. . .
– આજે અપડેટમાં ઉમેરવા જેવું કંઇ ખાસ તો છે નહી, પણ થોડો સમય છે અને ‘New Post’ પર ક્લિક કર્યું જ છે તો બે-ચાર વાતોને ઉમેરી દઉ.
– નવરાત્રી પુરી થઇ અને હવે દિવાળી આવશે. (અને આજે બકરી ઇદ છે, જેઓ મનાવતા હોય તેમને શુભેચ્છાઓ.)
સાઇડ ટ્રેક: આ લગ્નો માટેના ખાસ મુરતના દિવસોમાં આ બકરી-ઇદને પણ એક સ્થાન આપવું જોઇએ. કેમ કે તેમાં ઘોડે ચડેલા બકરાએ(મુરતીયાએ) પણ બલિદાન આપવાનું હોય છે અને ત્યારે માહોલ પણ ઇદ જેવો જ હોય છે !!
– દાંડીયા-ગરબાના તાલે અને રાતે ઉજાગરા-દિવસે કામકાજ ના સાથે નવરાત્રીના દિવસો થોડા ઝડપથી પસાર થઇ ગયા હોય એમ લાગ્યું. (તે દિવસોનો થાક હવે જણાય છે.)
– સવારે દોડવાના નિત્યક્રમમાં તો નવરાત્રીના ચોથા દિવસથી જ શરીરના વહિવટીતંત્રએ ‘વચગાળાનો મનાઇહુકમ’ જાહેર કરી દીધો હતો, જે આજસુધી ચાલુ છે. (નવરાત્રીની આચારસંહિતા !!) જો કે જુની દિનચર્યાને ફરી અપનાવવાનો માનસિક ‘વટહુકમ’ હમણાં જ બહાર પાડવામાં આવ્યો છે જેનો અમલ આજે મધરાત્રીથી શરૂ કરી દેવામાં આવશે.
– વ્રજ બે દિવસમાં આવી રહ્યો છે તેની રાહ જોવાય છે. (તેની મમ્મી સાથે જ આવશે પણ અત્યારે તે ગૌણ મુદ્દો ગણાય ને… 😉 )
– ચુટણી આચારસંહિતાના કારણે ધંધાદારીઓની દિવાળીના દિવસોમાં ‘વાટ’ લાગેલી છે. (આજે થોડી રાહતના સમાચાર છે પણ તેનાથી મુશ્કેલ સ્થિતિમાં કોઇ ખાસ ફરક પડે એમ નથી લાગતું.) શ્રી ચુટણીપંચને આગ્રહભરી વિનંતી છે કે, આ આચારસંહિતાની પણ એક આચારસંહિતા બનાવો યાર… ચુટણીના કારણે વેપારીઓ પીસાઇ ને ચટણી બની રહ્યા છે.
– અને સરકારના ગૃહવિભાગ દ્વારા કાલે એક ખુલાસો કરવામાં આવ્યો છે કે; ગાંધીજી આપણાં દેશના રાષ્ટ્રપિતા નથી અને બંધારણ પ્રમાણે તેમને આવી કોઇ પદવી આપી શકાય એમ પણ નથી !! (લ્યો બોલો, હવે શું કહેશો?)
. . .