જાન્યુઆરી’13 : અપડેટ્સ-2

. . .

– નેધરલેન્ડથી આવેલા સજ્જને વિદાય લઇ લીધી છે અને હવે તેઓ તેમના ઠેકાણે પણ પહોંચી ગયા છે. (અમદાવાદની ‘વ્યવસ્થિત’ ટ્રાફિક-સેન્સ અને રસ્તા વચ્ચે ‘હકથી’ રખડતી ગાયો-કુતરાઓને જોયા બાદનો તેમનો ચહેરો જોવાનો લ્હાવો હવે નહી મળે!)

– ઠંડી આ વખતે જવાનું નામ જ નથી લેતી. (જો કે તેના કારણે આજકાલ બે સ્વેટર પહેરવાથી હું થોડો ‘ભર્યો-ભર્યો’ દેખાઉ છું!)

– ટેણીયો અને તેની મમ્મી દસ તારીખે ઘરે આવશે પણ તેમને લેવા બે દિવસ વહેલા જવાનું છે. (વ્યવહાર છે ભાઇ.. આ વખતે તો સાચવવો જ પડશે.)

– દિલ્લીગેંગરેપ કેસના એક ‘ખાસ’ આરોપીને સગીર ગણીને છોડી દેવાશે !! (બોલો.. અંધાકાનુન જીંદાબાદ!!)

– વચ્ચે બગીચામાં બદલાવના ચક્કરમાં ઉત્તરાયણની અને તેની આસપાસની અપડેટ ચુકી જવાઇ અને હવે તો હું પણ ભુલી ગ્યો કે મેં ત્યારે શું કર્યું હતું!! (ગુજરાતી ભાષાની સિસ્ટમ પ્રમાણે આ એક ‘શું’ ની જગ્યાએ ‘શું-શું’ આવે; પણ એમ લખું અને તમે મારી મજાક ઉડાવો તો…? એટલે ચેતીને ‘એક’માં જ પતાવ્યું છે. 😉 )

– થોડા સમયમાં ઘણાં લગ્નો ‘પતાવ્યા’. હજુયે બે લગ્નો બાકી છે અને બંને મારું ‘તેલ’ કાઢી નાખશે એ ચોક્કસ છે. (હે પબ્લીકના પરવરદીગાર, ઠંડી થોડી ઓછી કરોને યાર…તો લગ્નમાં વહેલા ઉઠવું થોડું સરળ બને.)

– પાછળના દિવસોમાં એક ‘ચીટર’ સજ્જને મને ફરી એકવાર શીખવ્યું કે; “દરેક માણસ પ્રામાણિક નથી હોતા અને અજાણ્યા ઉપર ભરોષો મુકતા પહેલા સો વખત વિચારવું જોઇએ.” (પરંતુ મારી સમસ્યા એ છે કે ભરોષો મુકતી વખતે હું ૧૦૧ થી જ વિચારવાનું શરૂ કરું છું !! હશે… મારા નસીબમાં જ છેતરાતા રહેવાનું લખ્યું હશે…)

# હવે એક ખાનગી વાત: (મને પર્સનલી ઓળખતા લોકો ન વાંચે તો સારું)
– આવનારાં દિવસોમાં એક એવા પણ લગ્ન છે જેમાં ‘પરણનારી’ મારી જુની XXXXX છે અને તેના તરફથી મને લગ્નમાં આવવાનું ખાસ આમંત્રણ છે પણ હું નથી જવાનો.
– કારણ: અમે અલગ થયા તે ઘટના પાછળ તેના ‘સુંદર’ કરતુત અને તે પ્રત્યે મારી સખત નારાજગી હતી. મારા જીવનનો આ એક એવો સંબંધ છે જેનો અંત મે એકઝાટકે કર્યો હતો અને તેના પછી કયારેય પાછળ ફરીને જોયું નહોતુ. ત્યારથી અમારો સંબંધ એકબીજા સાથે નામમાત્રનો પણ રહ્યો નથી અને આજે હવે તેનું આ આમંત્રણ સ્વીકારીને તે ભુલાયેલા સંબંધને ફરી શરૂ કરવાનો મારો કોઇ ઇરાદો નથી.

. . .

આજની વાત

તાઃ ૧૧-૯-૨૦૧૧

. . .

– ઇન્દીરા બ્રીજ પાસે ગણેશ વિસર્જનમાં આજે લગભગ ત્રણ કલાક ફસાવવાનો દુ:ખદ (અને અતિ ત્રાસદાયક) અનુભવ થયો.

– અસહ્ય ટ્રાફિક, અશિસ્ત, અતિશય ઘોંઘાટ, બિભત્સ નૃત્ય, અશ્લિલ ગીતો, નશામાં પાગલ ભક્તોની વાહનચાલક તથા પોલિસ સાથેની અસભ્ય વર્તણુક અને ભક્તિનો ઓવરડોઝ એ આજના ગણપતિ વિસર્જનના મુખ્ય અંશ હતા. (બીજુ એવુ પણ ઘણુ બધુ છે જે અત્યારે અહી ઉમેરવું યોગ્ય નથી લાગતું.)

(કહેવાતા) ભકતો દ્વારા છાંટવામાં આવેલા ગુલાલ અને રંગોથી મારી ગાડીના હાલ પણ બેહાલ થઇ ચુકયા હતા. એ તો ભલુ થજો વરસાદનું કે સમયસર વરસીને મારો થોડો ગુસ્સો શાંત કર્યો.

– આખા પ્રસંગમાં કંઇ ગમાડવા લાયક ન લાગ્યું, ઉલ્ટાનું સમય-શક્તિ તથા પેટ્રોલ-ડિઝલ જેવા બહુમુલ્ય મર્યાદિત સ્ત્રોતનો ખોટો વ્યય ઘણો ખુચ્યો. મારા ગાંધીનગર ફિલ્મ જોવા જવાના પ્લાન પર સૌથી વધારે ગુસ્સો ત્યારે આવ્યો જ્યારે ફિલ્મ શરુ થવાના સમયે ભક્ત-લોકો માર્ગ આપે તેની રાહ જોતો હું ગાડી બંધ કરીને ચુપચાપ બેઠો હતો. ( ન આગળ જઇ શકાય, ન પાછા જઇ શકાય..)

– ગણપતિદાદાના ભકતો અને ગણપતિ વિસર્જન પ્રત્યેની મારી નફરતમાં હવે ઘણો વધારો થઇ ગયો છે એટલે બગીચાના મુલાકાતીઓ ને નમ્ર વિનંતી કે આ બાબતે મને એટલિસ્ટ બે દિવસ સુધી છંછેડશો નહી. (એમાંય ગણપતિના ભકતો ખાસ દુર રહે…..)

. . .