મુલાકાતઃ બેંગ્લોર શહેર

~ આટલા જ દિવસોમાં મારા બગીચામાં બીજીવાર આવવું એ જ મારી માટે એક અનોખી વાત છે! સૉ, થ્રી ચિયર્સ ટુ મી! (હીપ હીપ હુર્રે..)

~ છેલ્લી અપડેટ્સ નોંધતી વખતે માઉન્ટ આબુની ટ્રીપ વિશે લખ્યું હતું, પણ બે દિવસ પછી મનમાં એક વિચાર આવ્યો કે હું કંઇક ભુલી ગયો છું. (એમ તો હું આખા ગામના કામ અને ક્યારેક તો મને પણ ભુલી જઉ છું; તોય બોલો હું આવું લખીને અહીયાં નવાઇ કરું છું!)

~ હા તો મેં મારી જ જુની અપડેટ્સ ચેક કરીને જાણ્યું કે જ્યાં વારંવાર રખડવા જઇએ તેની નોંધ તો લીધી, પણ આ વર્ષમાં થયેલ બેંગ્લોર અને મૈસૂર શહેરની પ્રથમ મુલાકાત જ ભુલાઇ ગઇ છે. (આવુ છે મગજ મારું.. શું યાદ રાખે અને શું ભુલાવી દે, કહેવાય નહી!)

~ વિસ્તારથી લખવાનો વિચાર હતો પણ વિસ્તાર કરવા રહીશ તો આખા વિચારનું વતેસર થઇ જશે એટલે આજે જેટલી નોંધ થાય એટલી કરું, પછી તો જેવી રમેશભાઇની મરજી. (વાતનું વતેસર થતું બધાએ જોયું હશે પણ ‘વિચારોનું વતેસર’ એ અમારી નવી શોધ છે! ભાષામાં આ નવા યોગદાન બદલ કોઇ ચાહક મને બિરદાવવા માંગે તો હું રોકડ સાથે સ્વીકારી લઇશ. 😇)

~ સમય હતો એપ્રિલ મહીનાનો. અમદાવાદથી ઉડીને સીધા બેંગ્લોર પહોંચ્યા હતા એટલે મુસાફરીની મજા કે સજા જેવું કંઇ ન અનુભવાયું. (મારા મતે પ્લેન સમય બચાવે; પણ મુસાફરીની અસલી મજા ટ્રેનમાં આવે. ક્યાંક દુર પહોંચ્યા હોઇએ એવું પણ લાગે!)

~ મુસાફરી દરમ્યાન નાયરાને તો દરેક વિમાન પરિચારિકાએ (બોલે તો.. એર હોસ્ટેસ) આખા પ્લેનમાં એક પછી એક ફેરવી હશે. તેઓએ જાતે ઘણાં ફોટો ક્લીક કર્યા અને થોડા અમારી પાસે કરાવ્યા છે! ઉપર હેડરમાં પણ તેવો જ એક ફોટો છે. (નાયરાને તેની સાથે જોઇને કોઇને ગેરસમજ ન થાય એટલે આ ચોખવટ કરી છે.)

~ બેંગ્લોર જવાનું કારણ આમ તો પારિવારીક હતું, પણ આટલે દુર ગયા હોઇએ તો બે નવી જગ્યા જોઇ લઇએ એમ વિચારીને આસપાસ ફરવાનું પણ ગોઠવ્યું હતું. બેંગ્લોરમાં ટ્રાફિક ખરેખર વધારે છે પણ વ્યવસ્થા અને ડ્રાઇવિંગ સેન્સ સારી લાગી મને. (દરેક અમદાવાદીએ નોંધવા જેવું છે કે આપડી ટ્રાફિક સેન્સ ખરેખર ભયાનક છે.)

~ સાંભળ્યું હતું એટલું સુંદર વાતાવરણ ન લાગ્યું; પણ સવાર-સાંજની ઠંડક બહુજ મસ્ત લાગી. વાતાવરણમાં થતા ફેરફારની અસરના કારણે ગરમી હવે વધી છે એવું સ્થાનિકનું કહેવું છે. આસપાસના લોકો મળતાવડા ઓછા લાગ્યા. (મારો અનુભવ કે અનુમાન ખોટા પણ હોઇ શકે છે.)

