June’13 : અપડેટ્સ-2

. . .

– મારો ટીનટીન તેના મામાના ઘરે જવાનું બહાનું કાઢીને તેની મમ્મીના પીયરે ગયો છે, પણ ગઇકાલે આધારભુત સુત્રો દ્વારા મને સમાચાર મળ્યા કે એ બન્ને તો મારા સસરાના ઘરે પહોંચ્યા છે!! (જોયું…. બંને મને છેતરીને કયાંથી કયાં પહોંચી જાય છે.)

– એક બાબતમાં મેડમજી સામે હું જીતી ગયો. તેને એમ હતું કે અમારો વ્હાલો પહેલા ‘મમ્મી’ કે ‘મમા’ બોલવાનું શીખશે પણ માય ડીયર સન સ્પષ્ટ રીતે ‘પપ્પા’ બોલતા શીખી ગયો છે. (કયારેક ‘પાપા’ પણ બોલે છે) અને હજુ તો આ ભાઇસાબ ‘મમ્મી’ નો ‘મ’ બોલતા પણ નથી શીખ્યા! તેના દાદા-દાદી પણ આ રેસમાં હારી ગયા!

– વજન અપડેટ : 52 કિલો. આ રફ્તાર થોડી ધીમી પડી છે પણ ડૉક્ટરનું કહેવું છે કે ‘શરીરનો વિકાસ અમુક તબક્કા પછી ધીરે-ધીરે થાય છે. એટલે બેટા, ધીરજ રાખજે….’

Continue reading “June’13 : અપડેટ્સ-2”

ફેબ્રુઆરી’13 : અપડેટ્સ

. . .

– થોડા દિવસોમાં દુનિયા જાણે ઘણી સ્પીડમાં આગળ નીકળી ગઇ હોય એમ લાગે છે. હજુ જે લગ્નોની અમે વાટ^ જોતા હતા તે બધા ધડાધડ પુરા પણ થઇ ગયા અને બધા પોતાના ઠેકાણે ગોઠવાઇ પણ ગયા! (મસ્તીના દિવસો આમેય જલ્દી નીકળતા હોય એમ જ લાગે.)

– વર્ડપ્રેસની અપડેટેડ આઇફોન એપ્લીકેશનમાં હવે દરેક પ્રકારના નોટીફિકેશન જોઇ શકાય છે તે ઘણું ગમ્યું. (થેન્કયુ વર્ડપ્રેસ!)

– ટેણીયાને અને તેની મમ્મીએ અઠવાડીયા પહેલા ઘરે શાનદાર એન્ટ્રી લઇ લીધી છે. અને મારી એકલતાની મજાનું સુખ અને વિરહનું દુઃખ દુર થયું છે. (એમ તો હું દુઃખી કરતાં ખુશ વધારે છું.)

– વ્રજને સાત દિવસ પહેલા છ મહિના પુરા થયા. સાહેબની ધમાલ અને જીદ હવે થોડી દેખાઇ રહી છે. હવે તો તેના નીચેના બે દાંત પણ બહાર આવી ગયા છે અને ઉપરના દાંત આવવા માટે ઉતાવળા થઇ રહ્યા છે. (બાપ રે.. તેના દાંત સખત ધારદાર છે! – મને તો અનુભવ થયેલો છે પણ જેને શંકા હોય એ આવીને જાત-અનુભવ કરી જાય.)

– આ વખતે તેનો નવો અપડેટેડ ફોટો મારા બગીચામાં જ મુકવાનો પ્લાન છે. અમને ન બતાવ્યો એવી કોઇ ફરિયાદ તો ન કરે. (એમ તો હજુ કોઇએ આવી ફરિયાદ કરી નથી.)

– બે દિવસથી વ્રજની તબિયત થોડી લથડી છે. (સ્પેશીયલ અપડેટ: આ તેની પહેલી બીમારી છે!!^^) આમ તો વધારે કંઇ નથી થયું પણ થોડી શરદી-ઉઘરસ છે. બોલો, તો પણ ડોક્ટરે બે-ત્રણ (નાની-નાની) બોટલ અને થોડી ટેબ્લેટ્સ અમારા હાથમાં પકડાવીને તેને સમયસર વ્રજના પેટમાં પધરાવતા રહેવાનો હુકમ કર્યો છે. (મારો સીધો-સાદો-મીઠો-મધુરો-માસુમ ટેણીયો આજે ડૉક્ટરના નજરે આવી ગયો લાગે છે.)

– બિઝનેસમાં ગયા વર્ષે ઘણાં સુધારા-વધારા કર્યા હતા અને આ વર્ષે પણ કંઇક વધુ મોટા બદલાવ કરવાનો પ્લાન બની રહ્યો છે. (હજુ તો વિચાર કર્યો છે.) જો કે આ વખતના સુધારાઓ કંઇક વધારે મોટા હોઇ શકે છે. (થોડી સમસ્યા થશે પણ મજા આવશે. ફરી કંઇક નવું કરવા મળશે.)

