આનંદની હેલી…

– વરસાદ થોડા દિવસમાં સરસ આવ્યો અને એ સમય પણ આવી ગયો જેનો ઇંતઝાર ઘણી આતુરતાથી હતો.

– વરસાદની રમઝટ વચ્ચે કુદરત તરફથી મને મળેલ સૌથી ઉત્તમ ભેટ એટલે – પુત્ર રત્નની પ્રાપ્તિ.

– મારા પરિવારના બગીચામાં ઉમેરાયેલ એક નવો છોડ અને મારા જીવનના એક નવા તબક્કાની શરૂઆત.

– જવાબદારીઓ વધશે તેનો ખ્યાલ છે પણ દિલમાં પિતા બન્યાનો અનેરો ઉમંગ અને ઉત્સાહ છે. અત્યારે તો તેની દરેક નાની-નાની હરકતને હું ઝીણવટથી નિહાળુ છું અને માણું છું. (ઉંઘમાં મલકાતા તેના હોઠની સામે તો આખી દુનિયાની બધી ખુશીઓ કુરબાન…)

– એક કુમળો જીવ જે આ દુનિયામાં મારા થકી આવ્યો તેનું અભિમાન થાય છે. સાથે-સાથે તેના ભવિષ્યની જવાબદારીનો અહેસાસ પણ થાય છે. (હવે હું તેના પિતાના રૂપમાં છું એટલે પિતા હોવાની જવાબદારીઓ સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું.)

– દેખાવમાં તેની મમ્મી જેવો વધુ દેખાય છે પણ સ્વભાવથી પપ્પા જેવો બનશે એવું અનુમાન (એક્સપર્ટ) લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. (તે ભલે કોઇના પણ જેવો લાગે પણ તેણે કોના જેવા બનવું તે તેને જાતે નક્કી કરવા દેવું મને વધારે ગમશે.)

– આજે પાચમો દિવસ થયો છે. તેના હાથ-પગ ઘણાં ઉછાળ્યા રાખે છે અને તેની નાનકડી આંખોથી મને ટગર-ટગર જોયા રાખે છે. (ભગવાન જાણે તે મારા વિશે શું વિચારતો હશે!!)

– તેનું નામ હજુ નક્કી નથી થયું. (અને ઉતાવળ પણ નથી) તેને હાથમાં લઇને ફરતા હજુ ડર જેવું લાગે છે, કયાંક મારાથી તેને કંઇ થઇ તો નહી જાય ને….

એક ઝલક અમારા રિસ્તાની..

જન્મેલું બાળક અને તેની સાથેના આ નવા સંબંધની શરુઆત કરતો હું..

Aug’12 : અપડેટ્સ

છેલ્લા સમય દરમ્યાનના થોડા રાજકીય, કેટલાક પ્રાદેશિક, બે-ત્રણ અંગત અને એકાદ પ્રાસંગીક અપડેટ્સ…

– મોદીના જાપાન પ્રવાસ દરમ્યાન ગુજરાતના માર્કેટીંગના ન્યુઝ જોઇને દરેક ગુજરાતીને પોતાના પ્રદેશમાં તેમના જેવા મુખ્યમંત્રી હોવા અંગે ગર્વની લાગણી થાય તે સ્વાભાવિક છે. (મોદીનો વિરોધ હોઇ શકે પણ તેમના આ કાર્યનો જેને ગર્વ ન થાય તે ગુજરાતી નહી હોય. વધુ ખાતરી કરવા DNA ટેસ્ટ કરાવી લેવો. 😁 )

– કેશુબાપા છેવટે GPP (ગુજરાત પરિવર્તન પાર્ટી) નામનું કોઇ નવું ગતકડું લાવ્યા છે અને મજપા પણ તેમાં વિલિન થઇ રહી છે ત્યારે ગુજરાતના રાજકીય સમીકરણમાં થોડોઘણો બદલાવ આવશે જ. (કેશુબાપા સારી રીતે જાણે છે કે આ વખતે જો છેલ્લી ઘડીયે ઠંડા પડયા તો તેમની આસપાસના લોકો જ તેમને નહી છોડે; એટલે તો બાપા પણ એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે.)

– જી.પી.પી. કે કોંગ્રેસની ચુટણી જાહેરાતો (‘ઘરનું ઘર’ વાળી) અંગે મોદીસાહેબ હજુ શાંત જણાય છે. જો કે આ તોફાન પહેલાની શાંતિ હોય એવુ પણ હોઇ શકે છે. (નરેન્દ્ર મોદીને દરેક વખતે કોઇને કોઇ મુદ્દા કે વ્યક્તિ સ્વરૂપે તારણહાર મળી જ જાય છે, પણ આ વખતનું ઇલેક્શન અટકળ વગરનું રહેશે એમ લાગે છે.)