~ બેંગ્લોરમાં આમ-થી-તેમ થોડું રખડ્યા અને એક-બે મુખ્ય સ્થળ દેખ્યા. ત્યાં ફરવા માટે અમારી પાસે સમય માત્ર એક દિવસનો હતો અને વળી રસાકસીવાળી ચુટણીના ચક્કર ચાલુ હતા એટલે વધારે ફરવા જેવું ન હતું. (અમદાવાથી નીકળતી વખતે જે પ્લાન બન્યા હતા એ તો હવામાં જ છુ થઇ ગયા હતા.)

~ સીટીની ટ્રાફિક, ઇલેક્શન ટાઇમ અને અનુભવીઓના મંતવ્યના આધારે મૈસૂર જવાનો પ્લાન બનાવવામાં આવ્યો. જો કે ચિલ્લર પાર્ટીની એક્સ્ટ્રા ડિમાન્ડના લીધે સૌથી પહેલા Bannerghatta National Parkની મુલાકાત લેવાનું નક્કી થયું. (સમય-સમય બલવાન હૈ ભૈયા..)

~ જે રીતે હું અત્યારે લખી રહ્યો છું તે રીતે લખતો રહીશ તો આ પોસ્ટ ઘણી લાંબી થશે એમ જણાય છે. પણ અત્યારે પુરતો સમય નથી અને ઉમેરવા માટે બીજી વાતો પણ છે એટલે હવે બીજી વાતોને આવતીકાલે ચોક્કસ ઉમેરવાના વિચાર પર મુકવી ઠીક લાગે છે. (મારી ઇચ્છા છે કે આવતીકાલે જ હું ઉમેરી શકું.)


#સાઇડટ્રેક – આ શહેરોના નવા નામ બેંગ્લુરુ અને મય્સુરુ સ્વીકારવામાં મારા વિચિત્ર મનને મનાવવું પડશે. ત્યાં સુધી જુના નામથી ચલાવી લેવા વિનંતી. 🙏 (અથવા ચોખ્ખી ધમકી. 😂)

અપડેટ્સ-40 [May’14]

~ અગાઉ દેશ-ચુટણી-રાજકારણ અને જન્મદિવસની અપડેટ્સ વચ્ચે રોજબરોજની વાતો લગભગ ભુલાઇ ગઇ છે એટલે આજે તેને પ્રાથમિકતા આપવામાં આવી છે; પરંતુ તેની સાથે-સાથે કેટલીક જરૂરી રાજકીય વાતોને પણ અહી જ સમાવી લેવામાં આવી છે. (શું ખબર… ફરી આવો સમય મળે કે ન મળે…)

~ શરૂઆત કરીએ એક ખાસ મુલાકાતથી… થોડા દિવસ પહેલા ગુજરાતી-બ્લૉગીંગ-દુનિયાના મહામહિમ અને અમારા બ્લોગીંગ માર્ગદર્શક અને આદર્શ એવા શ્રી શ્રી કાર્તિકભાઇ સાથે અમદાવાદમાં જ રૂબરૂ મુલાકાત કરવામાં આવી. તેમના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે મારી માટે થોડો સમય ફાળવવા બદલ સંસ્થા તેમનો આભાર વ્યક્ત કરે છે. (રૂબરૂ મુલાકાતની શ્રુંખલામાં આ લગભગ ત્રીજા વ્યક્તિને મળવાનું થયું હશે.)

~ કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ બે સાવ ભિન્ન ક્ષેત્રના વ્યક્તિઓ મળે ત્યારે વાતચિત કયા મુદ્દે કરવી તે પ્રશ્ન ઉદભવે તે સ્વાભાવિક ઘટના છે. જો કે મારી માટે વાતચિત કરતાં આ મુલાકાત વધુ જરૂરી હતી, એટલે મને તો કોઇ વાંધો નહોતો. પણ કાર્તિકભાઇની સમસ્યા અંગે હું ચોક્કસ કહી ન શકું. અમે એકબીજાના મુખ્ય વિષયની થોડીક વાતો કરી. (થોડીક એટલા માટે કે તેમના વિષયમાં મને ટપ્પી ન પડે અને મારા વિષયની બોરિંગ વાતોથી તેમની દુર રાખવાનો મારો નેક ઇરાદો!) એટલે મારા ચિત્ર-વિચિત્ર વિચારોની સાથે-સાથે અમે પરિવાર-દેશ-દુનિયા અને આસપાસના લોકોની ‘પંચાત’ વધુ કરી. (આ મુલાકાત દરમ્યાન આદત મુજબ હું જ વધારે બોલ્યો હોઇશ અને તેમને બોલવાનો ઘણો ઓછો ચાન્સ આપ્યો હશે એવું મારું માનવું છે.)

~ ટેણીયાંને અને તેની મમ્મીને બે દિવસ પહેલા જ ઘર-ભેગા કરવામાં આવ્યા છે. (વેકેશન પુરું થયું!) અને સુનું-સુનું ઘર ફરી ગાજતું થઇ ગયું છે.

~ વ્રજને હવે નાના-નાના સવાલોના જવાબ આપતા આવડી ગયું છે. અમે જે બોલીયે તેના પાછળના શબ્દો રીપીટ કરવામાં પણ છોટું-સાહેબ માસ્ટર થઇ ગયા છે! લગભગ દરેક શબ્દો ચોખ્ખા બોલે છે. (જો કે ચમચીને તો હજુપણ તે ‘મન્ચી’ જ કહે છે! -આ શબ્દથી યાદ આવ્યું કે તેની ભાષામાં બોલાતા શબ્દોનું લિસ્ટ બનાવવાનું ભુલાઇ જાય છે.)

~ પોણા બે વર્ષનો આ ટેણીયો હવે અમને સવાલ પણ પુછે છે! કોઇ પણ નવી વસ્તું દેખે એટલે તેની તરફ આંગળીથી ઇશારો કરીને તેનો સવાલ તૈયાર જ હોય, “પપા, આ શું છે?” (જો કે અત્યારે તો કંઇ પણ જવાબ આપી દો, સ્વીકારી લે છે.)

~ લગભગ ૨૨ દિવસ સુધી એકલા રહેવાનો સૌથી મોટો ફાયદો એ રહ્યો કે છેલ્લા છ મહિના દરમ્યાન ચુકી જવાયેલી ઘણી ફિલ્મને જોઇ લેવાઇ. એમ તો કામકાજમાં પણ વ્યસ્તતાનું પ્રમાણ વધારે રહ્યું. હવે થોડા દિવસોમાં દરેક વ્યક્તિ/પેઢીનો ઇન્કમટેક્ષ ભરવાનો હોવાથી એકાઉન્ટને ફાઇનલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે એટલે દિવસો કાગળીયા વચ્ચે વ્યતિત થઇ રહ્યા છે.

~ છેલ્લા અઠવાડીયામાં જ રવિન્દર સિંઘના બે પુસ્તક1ને ઉપરાઉપરી વાંચવામાં આવ્યા. પુસ્તકો માટે હવે મારા બગીચામાં એક અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે જેમાં વાંચવામાં આવેલા પુસ્તક અંગે મારા મંતવ્યો રજુ કરતા રહેવાનો વિચાર છે. નવા વિભાગ માટે જુઓ- અહી.

~ આજકાલ ગરમીનો પારો 44-45 ની આસપાસ રહેવાના કારણે સખત ત્રાસદાયક વાતાવરણ છે. સવારે વહેલા અને રાત્રે થોડી-થોડી ઠંડક રહે છે પણ તે સિવાય આખો દિવસ સખત બફારો અનુભવાય છે. બપોરે 1 થી 5 દરમ્યાન તો બહાર નીકળી ન શકાય એવી હાલત છે. હવે તો વરસાદનો ઇંતઝાર છે. (કયારે વરસાદ આવે ને… કયારે મન મોર બની થનઘાટ કરે…)

~ મારા આ બગીચાના રૂપરંગમાં ફરી બદલાવ ન કરવાનો વિચાર કર્યો હોવા છતાં એક નાનકડો ચેન્જ કરવામાં આવ્યો છે. હવેથી બેકગ્રાઉન્ડમાં લીલો-લીલો બગીચો જોઇ શકાશે. (આ હરિયાળા બેકગ્રાઉન્ડ વિના મારો બગીચો મને સુકો-સુકો લાગતો હતો!)

