માત્ર અંગત મિત્રો માટે જ

– બે દિવસ પહેલા શ્રીમતીજી(ખબર છે કે આ ઘણો ભારે શબ્દ છે; પણ અત્યારે ચલાવી લો અને આગળ વધો) એક અનહદ આનંદના સમાચાર આપ્યા કે હું પપ્પા બનવાનો છું! (“મેં માં બનનેવાલી હું” -વાળો ડાયલોગ હવે આઉટડેટેડ થઇ ગયો છે બોસ…)

– ખુશીનો તો કોઇ માપ નથી; પણ.. આ કોઇ ફિલ્મ કે ટેલી-સિરીઝ તો છે નહી કે મને આ ખબર સાંભળીને એકદમ નવાઇ લાગે!! 😀 (સીરીયલ કે ફિલ્મમાં પત્ની પહેલીવાર જ્યારે આવી ખબર તેના પતિને સંભળાવે ત્યારે પતિને પહેલા ચોંકતો જ બતાવવામાં આવે, એ જોઇને મને બહુ વિચિત્ર લાગે1)

– મન તો ઘણુ આનંદિત હતુ અને થયું કે મારી ખુશીને આખી દુનિયામાં જોર-જોરથી બુમો પાડીને વહેંચુ; પણ પત્નીશ્રી ના ‘થોભો અને થોડી રાહ જુઓ’ એવા આદેશ બાદ એ કામ થોડા સમય માટે પડતુ મુકયુ છે….

– જો કે એક ખાનગી વાત એ છે કે મેડમજીની લાખ મનાઇ બાદ પણ આ વાતને તરત એક દોસ્ત સાથે વહેંચી દીધી છે. (શું કરુ યાર… આટલો બધો આનંદ આખરે મારા નાનકડા મનમાં કેમ સમાવવો!)

– આજે ફાઇનલી ડોક્ટર પાસે ચેક-અપ કરાવવા ગયા હતા અને ડોકટરે પણ લીલીઝંડી બતાવી છે. (મને જોઇને ડોક્ટરને મનમાં એક સવાલ ચોક્કસ થયો હશે કે આ છોકરો બાપ બનશે તો કેવો લાગશે ?? )

– આ મોટી યાદગીરીને મારા બગીચામાં ઉમેરવી કેમ ભુલાય? એટલે આજે ઉમેરી દઉ છું… (જો કે આ પોસ્ટને અત્યારે તો પ્રાઇવેટ રાખવાનું નક્કી કર્યું છે.)  ભવિષ્યમાં કયારેક જાહેરમાં ચોક્કસ મુકીશ એવો વિચાર છે.


અપડેટઃ હવે આ પોસ્ટ બગીચાના દરેક મુલાકાતીઓ માટે ખુલ્લી છે.

25 thoughts on “માત્ર અંગત મિત્રો માટે જ

  1. મિત્ર દર્શિતભાઇ,
    પહેલા તો તમને આ ખુશીના સમાચાર આપવા બદલ ખુબ ખુબ અભિનંદન…
    અને મને આપના અંગત મિત્રમાં સમાવેશ કરવા બદલ આભાર…

    -વધારે અપડેટની રાહ જોતો એક ‘દિલદારી’ મિત્ર…

  2. સૌપ્રથમ તો આપને તથા આપની પત્નીને ખુબ ખુબ શુભેચ્છાઓ.
    અંગત મિત્ર ગણવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
    અને હા, આપની પત્નીનું ખુબ ખુબ ધ્યાન રાખશો. અત્યારે તેમને સૌથી વધુ જરૂર તમારી છે. થોડા જ સમયમાં આપના હાથમાં એક નાનું હસતું ફૂલ આવી જશે… 🙂

  3. તમને અને ભાભીને ખુબ ખુબ અભિનંદન …. એક પિતા માટે ખુબ જ ખુશી ના સમાચાર છે ભાઈ. મને પણ એ જ લાગણી થઇ હતી લગભગ અઢી મહિના પહેલા (જયારે હું પપ્પા બન્યો) અને અત્યારે પિતૃત્વ માણી રહ્યો છુ. તમે કહ્યું તેમ ડોક્ટરને મને જોઇને પણ એમ જ થયું હશે કે આ બાપ બનશે (?)! અપડેટ કરતા રહેજો !

  4. દર્શિતભાઇ તમને અને ભાભીને અભિનંદન અને જીવનના એક નવા અધ્યાયની શરુઆત મુબારક..
    ભાભીનુ વધારે ધ્યાન રાખ્જો.

  5. ખુબ ખુબ અભિનદન તમને અને તમારા પત્નિને.તમારા જીવના બગીચામાં નાનકડું ફૂલ હસતું હસતું આવે અને તમારા જીવનને સદાય મહેકતું રાખે તેવી મારા તરફથી ભગવાનને દિલથી પ્રાથના.

  6. મનમાં છલકાતી અવિરત ખુશીઓ આપ વચ્ચે ઢોળી અને તમે બધાએ તો શુભકામનાઓ વરસાવી ને મને જ પલાળી નાંખ્યો….

