ, એક જ દિવસ પછી, બીજી વાતો ઉમેરી દઇશ એવો વિચાર કર્યો હતો. (આવું કેમ કર્યું હશે તે અલગથી વિચારવા જેવો મુદ્દો છે. કમ-સે-કમ આવા વિચારો કરતા પહેલા મારે મારી આદતો અને વ્યસ્તતાને ધ્યાનમાં લેવી જ જોઇએ.)

~ ચલો, રમેશભાઇને ગમ્યું એ થયું એમ માની ને વાત આગળ વધારું.. (કોઇ તો વિચારતું હશે કે આ રમેશભાઇ કોણ છે!!.. જુઓ, મને પણ ખબર નથી; એટલે મને તો પુછવું જ નહી.)

~ હા તો અમે અટક્યા હતા બેંગ્લોરમાં, હવે જવાનુ હતું Bannerghatta નેશનલ પાર્કમાં..

Bannerghatta નેશનલ પાર્ક

~ આ પાર્કના નામનું શુધ્ધ ઉચ્ચારણ શું થાય તે વિશે ચોક્કસ ન હોવાથી તેને અંગ્રેજીમાં જ રહેવા દીધું છે. (લગભગ “બૅનરગટ્ટા નેશનલ પાર્ક” કહેવાય. પણ ચોક્કસ ખબર ન હોય તે વિશે હોંશીયારી ન બતાવવી જોઇએ એવું અમારા ગુરુ શ્રી બાબા બગીચાનંદજીશીખવ્યું છે. #આજ્ઞાકારી_શિષ્ય)

~ છોકરાંઓની ઇચ્છાને વશ અને કંઇક નવું જોવાની આશાએ અમે નેશનલ પાર્ક તરફ નીકળ્યા. બેંગ્લોરથી વધુ દુર નથી પણ તે જ દિવસે સાંજે મૈસૂર માટે નીકળી શકાય તે વિચારે અમે સવારે થોડા વહેલા નીકળ્યા. સ્થળ પર સમયસર પહોંચી ગયા અને સૌથી પહેલું કામ સફારીમાં એન્ટ્રી લેવાનું કર્યું.

~ બાળકો સાથે મોટાને પણ ગમે તેવું સ્થળ છે. કદાચ ગુજરાતમાં આવી જગ્યા કોઇ નથી જ્યાં દરેક પ્રકારના પ્રાણીઓને જંગલમાં જોઇ શકાય. ખુંખાર વન્ય જીવો ને આટલા નજીકથી આઝાદ ફરતાં પહેલી વાર દેખ્યા. વ્રજ માટે પણ આવો પ્રથમ અનુભવ હતો એટલે તેને પણ મજા આવી. (પહેલા આવા પ્રાણીઓને માત્ર પીંજરામાં પુરાયેલા દેખ્યા છે.)

Bannerghatta નેશનલ પાર્કની મુલાકાતે,

~ આ નેશનલ પાર્ક વિશાળ જગ્યામાં પથરાયેલો છે અને તેમાં ફરવા માટે બસની સુંદર વ્યવસ્થા છે (જેથી વન્ય પ્રાણીઓને ખલેલ કર્યા વગર અમે સામાજીક પ્રાણી બંધ બસમાં ફરી શકીયે.)

~ ત્યાં બટરફ્લાય પાર્ક ઠીક-ઠીક છે અને ઘણું વિશાળ પ્રાણી સંગ્રહાલય પણ છે! (જે જોવામાં અમે થાકી ગયા અને અધુરું મુકીને પરત થયા.)

~ ઘણાં ફોટો ક્લિક કર્યા છે પણ તે પછી કયારેક અલગ અપડેટ્સમાં દેખાશે..

# અત્યારે આ ફોટો જોઇ લો..

Bannerghatta નેશનલ પાર્ક, inside bust at bannerghatta national park
Bannerghatta નેશનલ પાર્કની મુલાકાતે
સિંહ, Bannerghatta નેશનલ પાર્ક
હાથીઓનું ઝુંડ, બેનરગટ્ટા નેશનલ પાર્ક
બટરફ્લાય પાર્ક, Bannerghatta નેશનલ પાર્ક.. પતંગીયાનો મેળો
બટરફ્લાય પાર્ક, Bannerghatta નેશનલ પાર્ક.. પતંગીયાનો મેળો

~ આજે આટલું ઠીક લાગે છે. હવે પછીના અપડેટ્સમાં મૈસૂરની વાતોને ફોટો સાથે નોંધવામાં આવશે. (આ વખતે સમય નક્કી નથી કરવો. પોતાની નજરમાં ખોટા પડવાની પણ હદ હોય યાર..)


# સાઇડટ્રેકઃ આ બગીચા થકી જેમના પરિચયમાં છીએ તેવા શ્રી ચંદ્રકાંતભાઇ સાથે ફોન પર મુલાકાત કરીને સંતોષ માન્યો. તેમના શહેરમાં હોવા છતાં રૂબરુ મળવા જઇ શકાય એટલો સમય મારી પાસે નહોતો; વળી અમે કોઇ એક જગ્યાએ અટકતા ન હોવાથી તેમને કોઇ ચોક્કસ જગ્યાએ મળવા બોલાવી શકાય તેવી પરિસ્થિતિ નહોતી. આશા છે કે ક્યારેક અમદાવાદમાં જ મુલાકાત થશે.