– આજે ખબર પડી કે મેં છેલ્લે થીયેટરમાં જોયેલી ફિલ્મને છ મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. (એક સમય હતો જયારે થિયેટરમાં એકપણ ફિલ્મ ‘મિસ’ ન થતી અને હવે તો લેપટોપમાં પણ ટુકડે-ટુકડે માંડ જોવાય છે. જાને કહાં ગયે વો દિન…)

– વેલેન્ટાઇન-ડે અને મેડમનો બર્થ-ડે હમણાં જ ગયો. હંમેશની જેમ વેલેન્ટાઇન-ડે ને ટાળવામાં આવ્યો અને બર્થ-ડે માં માત્ર કેક કાપીને ઘરમેળે જ પ્રોગ્રામ પતાવ્યો. (નોંધ: ‘સસ્તામાં પતાવ્યું’ – એવી કૉમેન્ટ ન કરવી.)

– સર્વેજનો નોંધ લે- હમણાંથી ફેસબુકને અમે ભુલી ચુક્યા છીએ (હવે જો ફરી યાદ આવશે તો જ ફરી ત્યાં દેખાશું), ગુગલ+ માં ગમતું નથી (હજીયે સુની-સુની દુનિયા લાગે છે) અને ઓરકુટને હવે કોઇ પુછતું નથી (જમાનો બદલાઇ ગ્યો છે મારા દિકરા…) એટલે અમે ત્યાં ન મળીયે તો માફ કરજો. જો કે ટ્વીટર સાથે હજુ થોડો બોલચાલનો વ્યવહાર છે!

. .

^વાટ જોવી=રાહ જોવી

^^પહેલી બિમારીના નામે કોઇએ ‘પાર્ટી’ માંગવી નહી,
દોસ્ત.. બિમારીના કંઇ સેલિબ્રેશન ન હોય !

. . .

મારા બગીચાની નવી ઇ-શાખા !!

. . .

– આજે બગીચાની બીજી બ્રાન્ચની શરૂઆત. આ વખતે વર્ડપ્રેસના બદલે ગુગલના બ્લૉગર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. (ચેન્જ… યુ નો.. ;)) બ્લૉગરને વર્ડપ્રેસથી સરળ કહેવું કે અઘરૂ તે નક્કી કરવું સરળ નથી.

– હેતુ : ફેસબુકમિત્રો સાથે વહેંચવામાં આવેલ નાના-મોટા જોડકણાં કે વાકયો જેને કદાચ ગઝલ (?) કે કવિતા (?) ગણી શકાય, તેવી રચનાઓને એક ઠેકાણે રાખવા અને વહેંચવા માટે. (હાશ…. અહી મારી વાતોની વચ્ચે હવે કવિતા કે ગઝલનો ત્રાસ નહી આવે.. 😀 😀 :D)

– બીજી શાખાનું નામ “મારો બગીચો” જ રાખવામાં આવ્યું છે. (આફ્ટરઑલ, ‘બ્રાન્ડ’ પણ એક મહત્વની ચીજ હોય છે !! 🙂 )

– ટૅગ-લાઇનમાં નાનકડો (હા હવે, નાનકડો જ કહેવાય એવો) સુધારો કર્યો છે જેથી થોડું અલગ પણ લાગે. (બ્રાન્ડીંગની સાથે-સાથે નવી જગ્યાની અલગ પહેચાન બનાવવી પણ જરૂરી હોય છે.)

– નવા બગીચાનું સરનામું : http://marobagicho.blogspot.in/

– શરૂઆત મારી એક જુની રચનાથી જ કરી છે તે ઉપરાંત અન્ય પોસ્ટ પણ ઉમેરવામાં આવી છે. (શરૂઆત કરવા જુનુ-પુરાનુ કંઇક તો નાખવું પડે ને…)

– વર્ડપ્રેસના ‘લાઇક’ બટનને ત્યાં બહુ ‘મીસ્સ’ કરીશ… (કારણ ? – આજકાલ મારા બગીચાની વાતોમાં કૉમેન્ટ કરતાં ‘લાઇક’ વધારે હોય છે એટલે…:))

– બ્લૉગરમાં customize template ની સગવડ સરસ છે. (હા, કૉમેન્ટ કરનારને તે ‘રૉબૉટ’ નથી એ સાબિત કરવું ત્રાસદાયક લાગશે.)

– આજનો આખો દિવસ બ્લૉગસ્પોટને સમજવામાં વિતાવ્યો છે. બ્લોગરના બ્લૉગ હજુ ‘.com’ અને ‘.in’ વચ્ચે મુંજાય છે.

. . .