અપડેટ્સ – 191230

~ આગળ થોડીક ગુસ્સામાં થયેલી વાત આવી ગઇ હતી એટલે વિચાર્યું’તું કે મગજ ઠંડું થાય પછી જ કંઇક લખવું. (અને આજે આ લખી રહ્યો છું તેનો મતલબ એ છે કે હવે બધું ઓ.કે. છે.)

~ ક્યારેક પોતાના સ્વભાવને ઓળખીને આમ થોડો સંયમ જાળવી લેવાય તો લાંબા ગાળે પોતાની આંતરિક શાંતિ માટે લાભદાયક હોય છે!

~ કાલે વર્ષનો છેલ્લો દિવસ છે અને અમે દર વખતની જેમ આ વખતે પણ આવનાર વર્ષમાં કોઇ નવા પ્રણ લેવાના નથી. જો કે જે સંકલ્પ અગાઉ લેવાયેલા છે તેને નવા વર્ષમાં પાળવાનો પ્રયત્ન કરવામાં આવશે. (વાંચનાર ‘પ્રયત્ન’ શબ્દ પર વધુ ધ્યાન આપે.)

~ અમદાવાદમાં જોરદાર ઠંડી આવી ગઇ છે. સવાર-સવારમાં વ્રજને સ્કુલે મુકવા જવાનું અઘરું લાગે છે. વ્રજ હજુ તે માટે ફરિયાદ નથી કરતો પણ મને થાય કે તેની જગ્યાએ હું હોત તો આવી ઠંડીમાં વહેલા ઉઠીને ભણવા જવામાં નખરાં ચોક્કસ કરતો હોત. (સારું છે કે વ્રજ ડાહ્યો છે. હા, એમ તો થોડો દોઢ ડાહ્યો પણ છે!)

~ નાયરા હવે સ્કુલે જવા ઉતાવળ કરે છે. આસપાસના ઉતાવળા લોકો પણ પુછે છે કે, ક્યારે મુકશો નિશાળે? અમે ત્રણ વર્ષે પ્લે-ગ્રુપમાં મુક્વા માટે નક્કી કરેલું હતું એટલે હવે જુનથી ચાલુ થતી નવી ટર્મમાં તેના એડમિશન માટે વિચારીએ છીએ. (મેડમજી પુછપરછ કરી આવ્યા છે; એટલે હવે તો નક્કી જ સમજો.)

~ નાનકડાં અમથા છોકરાંઓને ભણતરની પ્રક્રિયામાં જોતરવાની લોકોને શું ઉતાવળ હોય છે એ મને સમજાતું નથી. હજુ કાલે તો જન્મ્યા છે, બે ઘડી રમવા તો દો ભૈ’સાબ. (પછી આખી જીંદગી એ જ ચાલવાનું છે.)

~ કામધંધા લગભગ એવરેજ ચાલી રહ્યા છે. આજકાલ તો મારી અંદર પણ કંઇ ખાસ ઉત્સાહ જણાતો નથી. એક જ પ્રકારનું કામ નિયમિત ચાલતું હોવાથી ઓફિસમાં બધું કેલેન્ડના પાને અને ઘડીયાળના કાંટે ચાલી રહ્યું હોય એવું લાગે. (અને એટલે જ મને કામમાં સખત કંટાળો આવે છે. કંઇક નવું કરવું પડશે.)

~ લગ્નોની સિઝન હવે કમુરતા પછી ખુલશે એટલે ભરુચ, વલસાડ, મહેસાણા, બિલીમોરા જેવી જગ્યાએ દોડભાગ કરવાની થશે. દોડભાગથી યાદ આવ્યું કે મારી ગાડીમાં Fastage નથી. (અહીયાં લખવામાં સમય બગાડવા કરતાં જરુરી કામ પહેલા કરાય. -આવું મને કહેવું નહી; મને બધી ખબર પડે છે.)

~ જરુરી કામથી યાદ આવ્યું કે જાન્યુઆરીના પ્રથમ અઠવાડીયામાં એક સામાજીક ઇવેન્ટ માટે 4 દિવસ હિંમતનગર જવાનુ છે. યાર, ઇવેન્ટના દિવસો નજીક આવી ગયા અને અહીયાં ઘણાં કામ પતાવવાના બાકી પડ્યા છે.

~ ઠીક છે તો હમણાં જરુરી કામ કરું, બીજું પછી ઉમેરીશ..

લો બોલો, હમણાં જ ઇમેલ મળ્યો કે આ બગીચાનું ડોમેઇન-હોસ્ટીંગ રીન્યુ કરવાનો ટાઇમ થઇ ગયો છે! ‘જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં…

આદત

આમ તો કોઇપણ કાર્યમાં કાયમી નિયમિતતા જાળવી રાખવી મારી માટે હંમેશા મુશ્કેલ રહી છે. પણ એકબાબતે મેં મારી નિયમિતતા આજસુધી જાળવી રાખી છે; અને તે છે મારી અનિયમિતતા. (મતલબ કે હું નિયમિતરીતે અનિયમિત છું! -એવું મને લાગે છે.) 😉

આજે સમજાયું…

મને આજે સમજાયું કે, મારો સ્વભાવ દેડકા જેવો છે; કેમ કે મારું મન વરસાદ જોઇને ખુશ-ખુશ થઇ જાય છે, દિલ ગાર્ડન-ગાર્ડન થઇ જાય છે અને હું મોટે-મોટેથી ગીતો ગાવા લાગું છું!


ખાસ નોંધ: ઉપરોક્ત સરખામણી કોઇ વિષયના વસ્તુ પ્રત્યેના ભાવ અને વ્યક્તિના સ્વભાવમાં રહેલી વસ્તુ પ્રત્યેની સામ્યતા વ્યક્ત કરે છે. ઉપરોક્ત વિષયની અન્ય ખાસિયતો સાથે વ્યક્તિનો કોઇ સીધો સંબંધ નથી. જો કોઇ સંબંધ જણાશે તો તેને માત્ર સંયોગ કહેવાશે.