~ આખરે દેશમાં અબકી બાર મોદી સરકાર આવી જ ગઇ. જેમ ફેસબુક પર લોકોને કહેતા સાંભળ્યા છે એમ હું કહી શકું છું કે નરેન્દ્ર મોદીની જીત માટે અમે પણ સચોટ આગાહી કરી હતી. જો કે હું અહીયાં તે બધું કહીને આપબડાઇ કરવામાં માનતો નથી એટલે કંઇ જ કહેતો નથી. (જોયું! ના-ના કહેતા કહી પણ દીધું છે! 😉 અને જો કોઇને ખાતરી કરવી હોય તો નવેમ્બર-2013 થી ચુટણી પરિણામ પહેલાની વાતો જોઇ લેવી.)

~ આ વખતે પ્રથમવાર દેશના વડાપ્રધાનની સપથવિધિનો શાનદાર સમારોહ નિરાંતે નિહાળવામાં આવ્યો. જો કે એક-ને-એક સપથ અલગ-અલગ વ્યક્તિઓના મુખે સાંભળીને ત્યાં પધારેલા મહેમાનોની જેમ મનેય કંટાળો આવતો હતો; પણ સપથવિધી બાદ નવા-નવા વડાપ્રધાનના મુખે કંઇક સાંભળવાની લાલચે ટીવી સામે બેસી રહ્યો હતો. પણ છેક સુધી તેઓ ન આવ્યા. 🙁 (વડાપ્રધાન બન્યા પછી અત્યાર સુધી મોદી’જી નું કોઇ જાહેર ભાષણ સાંભળવા નથી મળ્યું. જો કે સુત્રોથી મળતી જાણકારી અનુસાર બે દિવસમાં વડાપ્રધાન દેશની પ્રજાને સંબોધન કરશે એવા સમાચાર છે.)

~ સપથવિધી બાદ મોદીસરકાર જે રીતે કામકાજ કરી રહી છે તે જોતા લાગે છે કે અચ્છે દિન જલ્દ હી આ જાયેંગે.. જો કે કેટલાક લોકોને તેમાં શંકા પણ છે. (આ કેટલાક લોકો આજકાલ કોંગ્રેસી તરીકે ઓળખાય છે! આમ તો હવે સરકારના દરેક કાર્યોમાં શંકા કરવી તેમની ફરજ પણ છે.)

~ દેશના પડોશીઓ સાથે જે રીતે નિકળતા કેળવવામાં આવી રહી છે તે પ્રક્રિયાને અમે સંપુર્ણ ટેકો આપીએ છે. અમે અગાઉ જણાવી ચુક્યા છીએ કે આસપાસના દેશ સાથેના વિવાદિત મુદ્દે વાતચિત એ શ્રેષ્ઠ વિકલ્પ છે. પણ જો સામે પક્ષે શાંતિ-પ્રયાસના બદલે વારંવાર છમકલાં કરવામાં આવે તો યુધ્ધને અમે છેલ્લો વિકલ્પ પણ ગણીયે છીએ. (તમને એમ લાગશે કે હું તો એવી રીતે મારો મત જણાવી રહ્યો છું કે જાણે અમારા આ મતથી કોઇ મોટો ફરક પડવાનો હોય!)

~ મારી ધારણા મુજબ જ ગુજરાતમાં હવે મોદી-સરકારની જગ્યાએ પટેલ-સરકાર આવી ગઇ છે. (જુઓ- છ મહિના પહેલાની આગાહી) મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના પ્રમાણમાં આનંદીબેન થોડા કમજોર ચોક્કસ છે પણ તેમની ઉપર સાહેબનો હાથ રહેશે એટલે વાંધો નહી આવે એવું અમારું માનવું છે. (આનંદીબહેનની ગણના કડક વ્યક્તિ તરીકેની છે, પણ રાજકારણમાં કડક વ્યક્તિત્વ કરતાં સમય અનુસાર નિર્ણય લઇ શકે એવી પ્રેક્ટિકલ વ્યક્તિ વધુ સફળ રહે છે.)