    સોહમભાઇ, કાર્તિકભાઇ, પ્રિતિબહેન, હમઝાભાઇ, આકાશભાઇ, હની તથા વડીલ શ્રી વિનયભાઇ, મનસુખભાઇ, હિનાબહેન, અશોકભાઇ, યશવંતભાઇ અને (બીજા) હીનાબહેન આપ સૌનો ખુબ-ખુબ આભાર…

  7. અરે વાહ…. આવી ખુશીની ખબર સંભાળીને તો મારે હવે તમારા વતી મોં મીઠું કરવું પડશે.
    તમને અને તમારા શ્રીમતીજી ખુબ ખુબ અભિનંદન !!!
    ભગવાન તમારા આંગણે ખુશીઓ લાવ્યા જ કરે એવી શુભેચ્છા.

  8. ખૂબ ખૂબ અભિનન્દન દર્શિતભાઇ, આપની સાથે એક સરપ્રાઇઝ બ્લોગ પર મૂકીને આપે અમારા આનન્દને એક સરપ્રાઇઝ્મા ફેરવીને અનેક ઘણો વધારી દિધો, પહેલાતો એમથયુ કે દર્શિતભાઇને શુ થયુ હશે?પણ આતો જોરકા ઝટકા ધીરેસે લગા જેવુ થયુ. બહુ બહુજ સરસ સમાચાર આપ્યા. આખરે તમારા બગીચામા હવે નવુ વ્રુક્ષ ખિલવાની તૈયારીમા એમને! હવેતો બગીચાના વ્રુક્ષોમા પણ નવ્પલ્લવો અને નવા કુસુમો માણવાના મળશે
    “અબતક છુપાહૈ વો ઐસે સીપેમે મોતી હો જૈસે” એટલે તમારી જવાબદારીમા વધરો થયો. તમારા શ્રીમતિજીની ખૂબખૂબ કાળજી રાખશો. તો હવે આતમારા અંગત્મિત્રો મિઠાઇની અપેક્ષા સાથે ફરી અભિનન્દન આપવા આતુર છે.

  9. તમે તો જબરા યાર ……. આવું બધું છુપું ના રખાય …. આવું બધું તો સટ્ટાક લઈને કહી દેવાનું પત્ની શ્રી ના પડે એ પેહલ। જ 😀 😀 😀 …

    આપને તથા ભાભી શ્રી ને ખુબ ખુબ અભિનંદન ….. ખુશ તો તમે રેહવાના …શંકા કોઈ સ્થાન પણ નથી …કેમ કે બ્લોગ ના મિત્રો તમને હવે છોડે એવા થોડી છે ….એમપણ દરરોજ બાગ માં ફરવાની આદત જે પાડી છે …. કેવું બરાબર ને ?

  10. પહેલાં તો આ “પોસ્ટ” તારીખ વગર વાંચી અને અતિ ઉમળકો આવી ગયો અને “કોન્ગ્રેટ્સ” વિશ કરવાં જતો જ હતો ત્યાં કમેન્ટ્સમાં લખેલી તારીખો પર ધ્યાન ગયું અને ખ્યાલ આવ્યો કે આ પોસ્ટ તો બે-ત્રણ વર્ષ જૂની છે!એટલે અત્યારે તો પ્રથમ જાણવું પડશે કે મારી જેમ તમે પણ સુંદર મજાની નાનકડી પરીના પિતા છો (મારી સાડાત્રણ વર્ષની ‘એન્જેલ’નું નામ નમ્યા છે) કે રૂપકડાં બાળગોપાળના?તમારી લખવાની શૈલી ખૂબ રસાળ છે!અગાઉ જણાવ્યાં મુજબ મને લાગે છે તમારા બગીચામાં ટહેલવાની ખૂબ મજા આવશે!

    1. પોસ્ટ ચોક્કસ બે-ત્રણ વર્ષ જુની હોઇ શકે પણ હું ‘બાપ’ બન્યો તેને હજુ દોઢ વર્ષ થયું છે! આપ નાનકડી પરી ના પિતા છો તે જાણીને પણ ખુશી થઇ. જીવનમાં પ્રથમવાર નાનકડાં બાળકના પિતા બનવાની ખુશી અતુલ્ય હોય છે જેને તમે અનુભવી જ હશે.

      અમારા નસીબમાં પરી નહોતી એટલે પરો આવ્યો! અને છે પણ નટખટ બાળગોપાલ જેવો. અમારા આ કાનુડાંનું નામ વ્રજ છે. નીચે જણાવેલી પોસ્ટ ક્રમશઃ જોતા જશો તો ખ્યાલ આવી જશે..
      https://www.marobagicho.com/updates-8/
      https://www.marobagicho.com/updates-9/
      https://www.marobagicho.com/update-2/
      https://www.marobagicho.com/updates-15/
      https://www.marobagicho.com/tintin/
      https://www.marobagicho.com/heppi-bdde-tintin/
      https://www.marobagicho.com/champa/

      તમારા કારણે આજે મને પણ મારા ટેણીયાંની જુની વાતો ફરીવાર માણવાનો મોકો મળ્યો. 🙂 મારો બગીચો આપના જેવા મુલાકાતીઓ પામીને ધન્યતા અનુભવે છે.

બોલો, શું કહેવું છે તમારે...