– અણ્ણાજી નવો દાવ લઇને આવ્યા છે અને સરકારમાં સક્રિય ભુમિકા માટે ચુટણી લડવાની જાહેરાત કરી છે. (હું અંગત રીતે આ જાહેરાતને ટેકો આપુ છું; કેમ કે સરકાર વિરુધ્ધ આંદોલન કરવા કરતાં તેમાં સક્રિય ભાગ લેવો વધુ હકારાત્મક બની શકે છે.) અને સોનિયાજી-મનમોહનજીની તો વાત જ કરવા જેવી નથી… જવા દો એમને..

– બે દિવસથી વરસાદી માહોલ બન્યો છે અને વાતાવરણ પણ મસ્ત ઠંડુ થઇ ગયું છે. (સરદાર સરોવર ડેમના પાણીથી છલકાતા ફોટો જોઇને દિલ ગાર્ડન-ગાર્ડન થઇ ગયું.)

– મારા વિસ્તારમાં બી.આર.ટી.એસનો ટ્રેક બનાવનાર કંપનીના કાર્મચારીઓ તેમનું કામ અધુરુ મુકીને ગાયબ છે, એટલે વરસાદમાં સમસ્યાઓ વધશે. (હવે વરસાદ માટે પણ આ તકલીફ સહન કરવા લગભગ દરેક નાગરીક તૈયાર થશે. આવ રે વરસાદ..)


# અગાઉના થોડા દિવસોમાં જ ઇન્દીરા બ્રીજના બંને છેડે લગભગ દસેક અકસ્માત થયા છે. (તેમાં એક સરકારી જીપનો પણ સમાવેશ થાય છે) અને દરેકનું કારણ સરખું લાગે છે. ચાલકનું બેધ્યાનપણું નિઃશંક મુખ્ય કારણ ગણી શકાય પરંતુ આ બેધ્યાનપણાની પાછળ તે સ્થળ પણ જવાબદાર છે;

સવાલ થશે કે, એ કઇ રીતે?

પુલ પર ક્યાંય ડિવાઇડર ન હોવુ અને પુલ પુરો થતા જ ડિવાઇડરનું શરૂ થવું.

તે દરેક અકસ્માત રોકી શકાય એમ હતા અને ભવિષ્યમાં પણ રોકી શકાય એમ છે. તે રોડ પર કાયમી પસાર થતા વાહનચાલકોને આ ધ્યાનમાં આવ્યું જ હશે. અને ત્યાં ફરજ પર હાજર ટ્રાફિક પોલિસને નેક ઇરાદા સાથે મારો ઉકેલ અગાઉ બે વખત આપી ચુક્યો છું પણ તેમને તો ચલણ ફાડવા સિવાય બીજો કોઇ મતલબ હોય તેમ જણાતુ નથી.

તો, ઉકેલ એ છે કે..

પુલના બન્ને છેડે આવેલા ડિવાઇડરને એકબીજા સાથે જોડી દેવા. મતલબ કે પુલ ઉપર અવર-જવરના રસ્તા વચ્ચે કાયમી કે ટેમ્પરરી ડિવાઇડર બનાવી દેવું. (આ બનાવ્યા પછી તે જગ્યાએ આ પ્રકારના કોઇ જ અકસ્માત નહી થાય તેની હું ગેરંટી આપુ છું યાર…)


દરેક વખતે બન્ને પક્ષ1ને નુકશાન જ થાય છે અને પછી તેને રીપેર કરવા માટે ખર્ચ પણ કરાય છે; તો આ વારંવારના ખર્ચ અને નુકશાનને કાયમી ઉકેલથી અટકાવી શકાય એમ છે તો તે અંગે વિચારવું તો જોઇએ ને.. (આ વાંચનાર કોઇ મારી વાત આગળ સુધી પહોંચાડે તો ઘણાં લોકોની મદદ થશે. 🙏)

– કાલના વરસાદની અને એ.સી.ની ઠંડકની અસર આજે તબિયત પર થઇ છે. આજે ડૉક્ટરનો ચહેરો જોવા જવું જ પડશે એવું લાગે છે. (શરદીનું જોર વધારે છે અને એક કાનમાં દુખાવો થાય છે.)