~ રાજકારણ વિશેની અપડેટ્સ તો ઘણી છે પણ આજે અહી અટકીએ તે ઠીક રહેશે. બીજી કોઇ અપડેટ્સ ધ્યાનમાં આવતી નથી અને સંપુર્ણ કોમર્સીયલ-ઇવેન્ટ એવી IPL માં મને જરાયે રસ ન હોવાથી તેની કોઇ જ વિગત મારા બગીચામાં ઉમેરવાની જરૂર લાગતી નથી. (ચોખવટ: અહી માત્ર અમારું જ શાસન હોવાથી અમને રસ હોય એ જ માહિતી ઉમેરવામાં આવે છે.)

# આજનો કોશ્ચન2

Feb’14 : અપડેટ્સ

– ગયા મહિને ચાર પોસ્ટથી બે વર્ષનો રેકોર્ડ તોડવામાં આવ્યો એટલે તેની ખુશીમાં આટલા દિવસ સુધી એકપણ નવી પોસ્ટ મુકવામાં નથી આવી. (આ એક બહાનું છે.)

– જાન્યુઆરીના પાછળના દિવસો નાગપુરમાં વિતાવ્યા. નાગપુરની આ મારી પ્રથમ મુલાકાત હતી. શહેર એકંદરે શાંત છે અને હરિયાળું લાગ્યું. મુખ્ય સ્થળોની નિરાંતે મુલાકાત લીધી. (દરેક જગ્યાએ ફોટો ક્લિક કર્યા છે પણ અહી તેને અપલોડ કરવાથી આ પોસ્ટ લાંબી બની જશે.)

– થોડા સમય પહેલાં બનેલી એક ફ્રેન્ડ કે જે ત્યાં (નાગપુરમાં) RJ છે તેના રેડીયો સ્ટેશનની મુલાકાત પણ લેવામાં આવી. સાથે-સાથે બીજા RJને મળવાનો અને રેડીયો સ્ટેશનની દરેક કામગીરીને શાંતિથી નિહાળવાનો મોકો મળ્યો. (આ ગુજરાતી છોકરી નાગપુરમાં ફેમસ RJ છે તેવું રેડીયો સ્ટેશનના હેડ-મેનેજર કમ ઇન્ચાર્જ દ્વારા જાણીને એક ગુજરાતી તરીકે ગર્વ થયો.)

– 26 જાન્યુઆરીની ઉજવણી આ વખતે RSS ના નાગપુર હેડક્વાર્ટરમાં કરવામાં આવી. RSS નો ડ્રેસકોડ થોડો અપગ્રેડ થવો જોઇએ એવું લાગ્યું એટલે ત્યાં એક મહોદયને સુચવ્યું, (તેમને ન ગમ્યું. મને પણ આ મફત સલાહ આપવાની આદત બદલવી જોઇએ એમ લાગ્યું.)

– યાદ રાખવા જેવું: હાવડા એક્સપ્રેસના સ્લીપર ક્લાસમાં કયારેય મુસાફરી ન કરવી.

– નાની બહેનના ટેણીયાં (એટલે કે મારા ભાણીયાં) ના નામની કોઇ બાધા ઉતરાવવા તેની સાથે બેચરાજી મંદિરની મુલાકાત લેવામાં આવી. દર્શનમાં તો રસ ન હોય એટલે મુર્તી ઉપરાંત સ્થળ-કારીગરી અને પરિસરને નિહાળવામાં સમયનો સદુપયોગ કરવાનો અમારો નિયમ છે. (મારી આ આદત લગભગ મારા દરેક પરિવારજનો હવે જાણે છે એટલે તેઓ પણ મને તે બાબતે વધુ આગ્રહ નથી કરતા.)

