– આજે આ ૩૪ દિવસ પછીની પોસ્ટ છે! છેલ્લા એક વર્ષ દરમ્યાન આવું કદાચ પ્રથમવાર બન્યું છે કે એક મહિના જેટલા સમયમાં અહી કોઇ જ વાતની નોંધ ન લેવામાં આવી હોય. (મુખ્ય કારણ: આળસ. અન્ય કારણ ઉર્ફે બહાના: સમય નથી, મુસાફરીમાં હતો, લખવા જેવું નથી, મુડ નથી, વગેરે વગેરે…)
– એમ તો મુસાફરીને થોડું યોગ્ય કારણ ગણી શકાય, કેમ કે.. આ દિવસોમાં લગભગ 15-20 દિવસ મુસાફરી કે હરવા-ફરવામાં વિતાવ્યા હશે જેમાં છેલ્લા 9 દિવસના કચ્છ પ્રવાસનો પણ સમાવેશ થઇ જાય છે.
– એક આંખમાં થયેલી તકલીફે ઘણાં દિવસ કાળા ચશ્મા પહેરી રાખવા મજબુર કર્યો. કેટલાક શહેરમાં કામકાજ ઉપરાંત પારિવારિક હેતુસર અને કચ્છમાં ફરવાના હેતુસર મુસાફરી કરવામાં આવી. સ્વાભાવિક છે કે ફરવામાં વધુ આનંદ આવ્યો. આ વખતે નવા-નવા સ્થળે રખડવા કરતાં એક જ જગ્યાએ વધુ સમય પસાર કરવામાં આવ્યો. મારો અને લગભગ દરેકનો અનુભવ હશે કે ફરવાના દિવસો ઝડપથી નીકળી જતા હોય છે. (એમ તો મને આજકાલ દરેક દિવસો ઘણાં ઝડપથી પસાર થઇ રહ્યા હોય એવું લાગ્યા રાખે છે.)
– કચ્છમાં નાના ગામડાંઓ સુધી વિસ્તરેલા પવનચક્કીઓના જંગલ જોવાની અને સાંકડા-વળાંકવાળા તથા ઉતાર-ચઢાવવાળા રસ્તાઓમાં વ્રજને બુમાબુમ કરવાની ઘણી મજા આવી. (અને તેને ખુશ થતા જોઇને અમને પણ મજા આવી.) છોટું માટે પવનચક્કી એટલે મોટો-fan!
– વ્રજને બે વર્ષ પુરા થયાની ઉજવણી માટે ચાર મહિના પહેલાથી વિચાર્યું હતું પણ આખરે તે બધા પ્લાન ધોવાઇ ગયા. (‘ધોવાઇ ગયા’ -એ કહેવત છે. અહી વરસાદનો કોઇ દોષ ન ગણવો.) તેના જન્મદિવસ તથા તેની આગળ-પાછળના દિવસોમાં લગભગ મુસાફરીમાં રહેવાનું થયું અને ત્યારબાદ એવી જગ્યાએ હતા કે જયાં પાર્ટી કરવી શક્ય નહોતી.
– અમે છોટુંની બર્થ-ડે ને એક મહિનો મુલતવી રખવાનો વિચાર કર્યો છે. હવે, છોટુંને બે વર્ષ અને એક મહિનો ઉંમર થયાની ઉજવણી કરવામાં આવશે. (ઉજવણી વર્ષે-વર્ષે જ થાય એવો કોઇ નિયમ નથી હોં! અને હોય તો અમારી જાણમાં નથી. ભુલચુક લેવીદેવી.)
– અગાઉની અપડેટ્સમાં વરસાદના આગમન વિશે નોંધ લેવાઇ હતી અને આ અપડેટમાં તેના દ્વારા થયેલા નુકશાન ઉપરાંત શહેરીજનોની સમસ્યાઓ ઉમેરવાનો પ્લાન હતો, પણ…. વરસાદે ઇંગ્લેન્ડમાં રમતા ભારતીય ખેલાડીઓની જેમ હાર સ્વીકારી લીધી લાગે છે. એટલે અમે પણ અત્રેથી વરસાદી સમસ્યાઓના સમાચાર નોંધવાનું કાર્ય મોકુફ થયેલ જાહેર કરીએ છીએ. (નોંધ: જો મારા દ્વારા થયેલ સમાચાર મોકુફીની જાહેરાતના સમાચાર વાંચીને મારી મજાક ઉડાવવા વરસાદ પાછો આવે તો ઉપરોક્ત મોકુફીને રદબાદલ ગણવી. – લિ. હુકમથી.)
– એમ તો વરસાદ સાવ નથી આવ્યો એવું તો ન કહેવાય, કેમ કે મૌસમ વિભાગ દ્વારા સમાન્યથી-વધુ વરસાદ થયાના આંકડાઓ મળ્યા છે! (આ મૌસમ વિભાગ એટલે જેની માત્ર ૯૯.૯૯ ટકા આગાહીઓ ખોટી પડે છે, એ જ ને..?)
– આજની અન્ય એક અપડેટ;
Featured Image: Kutchi Traditional House