– બે મહીના પહેલા નોકરી પર રાખવામાં આવેલા સેલ્સમેનને બીજી જગ્યાએ વધુ સારી તક દેખાતા તે ભાઇ મને છોડીને જઇ રહ્યો છે. (તેનો ઇશ્વર તેને મારાથી વધુ સારો બોસ આપે એવી આશા) હવે ફરી એક નવા ઉમેદવારની શોધ આદરવી પડશે.

– કાલે જન્માષ્ટમી છે અને મેં મારી ઓફિસમાં તેની રજા જાહેર કરી છે! અને ઘણાં વર્ષો પછી આજના દિવસે ઠંડુ ખાવાની સજા પણ મળી છે. (ઉફ્ફ યે રીવાજ…)

– પેલો ઇંતઝાર હજુ પુરો થયો નથી અને બીજુ બધુ આનંદમય છે.

– સૌને હેપ્પી જન્માષ્ટમી. (એડવાન્સમાં..)

July’12 : અપડેટ્સ – 2

. . .

– લગભગ ૧૫ વર્ષ જુના એક બાંધકામને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરાવવાની વિધી શરૂ કરી છે. કાયદો અને તેની જોગવાઇઓ થોડી અટપટી છે એટલે રાહ જોઇએ કે વાત કેટલે સુધી પહોંચે છે. (સરકારી નિયમો મુજબ હાલનું બાંધકામ અયોગ્ય નથી તો પણ તે સરકારી ચોપડે કાયદેસર તરીકે નોંધાઇ જાય તેમાં મને વધુ રસ છે.)

– વરસાદ નથી તો પણ વરસાદી સિઝનની અસર કામકાજ પર જણાઇ રહી છે. (પણ, રાજકીય વાતાવરણ સોલિડ ગરમ છે.)

– કન્ફ્યુઝ્ડ વાતાવરણ અને નારાજ વરસાદ વચ્ચેનો આ સમયગાળો અઘરો લાગે છે. બફારો, ઉકળાટ, વરસાદ, ઠંડક અને વળી ગરમી. (આ વાતાવરણ છે કે છોકરીઓની ફેશન? – વારંવાર બદલાયા કરે છે !!)

– વરસાદની સાથે-સાથે અમદાવાદીઓ ‘રસ્તાના ભુવા’ને પણ મિસ્સ કરે છે. 😉 (પ્લીઝ વરસાદ.. હવે તો આવી જા.. છાપાવાળાઓએ પણ તંત્રની બેદરકારી અને તેનાથી લોકોને પડતી મુશ્કેલીઓની ખબર ઍડવાન્સમાં તૈયાર કરી રાખી છે!)

– આજે ફેસબુકમાં એક મિત્ર દ્વારા એક આશ્ચર્યજનક વાત જાણવા મળી.. (કોઇને ખબર હોઇ શકે છે પણ મારી માટે તો નવી વાત જ છે.)

  • હોટેલમાં પીરસવામાં આવતી નાન, કુલચા કે રૂમાલી રોટીની બનાવટમાં ઇંડાનો ઉપયોગ કરવામાં આવે છે. મેળવેલ જાણકારી પ્રમાણે ઇંડાના ઉપયોગ વગર તેને હોટેલમાં બનાવવી અશક્ય છે. માત્ર નોનવેજ હોટેલમાં જ નહી પરંતુ દરેક પ્રકારની હોટેલ અને રેસ્ટોરન્ટમાં આ જ રીતે બનાવવામાં આવે છે. (મારા જેવા સંપુર્ણ શાકાહારી જીવને આ જાણીને મોટો ઝાટકો લાગ્યો છે બોલો…આજથી જ એ બધુ બંધ.)
  • શાકાહારીઓ માટે હોટેલમાં જમવાની આ દુવિધાના વિકલ્પરૂપે બટર રોટી એક સલામત પસંદ ગણી શકાય એમ છે. (જેઓને ઇંડા પ્રત્યે અણગમો ન હોય તેવા શાકાહારીઓને આ વિકલ્પની જરૂર નહી પડે.)
  • આ અંગેની મુળ પોસ્ટ માટે નીચેની લિંક જુઓ –
    https://www.facebook.com/dinesh.gogari/posts/333915700027989

– ફાઇનલી, હવે અંતિમ દિવસો ગણાઇ રહ્યા છે, થોડા જ દિવસોમાં એ પળ આવી જશે જેનો લાંબા સમયથી ઇંતઝાર છે. (આ બાબતે મને ચોખવટ કરવાની જરૂર નથી લાગતી.)

– આજે ‘કોકટેલ’ મુવી જોવાનો પ્લાન છે.

. . .