– મંદિરમાં બે-ત્રણ જગ્યાએ ‘ખિસ્સા કાતરુંથી સાવધાન’ના પાટીયાં જોઇને સવાલ થયો કે આખી દુનિયામાં ઠેર-ઠેર ફેલાયેલા ભક્તોની સંભાળ રાખનારાં માતાજી પોતાના જ ઘરમાં ભક્તોનાં ખિસ્સા કેમ સાચવી નહી શકતા હોય? (મારા મગજમાં કોઇ કેમીકલ લોચો થયેલો છે એટલે મને આવા સવાલ ઉદભવે તે સ્વાભાવિક છે. ભક્તોએ દિલ પર ન લેવું.)

– સાથે આવેલા વ્યક્તિએ માતાજીની મહત્તા જતાવવા સીજનમાં કેટલી લાંબી-લાંબી લાઇનો લાગે તેનું અતોશ્યોક્તિભર્યું વર્ણન કરતાં કહ્યું કે અમે નસીબદાર છીએ કે આટલી સરળતાથી માતાજીના દર્શન થઇ ગયા! (વસંતપંચમીનો એ દિવસ હતો અને ઘરેથી નીકળતી વખતે મને તો લાગતું હતું કે આજે માતાજી પહેલાં સખત ભીડના દર્શન કરવા તૈયાર રહેવું પડશે.) અને વાત પુરી કરતાં કહ્યું કે અહીયાં સુધી આવો અને સંખલપુર દર્શન કરવા ન જાઓ તો યાત્રા (અને બાધા પણ) અધુરી રહી જાય! બીજો વિકલ્પ નહોતો, ભક્તોનો આગ્રહ મને ત્યાં પણ ખેંચી ગયો.

– સંખલપુર પહોંચ્યા ત્યારે મુર્તીની આગળ બંધ દરવાજે તાળું મારેલું હતું. પુજારીએ જણાવ્યું કે મંદિરમાં માતાજી સુઇ ગયા છે. અમે પાછા વળ્યા. (સાથે આવેલાઓને મોડા પહોંચવા બદલ અફસોસ થયો પણ મને એવી કોઇ લાગણી ન થઇ.) ત્યાં જ જમ્યા.

– ત્યાંથી પરત આવતી વખતે મારા આગ્રહના કારણે બધાને સુર્યમંદિરની મુલાકાત લેવી પડી. ઘણાં વર્ષો બાદ તે સ્થળની નોંધ લીધી. ચારે બાજુથી ફોટો ક્લિક કરવામાં આવ્યા. (આ ફોટોમાંથી એક-બે ફોટોને ભવિષ્યમાં અહી ચોક્કસ રજુ કરવામાં આવશે.)

– ગયા રવિવારે વ્રજ અને તેની મમ્મીને લેવા અમદાવાદ-ભરૂચ-અમદાવાદની સીંગલ-ડે ટ્રીપ કરવામાં આવી. અમારું બાપ-બેટાનું લગભગ વીસ દિવસે મિલન થયું. તેના ફોટો-વીડીયો રોજે-રોજ જોવા મળતાં પણ રૂબરૂની વાત અલગ જ હોય! (અમે એકબીજાને જોઇને ઘણાં ખુશ થયા અને તે આખો દિવસ સાથે જ વિતાવ્યો. હા, ઘણાં દિવસે મેડમજીને મળીને પણ આનંદ થયો.)

– તો આ બધી હતી પાછળના થોડા દિવસોની સ્ટોરી. તાજી વાતોમાં એવું છે કે હમણાંથી ચારેય બાજુ લગ્નો ચાલી રહ્યા છે અને અમે તેમાં યથાયોગ્ય હાજરી-ફાળો આપી રહ્યા છીએ. ઠંડી વળી પાછી આવી હોય એવું લાગે છે. આજકાલ ઓનલાઇન ઘણાં અખતરાઓ કરવામાં આવી રહ્યા છે જેની નોંધ યોગ્ય સમયે અહી કરવામાં આવશે.

– અને છેલ્લે, ટ્વીટ ઑફ-ધ-ડે! (આ અનુભવની વાત નેક્સ્ટ પોસ્ટમાં)